પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન સાથે આવી છે અસ્થિરતા

પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન શક્ય બન્યું છે અને 70 વર્ષ પછી એક નવા રાજકીય પક્ષનો ઉદય થયો છે. આ પક્ષ એક જ વ્યક્તિ આધારિત છે અને ક્રિકેટમાં સિદ્ધિને કારણે મળેલી લોકપ્રિયતા અને બાદમાં ચેરિટી વર્કને કારણે ઊભી થયેલા અપેક્ષામાંથી જન્મેલો પક્ષ છે. આઝાદી પછી બે પેઢી બદલાઈ ગઈ છે અને તદ્દન નવી પેઢી નવી અપેક્ષાઓ સાથે જૂનું ભૂલી જવા માગતી હશે અને તેના કારણે નવો પક્ષ ઊભો થયો હશે તે વાત સાવ સાચી નથી.
તેના કારણે જ પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન આવ્યું છે, પણ સાથોસાથ અસ્થિરતા પણ આવી છે, કેમ કે આ પરિવર્તન જૂની બે પેઢીની જગ્યાએ તદ્દન નવી રીતે વિચારનારી ત્રીજી પેઢીનું પરિવર્તન નથી. આ પરિવર્તન માત્ર બે પરિવારોના આધારે ચાલતી રાજકીય પદ્ધતિમાં નવી નેતાગીરી ઊભી કરવાના સેનાના પ્રયાસોને કારણે આવ્યું છે, પણ તેના કારણે અસ્થિરતા પણ આવી છે. સ્પષ્ટ બહુમતી કોઈને મળી નથી અને લાંબા ગાળે ઇમરાન ખાન દેશવ્યાપી ત્રીજું પરિબળ મજબૂત બનાવી શકે તેવા લક્ષણો પણ નથી. આ ઊભરો શમી જાય ત્યારે સ્થાપિત હિતો ફરીથી કબજો જમાવે તેવી પણ શક્યતા છે.

આંકડાં જ અસ્થિરતા દેખાડે છે. પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ પક્ષને 115 બેઠકો મળી છે. પાકિસ્તાનની સંસદની પૂર્ણક્ષમતાએ બહુમતી સાબિત કરવાની હોય તો 137 સાંસદો જોઈએ. જોકે અત્યારે ઇમરાન ખાનની સરકાર બની જશે, કેમ કે કોમી એસેમ્બલી તરીકે ઓળખાતા સંસદના નીચલા ગૃહમાં હાલમાં 330 જ સભ્યો છે. ઇમરાન ખાન પોતે પાંચ બેઠકો પરથી જીત્યા છે એટલે ચાર ખાલી કરવી પડશે. એ જ રીતે બબ્બે બેઠકો પરથી જીતેલા નેતાઓઓ પણ અડધો ડઝન છે એટલે તે પણ ખાલી પડી છે. બે બેઠકોની ચૂંટણી રદ થઈ હતી. આ રીતે એક ડઝન બેઠકો ખાલી પડી છે. તેથી અત્યારે ઇમરાન ખાન વજિર-એ-આઝમ બની શકશે, પણ આગળ વિપક્ષો શું કરશે અથવા કરી શકશે તેના કારણે અસ્થિરતા વધી શકે છે.
પાકિસ્તાન મુસ્લિમ લિગ-નવાઝને 64 બેઠકો, જ્યારે પાકિસ્તાન પિપલ્સ પાર્ટીને 43 બેઠકો મળી છે. ઉદ્દામવાદી નેતા ફઝલુર રહેમાનની પાર્ટી મુત્તેહિદા મઝલિસ-એ-અમલ (એમએમએ)ની પાસે 12 સાંસદો છે એટલે ત્રણેયનો સરવાળો ઇમરાનના પક્ષ કરતાં વધી જાય છે. બલોચિસ્તાનની અવામી નેશનલ પાર્ટી પણ વિપક્ષના જૂથમાં જોડાઈ છે. બલોચિસ્તાનમાં બલોચિસ્તાન અવામી પાર્ટી સાથે પ્રાંતિય સરકારમાં તે જોડાઈ પણ છે અને રાષ્ટ્રીય કક્ષાએ પણ વિપક્ષની સાથે જોડાણ કરી શકે છે.હારી ગયેલી નવાઝ સરકારના નેતા અને ભૂતપૂર્વ સ્પીકર અયાઝ સિદ્દિકેના નિવાસસ્થાને આ ચારેય પક્ષના સિનિયર નેતાઓની બેઠક રવિવારે મળી હતી. સંયુક્ત રીતે ઇમરાનની સરકારનો સામનો કરવાની સ્ટ્રેટેજી માટે ચારેય પક્ષોએ એકઠા થવા સહમત થયા હતા. જોકે ફઝલુર રહેમાને પહેલાં એવું કહ્યું હતું કે ચૂંટણીના પરિણામોનો બહિષ્કાર કરવો અને સંસદમાં જવું નહિ, પણ બાદમાં તેમને મનાવી લેવાયા કે વિપક્ષે સંયુક્ત રીતે મોરચો માંડવો.
બીજી બાજુ ઇમરાન ખાનને મોટા ભાગના અપક્ષોએ ટેકો આપી દીધો છે. ભારતની જેમ જ અપક્ષોની ખરીદી થવા લાગી છે. પ્રાઇવેટ વિમાનો મોકલીને અપક્ષોને એકઠા કરવામાં આવી રહ્યા છે. ભાવતાલ થવા લાગ્યા છે અને સોદાબાજી પણ થવા લાગી છે. આવી સોદાબાજી પંજાબ પ્રાંતમાં સરકાર બનાવવા માટે પણ થઈ રહી છે. ત્યાં 17થી વધુ અપક્ષો જીત્યા છે અને અહીં પણ નવાઝ અને ઇમરાનના પક્ષ વચ્ચે બે જ બેઠકોનો ફરક છે. ઇમરાન પાસે 129 સભ્યો છે, જ્યારે શાહબાઝ શરીફ પાસે 131, પણ 10 અપક્ષોનો ટેકો મેળવીને ઇમરાનનો પક્ષ અહીં સરકાર બનાવશે. શરીફના પક્ષમાંથી જ છુટ્ટા પડેલા અને પીએમએલ-ક્યુ એવો અલગ પક્ષ બનાવનારા ચૌધરી સુઝાત હુસૈને પણ પીટીઆઇને ટેકો આપવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
ઇસ્લામાબાદમાં રાષ્ટ્રીય સરકાર બનાવવા સાથે લાહોરમાં પંજાબની સરકાર બનાવવી પણ ઇમરાન માટે જરૂરી છે. ઇમરાન પહેલેથી જ રાષ્ટ્રીય નેતા રહ્યા છે, પણ તેમના પક્ષની સરકાર માત્ર ખૈબર પખ્તુનખ્વાં જેવા નાના પ્રાંતમાં જ બની શકી હતી. હવે સૌથી મોટા અને અગત્યના પંજાબ પ્રાતમાં પણ સરકાર બને તો રાષ્ટ્રીય કક્ષાએ તેમની સરકારની અસ્થિરતા એટલી ઓછી થાય.જોકે અસ્થિરતા ઓછી થાય તેમ લાગતું નથી. ફઝલુર રહેમાન જેવા ઉદ્દામવાદીની પાર્ટી પણ તાલિબાન ખાન કહેવાતા ઇમરાન સાથે રહેશે તેવું મનાતું તેવું બન્યું નથી. જોકે બીજી રૂઢીચૂસ્ત પાર્ટીઓ ઇમરાન સાથે રહેશે. ઇસ્લામાબાદમાં ચાર પક્ષોના નેતાઓ ભેગા થયા તે પછી લાહોરમાં જમાત-એ-ઇસ્લામીના વડા સિરાજુલ હકે જુદો સૂર કાઢ્યો હતો. તેમણે એવું નિવેદન આપ્યું કે પીટીઆઇની સરકાર બને તેમ લાગે છે ત્યારે તેને કામ કરવા માટેની તક આપવી જોઈએ. ફઝલુર રહેમાનની સાથે રહેવાના બદલે સિરાજુલ હકે આ રીતે ઇમરાનની તરફેણ કરી છે.
ભારતમાં વિપક્ષની મોરચા સરકારો બનતી હોય છે તે રીતે પાકિસ્તાનમાં મોરચા સરકાર બને કે નહિ? આ સવાલનો જવાબ એ છે કે પાકિસ્તાની સેનાની ઇચ્છા ના હોય તો શક્ય નથી. મોરચા સરકાર બને તો ફરી એકવાર નવાઝ અને ભુટ્ટો પરિવારની પકડ જ મજબૂત થાય. સત્તા હાથમાંથી જતા જોઈને કદાચ નવાઝ અને ભુટ્ટો પરિવાર એક થવા તૈયાર થાય પણ ખરા, પણ બીજા પક્ષો તેમને ટેકો ના આપે તે જોવાનું કામ સેના કરી શકે છે. તેથી અત્યારે તો સંયુક્ત રીતે વિપક્ષમાં રહીને મોરચો માંડવા માટે નવાઝ અને ભુટ્ટો ભેગા થયા છે અને તેમની સાથે એમએમએ અને અવામી નેશનલ પાર્ટી જોડાઈ છે, પણ આ મોરચો સત્તા માટે એક થઈ શકે તેવું જાણકારોને લાગતું નથી.
બિલાવલ ભુટ્ટોની ઉંમર નાની છે અને તેને સિંઘમાં પોતાનું સ્થાન ટકાવી રાખવાની ચિંતા છે. સિંઘમાં ઘણા વખતે મોહાજિર કોમી મુવમેન્ટ નબળી પડી છે, તેથી શહેરી વિસ્તારમાં પણ ફરી સ્થાન જમાવવાની પીપીપીની ગણતરી છે. શરીફ પરિવારની સરકાર પંજાબમાં બને તેમ લાગતું નથી, પણ સિંઘમાં પીપીપીની સરકાર બની રહી છે. કોઈના ટેકા વિના સ્વતંત્ર રીતે સરકાર બનાવી શકશે. સિંઘમાં પણ પીપીપી સામે સંયુક્ત મહાગઠબંધનની રચના થઈ હતી, પણ ચૂંટણીમાં તેને સમર્થન મળ્યું નથી. તેના કારણે સતત ત્રીજી ટર્મ માટે પીપીપીની સરકાર સિંઘમાં બનશે. બિલાવલ ભુટ્ટો માટે પોતાનો ગઢ જાળવવો વધારે જરૂર છે. રાષ્ટ્રીય રાજકારણ કેવી રીતે આકાર લે છે તે પણ તેને જાણવામાં રસ હશે.

PTI

ઇમરાન ખાને આવ્યા પછી જે નિવેદનો કર્યા છે તેનો અર્થ એ કે ભારતે બહુ હરખાવા જેવું નથી. તમે એક ડગલું ચાલો અને બે ડગલાં ચાલીશું એવી ઘસાયેલી રેકર્ડ જ તેમણે વગાડી છે. ભૂતકાળના અનુભવો કહે છે કે ભારત સાથે સારા સંબંધોની વાતો કરનારા નેતા ખાનગીમાં ભારત વિરોધી વધારે થાય છે. દુનિયાને દેખાડવા માટે સારી વાતો કર્યા પછી સ્થાનિક પ્રજાને ખુશ કરવા માટે પોતે કેટલાક ઉદ્દામવાદી થઈ શકે છે તે દેખાડવાની નેમ નેતાની હોય છે.
ઇમરાન ખાને બે દાયકામાં પોતાની રૂઢિચૂસ્ત અને ધાર્મિક કટ્ટર તરીકેની છાપ ઊભી કરી છે. તેને વળગી રહેવું તેના માટે જરૂરી બનશે. જમાતે ઇસ્લામી જેવા પક્ષનો ટેકો હોય ત્યારે સ્થાનિક ધોરણે પણ નીતિઓ નક્કી કરવામાં તેમના પર મર્યાદાઓ આવશે. અર્થતંત્રમાં તાત્કાલિક કશું થઈ શકે તેમ નથી એટલે ભારત સામે આકરું વલણ દાખવીને લોકોનું ધ્યાન બીજે દોરવાના પ્રયાસો પણ થશે.
સરવાળે પૂરતી બહુમતી ના હોવાથી રાજકીય અસ્થિરતા ઉપરાંત નીતિગત અસ્થિરતા પણ ઇમરાનની સરકારમાં રહેશે. સેનાને પૂછ્યા વિના આમ પણ કશું કરવાનું નથી, ત્યારે સાથી પક્ષોની ડિમાન્ડ પણ સરકારે માનીને ચાલવી પડશે. પાકિસ્તાનમાં રાજકીય ઉપરાંત આ રીતે સામાજિક અને આર્થિક અસ્થિરતા પણ અકબંધ રહેશે એમ અત્યારે તો લાગે છે.