અમેરિકાના જાહેરસ્થળો પર ‘NRI FOR MODI’ ના બેનરો લાગી ગયાં

શિકાગો- લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ લોકસભાની ચૂંટણીમાં મહત્તમ સીટ મેળવી પોતાની સરકાર રચે તે માટેના પ્રયત્નો શરૂ કરી દીધાં છે. ત્યારે અમેરિકામાં વસતા ગુજરાતીઓ અને તેમાંય બીજેપી ઓવરસીઝના સભ્યો દ્વારા અહીં અમેરિકામાં ખૂણેખૂણે ભાજપનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે.

બીજેપી ઓવરસીઝ દ્વારા સમગ્ર અમેરિકામાં ‘નમો અગેઇન’ ના બેનરો લઇ જાહેર રસ્તાઓ પર નરેન્દ્ર મોદીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આજે અમેરિકાના શિકાગો શહેરમાં ૧૮ સ્થળ પર બીજેપી ઓવરસીઝ ના સભ્યો દ્વારા નરેન્દ્ર મોદીના બેનરો સાથે, ઉતરી આવ્યા હતા અને ભારતમાં આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરીથી મહત્તમ સીટ મેળવી વડાપ્રધાન બને તે અંગેનો પ્રચાર પ્રસાર કર્યો હતો.

બીજેપી ઓવરસીઝના યુવા મોરચાના પ્રમુખ નીરવ પટેલે આ અંગે chitralekha.com ને જણાવ્યું હતું કે, બીજેપી ઓવરસીઝના ૨૫૦ જેટલા સભ્યો દ્વારા આજે અમેરિકાના શિકાગો શહેરમાં અઢાર જેટલા જુદા જુદા સ્થળ પર ‘NRI FOR MODI’ ના બેનરો લઇ નરેન્દ્ર મોદીના સમર્થનમાં પ્રચાર પ્રસાર કર્યો હતો. આ ઉપરાંત નીરવ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકામાં જુદા જુદા શહેરોમાં ‘ચાય પે ચર્ચા’નો કાર્યક્રમ પણ યોજવામાં આવી રહ્યો છે. અમેરિકાના જુદા જુદા શહેરોમાં વસતા મૂળ ભારતીયો અને બીજેપી ઓવરસીઝના સભ્યો આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ભારે બહુમતીથી જીતે અને ફરીથી વડાપ્રધાન બને તે માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.

આ અગાઉ ન્યૂયોર્ક, વોશિંગ્ટન,  સહિતના શહેરમાં બીજેપી ઓવરસીઝના સભ્યો દ્વારા જાહેર સ્થળો પર ‘NRI FOR MODI’ ના બેનર લઈ નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તે માટે પ્રચાર પ્રસાર કરી ચૂક્યા છે. ત્યારે આજે બીજેપી ઓવરસીઝના સભ્યો દ્વારા ફરી એકવાર આજે અમેરિકાના થાપા, વોશિંગ્ટન, બોસ્ટન,ન્યુજર્સી, શિકાગો, એટલાન્ટા, લોસ એન્જેલસ પણ ન્યૂયોર્ક ખાતે  ‘NRI FOR MODI’ ના બેનરો સાથે નરેન્દ્ર મોદીના સમર્થનમાં પ્રચાર પ્રસાર કર્યો હતો.

આગામી લોકસભાની ચૂંટણીને લઈને જે રીતે ભાજપ દ્વારા દેશમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે તે જ રીતે ઓવરસિસ બીજેપી દ્વારા અમેરિકા સહિત લંડન ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં પણ નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તે માટેના પ્રચાર પ્રસાર ની રૂપરેખા તૈયાર કરી દેવામાં આવી છે.  તેના ભાગ રૂપે અમેરિકાના મોટાભાગના શહેરોમાં ‘ચાય પે ચર્ચા’ નો કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવ્યો છે.