સાઉદીની જેમ ઇરાનની નારીઓ પણ કરી રહી છે સંઘર્ષ

સાઉદી અરેબિયામાં સ્ત્રી કાર ચલાવતી થઈ તે સમાચાર દુનિયાભરમાં ચમક્યા હતા. ધીમે ધીમે મહિલાઓની મુક્તિના દ્વારા ખુલી રહ્યાં છે એવી છાપ ઊભી થાય, પણ તે વાત સંપૂર્ણ સાચી નથી તે વાત જાણકારો જાણે છે. સૌથી રૂઢિચૂસ્ત સાઉદીમાં સુધારા થયાં તો બાકીના દેશોમાં આશા જાગી હશે એવી કલ્પના પણ અસ્થાને છે, કેમ કે ઇરાન જેવા એક જમાનામાં સુધારા તરફ આગળ વધવા લાગેલા દેશમાં પણ ઉલટાની ચૂસ્તી વધી છે. થોડા વખત પહેલાં ઇરાનની કેટલીક યુવતીઓના અંગ્રેજી ગીતો પર ડાન્સ કરતા વિડિયો વહેતા થયાં ત્યારે બહારની દુનિયાને પણ આઘાત લાગ્યો હતો. ઇરાનમાં બહુ ઓછા લોકોએ તે વિડિયો જોયા હશે, પણ બહારની દુનિયામાં તેણે હલચલ મચાવી પછી 17 વર્ષની એ યુવતીની ધરપકડ કરી લેવામાં આવી હતી.પછી શું થયું? મદિહ હોજાબ્રી નામની એ યુવતી હમણાં ઇરાનના ટીવી પર આવી હતી. તેણે કબૂલાત કરી કે નૃત્ય કરવું ઇસ્લામની ખીલાફ છે અને પોતાને હવે સમજાવટ પછી ભાન થયું છે. તેનો આ પશ્ચાતાપ જોઈને નવાઈ ના લાગવી જોઈએ, કેમ કે ઇરાન પોતે લોકતાંત્રિક દેશ છે તેનો દેખાવ કરવા માગે છે. સાઉદીમાં શેખનું રાજ ચાલે છે. ત્યાં લોકશાહીનો દેખાવ કરવાની જરૂર નથી. ઇરાનના શાહને બળવો કરીને હટાવી દેવાયા, તે પછી ધાર્મિક મુલ્લાઓનું રાજ ચાલે છે, પણ દેખાવ લોકશાહીનો થાય છે.
મદિહ જેવી યુવતીઓ આધુનિક દેખાવાની કોશિશ કરે ત્યારે તેની ધરપકડ કરી લેવાય છે. તે પછી તેને સજા પણ જાહેર થાય છે. સજાની સાથે તેને ‘સુધારવાની અને શિક્ષણ’ આપવાની કોશિશ થાય છે. આ રીતે પોતાના ધર્મ અને સંસ્કૃત્તિની પરંપરાના શિક્ષણ પછી યુવતી ‘સુધરી’ જાય ત્યારે તેને માફી પણ આપવામાં આવે છે. તે કબૂલાત કરે, ટીવી પર તે દર્શાવવામાં આવે અને પછી તેને છોડી મૂકવામાં આવે.
આ તમાશો છેલ્લા કેટલાય દાયકાથી ચાલે છે. આ વાત સૌથી સારી રીતે જાણે છે મસિહ અલીનેજાદ, કેમ કે 22 વર્ષ પહેલાં પોતે તેમાંથી પસાર થઈ રહી છે. મસિહે નૃત્યુ કરનારી મદિહનો વિડિયો પણ જોયો હતો અને ખુશ થઈ હતી. થોડા જ મહિનામાં મદિહની કબૂલાતના સમાચાર પણ જોયા અને તે હવે દુઃખી પણ થઈ છે. ઇરાનની યુવતીઓ હજી પણ હિંમત દાખવી રહી છે તેનાથી તે ખુશ થઈ હતી, પણ બે દાયકા પછીય સ્થિતિ બદલી નથી તેથી દુઃખી પણ છે. મસિહ પોતે 19 વર્ષની હતી ત્યારે આ સ્થિતિમાંથી પસાર થઈ હતી. મસિહે ફરજિયાત હિજાબનો વિરોધ કર્યો હતો. સમગ્ર શરીરને ઢાંકી દેતો પોષાક પહેરવાનો તેણે વિરોધ કર્યો હતો. તેની પણ ધરપકડ થઈ હતી અને તેને પણ ‘સુધારવાની’ કોશિશ થઈ હતી.
41 વર્ષની મસિહ હાલમાં ન્યૂ યોર્કમાં રહે છે. નિરાશ્રિત તરીકે છે અને હજી સુધી તેને અમેરિકન પાસપોર્ટ મળ્યો નથી. તે કહે છે કે હું માત્ર 19 વર્ષની હતી અને જેલમાં રહેવા માગતી નહોતી એટલે કબૂલાત કરી લીધી હતી. મદિહનો ડાન્સનો વિડિયો અને તેની કબૂલાત બંને તેણે જોયા. પોતાની જેવી સ્થિતિમાંથી તે પસાર થઈ હશે તે વાત તે સમજી શકી છે. તેના કરતાંય તેને વધુ આઘાત લાગ્યો હતો, પોતાની બહેનની ઇરાનની ટીવી પરની કબૂલાતને કારણે. ઇરાનની સરકાર મસિહને બદનામ કરવાની કોઈ તક છોડતી નથી અને તેની પાછળ પડી ગઈ છે. તેનું કારણ પણ છે, કેમ કે મસિહ અમેરિકામાં બેઠા બેઠા સતત ઇરાન વિરુદ્ધ ઝુંબેશ ચલાવે છે. ગયા મહિને જ મસિહની બહેનને ઇરાનની ટીવી પર રજૂ કરવામાં આવી હતી. તેને ફરજ પાડવામાં આવી હતી કે પોતાની બહેન વિરુદ્ધ બોલે.
નાની બહેન પોતાના વિરુદ્ધ બોલતી હતી તે જોઈને મસિહ રડી પડી હતી. સરકારી દબાણથી તે બોલી રહી હશે, પણ કદાચ તે માનતી પણ હોય કે હિજાબ પહેરવો જરૂરી છે. મસિહ જાણે છે કે તેનું કુટુંબ પણ તેનાથી વિરુદ્ધ હતું. તેના વિદ્રોહી સ્વભાવને માતાપિતા કે ભાઇબહેન કે કુટુંબે ત્યારે પણ સાથ આપ્યો નહોતો. એ જ રીત કદાચ તેની બહેન પણ હિજાબ વિરુદ્ધની મસિહની લડાઇને વખોડી રહી હતી તે કદાચ સાચે પણ વખોડી રહી હોય તેવું બની શકે.
મસિહ નાના ગામમાં સામાન્ય પરિવારમાં જન્મી હતી, પણ આગળ જતા તે પત્રકાર બની હતી. બગદાદમાં તે પત્રકાર તરીકે નવી દુનિયાને જોતી અને જાણતી થઈ હતી. પત્રકાર તરીકે ચૂંટણીના મુદ્દાઓ તે ઉછાળતી
હતી ત્યારે તેને લાગતું હતું કે કદાચ ઇરાનમાં ધીમે ધીમે લોકશાહી આવશે. પણ એ તેનો ભ્રમ હતો, કેમ કે ચૂંટણી દરમિયાન સામસામા પક્ષો લડતા હોય ત્યારે ચર્ચાની થોડી છૂટ દેખાતી હતી. પણ ચૂંટણીમાં જે પણ જીતે, તેના પર મુલ્લાઓના નેટવર્કનું જ વર્ચસ રહેતું હતું. પાકિસ્તાનમાં સેના દોરીસંચાર કરે છે, તે રીતે ઇરાનમાં ચૂંટાયેલી સરકારની પાછળ મુલ્લાઓનું નેટવર્ક દોરીસંચાર કરતું રહે છે.
તેના કારણે મસિહને તક મળી એટલે ચાર વર્ષ પહેલાં નાસીને ઇંગ્લેન્ડ પહોંચી ગઈ હતી. બાદમાં અમેરિકન સાથે લગ્ન કરીને ન્યૂ યોર્કમાં સ્થાયી થઈ છે અને ફરજિયાત હિજાબ સહિતના મુસ્લિમ મહિલાઓના મુદ્દાઓ માટે ચળવળ ચલાવતી રહે છે. સોશ્યલ મીડિયાના કારણે તે સીધી ઇરાની નારીઓનો સંપર્ક કરી શકે છે તેથી ઇરાનની સરકાર અકળાય છે. તેના કારણે જ મસિહના પરિવાર પર દબાણ કરીને મસિહને બદનામ કરવાની કોશિશ આ ચાર વર્ષો દરમિયાન ચાલતી રહી છે. તે લંડનમાં હતી ત્યારે ઇરાનના ટીવી પર એવા સમાચાર ચમકાવાયા હતા કે મસિહ પર બળાત્કાર થયો છે.
કુટુંબની દીકરી પર બળાત્કારના સમાચાર સહન કરવા બહુ મુશ્કેલ હોય છે. રૂઢિચૂસ્ત સમાજમાં બળાત્કારની ઘટનાને કારણે દીકરી પર સહાનુભૂતિને બદનામી વધારે મળે છે. મસિહે બળાત્કારની વાત ખોટી છે અને બદનામી ખાતર છે તેવો સામો જવાબ આપવાની પૂરતી કોશિશ કરી હતી, પણ તેના કુટુંબ માટે સ્થિતિ બહુ કફોડી બની ગઈ હતી. તેના કારણે જ તેનું કુટુંબ પણ મહદઅંશે તેનાથી વિરુદ્ધ થઈ ગયું છે.
વિવા મોહાવદી નામની બીજી એક મહિલાએ હાલમાં જ તહેરાનમાં જાહેરમાં હિજાબનો વિરોધ કર્યો હતો. તેણે પોતાનો બુરખો ઉતારીને લાકડી પર તેને ચડાવીને ફરકાવ્યો હતો. તેની પણ ધરપકડ થઈ હતી અને 20 વર્ષની કેદની સજા જાહેર થઈ હતી. શક્યતા એવી છે કે તેને બે વર્ષની કેદ પછી બાકીની સજા સસ્પેન્ડ કરીને છોડી દેવાશે, પણ તે પહેલાં તેની પાસેથી કબૂલાત લેવાશે કે પોતે ભૂલી હતી. પોતે ખોટે માર્ગે હતી અને ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજે હિજાબ પહેરવો જરૂરી છે.આ સ્થિતિના કારણે જાણકારો કહે છે કે સાઉદી અરેબિયામાં મહિલાઓ કાર ચલાવતી દેખાય કે ફૂટબોલ મેચ જોવા જાય તેના કરતાંય ઇરાનમાં સ્ત્રીઓ બુરખા ઉતારીને ખુલ્લા ચહેરે ફરતી થાય ત્યારે વધુ મોટા સમાચારો બનશે. આવું ક્યારે થશે તે કહેવું મુશ્કલ છે, કેમ કે મસિહ કહે છે તે પ્રમાણે છેલ્લા 20 વર્ષથી તેણે ઇરાની નારીઓને સંઘર્ષ કરતી જોઈએ છે. હજી સુધી કોઈ પરિણામ દેખાયું નથી.