ભારત કોરોનાના કેસ શોધવા માટે વધારે ટેસ્ટ કરે છે કે ઓછા કરે છે તેની ડિબેટ ચાલી રહી છે. તમે કયા દેશ સાથે સરખામણી કરો તેના પર ઓછા કે વધારે લાગી શકે છે. સોમવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે દુનિયામાં સૌથી વધુ ટેસ્ટ કરી રહ્યા છીએ. 41.80 લાખ ટેસ્ટ તો અમે કરી નાખ્યા – એમ તેમણે કહ્યું. (બાય ધ વે, ટ્રમ્પને તમે બોલતા જુઓ, જાણે બહુ મોટી સફળતાનું કામ આજકાલ કરી રહ્યા હોય તેવું લાગે. ગ્રેટ… ગ્રેટ… સક્સેસ… સક્સેસ… બસ સાતેક લાખ કેસ ને બસ થોડાક 35,000 મોત થયા, બાકી ગ્રેટ સક્સેસ ટેસ્ટ કરવામાં અને કોરોનાને કાબૂમાં લેવામાં!) ભારતમાં ચારેક લાખ ટેસ્ટની સંખ્યા હવે થવામાં છે. 40 લાખ સામે 4 લાખ ઓછા પણ લાગે, પણ સામે ભારતમાં કેસ પણ હજી અમેરિકામાં મોત થયા તેના કરતાં અડધા છે.
એટલે સરખામણી ના કરતાં જુદા જુદા દેશ કેવી રીતે કોરોના સામે કાર્યવાહી કરે છે તેની વ્યૂહરચના જોઈએ. અગાઉ દક્ષિણ કોરિયા વિશે વાત કરી હતી કે તેણે પ્રથમથી જ મોટા પાયે ટેસ્ટિંગ ચાલુ કર્યા હતા. તેના પણ પહેલા તાઇવાને તો જાન્યુઆરીમાંથી જ વિદેશથી, ખાસ ચીનથી આવનારાના ટેસ્ટિંગ અને તેમના પર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું. તેથી ભારતમાં તબલિગીની જેમ, દક્ષિણ કોરિયામાં શિન્ચેઓંજી ચર્ચ ઑફ જીઝસના અનુયાયીઓને કારણે પ્રારંભમાં ચેપ ઝડપથી ફેલાયો હતો. પરંતુ ત્યારબાદ સરકારે ચર્ચના અનુયાયીઓને એક પછી એક શોધ્યા અને તેમના ટેસ્ટ કર્યા. સાથે જ બીજાના ટેસ્ટ પણ શરૂ કર્યા હતા. તમે કાર લઈને જાવ, કારમાં જ બેઠા રહો અને તમારા નમૂના આપીને જતા રહો. તમને મેસેજમાં રિઝલ્ટ મળી જાય. આ પદ્ધતિએ ટેસ્ટિંગ દક્ષિણ કોરિયાએ જ શરૂ કર્યું હતું. દિલ્હીમાં અને હવે મંગળવારથી મુંબઈમાં પણ તે પદ્ધતિએ ટેસ્ટિંગ શરૂ થયું છે.
દક્ષિણ આફ્રિકાએ પણ લૉકડાઉન સાથે ટેસ્ટિંગ પર ભાર મૂક્યો છે. દક્ષિણ કોરિયાની જેમ ડ્રાઇવ થ્રૂ ટેસ્ટિંગ પદ્ધતિ શરૂઆતથી જ દક્ષિણ આફ્રિકાએ અપનાવી હતી. બીજું ખાનગી લેબને પ્રથમથી જ ટેસ્ટ કરવાની છૂટ મળી હતી અને સૌથી વધુ ટેસ્ટ ખાનગી કંપનીઓ જ કરે છે. ભારતમાં યાદ હશે કે ટેસ્ટનો મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. ભારતમાં પ્રથમ માત્ર સરકારી હૉસ્પિટલો અને લેબમાં ટેસ્ટ થતા હતા. પછી ખાનગી લેબને છૂટ મળી, પણ અદાલતે કહ્યું કે મફતમાં ટેસ્ટ કરવાના. એટલે ખાનગી લેબ તરફી ટેસ્ટ લગભગ થંબી ગયા હતા. મફતમાં ખાનગી લેબ શા માટે ટેસ્ટ કરી આપે? કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જઈને રજૂઆત કરવી પડે કે આવો હુકમ અવ્યવહારું છે. તે પછી નક્કી થયું કે ચૂકવી શકે તેમ હોય તે લોકો 4500 રૂપિયા ટેસ્ટના આપે, આયુષ્યમાન કાર્ડ હોય તેની ફી સરકાર ભોગવશે. 4500 રૂપિયાનો ભાવ પણ સમિતિએ નક્કી કરી આપ્યો તે પછી ખાનગી લેબમાં ફરી ટેસ્ટ થવા લાગ્યા. પણ હજીય તેની ગતિ પકડાઈ નથી તેમ જાણકારો કહે છે.
બીજું કે પૂર્વ ભારત, મધ્ય પ્રદેશના ઇન્દોરને બાદ કરો તો પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સામાં પણ બહુ ઓછા કેસ છે અને બહુ ઓછા ટેસ્ટ કરવા પડ્યા છે. તેથી પણ નેશનલ એવરેજ ઓછી થાય છે, પણ અમદાવાદ, મુંબઈ અને દિલ્હીની જેમ બીજા કેટલાક સંભવિત હોટસ્પૉટમાં એગ્રેસિવ રીતે ટેસ્ટિંગ વધારવું જોઈએ તેવું ઘણા બધા નિષ્ણાતો કહે છે.
દક્ષિણ આફ્રિકા સાથે બીજી પણ કેટલીક બાબતમાં સરખામણી કરવી પડે તેમ છે, કેમ કે આ સંકટના સમયે કેવી રીતે કામ કરવું તેનો અનુભવ કોઈને ના હોય, પણ બીજામાંથી શીખવાની, બીજાનો બોધપાઠ લેવાનો સમય છે, જેથી સંકટનું નુકસાન ઓછામાં ઓછું થાય. આપણે જનતા કર્ફ્યુ કર્યો, પણ લૉકડાઉનની જાહેરાત રાતોરાત થઈ તેના કારણે સામાન્ય તૈયારીઓ ના થઈ શકી અને અનેક લોકોને ફસાયા જેવું થયું. દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ 23 માર્ચ સોમવારે લૉકડાઉનની જાહેરાત કરી હતી, પણ તેનો અમલ ગુરુવારની મધરાતથી શરૂ થવાનો હતો. ભારતની જેમ 21 દિવસનો જ લૉકડાઉન હતો, પણ ફરક એટલો હતો કે દક્ષિણ આફ્રિકામાં પાંચમી માર્ચે પ્રથમ કેસ થયો હતો તેના 21 દિવસ પછી લૉકડાઉન થયો હતો. ભારતમાં 30 જાન્યુઆરીએ પ્રથમ કેસ કેરળમાં વૂહાનથી આવેલા મેડિકલ વિદ્યાર્થીનો નોંધાયો હતો અને તેના 54 દિવસ પછી 24 માર્ચે જ જાહેરાત અને 24 માર્ચની મધરાતથી જ લૉકડાઉન લાગુ થઈ ગયો હતો.
લૉકડાઉન સાથે દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટિંગ પણ આરંભી દીધું, તેથી 27 માર્ચે એક જ દિવસમાં 243 કેસો વધી ગયા હતા. પરંતુ તે પછી સ્થિતિ કાબૂમાં રહી છે અને ત્યાં સરેરાશ રોજના દોઢસો કેસ વધી રહ્યા છે. ભારતમાં છેલ્લું અઠવાડિયું હજારની ઉપર કેસ દેખાડી રહ્યું છે, પણ જૂના આંકડાં પ્રમાણે સરેરાશ 500ની આસપાસ રહી છે.
ભારતમાં પ્રારંભમાં વિદેશથી આવેલા લોકો અને તેમના સગા તથા નીકટ સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ જ શરૂ કર્યા હતા. પ્રથમ તો ક્વૉરેન્ટાઇન અને સેલ્ફ-આઇસોલેશનની સ્ટ્રેટેજી અપનાવાઈ હતી અને સંપર્કમાં આવેલા લોકોમાં તાવ, શરદી, ખાંસી, ગળું ખરાબ થવું અને શ્વાસમાં સમસ્યા થાય ત્યારે જ ટેસ્ટ કરાતા હતા. બાદમાં 9 એપ્રિલથી ભારતે પણ ટેસ્ટના ક્રાઇટેરિયા બદલ્યા. આઈસીએમઆરની ગાઈડલાઈન પ્રમાણે વિદેશ પ્રવાસ ના હોય તેવા લોકોના અને સામાન્ય લક્ષણો દેખાય ત્યાં પણ ટેસ્ટની શરૂઆત થઈ હતી.
તે પછી આ અઠવાડિયે આઈસીએમઆર તરફથી જ ચિંતાજનક વાત આવી કે ભારતમાં 80% ટકા લોકોને લક્ષણો દેખાતા નથી એટલે કે તબીબી ભાષામાં અસિમ્પટોમેટિક લોકોમાં પણ ટેસ્ટ થાય ત્યારે પોઝિટિવ આવે છે. અમદાવાદમાં પણ જોવા મળ્યું કે એક ચાલીમાંથી બે ડઝન લોકોને ટેસ્ટ કરાયા, તેમાં કોરોના દેખાયો, પણ બધાય એકદમ સાજાસારા લાગે છે. સામાન્ય તકલીફ પણ તેમનામાં દેખાતી નથી. આ ચિંતાનું કારણ જાગ્યું, કેમ કે ટેસ્ટ વિના ખબર ના પડે કે કોને ચેપ લાગેલો છે, ત્યારે ફેલાવાનું જોખમ વધી જાય. જોકે બીજા દિવસે ચિંતાને ધ્યાનમાં લઈને સરકારે ખુલાસો કર્યો કે અસિમ્પ્ટોમેટિક લોકોમાં પોઝિટિવ ટેસ્ટ આવે તે બીજા દેશોની સરખામણીએ બહુ અસામાન્ય નથી. હવે જોઈએ આગળ આમાં શું વાત નીકળે છે.
20 એપ્રિલથી કેટલાક રાજ્યોએ થોડી છૂટછાટ આપી છે, ત્યારે જે એકમો કામકાજ શરૂ કરે છે તે પોતાની રીતે ખાનગી લેબમાં ટેસ્ટ વધારે કરાવે છે કે કેમ તે અઠવાડિયામાં સ્પષ્ટ થઈ જશે. અમદાવાદ જેવા વધારે જોખમી શહેરોમાં અને સાવ કેસ ના મળ્યા હોય તેવા જિલ્લામાં પણ રેન્ડમ ટેસ્ટિંગ વધારાઈ રહ્યું છે. આ વાત સાચી પણ પ્રારંભના સમયમાં ટેસ્ટ કેમ ઓછા થયા તેવો સવાલ થતો રહેશે એમ લાગે છે.
દાખલા તરીકે લૉકડાઉન લાગુ કરવા સાથે દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટિંગ પણ વધાર્યું, ખાનગી લેબને પણ સાથે જોડી, તેથી 15મા દિવસે 64,000 ટેસ્ટ થઈ ગયા હતા. હકીકતમાં એક પણ કેસ નહોતો નોંધાયો ત્યારે ફેબ્રુઆરીમાં જ ટેસ્ટિંગ શરૂ કરાયું હતું. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર કૉમ્યુનિકેબલ ડિસીઝે 7 ફેબ્રુઆરી સુધીમાં 42 ટેસ્ટ કરી લીધા હતા. તે બધા નેગેટિવ જ હતા, પણ સરકારે મધ્ય ફેબ્રુઆરીથી બધી સરકારી હૉસ્પિટલમાં ફ્રી ટેસ્ટની જાહેરાત કરીને ટેસ્ટ કરવાનું નાના પાયે ચાલુ રાખ્યું. પાંચ માર્ચે પ્રથમ પોઝિટિવ કેસ મળ્યો અને મધ્ય માર્ચ સુધીમાં 47,000 લોકોના પરીક્ષણ કરી લેવાયા હતા. 15 માર્ચથી પ્રવાસ પર પ્રતિબંધો સહિતના પગલાં લેવાનું પણ શરૂ થઈ ગયું હતું. ભારતે પણ મધ્ય માર્ચમાં મામલાને ગંભીરતાથી લેવાનો શરૂ કર્યો હતો. અગાઉ ધૂળેટી નહિ રમવાનો, જાહેર સમારંભો નહિ કરવાનો, શાળા-કૉલેજો બંધ કરવાના નિર્ણયો લેવાનું શરૂ થઈ ગયું હતું.
લૉકડાઉન પહેલાં દક્ષિણ આફ્રિકાની સરકારે બીજી પણ એક સાવચેતી લીધી હતી. લોકો સંગ્રહાખોરી શરૂ કરશે તેનો અંદાજ લગાવીને ભાવબાંધણું જાહેર કરી દીધું હતું. ભંગ કરનારાને એક વર્ષ સુધીની કેદની ચેતવણી પણ અપાઈ હતી. લૉકડાઉન શરૂ થયા પછી આવનજાવન પર કડક નજર રખાઈ હતી અને 2200ની ધરપકડ પહેલાં અઠવાડિયે કરાઈ હતી. ભારતમાં પણ પોલીસે કડક કાર્યવાહી કરીને લૉકડાઉનને અસરકારક બનાવવામાં ભૂમિકા ભજવી હતી. બંને દેશોમાં કડક પોલીસ કાર્યવાહીની ફરિયાદો પણ થઈ હતી, પણ આવા સંજોગોમાં પોલીસ પણ મજબૂર હોય છે અને મોટા ભાગના લોકોએ પોલીસની કામગીરી વખાણી છે.
પ્રમુખ રામાફોસાએ ગયા અઠવાડિયે ફરીથી રાષ્ટ્રને સંબોધન કરીને બે અઠવાડિયા માટે લૉકડાઉન લંબાવાની જાહેરાત કરી છે. જોકે તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે ચેપને કાબૂમાં રાખી શકાયો છે. જોકે 3300 કેસ સાથે દક્ષિણ આફ્રિકા ખંડમાં સૌથી વધુ કેસ ધરાવે છે, એટલે તે બાબતમાં ભારત સાથે સરખામણી ના થાય અને આફ્રિકાના દેશો સાથે સરખામણી થાય ત્યારે તેની સ્થિતિ બહુ સારી નથી લાગતી. રામાફોસા એવો સંતોષ લઈ શકે કે ઇજિપ્તમાં કેસ 3333થી વધી ગયા છે. બીજું કે પોતાને ત્યાં ફક્ત 58 મોત થયા છે, ત્યારે ઇજિપ્તમાં 250ના મોત થઈ ગયા છે. મોરોક્કો અને અલ્જિરિયામાં પણ કેસો વધી રહ્યા છે અને 3000ની નજીક છે.
ટૂંકમાં દરેક દેશ એક બીજા સાથે સરખામણી કરીને પોતે વધુ સારી કામગીરી બજાવી તેનો દાવો કરતા રહેશે. પણ કોની સાથે સરખામણી થાય છે, કેવી રીતે થાય છે, કયા ધોરણે થાય છે તે બધી બાબતો કાયમ ચર્ચાસ્પદ રહેવાની. જેમ કે સિંગાપોરે પૂર્ણ લૉકડાઉનને બદલે પાર્શિયલ એટલે કે મર્યાદિત લૉકડાઉનનો અમલ રાખ્યો હતો. શરૂઆતમાં તેના કેસ કાબૂમાં હતા, પણ તે હવે 10,000 નજીક આવ્યા છે, ત્યારે આખો મે મહિનો પાર્શિયલ લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. નવા 1,111 કેસ આવ્યા અને કુલ 9125 કેસ થયા છે એટલે સિંગાપોરે પણ શાળાઓ અને ઘણી બધી ઓફિસો બંધ જ રાખવાનો નિર્ણય લેવો પડ્યો છે.
સિંગાપોરમાં વસતા માઇગ્રન્ટ વર્કર્સમાંથી નવા કેસ વધુ મળી રહ્યા છે એમ આરોગ્ય વિભાગનું કહેવું છે. વિદેશથી મોટી સંખ્યામાં આવેલા માઇગ્રન્ટ વર્કર્સને ડોરમેટરીમાં રાખવામાં આવ્યા હતા, તેમાં હવે કેસો દેખાવા લાગ્યા છે. ભારતમાં અચાનક લૉકડાઉન કરી દેવાયો અને રોજમદારોને, પરપ્રાંતીય મજૂરોને વતનમાં જવા ના મળ્યું તેથી તેમને પણ ઠેર ઠેર સાચવવાની વ્યવસ્થા સરકારે કરવી પડી છે. અમદાવાદમાં ખાલીખમ પડેલા ઇસ્કોન મોલમાં 200થી વધુ કામદારોને રખાયા હતા, પણ તેમાં ચારને પોઝિટિવ આવ્યા. હવે બાકીનાના ટેસ્ટ થશે એટલ કેટલા વધારે કેસ આવશે? સુરત, વડોદરામાં પણ એક જગ્યાએ મોટી સંખ્યામાં કામદારોને રખાયા છે, ત્યાં પણ ચેપ પહોંચ્યો હશે કે નહિ? અમદાવાદની બહાર ટેસ્ટ વધારવામાં આવે ત્યારે ખ્યાલ આવશે અને ત્યારે કદાચ સિંગાપોર પોતાના માઇગ્રન્ટ વર્કર્સને કેમ સાચવે છે અને ભારતમાં કેવી રીતે સચવાયા… તેની સરખામણી કરવાની આવશે.