દુનિયાભરના આદિવાસીઓ પર ખ્રિસ્તી મિશનરીઓનો ડોળો

ટાળપ્રવૃત્તિ હવે શમી ગઈ હશે એમ આપણને માનવાનું મન થાય. જગતમાં કમ્યુનિકેશન્સ વધ્યું છે, ગુલામ દેશો રહ્યા નથી, અને માનવી સ્વતંત્ર રીતે વિચારતો થયો છે ત્યારે હવે વટાળપ્રવૃત્તિને બહુ અવકાશ નહિ હોય તેમ લાગે. મુસ્લિમ આક્રમણખોરો તલવાર સાથે કુરાન લઈને નીકળ્યા હતા અને વર્તમાન પાકિસ્તાન સુધીના વિસ્તારમાં ઇસ્લામ ફેલાવી દીધો હતો. સમગ્ર ભારતમાં તે પ્રસરે તેમાં સદીઓ લાગવાની હતી અને ત્યાં સુધીમાં મુસ્લિમ સુલતાનો થોડા સ્થિર પણ થવા લાગ્યા હતા. હવે મુસ્લિમ સુલતાનો વચ્ચે અંદરોઅંદરની લડાઈ પણ વધી હતી. તુર્ક સામે અફઘાન, અફસાન સામે અરબ, અરબ સામે મોંગોલ, મોંગોલ સામે તુર્ક વગેરે. હવે દરેક સુલતાન હિન્દુ રાજાઓનો સાથ પણ લેતો થયો હતો. વટાળપ્રવૃત્તિ થોડી ઓછી થઈ હતી અને પોતાની સલ્તનત બચાવવી પ્રાથમિકતા બની હતી.

દરમિયાન અંગ્રેજો આવી ગયા. તેમણે જોયું કે હિન્દુસ્તાનની વિશાળ વસતિ હજીય હિન્દુ છે અને શાસકો મુસ્લિમો થઈ બેઠા છે. તેમને આંકડે મધ દેખાયું હતું. અંગ્રેજોએ સિફતપૂર્વક દેશ પર કબજો જમાવી દીધો. તેના કારણે જેહાદ અટકી, પણ ધીમે ધીમે અંગ્રેજોની પાછળ આવેલા ખ્રિસ્તી મિશનરી (મિશનરીઓ કેરળમાં બહુ પહેલાં આવી ગયા હતા અને ત્યાં ધર્માંતરણ શરૂ થઈ ગયું હતું) હવે આદિવાસી વિસ્તારોમાં ડોળો માંડ્યો હતો. સમગ્ર ઇશાન ભારતનું ખ્રિસ્તીકરણ કરી નખાયું છે.

હવે સમાચાર આવ્યા કે અમેરિકાનો એક યુવાન આંદામાન આવ્યો હતો અને સેન્ટિનેલ ટાપુ પર આદિવાસીઓને વટલાવા માટે પહોંચ્યો હતો. સમાચાર હાલમાં એવા પણ ચાલી રહ્યા છે કે ભારત સરકાર તેની લાશ શોધવા માટે હેલિકોપ્ટર અને નેવીના જહાજોમાં ફ્યુઅલ વેડફી રહી છે. ભારત સરકારની આ મૂર્ખામી સમજી શકાય તેવી નથી. એક તો ગેરકાયદે રીતે સેન્ટિનલ ટાપુ પર ઘૂસી ગયો હતો અને તેની બદમાશી ખ્રિસ્તી વટાળ પ્રવૃત્તિ કરવાની હતી. સરકારે અમેરિકામાં રહેલા તેના પરિવાર પર અને તે ચર્ચ સાથે સંકળાયેલો હોય તેની સામે કેસ કરવો જોઈએ. અમેરિકન સરકારને ભીંસમાં લેવી જોઈએ કે અમે વર્ષોથી જેને જતનપૂર્વક સંભાળી રહ્યા છીએ તે આદિવાસીઓનું નિકંદન નીકળી જાય એવો પ્રયાસ તમારા હિનવૃત્તિના વટાળખોર અમેરિકન નાગરિકે કર્યો છે.આંદામાન ટાપુની નજીક નોર્થ અને સાઉથ સેન્ટિનલ ટાપુઓ આવેલા છે. નોર્થ સેન્ટિનલ ટાપુ આંદામાનના મોટા ટાપુથી બહુ દૂર નથી, ટાપુ સાવ એકાકી પણ નથી કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝિલેન્ડની ઉપર આવેલા અત્યંત દૂર દૂરના ટાપુ જેવો એકલોઅટુલો પણ નથી. છતાં ત્યાંના આદિવાસીઓ આજ સુધી મુખ્ય દુનિયાથી જુદા રહ્યા છે. એવું કહેવાય છે કે 60,000 વર્ષથી આ આદિવાસીઓ એકલા જ ત્યાં રહેતા આવ્યા છે. અચરજ લાગે તેવી વાત છે કે બહુ દૂર ના હોવા છતાં આ ટાપુના આદિવાસીઓ જુદા જ રહી ગયા.

આંદામાન નિકોબારના ટાપુઓ પર પાંચથી સાત હજાર આદિવાસીઓ હતા. અંગ્રેજો ત્યાં પણ સન 1858માં ઘૂસ્યા હતા અને મોટા પાયે વિનાશ કર્યો હતો. સમગ્ર અમેરિકા અને કેનેડા અને દક્ષિણ અમેરિકાના મૂળ નિવાસીઓનું લગભગ નિકંદન કાઢી નાખ્યું તે રીતે ગોરી પ્રજા સામે લડીને આ આદિવાસીઓ પણ ખતમ થવાના આરે છે. જેરુ, બી, બો, ખોરા, પુકીકવાર એવી દસેક જુદી જુદી જાતના આદિવાસી સમૂહો હતા, તેમાંથી કેટલાક સમળૂગા નાશ પામ્યા છે. જારવા જેવા કેટલાક સમુહો પાંચસોથી સાતસો સંખ્યામાં વધ્યા છે.

સેન્ટિનલ ટાપુ તેનાથી તદ્દન જુદો પડે છે. અહીંના આદિવાસીઓ કંઈક વધારે પડતા જ આક્રમક રહ્યા છે. પોતાના દરિયાકિનારે કોઈને પગ જ મૂકવા દેતા નથી. સંજોગોવશાત તે ટાપુ પર મોટું આક્રમણ અંગ્રેજોના જમાનામાં ના થયું અને તે ટાપુ એમ જ રહી ગયો. સ્વતંત્રતા પછી ભારત સરકારે પણ તેને રક્ષિત જાહેર કર્યો છે. ટાપુ પર 40થી 100 જેટલા આદિવાસીઓ હોવાનું જ મનાય છે. તેના કિનારેથી ત્રણ માઇલ દૂર સુધી જ જવાની છુટ છે. આમ છતાં અમેરિકાનો યુવાન માછીમારોને પૈસા ખવરાવીને ઇસુના નામે આ આદિવાસીઓને વટલાવા માટે ત્યાં પહોંચી ગયો હતો.મઘરાતે તે નજીક સુધી હોડીઓમાં ગયો. કાયદો ના તોડવા માટે સ્થાનિક માછીમારોએ તેને થોડે દૂર સુધી લઈ ગયા હતા. ત્યાંથી તે પોતાની નાનકડી કયાકમાં બેસીને ટાપુ પર પહોંચ્યો. તે પોતાની સાથે રમવા માટેનો ફૂટબોલ, મચ્છી મારી માટેની દોરી અને ખાવાની વસ્તુઓ સાથે લઈને ગયો હતો. પણ તે કિનારે પહોંચ્યો તે પછી તેને તીર મારીને આદિવાસીઓએ ધાર્યા પ્રમાણે જ પતાવી દીધો.

હવે સ્થાનિક માછીમારોની ધરપકડ કરીને લાશની તપાસ કરવા માટેનો વ્યર્થ વેડફાડ થઈ રહ્યો છે. આ સમાચાર પછી બીજી ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે ભાજપની આગેવાની હેઠળની વર્તમાન કેન્દ્ર સરકારે ટુરિઝમને પ્રોત્સાહનના નામે આંદામાનના ઘણા રક્ષિત ટાપુઓ પર અવરજવરની છુટ આપી છે.

અંગ્રેજોએ પોતે 1860ના દાયકામાં આદિવાસી હોમ સ્થાપ્યા હતા. તેમને મુખ્ય ધારામાં લાવવા, તેમને કહેવાતા સંસ્કારી બનાવવા અને તે બહાને મૂળ તો ખ્રિસ્તી બનાવવાની કોશિશો ચાલુ થઈ હતી. જોકે આવા હોમમાં આદિવાસીઓને લાવીને રખાતા હતા, પણ ત્યાં બાળકો ઉછરતા નહોતા.

ભારત સરકારે પણ આંદામાન એન્ડ નિકોબાર પ્રોટેક્શન ઑફ એબોરિજન્લ ટ્રાઇબ્સ (રેગ્યુલેશન) એક્ટ પસાર કરીને આ આદિવાસીઓને બચાવવા માટે કોશિશ કરી હતી. જોકે હાલના સમયમાં ચિંતા થાય તેવો ટ્રેન્ડ વધ્યો છે. ટુરિઝમના નામે ટુર કંપનીઓ અને હોટેલ માલિકોએ સરકાર પાસે નિયમોમાં ઢીલાશ કરાવવાનું શરૂ કર્યું છે. જારવા લોકો સહેલાઈથી હળવા મળવા લાગ્યા અને તેમનું શોષણ વધ્યું ત્યારે તેમને એક ટાપુ પર મોકલી અપાતા હતા. ટાપુને રક્ષિત જાહેર કરાયો હતો. જારવા રહેતા હોય તે જંગલ વિસ્તારમાં જવાની પણ મનાય છે, પણ રોજ ડઝનબંધ ભરીને પ્રવાસીઓને ત્યાં લઈ જવામાં આવે છે. ટુર ઓપરેટરો કમાણીની લાલચમાં પ્રવાસીઓને જારવા રહેઠાણો વચ્ચે પ્રાણીઓ દેખાડતા હોય તેવી રીતે સફારી કરાવે છે. જારવા હજીય નિર્વસ્ત્ર ઘૂમતા રહે છે. તેમની તસવીરો લેવા પડાપડી થાય છે. જારવા લોકો પણ ટેવાઈ ગયા છે અને મહેનત કરવાને બદલે પ્રવાસીઓ પાસેથી વસ્તુઓ માગીને લેવા લાગ્યા છે.

29 જેટલા ટાપુઓ પર ભારતીયોએ જવું હોય તો પણ પરવાનગી લેવી જરૂરી હતી. વિદેશીઓને જવાની બિલકુલ મનાઈ હતી. પણ ખંધા ટુર ઓપરેટરો અને હોટેલોના લાભાર્થે જૂન મહિનામાં જ કેન્દ્ર સરકારે 29 ટાપુઓ પર વિદેશીઓને જવાની છુટ આપી દીધી છે. વિદેશીઓએ વિશેષ મંજૂરી લેવાની હવે જરૂર નથી, સામાન્ય પરમીટથી ચાલશે તેવો પરિપત્ર કેન્દ્રના ગૃહ મંત્રાલયે 29 જૂને કર્યો છે.

એવી પણ શક્યતા છે કે આ છૂટછાટનો લાભ લઈને જ્હોન એલન શૉ નામના બદમાશ વટાળખોરે સેન્ટિનેલમાં ઘૂસવાની કોશિશ કરી હતી. જોકે સેન્ટિનેલનું વિશેષ રક્ષણ થાય છે અને તેની નજીક કોઈ ના જાય તેની કાળજી લેવાય છે તેનો ખ્યાલ કદાચ તેને હતો. તેથી આ નિયમમાં છૂટછાટ પછીય સેન્ટિનલ પર જવું ગેરકાયદે જ હતું. તેનો ખ્યાલ પણ શૉને કદાચ હતો, કેમ કે તેણે પોતે મહાન થઇ જવાનો છે એવા વહેમમાં ડાયરી લખી હતી અને માછીમારોને તે આપી પણ હતી. ‘વિશ્વમાં સેતાનનું છેલ્લું નિવાસસ્થાન’ છે ત્યાં જઈને પોતે ઇસુનો સંદેશ ફેલાવીને મહાન થઈ જશે તેવો વહેમ તેને હોવો જોઈએ. તેણે નોંધ કરી હતી કે ‘ગોડ પોતે જ અમને કોસ્ટ ગાર્ડ અને પેટ્રોલથી છુપાવીને રાખી રહ્યો છે’. આમાં તેની અંધશ્રદ્ધા ઉપરાંત તેનું કાર્ય ગેરકાયદે હતું તેની સભાનતા પણ દેખાઈ આવે છે.

જોકે નિષ્ણાતો, પર્યાવરણ પ્રેમીઓ અને આદિવાસીઓને સાચવી રાખવા માટે કામ કરનારા કાર્યકરો પણ આઘાતમાં છે. તેમને લાગે છે કે સરકારે 29 જૂને પરિપત્ર કરીને આંદામાનના આદિવાસીઓને વિદેશીઓ સામે જોખમમાં મૂકી દીધા છે. 29 ટાપુ માટે વિશેષ પરમીટની જરૂરિયાત કાઢી નાખીને ટુર ઓપરેટરોને કમાણી કરાવવાનો ઇરાદો છે, પણ તેના કારણે આંદામાનના આદિવાસીઓ જોખમમાં આવી ગયા છે. એન્થ્રોપોલોજિસ્ટ્સ કહી રહ્યા છે કે શૉના શરીરનો સંપર્ક થવાના કારણે સેન્ટિનેલના આદિવાસીઓને ચેપ લાગી શકે છે. હજારો વર્ષથી દુનિયાની બાકીની માનવજાતથી દૂર રહેલા આદિવાસીઓ માટે કોઈ પણ નવો ચેપ ઘાતક સાબિત થઈ શકે છે.

સેન્ટિનલ ટાપુ પર હાલ ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે, પણ કેટલું નુકસાન થયું છે તે ભવિષ્યમાં જ ખબર પડશે. અત્યારે તો વિદેશીઓને આંદામાનમાં આવવવાના નિયમો ઢીલા કરીને સરકારે નુકસાન કરાવી દીધું છે. આ કેસમાં શૉ, તેના પરિવાર અને તેના ચર્ચ સામે વિરોધ જગાવીને કે તેની સામે કાનૂની પગલાં માટે વિચાર ના કરીને પણ સરકારે નુકસાન કરાવ્યું છે. આ કેસને બરાબરનો ચગાવીને વિદેશીઓ આંદામાનમાં આવીને અટકચાળા કરવાની કોશિશ ના કરે તેવો વિશ્વને સંદેશ આપવાની તક હતી તે સરકારી અત્યારે તો રોળી નાખી છે.