સી-પ્લેનનું પ્રતીકરૂપ પ્રદર્શનઃ આ વખતે ચીન દ્વારા

ગુજરાતની ચૂંટણી વખતે સી-પ્લેને હલચલ મચાવી. સાબરમતીના નદીના નીરમાં હલચલ મચી, કેમ કે એક વિમાન પાણી પર આવીને તરવા લાગ્યું. દરિયામાં જહાજ તરે, પણ આ હવાઇજહાજ એવું જે દરિયાના પાણી પર ઉતરાણ કરી શકે. તેથી તેનું ટેક્નિકલ નામ એમ્ફિબિયસ પ્લેન છે. જળ અને સ્થળ બંને પર ચાલી શકે તેવા વાહનને એમ્બિફિયસ કહેવામાં આવે છે. ઉભયચર પ્રાણીઓ પણ હોય છે – કાચબો અને મગર. પાણીમાં પણ રહી શકે અને જમીન પર પણ રહી શકે. કેટલાક પક્ષીઓ એવા પણ હોય છે જે હવામાં ઊડતા રહે અને જેવી માછલી દેખાય કે પાણીની અંદર ડૂબકી મારીને માછલી પકડી આવે.ઉભયચર વિમાન હમણાં ફરી સમાચારોમાં ચમક્યું. આ વખતે વારો ચીનનો હતો. ચીને દુનિયાનું સૌથી મોટું એમ્ફિબિયસ વિમાન સફળતાપૂર્વક ઉડાવ્યું. તેના કારણે માત્ર ટેક્નોલોજી જગતમાં નહીં, પણ ડિપ્લોમેટિક જગતમાં પણ હલચલ મચી છે. કેમ કે આ વિમાનને ચીન દ્વારા દરિયાદેવના રક્ષણહાર તરીકે ઓળખાવાયું છે. પ્રોટેક્ટર સ્પિરિટ ઓફ ધ સી, આઇલેન્ડ્સ એન્ડ રિફ્સ.

ચીન દ્વારા માત્ર ઉડ્ડયન ક્ષેત્રમાં નવી ક્રાંતિની વાત થઈ હોત તો ચર્ચા વધારે થાત, વિવાદ ઓછો. પરંતુ દરિયાઇ સીમાની રક્ષા માટે આ વિશાળ વિમાન ઉપયોગી છે તે વાતને ખાસ દર્શાવવામાં આવી છે. તેનું કારણ છે દક્ષિણ ચીન સમુદ્ર. પૂર્વ એશિયામાં ફિલિપાઇન્સ, વિયેટનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રુનેઇ વચ્ચે દરિયો છે તેને દક્ષિણ ચીન સમુદ્ર તરીકે ઓળખવામાં આવે છે. ઉપરની તરફ ચીન છે. આ બધા દેશોની વચ્ચેના મહાસાગરમાં અનેક નાના ટાપુઓ આવેલા છે. તેમાંથી ઘણા ટાપુઓ પર ચીનનો કબજો છે. કેટલાક બહુ દૂરના, પોતાના કાંઠાથી એકદમ દક્ષિણમાં અને છેક ઇન્ડોનેશિયા, મલેશિયાની નજીકમાં બહુ નાના ટાપુ હોય તેને વિસ્તારીને મોટા કરવાનું કામ ચીને શરૂ કર્યું છે. દરિયો પૂરીને જમીન એક્વાયર કરવામાં આવી રહી છે અને તેના પર એરપોર્ટ બની રહ્યું છે.

એરપોર્ટ ના હોય તો પણ હવે ચિંતા નથી એમ ચીને સી-પ્લેનનું ઉડાણ કરીને દર્શાવ્યું છે. આ વિશાળ વિમાન દરિયામાં જ ઉતરાણ કરી શકે છે અને ટેક ઓફ્ફ પણ કરી શકે છે. છેક દક્ષિણના છેડે ટાપુ પર દાવો કરીને ચીને આખા સાઉથ ચાઇના સી પર હકદાવો કર્યો છે. તેનો વિરોધ આંતરરાષ્ટ્રીય ધોરણે થયો છે, કેમ કે વૈશ્વિક જહાજ પરિવહન માટે પણ આ સમુદ્ર ખુલ્લો રહે તે જરૂરી છે. ભારતે પણ ચીનનું નાક દબાવવા વિયેટનામ સાથે સારા સંબંધો કેળવીને દક્ષિણ ચીન સમુદ્રમાં વિયેટનામના હકોની તરફેણ કરેલી છે. સમુદ્રકિનારાથી અમુક કિલોમિટર સુધી (12 નોટિકલ માઇલ દરિયાઇ સરહદ અને 200 નોટિકલ માઇલ સુધી એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન) દરેક દેશનો સુવાંગ હક ગણાય. તે સિવાયનો મહાસાગર સર્વ માટે ખુલ્લો. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તે નિર્ધારિત થાય છે. ચીને દૂર દક્ષિણનો ટાપુ પોતાનો ગણીને દરિયાઇ સરહદ એવી રીતે દોરી કે આખો સમુદ્ર તેના માટે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન અથવા તો દરિયાઇ સરહદ ગણાઇ જાય. સંયુક્ત રાષ્ટ્રસંઘે આ દાવાને માન્ય રાખ્યો નથી, પણ ચીને તેની પરવા પણ કરી નથી.ચીનની જમીનથી દક્ષિણના ટાપુ ઘણા દૂર છે અને ત્યાં ભાગ્યે જ કોઈ વસતી છે. તેની તેના પર નિયંત્રણ રાખવા અને આવનજાવન માટે સેનાની મૂવમેન્ટ એટલી સહેલી નથી. હવે તે સહેલી બની શકે છે તેવું ચીને AG600 વિમાન ઉડાવીને દર્શાવ્યું છે. આ વિમાન દરિયાઇ અકસ્માત વખતે રેક્સ્યૂનું કામ પણ કરી શકે. જંગલમાં દવ લાગે ત્યારે વિશાળ પાણીની ટેન્ક તરીકે કામ કરીને ફાયરફાઇટર પણ બની શકે છે.ૉ

બોઇંગ 737 જેટલું વિશાળ આ વિમાન ટેન્ક પણ લઇ જઇ શકે છે. તેમાં 50થી વધુ સૈનિકોની ટુકડી મોકલી શકાય છે. 4500 માઇલની લાંબી તેની રેન્જ છે અને 12 કલાક સુધી ઊડતું રહી શકે છે. લશ્કરી રીતે આ બધું કામ આવે, પણ ટેક્નોલોજીની રીતે પણ ચીને કમાલનું પ્રદર્શન કર્યું છે. ચીને થોડા મહિના પહેલાં પેસેન્જર વિમાન પણ સેવામાં લગાડ્યું છે. બોઇંગ અને એરબસ બે જ દુનિયાની મોટી કંપનીઓ છે, જે મોટા પેસેન્જર વિમાન બનાવી શકે. ચીન તે માર્કેટમાં ગાબડું પાડવાની તૈયારીમાં છે.

ભારતે તેજસ નામનું લડાયક વિમાન બનાવ્યું છે, પણ તે અત્યાધુનિક નથી. પેસેન્જર વિમાન બનાવતા ભારતને હજીય વર્ષો લાગશે. સાબરમતી નદીમાં ઉતારવામાં આવેલું સી-પ્લેન પણ વિદેશથી આવ્યું હતું. અમદાવાદથી મુંબઈની બૂલેટ ટ્રેન દોડશે, પણ તે જાપાની હશે. ચીનમાં એકથી વધુ બૂલેટ ટ્રેન ક્યારનીય દોડતી થઈ ગઈ છે.
ચીન આ રીતે પોતાની ઔદ્યોગિક તાકાત સતત વધારી રહ્યું છે. ચીનને હજી મહાસત્તા તરીકે ઓળખ મળી નથી, પણ તે અમેરિકા અને રશિયાને લગભગ દરેક બાબતમાં સ્પર્ધા આપી રહ્યું છે. દુનિયાની સાથે પોતાના લોકો પણ ટેક્નોલોજીની તાકાત જોઈ શકે તે માટે ચીનમાં સરકારી ટીવીમાં AG600 વિમાનના ટેકઓફ્ફ અને લેન્ડિંગને લાઇવ દેખાડવામાં આવ્યું હતું.

આઠ વર્ષની મહેનત પછી આ એમ્ફિબિયસ વિમાન તૈયાર થયું છે, જે દુનિયાનું સૌથી મોટું છે. તે 53.5 ટન વજન સાથે ઊડી શકે છે અને 127 ફૂટ જેટલી વિશાળ પાંખો પર ચાર ટર્બોપ્રોપ એન્જિન લાગેલા છે. ચીન અત્યારે પોતાના માટે જ આ વિમાનો બનાવશે. ચીન સરકારે જ 17 વિમાનોનો ઓર્ડર આપ્યો છે. ભવિષ્યમાં બીજા દેશોને વેચવામાં આવશે કે કેમ તે નક્કી નથી.

એમ્ફિબિયસ પ્લેન આટલા વિશાળ નથી હોતા. અમદાવાદ રિવરફ્રન્ટમાં ઉતારવામાં આવ્યું હતું તેના નાના હોય છે. તેનો ઉદ્દેશ ટુરિઝમ માટેનો વધારે હોય છે. વિશાળ સરોવર કે ડેમ સુધી તે વિમાનમાં જઈ શકાય. તેની સિટિંગ કેપેસિટી 8થી 18 સુધીની હોઇ શકે. કેનેડા સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવે છે. તેથી તેની પાસે કેટલાક એમ્ફિબિયસ વિમાનો છે, જેનું મુખ્ય કામ દરિયામાં રેસ્ક્યૂનું છે. રશિયાએ ભૂતકાળમાં આવા વિશાળ બે વિમાનો બનાવ્યા હતા, પણ પછી 1986માં તેનું ડેવલપમેન્ટ અટકાવી દેવાયું હતું.

ભારત જેવા દેશોમાં ભવિષ્યમાં સી-પ્લેન લોકપ્રિય બની શકે છે ખરા, પણ ચીન ઓલરેડી આ બાબતમાં ભારતથી આગળ નીકળી ગયું છે. ચાર એન્જિનવાળા મહાકાય એમ્ફિબિયસ વિમાનો બનાવ્યા પછી મધ્યમ અને નાના કદના વિમાનો ચીન જાતે બનાવી શકશે. ચીનને જોકે ટુરિઝમમાં એટલો રસ નથી. ચીનને સૈનિક તાકાતમાં વધારે રસ છે. તે પોતાનાથી દૂર છેક પાકિસ્તાનમાં અને શ્રીલંકામાં પોર્ટ વિકસાવી રહ્યું છે. આફ્રિકામાં અનેક દેશો સાથે તેણે ગાઢ સંબંધો કેળવ્યા છે. મહાસત્તા બનવા માટે આર્થિક, લશ્કરી અને ટેક્નિકલ તાકાત દુનિયાને બતાવવી પડે. ચીન તે દિશામાં આગળ વધી રહ્યું છે. ભારત સોફ્ટપાવર તરીકે દુનિયામાં પ્રદર્શિત થવા માગે છે. વર્તમાન સરકાર ઘણીવાર ભારતને વિશ્વગુરુ બનાવવા માટેની ઇચ્છા પ્રદર્શિત કરે છે. આઇટીમાં હાર્ડવેર કે સોફ્ટવેર કોણ વધારે મજબૂત તેની ચર્ચા ચાલતી હોય છે. ભાવી જગતમાં હાર્ડપાવર કે સોફ્ટપાવર કોણ ઉત્કૃષ્ટ તેની ચર્ચા થશે.