પાકિસ્તાનમાં સંસદની અને પ્રાંતિય ધારાસભાઓની ચૂંટણી એકસાથે યોજાઈ રહી છે. બુધવારે પાકિસ્તાન માટે અગત્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે રવિવારે યોજાયેલી વિશાળ સભામાં આખરે ભારતનો મુદ્દો ચગ્યો ખરો. ઇમરાન ખાને આક્ષેપ કર્યો કે નવાઝ શરીફે હંમેશા ભારતનું હિત જોયું છે. પોતે ચૂંટણી લડી શકે તેમ નથી અને જેલમાં છે ત્યારે સમગ્ર ચૂંટણી સામે શંકા ઊભી થાય તેવું કરી રહ્યા છે અને દુનિયામાં પાકિસ્તાનનું નીચાજોણું કરી રહ્યા છે.
ઇમરાન ખાનની આવી વાણીથી પાકિસ્તાનમાં કે ભારતમાં કોઈને નવાઈ નહિ લાગે. ભારતમાં પણ ચૂંટણી યોજાય એટલે પાકિસ્તાનનો મુદ્દો આવે જ. કાશ્મીરનો મુદ્દો પણ બંને દેશોની ચૂંટણીઓમાં ગાજતો રહે. જોકે ઇમરાન ખાનની છાપ હાડોહાડ ભારતવિરોધીની પડી નથી, કેમ કે વચ્ચે વચ્ચે ભારત સાથે શા માટે મિત્રતાપૂર્ણ સંબંધ ના હોય તેવા ડાહ્યો સવાલ પણ કરી લે છે. બીજું તેમના પક્ષ પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં કાશ્મીરના મુદ્દાનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રસંઘના ઠરાવ અનુસાર દ્વિપક્ષી વાતચીતથી ઉકેલવાની વાત કરાઇ છે.
ચૂંટણી સભામાં થતા ભાષણો બોલવાના જુદા હોય અને સાંભળવાના જુદા હોય – હાથીનાં દાંત જેવું, ચાવવાના જુદા, દેખાડવાના જુદા. આવા કેટલાક ભાષણ સિવાય આ વખતને નવાઈ લાગે તે રીતે ભારત અને ભારત સાથેના સંબંધોનો મુદ્દો બહુ ચગ્યો નથી. નવાઝ શરીફને બદનામ કરવા માટે માત્ર ભારતતરફી તેમના વલણ કરતાં વધારે જોરદાર મુદ્દો મળેલો છે. પનામા પેપર્સ બહાર આવ્યા અને તેમાં ખ્યાલ આવ્યો કે શરીફ ખાનદાનની કરોડોની મિલકતો વિદેશમાં છે. તે પછી શરીફ ખાનદાનની બદમાશી માટે પૂરતો મસાલો વિપક્ષને મળતો રહ્યો છે.
જોકે મતદાન આડે એક અઠવાડિયું બાકી હતું ત્યારે જ નવાઝ શરીફે પોતાની દિકરી મરિયમ સાથે લંડનથી પાકિસ્તાન પરત ફરવાનું જોખમ લીધું તે ગણતરીપૂર્વકનું પગલું હતું. તેમના બેગમ મરણપથારીએ છે અને લંડનમાં સારવાર લઈ રહ્યા છે. તેમની વિદાય લઈને રાષ્ટ્રીય રીતે અગત્યની ચૂંટણીઓ વખતે તેઓ વતન પાછા ફર્યા. સહાનુભૂતિનો લાભ લેવા અને પોતાના પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લિગ (નવાઝ)ના કાર્યકરો સાવ હામ ના હારી જાય તે માટે આ જોખમ તેમણે લીધું છે.
ચાર પ્રાંત અને બે કેન્દ્રીય વિસ્તારો સહિત પાકિસ્તાનની સંસદની 272 બેઠકો માટે બુધવારે મતદાન થશે. ભારતની જેમ જ પાકિસ્તાનમાં સંસદના બે ગૃહો છે, પણ પ્રમુખને વધારે સત્તાઓ હોવાથી થોડો ફરક પણ પડે છે. બીજું ઉપલા ગૃહ મજલિસે શૂરામાં 272 બેઠકોની ચૂંટણી ઉપરાંત પ્રમુખ દ્વારા નિમાતા સભ્યો, 10 લઘુમતી સભ્યો અને 60 મહિલા સભ્યોની નિમણૂક અલગથી થાય છે. પક્ષોને મળેલા મતોના આધારે સભ્યોની નિમણૂક થાય છે અને તે રીતે કુલ 342 સભ્યો છે. પણ અગત્યની આ 272 બેઠકો છે, જેમાં જીતના આધારે જ રાજકીય પક્ષનું જોર નક્કી થાય છે.
સૌથી ધ્યાન ખેંચતી બાબત એ છે કે 272માંથી 141 બેઠકો માત્ર પંજાબ પ્રાંતમાં છે. આ પ્રાંતમાં નવાઝ શરીફની પીએમએલ(એન) સૌથી મજબૂત છે અને તેના કારણે પણ સેના સામે નવાઝ માથું મારીને સત્તામાં આવતા રહ્યા છે. ભુટ્ટો પરિવારની પાર્ટી પાકિસ્તાન પિપલ્સ પાર્ટી પણ થોડી નબળી પડી છે અને બીજું તેનો ટેકેદાર વર્ગ માત્ર સિંધના ગ્રામીણ વિસ્તારોમાં છે. સિંધની 61 બેઠકોમાંથી 31 ગ્રામીણ વિસ્તારની બેઠકો પીપીપીને ગયા વખતે મળી હતી. પરંતુ કરાચી, હૈદરાબાદ જેવા સિંધના શહેરોમાં એમક્યુએમ અને બીજા પક્ષો તેની સામે હરિફાઇ કરે છે. ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન જેવા પ્રાંતમાં જુદા જુદા પ્રાદેશિક પક્ષો અને કબીલાઓનું જોર છે.
આ સંજોગોમાં બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો પછી ઇમરાન ખાનની પાર્ટી જ રાષ્ટ્રીય ધોરણે અસર પાડવાની આશા રાખે છે, પણ કેટલી તે હજી નક્કી નથી. કેમ કે સેના આ વખતે ઇમરાનને આડકતરો ટેકો આપે છે તેવી ધારણા છતાં તેમના પક્ષનું એવું માળખું નથી કે સમગ્ર પાકિસ્તાનમાં તેની અસર પહોંચે. 2013માં પંજાબની 113 બેઠકો નવાઝે જીતી લીધી હતી. તેની સામે ઇમરાનના પક્ષને માત્ર 8 બેઠકો મળી હતી. જોકે આ વખતે વધુ બેઠકોની આશા છે, કેમ કે નવાઝ જેલમાં ગયા પછી તેમના પક્ષમાં તડાં પડવા લાગ્યા છે અને તેના ઘણા નેતાઓ ઇમરાન સાથે થયા છે. પરંતુ તે પૂરતું છે કે કેમ તે આવતા અઠવાડિયે ખબર પડી જશે. નવાઝની પાર્ટીની મર્યાદા એ રહી છે કે તે પંજાબની બહાર પોતાની પાંખ ફેલાવી શકી નથી. તેથી સૌથી વધુ બેઠકો સાથે પણ તે પંજાબ પ્રાંતની જ પાર્ટી રહી છે.
પરંતુ આવી સ્થિતિમાંય શરીફ ખાનદાનની અવગણના કરી શકાય તેમ નથી. હાલમાં નવાઝના ભાઇ શાહબાઝ પક્ષનું સુકાન સંભાળી રહ્યા છે. પોતાને વડાપ્રધાન પદેથી હટવું પડ્યું ત્યારે પંજાબ પ્રાંતમાં મુખ્યપ્રધાન રહેલા શાહબાઝને વડાપ્રધાન બનાવાશે તેવી પણ એક ચર્ચા હતી. જોકે તેના બદલે શાહિદ અબ્બાસીને વડાપ્રધાન બનાવાયા હતા. શરીફ ખાનદાનમાં ખેંચતાણની પણ ત્યારે ચર્ચાઓ થયેલી. નવાઝ પોતાની દિકરી મરિયમને આગળ કરવા માગે છે, તેથી તેમણે શાહબાઝને આગળ આવવા દીધા નહોતા એવી ચર્ચા હતા. જોકે હવે મરિયમ પણ તેમની સાથે જેલમાં છે ત્યારે પક્ષનું સુકાન શાહબાઝના હાથમાં છે.
એવું પણ માનવામાં આવે છે કે ભાઇ નવાઝ કરતા શાહબાઝ સેનાના અધિકારીઓ સાથે સારા સંબંધો રાખવામાં માને છે. ચૂંટણીના પરિણામો પક્ષી કોઈને સ્પષ્ટ બહુમતી ના મળે ત્યારે આ મુદ્દો ઉપયોગી સાબિત થાય તેવો છે. પંજાબમાં ઇમરાન ભાગ પડાવે અને વધુ બેઠકો લઈ જાય તે પછી પણ ઇમરાનનો પક્ષ એકલે હાથ સત્તામાં આવી શકે તેમ નથી. તે સંજોગોમાં બાકીના ત્રણ પ્રાંતોના નાના પક્ષો પર ઇમરાન આધાર રાખવો પડશે.
ઇમરાન ખાનને એવી આશા છે કે ઘટતી બહુમતી પૂરી કરવા માટે સેના તેમને મદદ કરશે. પાકિસ્તાની સેનાનો ઇશારો હશે તો સિંધ ઉપરાંત બંને પ્રાંતના ઉદ્દામવાદી પક્ષો પણ ઇમરાનને ટેકો આપી શકે છે.
ઇમરાન ખાન માટે એવું પણ કહેવાય છે કે તેમના પર ભરોસો મૂકી શકાય નહિ. સેનાને પણ લાગે છે કે ક્રિકેટર તરીકે અને બાદમાં કેન્સર હોસ્પિટલ સહિતની ચેરિટીની પ્રવૃત્તિને કારણે ઇમરાન ભલે લોકપ્રિય હોય, પણ વડાપ્રધાન તરીકે તેમના પર આધાર રાખવો વધારે પડતો છે. તેનું વ્યક્તિત્વ એવું નથી કે સેનાના અધિકારીઓથી દબાઇને રહે. આમ પણ તેની પ્લેબોય તરીકેની છાપ છે, જે પાકિસ્તાનના રૂઢિચૂસ્ત સમાજમાં બહુ સ્વીકાર્ય બને તેવી નથી. તેની છુટ્ટી પડેલી ત્રીજી બેગમ રેહમ ખાન પણ અત્યારે તેના પર જાતભાતના આક્ષેપો કરી રહી છે.
આ સંજોગોમાં સેનાની ઇચ્છા છતાં ઇમરાન ખાનને વડાપ્રધાન બનાવતા પહેલાં પાકિસ્તાની સેનાએ ચૂંટણીના પરિણામોની રાહ જોવી પડશે. પરિણામોની પેટર્ન પણ સમજવી પડશે. એ વાત સાચી છે કે પાકિસ્તાની સેનાનું જ દેશમાં ચાલે છે, પણ લોકમિજાજને અવગણીને કોઈ પગલું સેના ના લઈ શકે તે એટલી જ સાચી વાત છે. તેથી જ નવાઝ શરીફ સાથે સંભાળીને વર્તન થઈ રહ્યું છે. સેનાની ઇચ્છા ઉપરાંત ચૂંટણીમાં ઇમરાન ખાનના પક્ષનો દેખાવ અને તેની સામે બાકીના પક્ષોનો, ખાસ કરીને શરીફના પક્ષનો દેખાવ કેવો રહ્યો તેના આધારે પાકિસ્તાનમાં નવો વડાપ્રધાન આવશે એવું અત્યારે કહી શકાય.