પંજાબની સરહદથી અઢી કિલોમિટર દૂર કરતારપુર સાહિબ ગુરુદ્વારા આવેલું છે. શીખોના ગુરુ નાનકના જીવનનો છેલ્લો સમય તેમણે આ ગુરુદ્વારમાં ગાળ્યો હતો. તેના કારણે અન્ય કેટલાક ગુરુદ્વારાઓની જેમ ગુરુ નાનકની જીવનકથા સંકળાયેલું આ ગુરુદ્વારા પણ શીખો માટે પવિત્ર મનાય છે. તેના દર્શન કરવાની ઇચ્છા શ્રદ્ધાળુને હોય, પણ તે માટે પાકિસ્તાનના વીઝા લેવા અને પાકિસ્તાન જવું તે કામ બહુ અગવડભર્યું હોય છે.
તેના કારણે સરહદેથી જ સીધા ગુરુદ્વારા જઈ શકાય તેવા કોરિડોરની માગણી ઘણા વખતથી હતી. ભારતીય સરહદથી અઢીથી ત્રણ કિલોમિટરનો એક રસ્તો કાઢવામાં આવે જે ગુરુદ્વારા સુધી પહોંચે. ફરતે મજબૂત તારની વાડ હોય એટલે આટલો કોરિડોર અલગ પડી જાય. ભારતીય શ્રદ્ધાળુઓ સરહદેથી વીઝાની ઝંઝટમાં પડ્યા વિના જઈ શકે અને દર્શન કરીને પરત ફરે. આવી દરખાસ્ત આખરે નક્કી થઈ છે અને ટૂંક સમયમાં તેનું કામકાજ શરૂ થશે.
શીખોની આસ્થાના ધાર્મિક સ્થળના દરવાજા ખુલશે, પણ તેની સાથે જ વિવાદના દરવાજા પણ ખુલી ગયા છે. પાકિસ્તાન કરતાંય ભારતમાં આ મુદ્દે વધારે વિવાદો જાગ્યો છે. વિવાદોના કેન્દ્રમાં નવજોતસિંહ સિદ્ધુ જેવું પાત્ર હોવાથી તેમાં ડ્રામા ભરપુર થયો છે. પાકિસ્તાનમાં એટલો વિવાદ નથી થયો કેમ કે આ યોજનાને સેનાની પણ મંજૂરી છે.
હકીકતમાં સેનાની મંજૂરીને કારણે જ કોરિડોર બનાવવો શક્ય બન્યો છે. યાદ હશે કે પ્રથમવાર વિવાદ થયો તેના મૂળમાં આ જ વાત હશે. સિદ્ધુ ઇમરાન ખાનની વડાપ્રધાન તરીકેની શપથવિધિમાં હાજર રહેવા માટે પણ ગયો હતો. તે જ વખતે પાકિસ્તાની સેનાના વડા બાજવા સાથે તેમણે આ મુદ્દે વાત કરી. બાજવાએ કહ્યું કે કરતારપુર સાહિબ ગુરુદ્વારા માટે કોરિડોર બનાવી દેવાશે અને સિદ્ધુએ તેમને ખુશીની ઝપ્પી આપી. તેમનું એ ભેટવું ભારે વિવાદનું કારણ બન્યું હતું.
ઇમરાનખાનની સરકાર બની છે, પણ તે કઠપૂતળી સરકાર છે અને સેનાનો દોરિસંચાર ચાલી રહ્યો છે તે બહુ સ્પષ્ટ છે. કોરિડારના મુદ્દે તે વધારે સ્પષ્ટ થયું. એક તો સેનાના વડાએ સંકેત આપ્યા પછી જ તેની મંજૂરી મળી. બીજું, આખરે બંને દેશો વચ્ચે પેપર વર્ક થયા પછી બંને તરફ ઉદ્ધાટન સમારોહ યોજાયા તેમાં પણ આ વાત દેખાઈ આવી. પાકિસ્તાનમાં કરતારપુર સાહિબમાં ઉદ્ધાટન પ્રસંગે સેનાના વડા બાજવા ખાસ હાજર રહ્યા. આ કાર્યક્રમ સરકારી હતો અને બે દેશો વચ્ચેનો હતો. તેમાં સેનાના વડાની હાજરીની જરૂર ના હોય. મૂળ યોજના પ્રમાણે તેમણે કાર્યક્રમમાં સામેલ થવાનું પણ નહોતું, પણ આખરે તેમની હાજરી ત્યાં વધારે પ્રબળપણ પ્રગટ થઈ. તેનો અર્થ એ કે સમગ્ર દોરિસંચાર પાકિસ્તાની સેનાના હાથમાં છે.તેના કારણે જ ભારતે વધારે સાવધાની સાથે આ દિશામાં આગળ વધવું પડશે. પંજાબના મુખ્યપ્રધાન અને સેનામાં કેપ્ટન રહી ચૂકેલા અમરિન્દરસિંહ સ્પષ્ટ ઇનકાર કર્યો કે પોતે પાકિસ્તાન જશે નહિ. પોતાના કોઈ પ્રધાનને પણ નહિ મોકલે તેમ કહ્યું. આમ છતાં તેમની સરકારમાં પ્રધાન સિદ્ધુ પાકિસ્તાન પહોંચી ગયા. ત્યાં જઈને મેરા યાર દિલદાર ઇમરાન, ફરિશ્તા ઇમરાન એવી તેની ફિલ્મ સ્ટાઇલમાં ભાષણો પણ કર્યા. આ મુદ્દે કોંગ્રેસમાં પણ આંતરિક કલહ જામ્યો છે.
અરરિન્દર સિંહે ટીવીમાં ઇન્ટરવ્યૂ આપીને સ્પષ્ટ કહ્યું કે એક ફૌજી તરીકે પાકિસ્તાની સેનાના વડા સાથે તેઓ એક મંચ પર આવી શકે નહિ. મારા દેશના સૈનિકો પર, મારા દેશની સરહદે ભાંગફોડ કરનારાને હું સહન ના કરી શકું એવું કેપ્ટને કહ્યું. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે તેમણે સિદ્ધુને સલાહ આપી હતી કે પાકિસ્તાન ના જવું જોઈએ. પોતાની સલાહને અવગણીને તેમના પ્રધાન પાકિસ્તાન પહોંચી ગયા. તે પછી સિદ્ધુએ પણ કેપ્ટનની મજાક થાય તેવા ફિલ્મી ડાયલોગ અંદાજમાં કહ્યું કે કોણ કેપ્ટન? અચ્છા પેલા કેપ્ટન… વો તો આર્મી કે કેપ્ટન હૈ. મેરા કેપ્ટન રાહુલ ગાંધી હૈ. કેપ્ટન કે કેપ્ટન ભી રાહુલ ગાંધી હૈ. મેરા કેપ્ટન ઓર કેપ્ટન કા કેપ્ટન ભી રાહુલ ગાંધી હૈ. તેમના નિવેદનો પછી હવે અમરિન્દર જૂથે સિદ્ધુના રાજીનામાની માગણી શરૂ કરી છે.
આ તરફ સિદ્ધુના બહાને કોંગ્રસ પર માછલા ધોવાનો મોકો મળી ગયો એટલે ભાજપે બરાબર બેટિંગ કરી લીધી હતી. સિદ્ધુ અને સિદ્ધુને ટેકે આપનારા અને સિદ્ધુના પક્ષ કોંગ્રેસના નેતાઓ બધા દેશદ્રોહીઓ છે એવું રાગ સામુહિક રીતે ભાજપે આલાપ્યો છે. પાકિસ્તાનના નેતા ભારે મોજથી આ ઝઘડો જોઈ રહ્યા છે. તેમને ખ્યાલ આવી ગયો કે પોતાનો દાવ બરાબર પાર પડ્યો છે. કરતારપુર કોરિડોર ખોલવાની વાત કરીને અને તેનો જશ સિદ્ધુને મળે તેવી ગોઠવણ કરીને ભારતે કોંગ્રેસ અને ભાજપને લડાવી માર્યા છે. ભાજપની પણ હિંમત નથી કે કોરિડોરનો વિરોધ કરે, કેમ કે તેમણે પંજાબમાં ચૂંટણી લડવાની છે. તેમના સાથી પક્ષ અકાલીઓ માટે પણ કોરિડોરનો વિરોધ કરવો મુશ્કેલ છે. તેથી બધાએ સંપીને સિદ્ધુનો વિરોધ કરવાનું શરૂ કર્યો. માત્ર પાકિસ્તાનમાં જ નહિ, જગતના ઘણા રાજદ્વારી વર્તુળો ભારતમાં રાજકીય પક્ષો વચ્ચે ચાલેલો આ તમાશો ધ્યાનપૂર્વક જોયો હશે. બાંગલાદેશના મુદ્દે પણ ભારતમાં આંતરિક ખેંચતાણ થાય છે, શ્રીલંકાના મુદ્દે અને માલદિવના મુદ્દે પણ ભારતમાં એકસૂર નથી ઉઠતો તેની નોંધ દુનિયા લેતી હશે. નેપાળમાં પણ એવું જ થયું છે. નેપાળ ચીનનું નામ લઈને ભારતને ડરાવતું રહે છે.
જગત ગુરુ થવાની વાતો કરનારા ભારતના નેતાઓ અઢી કિલોમિટરના કોરિડોરની બાબતમાં વામણા સાબિત થયા છે. ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં આ એક અગત્યની ઘટના છે. પાકિસ્તાન પંજાબ જેવી બંને બાજુ વસતિ ધરાવતી સરહદે કોરિડોર ખોલે તે વાત નાની નથી. રાજદ્વારી ઉપરાંત લશ્કરી રીતે પણ આ ઘટના મહત્ત્વની છે. ભારતે અને પાકિસ્તાને બંનેએ કોરિડોરમાં થતી આવનજાવન પર ઝીણી નજર રાખવી પડશે. ઘણા બધા ખાલિસ્તાનીઓ પાકિસ્તાનમાં આશરો લઈને પડ્યા છે. કરતારપુર સાહિબ ખાતે સમારંભમાં આ ખાલિસ્તાનીઓ પહોંચી પણ ગયા હતા. સલામતીની દૃષ્ટિએ પણ આ બાબતની કાળજી ભારતે લેવાની રહેશે.
ઇમરાનખાનની નવી સરકાર રાબેતા મુજબ સારા સંબંધોની વાતો કરી રહી છે, પણ હવે પાકિસ્તાનમાં સરકારની સંપૂર્ણ કમાન સેનાના હાથમાં છે તે ભારતે ભૂલવાનું નથી. સેનાએ કોરિડોરની યોજનાને મંજૂરી આપીને સોગઠી મારી છે. ભાજપની સરકાર પણ કોરિડોર માટે ના કહી શકે નહિ તેવી સ્થિતિ કરી દીધી હતી. સિદ્ધુ જેવું પાત્ર હોવાના કારણે કોરિડોર ભલે બે દેશો વચ્ચેની સમજૂતિ પ્રમાણે થયું હોય, પણ સમગ્ર ધ્યાન સિદ્ધુ ઉપર અને તેના કારણે પંજાબના રાજકારણ પર કેન્દ્રીત થયું છે.
હવે કલ્પના કરો કે કાશ્મીરમાં પણ કોરિડોરની માગણી થશે ત્યારે શું થશે? રાજસ્થાન અને ગુજરાતની સરહદ નજીક બહુ શક્યતા નથી, પણ કરાચીથી પણ દૂર હિંગળાજ માતાના દર્શન કરવા માટે કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી ઘણા લોકો જાય છે અને જવા માગતા હોય છે. તેમના દ્વારા પણ ધાર્મિક યાત્રા માટે સરળતાથી વીઝાની માગણી થશે ત્યારે આ વિવાદ કેવો નડશે તે વિચારવાનું રહ્યું. બે દેશો વચ્ચે આવી સમજૂતિ થાય ત્યારે માહોલ ઉત્સાહનો હોય, પણ તેના બદલે સમગ્ર કાર્યક્રમ વિવાદ અને તણાવ વચ્ચે યોજાયો. બંને જગ્યાએ અલગ અલગ કાર્યક્રમો યોજાયા. આટલી સારી સમજૂતિ છતાં બે દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ ઉલટાનો વધ્યો.ઇમરાને વડાપ્રધાન બન્યા પછી એવું કહેવા ખાતર કહ્યું હતું કે ભારત એક ડગલું આગળ વધશે તો પાકિસ્તાન બે ડગલાં આગળ વધશે. સાચી વાત એ છે કે પાકિસ્તાનમાં કેટલાક તત્ત્વો એવા છે, જે ભારત સાથે કોઈ પણ પ્રકારની વાતચીત, વાટાઘાટ કે સમજૂતિને બહુ આગળ વધવા દેવા માગતા નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે જરાક પણ સાનુકૂળ વાતાવરણ ઊભું થઈ રહ્યું છે તેવું લાગે ત્યારે તરત જ ત્રાસવાદી હુમલો થાય છે. પાકિસ્તાની સેના તરત જ સરહદે અટકચાળું કરે છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી ત્રાસવાદી છાવણીઓ બંધ ના થાય, ત્રાસવાદીઓ ખુલ્લેઆમ પાકિસ્તાનમાં ફરે છે તેમને પકડવામાં ના આવે ત્યાં સુધી વાતચીત કરવી શક્ય નથી.જોકે પાકિસ્તાન એ પણ જાણે છે કે ભારતમાં પણ પાકિસ્તાનનો મુદ્દો જ્વલનશીલ છે. ભારતમાં પણ પાકિસ્તાનના નામે રાજકારણ થાય છે. આ વખતે એવું થયું કે ભારત સરકારે પાકિસ્તાને ઓફર કરેલી સમજૂતિ સ્વીકારવી પણ પડી અને વિવાદમાં ઉતરવું પણ પડ્યું. શીખોની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખીને વિરોધ કરી શકાય તેમ નહોતો, ત્યારે સમજૂતિ થઈ અને વિખવાદ પણ થયો. પાકિસ્તાને સમજી વિચારીને આ ચાલ ચાલી છે ત્યારે સરકારે સાવધાની રાખવી પડે તેમ છે. ભાજપ સરકારની પાકિસ્તાન તરફની નીતિ વારંવાર બદલાતી રહી છે. જોકે હવે લોકસભાની ચૂંટણી આડે છ મહિના રહ્યા છે ત્યારે હવે કોઈ મોટો ફરક નીતિમાં આવે તેમ નથી. લોકસભાની ચૂંટણી પહેલાં કરતારપુર કોરિડોર ચાલુ કરી દેવા માટે પાકિસ્તાન કોશિશ કરશે, પણ ભારત તરફથી ઉતાવળ થશે કે કેમ તે નક્કી નથી. કેવી રીતે કોરિડોર બનશે અને કેવી વિધિ હશે તે સ્પષ્ટ થશે અને નાગરિકો દર્શન કરીને પરત આવશે ત્યારે તેમને કેવા અનુભવો થશે તે પણ જોવાનું રહેશે. લાંબા ગાળાના સંબંધો માટે હવે નવી સરકાર આવે તે પછી જ નીતિ નક્કી થશે તેમ લાગે છે. અત્યારે એટલું સ્પષ્ટ છે કે બે દેશો વચ્ચે સારા સંબંધો હોય, ત્યારે લઈ શકાય તેવું એક પગલું લેવાયું છે, પણ તે પછી વાતાવરણ સકારાત્મક થવાને બદલે ડહોળાયું છે.