લોકસત્તાના જનક ફ્રાન્સમાં ફરી લોકોનો આક્રોશ

રાજાઓ એક હથ્થુ રાજ ચલાવતા હતા, તેમને હિંસક રીતે હટાવીને લોકોએ સત્તા પોતાના હાથમાં લઈ લીધી તેવી માનવ ઇતિહાસની મહત્ત્વની ઘટના ફ્રાન્સમાં બની હતી. તેને ફ્રેન્ચ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકામાં વસેલા યુરોપના લોકોએ, ખાસ કરીને બ્રિટિશ સામ્રાજ્યની સાત કોલોનીએ, યુરોપના શાસનથી પોતાને મુક્ત કરવા માટે 1775થી સ્વતંત્રતા ઝુંબેશ ઉપાડી હતી. અમેરિકાની વસાહતો સ્વતંત્ર થવા લાગી અને 1789માં ફ્રાન્સમાં પણ શાસકોને ઉખાડી ફેંકવાની ઝુંબેશ શરૂ થઈ હતી. ફ્રેન્ચ વસાહતો પણ અમેરિકા ખંડમાં હતી અને ત્યાં ફૂંકાયેલા સ્વતંત્રતાનો વાયરો ફ્રાન્સમાં પહોંચ્યો હતો. રાજાશાહીની ખતમ કરવાનું યુદ્ધ પાંચેક વર્ષ ચાલતું રહ્યું અને ફ્રાન્સના રાજા લૂઈ 14ની 1793માં હત્યા સાથે આખરે રાજાશાહી ખતમ થઈ હતી.

સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા આ ત્રણ મુખ્ય સિદ્ધાંતો ફ્રેન્ચ ક્રાંતિના ગણાય છે. દુનિયાભરમાં આગળ જતા યુરોપિનય સામ્રાજ્યો ખતમ થયા અને સ્વતંત્રતા આવી તે પછી આ ત્રણ સિદ્ધાંતો લોકતંત્રો માટે અગત્યના ગણાતા રહ્યા છે. લોકો સ્વતંત્ર હોવા જોઈએ, ઉપરાંત તેમના વચ્ચે સમાનતા હોવી જોઈએ તે લોકશાહીનો અગત્યનો પાયો રહ્યો છે. બંધુતા પણ હોવી જોઈએ અને ભારતના સંદર્ભમાં જ્ઞાતિઓ વચ્ચે ઊંચનીચના ભેદ છે તેવા ભેદ ના હોવા જોઈએ. શરૂઆત બંધુતાથી થાય છે. બંધુતાની ભાવના હોય તો સમાનતા ઊભી થાય. આર્થિક, સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય, આવનજાવન, વ્યવસાય વગેરેની સમાનતા મળે ત્યારે જ સાચા અર્થમાં સ્વતંત્રતા આવી કહેવાય.

તેનાથી ઉલટા ક્રમમાં જઈએ ત્યારે શું મુશ્કેલી થઈ શકે છે તેનો ખ્યાલ આવી શકશે. સ્વતંત્રતા હોય, પણ સમાનતા હાંસલ કરવાની તક ના હોય ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. તે પછી બંધુતા માટેની ભાવના સુધી પહોંચવાનો વિચાર પ્રજા કરી શકતી નથી. ફ્રાંસમાં હાલમાં ઊભી થયેલી સ્થિતિ પાછળ આ સ્થિતિ જવાબદાર હોવાનું ઘણા વિશ્લેષકોને લાગે છે. ફ્રાંસમાં અમીર અને ગરીબ વચ્ચે ખાઈ વધી છે. સૌને સમાન તક ના મળતી હોવાથી અને વર્તમાન સરકારની નીતિ લોકોને અમીરો તરફની લાગતી હોવાથી પ્રજા બંધુતા ભૂલીને લડાઈ કરવા માટે શેરીઓમાં ઉતરી આવી છે. પ્રજાને લાગે છે કે પોતે સ્વતંત્ર છે ખરી, પણ સમાનતા આવી નથી. ટેક્સનો બોજ શ્રીમંતોને નડતો નથી, પણ મધ્યમ વર્ગને ભારે પડી રહ્યો છે. પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવોથી ભડકો થયો અને તોફાનો શરૂ થયા. સરકારે ભાવો ઘટાડ્યા, પણ તે પછીય રોષ શમ્યો નથી. મૂળ અસંતોષ, કે દેશમાં સમાન નીતિ નથી અને ધનિક લોકોને ધ્યાનમાં રાખીને ઇમાન્યુએલ મેક્રોન શાસન કરે છે તે મુદ્દો હવે બહાર આવી રહ્યો છે.

ભારતને આ સ્થિતિ લાગુ પડી શકે તેવી છે. ભારતમાં પણ સ્વતંત્રતા છે, પણ સમાનતા આવી છે ખરી? ભારતના દરેક નાગરિકને એવી લાગણી થાય ખરી કે તેની સામે સમાન તક છે અને પોતે પ્રયાસ કરે તે હાંસલ કરી શકે છે? સ્થાપિત હિતો અનામતના નામે ફૂટ પડાવવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે અસમાનતાની આ લાગણી ભારતમાં ક્યાં પહોંચશે? એક વર્ગને લાગે છે કે અનામતને કારણે અમને તક મળતી નથી. બીજા વર્ગને લાગે છે કે અનામતનું ગાજર પકડાવીને અમને ખાનગી ક્ષેત્રથી દૂર જ રખાયા છે અને વધી રહેલા મૂડીવાદ અને ખાનગીકરણમાં અનામત અર્થહિન બની ગઈ છે. અનામતથી માત્ર નોકરી મળે છે, સમૃદ્ધિ તરફ જવાની સમાન તક મળતી નથી.

ભારત કલ્યાણ રાજ્ય નથી. ભારત વિશાળ વસતિના કારણે કલ્યાણ રાજ્ય બની શકે તેમ પણ નથી. ભારત કંઈ બેરોજગારોને બેકારી ભથ્થું આપી શકવાની સ્થિતિમાં નથી.પરંતુ બેકારી ભથ્થું આપીને કે કલ્યાણકારી યોજનાઓ દ્વારા લોકોનો રોષને કાયમ માટે દવાબી શકાય ખરો તે સવાલ પણ ફ્રાંસના તોફાનોમાંથી ઊભો થઈ રહ્યો છે. યુરોપના ઘણા સમૃદ્ધ દેશોની જેમ ફ્રાન્સ પણ કલ્યાણ રાજ્ય છે. અનેક પ્રકારની સબસિડી પ્રજાને મળે છે. ફ્રાન્સના બજેટનો ત્રીજા ભાગનો હિસ્સો (715 અબજ યુરો) સોશ્યલ સિક્યુરિટી જેવા કાર્યક્રમો પાછળ ખર્ચાય છે. છતાં લોકોને તે અપૂરતો લાગે છે કેમ કે સરકાર એક હાથે આપે અને ટેક્સના માધ્યમથી બીજા હાથે લઈ લે છે.

થોડા વખત પહેલાં સમાચાર આવ્યા હતા કે ભારતે જીડીપીના મામલામાં ફ્રાન્સે પાછળ રાખીને છઠ્ઠું સ્થાન હાંસલ કરી લીધું. તેનું કારણ એ કે ફ્રાન્સનો વિકાસ દર મંદ પડી ગયો છે. રોજગારીનું પ્રમાણ વધી રહ્યું નથી. રોજગારી મળે છે તેમના પગારો વધી રહ્યા નથી. પગાર મળે છે તેમણે ટેક્સ ભરવો પડે છે. 2008-09ની મંદી પછી પડેલા ફટકામાંથી ફ્રાન્સ બહાર આવી શક્યું નથી. રાહત આપવા માટે ટેક્સમાં રાહત પણ અપાઇ છે, પણ રાહતનો ફાયદો શ્રીમંત વર્ગને વધારે થયો છે. ટેક્સ પછી દેશની 50 ટકા વસતિ ગણાતા મધ્યમ વર્ગની આવક 1700 યુરો ગણાય છે. આટલી આવકમાં જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે, કેમ કે ટેક્સ ઘટ્યો પણ મોંઘવારી વધી ગઈ છે. સરવાળે પ્રજા હતી ત્યાં ને ત્યાં.

દરમિયાન ફ્રાંસ સરકારે પેટ્રોલ અને ડિઝલ પર ટેક્સ નાખવાનું નક્કી કર્યું હતું. ઇરાદો સારો હતો. પ્રદૂષણ કરનારા ફ્યુઅલની જગ્યાએ લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળે તેવો ઇરાદો હતો. ધીરે ધીરે ટેક્સ વધારીને ફ્રાન્સ સરકારે ડિઝલને 23 ટકા મોંઘું કરી દીધું હતું. એક લિટરનો ભાવ 1.61 સુધી પહોંચ્યો હતો, જે 2000ની સાલ પછી સૌથી ઊંચો ભાવ છે. વચ્ચેના સમયમાં ક્રૂડના ભાવો ઘટ્યા ત્યારે ભાવો ધટાડવાના બદલે સરકારે ટેક્સ વધારી દીધો હતો. ભારત સાથે સરખામણી કરો. 2014માં મોદી સરકાર આવી તે પછી તેમની સરકારે પણ ક્રૂડના ભાવો ઘટતા ગયા તેમ એક્સાઇઝ ડ્યુટી વધારવાનું ચાલુ કર્યું. પછી થયું એવું કે ક્રૂડના ભાવો વધવા લાગ્યા ત્યારે ડ્યુટી યથાવત રહી. તેથી પેટ્રોલનો લિટરનો ભાવ 80 રૂપિયાથી વધી ગયો. ભારતમાં પણ ભારે રોષ પછી સરકારે બે વાર બબ્બે બબ્બે રૂપિયાની રાહત જાહેર કરવાની ફરજ પડી હતી.

ભારત સરકારનો નિર્ણય પણ એક રીતે યોગ્ય હતો. પેટ્રોલ અને ડિઝલને બહુ સસ્તું થવા દેવાના બદલે તેના પર ટેક્સ નાખીને આવક ઊભી કરવી જોઈએ. પરંતુ પ્રજા આવા મુદ્દા સમજતી નથી. પ્રજા બે છેડા માંડ ભેગા થતા હોય ત્યારે પર્યાવરણ બચાવવા માટે પેટ્રોલ ડીઝલ પડતા મૂકીને મોંઘા ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવાના આદર્શો તરફ વળી શકે નહિ.ફ્રાન્સે પેટ્રોલિયમ પદાર્ષો પર ટેક્સ વધાર્યો તેનું નામ જ હાઇડ્રોકાર્બન ટેક્સ રાખ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ માટે મળેલી પરિષદમાં દરેક દેશને કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાનો ટાર્ગેટ અપાયો છે. કાર્બન ઘટાડવા માટે અને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનો જરૂરી છે. સાથે જ બેટરી ચાર્જ કરવા માટેની ઉર્જા પણ પવનચક્કી અને સોલર પેનલથી આવે તે પણ જરૂરી છે. ફ્રેન્ચની મેક્રોન સરકારે પેટ્રોલ પર 3.9 સેન્ટ અને ડિઝલ પર 7.6 સેન્ટ લગાવીને શરૂઆત કરી હતી. જાન્યુઆરી 2019થી પેટ્રોલ પર બીજા 2.9 સેન્ટ અને ડિઝલ પર 6.5 સેન્ટ ટેક્સ લેવાની જાહેરાત પણ થઈ હતી. ડિઝલ કાર વધારે વપરાતી હોવાથી તેના પર વધારે ટેક્સ નાખવાની જાહેરાત થઈ હતી અને તે પછી ભડકો થયો.

વાત સાચી અને સારી હોવા છતાં પ્રજાએ સ્વીકારી નહિ, કેમ કે પ્રજાએ જોયું કે મેક્રોનની સરકાર પેટ્રોલ અને ડિઝલ પર ટેક્સ વધારે છે, પર શ્રીમંતો પર ટેક્સ વધારતી નથી. શ્રીમંતોની સંપત્તિ પર ટેક્સ લેવાની વાત કર્યા પછી તેનો અમલ થયો નથી. ટેક્સમાં રાહત બધાને આપી, તેથી ધનિક લોકોને વધારે ફાયદો થયો. ટેક્સની રાહત માત્ર મધ્યમ વર્ગને આપવાની જરૂર હતી.

ફરી એકવાર ભારત સાથે સરખામણી કરો. ભારતમાં પણ વાતો થતી હતી કે સુપર રિચ ટેક્સ લગાવીશું, પણ એવો કોઈ ટેક્સ લાગ્યો નથી. ભારતમાં વારસા પર ટેક્સ લગાવાની માત્ર ચર્ચા થાય છે, અમલ કદી થવાનો નથી. તેના કારણે ધનિક કુટુંબો પેઢીઓ સુધી ધનિક જ રહેવાના અને ગરીબોને કદી મળવાની નથી.અર્થતંત્રમાં સુસ્તી, પેટ્રોલ ડિઝલના ભાવોનો વધારો, મોંઘવારીમાં વધારો, ટેક્સમાં એવી રાહત કે ધનિકો વધારે ખુશ થાય અને મધ્યમ વર્ગને કોઈ ફરક ના પડે, બેરોજગારીમાં વધારો, રોજગારી મળે તેને પણ આવક મળે તે અપૂરતી – આ બધા મુદ્દાઓએ કારણે ફ્રાન્સની જનતા રસ્તા પર ઉતરી આવી છે. આ જ બધા મુદ્દા ભારતમાં પણ છે. ભારતમાં ખેડૂતોને લાગે છે કે તેમને અન્યાય થાય છે. ભારતમાં શહેર અને ગામડાંનો ભેદ ઊભો થઈ રહ્યો હોય તેવું લાગે છે. બીજા ભેદભાવ અને અસામનતા પણ ખરા; પણ ભારતના રસ્તાઓ પર એક તરફ ખેડૂતોની માગણી માટે, બીજી તરફ અનામતની માગણી માટે, ત્રીજી તરફ રામમંદિરની માગણી માટે અને ચોથી તરફ સબરીમાલામાં સ્ત્રીઓને જતી રોકવા માટે, પાંચમી તરફ ગૌરક્ષા માટે, છઠ્ઠી તરફ રોજગારીના મુદ્દે પરપ્રાંતીયો તરફ, સાતમી બાજુ શહેરમાં પ્રદૂષણના મુદ્દે… ભારતમાં વિરોધ તો થઈ રહ્યો છે, પણ વિરોધમાં પણ બહુ અસમાનતા છે. શું કહો છો?