ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા છે ત્યારથી અમેરિકામાં પણ કેટલાક લોકો ગભરાયા છે. તે કેવો નિર્ણય લેશે તેનો કોઈ ભરોસો હોતો નથી. અમેરિકા ઇમિગ્રન્ટ્સથી બનેલો દેશ છે. દુનિયાભરમાંથી ટેલેન્ટેડ લોકો અમેરિકા આવે છે અને એવી કંપનીઓનું સર્જન કરે છે, જે દુનિયાભરમાંથી નાણું અમેરિકા ઉસેડી લાવે છે. અમેરિકાની સમૃદ્ધિનું રહસ્ય આ હોવા છતાં બહારથી આવતા લોકો સામે ટ્રમ્પને વાંધો છે. તેમનો મુખ્ય વિરોધ મુસ્લિમ દેશોમાંથી આવતા લોકોનો છે, કેમ કે તેમને લાગે છે કે તેમાં અમેરિકાની સલામતી સામે જોખમ છે. પણ સમગ્ર રીતે તેમને વિદેશીઓ ગમતા નથી, કેમ કે તેમને લાગે છે કે અમેરિકનોની નોકરીઓ તેઓ લઈ લે છે.ડોનાલ્ડ ટ્રમ્પ વિશેની અનિશ્ચિતતા બીજા ક્ષેત્રમાં પણ છે. ડોનાલ્ડ ટ્રમ્પ લાંબું વિચારનારા નથી. ભાવિ પેઢીનું કે સમગ્ર માનવજાતનું કલ્યાણનું વિચારનારા નથી. મૂળે તો વેપારી માણસ છે, જેમને પોતાનો વેપાર ચાલે છે કે નહીં એકમાત્ર તેની ચિંતા હોય છે. રશિયા સામે ફરીથી શસ્ત્રોની સ્પર્ધા કરવા અને અંતરીક્ષમાં સેના ઊભી કરવા માટે અબજો રૂપિયા ખર્ચી નાખવા માટે ટ્રમ્પ તૈયાર થાય છે ત્યારે તેઓ કઈ દિશામાં જવા માગે છે તે સવાલ ઊભો થાય. ક્લાયમેટ ચેન્જ માટે દુનિયાના બધા દેશોની ચિંતા છે, પણ તેમાં અમેરિકા કઈ રીતે ભાગ ભજવી શકે તે માટે ટ્રમ્પ ચિંતા કરવા માગતા નથી. સમૃદ્ધ દેશ તરીકે તેઓ ભોગ આપવા માગતા નથી અને ચીન અને ભારત જેવા વિશાળ વસતિ ધરાવતા દેશોને દોષ દેવા માગે છે.
ક્લાયમેટ ચેન્જ દુનિયાના બધા દેશોને અસર કરવાની છે, ત્યારે તેનો સાથે મળીને સામનો કરવા માટે દુનિયામાં સર્વસંમતિ ઊભી કરવા પ્રયાસો ચાલતા રહે છે. આવી સર્વસંમતિમાં ટ્રમ્પ ના માનતા હોય તેમ લાગે છે. ફ્રી ટ્રેડ માટે દુનિયામાં ચાલતા પ્રયાસોને પણ તેઓ ઊંધા નાખવા માગતા હોય તેમ ચીન સામે તેમણે માથું ભેરાવ્યું છે. અમેરિકાના ફ્રી ટ્રેડ આડેના અવરોધોના કારણે જગતભરમાં મંદીની સ્થિતિ આવી શકે છે.આવી ચિંતાઓ વચ્ચે અમેરિકા વધુ એક નિર્ણય એવો કરી રહી છે, જેના કારણે પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જની ચિંતા કરનારા ચોંકી જાય. એ વાત સર્વસ્વીકાર્ય બની છે કે ફોસિલ ફ્યુઅલ એટલે કે કોલસો અને ક્રૂડ ઑઇલ વાપરવાનું આપણે બંધ નહિ કરીએ તો દુનિયાની હાલત ખરાબ થઈ જવાની છે. એક તબક્કે તે ખૂટી પડશે ત્યારે તેનો વિકલ્પ શોધવાનો છે, પણ ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. બહુ ઝડપથી ક્લિન ઉર્જા તરફ દુનિયાએ જવું જોઈએ તે વાત સૌ જાણકારો સ્વીકારે છે.
ક્લાયમેટ ચેન્જ જેવી કોઈ વસ્તુ છે ખરી એવો સવાલ પણ ટ્રમ્પે પૂછીને સૌને ચોંકાવી દીધા હતા. ઑઇલ ઉત્પાદનમાં તેઓ રશિયાને પણ પાછળ રાખી દેવા માગે છે. તેમને લાગે છે કે ઑઇલ, ગેસ અને કોલસા પર મૂકાયેલા પ્રતિબંધો નડતરરૂપ છે. આગળના પ્રમુખ ઓબામાએ લાંબા ગાળાનું વિચારીને ક્લિન એનર્જી માટે નીતિ તૈયાર કરી હતી. ઓબામા ક્લિન પાવર પ્લાનની એ નીતિને ટ્રમ્પ પલટાવી નાખવા માગે છે.ક્લિન ઉર્જાની દિશામાં સૌથી મોટા પ્રયાસો દુનિયામાં ચાલી રહ્યા છે તે સૌર ઉર્જા માટે છે. અમેરિકામાં પણ તે દિશામાં સૌથી વધુ પ્રયાસો થઈ રહ્યા છે અને યોગ્ય પોલિસી સાથે અમેરિકાને અને અમેરિકાની કંપનીઓને જ તેમાં સૌથી વધુ ફાયદો થઈ શકે તેમ છે. દાખલા તરીકે ઇલેક્ટ્રિક કારની બાબતમાં અમેરિકામાં ટેસ્લા અને લ્યુસીડ સહિતની કંપનીઓ બહુ ઝડપથી આગળ વધી રહી છે. ઇલેક્ટ્રિક કારની સાથે સૌર ઉર્જાને જોડી દેવાય તો એવું નેટવર્ક ઊભું થાય જે અમેરિકાને ફાયદો કરાવે, સમગ્ર દુનિયામાં અમેરિકન કંપનીઓ છવાઈ જઈ શકે છે.પરંતુ તે માટે જરૂરી છે ક્રૂડ પરની નિર્ભરતા ઓછી કરવા માટે સરકારી નિયમોના સ્તરે નિર્ણયો લેવામાં આવે. ઇલેક્ટ્રિક કાર મોંઘી પડે છે તેથી લોકો ઓછી ખરીદે છે. ઓછી ખરીદે છે એટલે ઉત્પાદન ઓછું થાય અને કંપનીઓ નફો કરી શકતી નથી. નફો ના કરી શકે એટલે વધારે સસ્તી કાર બનાવવાનું કામ ધીમું ચાલે છે. પેટ્રોલ-ડિઝલથી ચાલતા વાહનો મોંઘા બને એ આકરું લાગે, પણ આકરો નિર્ણય લઈને શરૂઆત કરવી જરૂરી છે. પરંપરાગત વાહનો મોંઘા થાય તો વધુ લોકો ઇલેક્ટ્રિક કાર તરફ વળે. વધારે ઇલેક્ટ્રિક કાર વેચી શકાય તો વધારે ઉત્પાદન સાથે તેને સસ્તી પણ બનાવી શકાય.
એ વાત સાચી કે માત્ર ઇલેક્ટ્રિક કાર વધવાથી ફોસિલ ફ્યુઅલનો વપરાશ ઓછો થવાનો નથી. ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા માટે તેની જરૂર પડવાની જ છે. પરંતુ ઇલેક્ટ્રિક કાર સાથે જોડી શકાય છે સોલર પાવરનું નેટવર્ક. સોલર સેલ સસ્તા થઈ રહ્યા છે. ઇલેક્ટ્રિક કાર માટે બનાવાયેલી લિથિયમ આયન બેટરી સાથે સોલર સેલને જોડી દેવાથી એક માળખું તૈયાર થાય છે. તડકો ના હોય ત્યારે પણ અને રાત્રે પણ બેટરીમાંથી વીજળી મળી રહે. સોલર સેલ અને બેટરી બંને વધારેમાં વધારે કાર્યક્ષમ બંને અને બંનેની જોડીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું ઉત્પાદન કરવા માટે વીજમથકોની જરૂર ના રહે.પણ તે ચક્ર ચાલતું થવું જોઈએ. ઇલેક્ટ્રિક કાર વધારે લોકો ખરીદે ત્યાંથી ચક્ર ચાલતું થઈ શકે છે. ઇલેક્ટ્રિક કાર વધારે ખરીદવાનું ચક્ર ચાલુ થાય તે માટે પરંપરાગત કાર લોકો ખરીદવા બંધ થાય તેવું કરવું પડે. તે માટે ફ્યુઅલ એફિશયન્સી અને એવરેજના નિયમો વધારે કડક કરવા પડે. અહીં જ અમેરિકામાં અવળો પ્રવાહ ચાલે તેમ લાગે છે. હાલમાં જ એક અહેવાલ આવ્યો છે કે અમેરિકન સરકાર પેટ્રોલ-ડિઝલના વાહનો વધારે એવરેજ આપતા થાય તેવા કડક નિયમો કરવા માગતી નથી. અમેરિકન સરકાર ક્રૂડ ઑઇલનો વપરાશ ઓછો થાય તે માટે પણ વધારે પ્રયાસો કરવા માગતી નથી.
થયું છે એવું કે અમેરિકામાં તળમાંથી ક્રૂડ કાઢવાની ટેક્નિકમાં સુધારો થઈ રહ્યો છે. તેના કારણે નીચોવી નીચોવીને વધુ ઑઇલ અને ગેસ અમેરિકન કંપનીઓને મળી રહ્યા છે. તેના કારણે ક્રૂડની આયાત વધારવાની જરૂર રહી નથી. તેના કારણે ચિંતા રહી નથી. તેના કારણે ક્રૂડ અને ગેસ વધારે વપરાય તેને અટકાવવાની પણ જરૂર અમેરિકન સરકારને લાગતી નથી. અમેરિકાના એનર્જી ડિપાર્ટમેન્ટે એક અહેવાલમાં કહ્યું કે આપણા ઑઇલ રિસોર્સીઝનો ભૂતકાળ કરતાં વધુ ફ્લેક્સિબિલીટી સાથે ઉપયોગ કરવામાં બહુ ચિંતા કરવા જેવું નથી.
પરંતુ દુનિયા માટે આવું વલણ ચિંતાજનક છે. દુનિયામાં સોલર સહિતના વૈકલ્પિક ઉર્જા સ્રોતો ઊભા થાય તેમાં જ સમગ્ર માનવજાતનું હિત રહેલું છે. અમેરિકા માત્ર આર્થિક દૃષ્ટિએ વિચારતું હોય તો પણ તેને ફાયદો છે. ઇલેક્ટ્રિક કાર અને તેની બેટરીની ટેક્નોલોજી તે દુનિયાભરને વેચીને કમાણી કરી શકે છે. સોલર સેલ બનાવવામાં ચીન અને લિથિયમ આયન બેટરી બનાવવામાં જાપાન, કોરિયા, તાઇવાન જેવા દેશો આગળ છે. અમેરિકન કંપનીઓ સ્વતંત્ર રીતે અને આ દેશોની કંપનીઓના સહયોગમાં અમેરિકામાં જ મોટા પાયે સોલર સેલ અને બેટરીના ઉત્પાદન માટે ફેક્ટરીઓ નાખી રહી છે. ઇલેક્ટ્રિક કાર માટે વધુ ને વધુ સારી થતી જતી બેટરી બીજા ઉપયોગમાં કામ આવવાની છે. સોલર સેલ લગાવીને દિવસે વીજળી મળે, પણ રાત્રે ના મળે તે સમસ્યા બેટરીના કારણે હલ થઈ શકે છે. બેટરીને ચાર્જ કરવા માટે વિન્ડમીલ સહિતના ઉપાયો પણ છે. ઘરેઘરેથી વીજળીના તાર નીકળી જાય ત્યારે આજે તે રીતે ગેસના અને મિનરલ વોટરના બાટલા ઘરે ઘરે આપવાની વ્યવસ્થા થઈ છે, તે રીતે ઘરે ઘરે બેટરી આપવાનો વ્યવસાય પણ વિકસી શકે છે.
પણ પેલું ચક્ર ચાલું કરવું પડે. લોકોને ફરજ પાડવી પડે કે પરંપરાગત વાહનો વાપરતા બંધ થાય. પરંપરાગત રીતે ડિઝલ ઓઇલથી કુવામાંથી પાણી ખેંચવાનું મોંઘું કરવામાં આવે તો લોકોને ફરજ પડે કે સોલર પેનલ લગાવે. તેના બદલે અમેરિકાના એનર્જી ડિપાર્ટમેન્ટના છેલ્લામાં છેલ્લા રિપોર્ટમાં હજી પેટ્રોલ બાળવામાં ચિંતા કરવા જેવું નથી એવું કહ્યું છે તે જ મોટી ચિંતાનું કારણ છે