ચીન દર થોડા મહિને કોઈ પગલું લઈને ભારતને ચોંકાવે છે. હવે ખબર આવ્યાં છે કે અરૂણાચલ પ્રદેશ સાથે જોડાયેલી સરહદ નજીક ચીન સોનાની ખાણ બનાવી રહ્યું છે. સરહદ પરની ચીનની પ્રવૃત્તિઓને કારણે ભારતને ફરીથી ચિંતા થઈ શકે છે. સોનાની ખાણ સિમ્બોલિક વાત બની રહી છે. ચીને ભારત સાથેની સરહદના મુદ્દે ક્યારેય વાત પડતી મૂકવાની વાત કરી નથી. વચ્ચે થોડો સમય ઝોળ પડે એટલું જ.અરૂણાચલ પ્રદેશને તે દક્ષિણ તિબેટ ગણાવે છે. આ મુદ્દે ભારતે બરાબર મુકાબલો કર્યો છે એ વાત સાચી છે, પણ ચીન પણ મચક આપવા માગતું નથી. સોનું સૌથી કિંમતી છે, પણ સાથોસાથ આ વિસ્તારમાં બીજા પણ ખનીજો હોવાનું અનુમાન છે. ચાંદી અને બીજા કિંમતી ધાતુઓનું મૂલ્ય 60 અબજ ડૉલરથી વધી જાય છે એવું અનુમાન મૂકાયું છે. આ બહુ મોટી રકમ છે અને ચીન વેપારી હિત ખાતર પણ સરહદે આ પ્રવૃત્તિને ચાલુ રાખવાની કોશિશ કરશે. વેપારી હિત હોય ત્યાં સુધી ઠીક છે, પણ મામલો સેન્સિટિવ સરહદનો છે એટલે ભારતે સતત નજર રાખવી
પડે.
માઇનિંગનું કામ મોટા પાયે ઉપાડવામાં આવ્યું છે તેવા અહેવાલો છે. લુન્ઝે પરગણામાં આ કામ ચાલુ થયું છે અને આ પહાડી વિસ્તારમાં વસતિમાં મોટો વધારો થયો છે. કેટલાક અહેવાલો એવા આવ્યાં છે કે એટલી મોટી સંખ્યાથી બહારના લોકો આવ્યાં છે, સ્થાનિક તંત્ર પાસે તેનો ચોક્કસ આંકડો પણ રહ્યો નથી. માત્ર પશુપાલકો માટેનો આ વિસ્તાર કોઈ ઔદ્યોગિક વિસ્તાર હોય તેમ ધમધમવા લાગ્યો છે.
લુન્ઝે ગામમાં એક પશુપાલક પરિવાર રહેતો હતો. તેમણે ચીનના પ્રમુખ શિ જિનપિંગને પત્ર લખ્યો હતો. નાગરિકો સરકારને પત્રો લખતાં રહે અને તેના જવાબ પણ અધિકારીઓ સરકાર વતી આપતા હોય છે, પરંતુ આ પરિવાર સાથેના પત્રવ્યવહારને ખાસ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રમુખ શિ જિનપિંગે તેમને જવાબ આપ્યો હતો અને તેની વિગતો સમાચાર તરીકે ચમકાવવામાં આવી હતી. આ ગયા ઓક્ટોબર મહિનાની વાત છે.
લુન્ઝે પ્રાંતનું સૌથી નાનકડું ગામ અને અરૂણાચલ સરહદની નજીકનું ચીનનું છેલ્લું ગામ. યુમાઇ ગામમાં રહેતા એક પશુપાલક અને તેમની બે પુત્રીએ પત્ર લખ્યો અને ચીનના પ્રમુખે તેમને જવાબ આપ્યો કે તમારી દેશ પ્રત્યેની વફાદારીથી અમે ખુશ છીએ. તમારે આ વિસ્તારમાં કાયમી વસવાટ કરવો જોઈએ અને બીજા કુટુંબોને પણ લઈ આવવા જોઈએ, જેથી આપણે આ વિસ્તારનો વિકાસ કરી શકીએ. આવો સરકારી જવાબ પણ શિ જિનપિંગના નામે અપાયો હતો. તેની પાછળનો ઉદ્દેશ આ વિસ્તાર ચીનનો જ છે અને અહીંના નાગરિકો પોતાના રાષ્ટ્રના વડાને પત્રો લખે છે તેમ દેખાડવાનો હતો.
મજાની વાત એ છે કે આ વિસ્તાર પહાડી છે પણ એટલો ઉજ્જડ પણ નથી. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે એક લેખમાં ઉલ્લેખ કર્યો હતો કે આ વિસ્તારમાં હજારો વર્ષથી સોનાની ખાણ છે. હજારો વર્ષથી અહીં ખાણકામ ચાલ્યા કરે છે તેવો
ઇતિહાસ દર્શાવાયો છે. જોકે તે બહુ નાના પાયે થતું હતું, કેમ કે પાકા રસ્તા અને આધુનિક હેવી મશીનરી પહાડીઓમાં પહોંચાડવી મુશ્કેલ હતી. કોદાળી અને પાવડાથી કામ ચાલતું આવ્યું હતું. પણ હવે બહુ મોટા પ્રમાણમાં મશીનરી
સાથે માઇનિંગ થવા લાગ્યું છે તેવા અહેવાલો છે. ચીનની સરકાર સરહદે પાકા રસ્તાઓ પણ બાંધી રહી છે. અહીં સુધી છેક પાકો રસ્તો ચીને બનાવી કાઢ્યો છે, જેથી મોટી ટ્રકો દ્વારા ખનીજની હેરફેર થઈ શકે. તિબેટ પર ચીને કરેલો કબજો આ અર્થમાં પણ તેના માટે સોનાની ખાણ સાબિત થઈ રહ્યો છે. તિબેટમાં અનેક જગ્યાએ માઇનિંગનું કામકાજ ચાલે છે, પરંતુ તેમાં આ લુન્ઝે પરગણામાં હવે સૌથી મોટું માઇનિંગ ઓપરેશન થઈ રહ્યું છે તેમ જાણકારો કહે છે. ગયા વર્ષના અંત ભાગમાં જ લુન્ઝે માઇનિંગ તિબેટનું સૌથી મોટું ઓપરેશન બની ગયું છે.
આ કામકાજને પહોંચી વળવા માટે મોટા પ્રમાણમાં લોકોને અહીં વસાવવામાં આવી રહ્યા છે. સરહદે પાકો પહોળો રસ્તો હોય, હેવી મશીનરી સાથે માઇનિંગ ચાલતું હોય, ભોંયરા અને ટનલ બનતી હોય અને મોટા પ્રમાણમાં વસિત પણ થઈ જાય તે બધું ભારતે નોંધમાં લીધા સિવાય છુટકો નથી. રસ્તો બનાવી લીધા પછી થાંભલા નાખીને વીજળીનો પુરવઠો પણ પહોંચતો થઈ ગયો છે અને ટેલિકોમના ટાવર પણ લાગી ગયા છે. કોઈ ઔદ્યોગિક વિસ્તાર હોય તેવી
સ્થિતિ છે, જે અજાણી કે આશ્ચર્યજનક નથી, પરંતુ સરહદની બહુ નજીક હોય ત્યારે પડોશી દેશે નોંધ લેવી પડે. ખાસ કરીને તે સરહદ વિશે સામા પક્ષે વિવાદ પણ ઊભો કર્યો હોય ત્યારે ખાસ.
ભારતના વડાપ્રધાન વિશેષ મુલાકાતે ચીન ગયા અને એક આખો દિવસ પ્રમુખ શી જિનપિંગ સાથે ગાળ્યો હતો. હવે આજીવન પ્રમુખ બની ગયેલા અને ખરા અર્થમાં ચીનના સર્વેસર્વા બની ગયેલા જિનપિંગ સાથે સીધી વાતચીતની તેમની કોશિશ હતી. તે વાતને એક મહિનો થયો તે પછી સોનાની ખાણ માટે મોટા પાયે થયેલી પ્રવૃત્તિના અહેવાલો ચીનની સરકારની નીકટ હોય તેવા હોંગકોંગ સહિતના મીડિયામાં વહેતા થયા છે.દોકલામ વખતે ભારતે મક્કમતા દાખવી હતી અને આ વખતનું ભારત એ પાંચ દાયકા પહેલાંનું ભારત નથી તે દર્શાવાયું હતું. 1962ના યુદ્ધ માટે ભારત તૈયાર નહોતું. ભારત આજે લશ્કરી રીતે વધારે સજ્જ થયું છે. ચીનનું બજેટ જંગી છે અને ભારત લોકશાહી દેશ હોવાથી તેનું સંરક્ષણ બજેટ મર્યાદિત રહેવાનું. આમ છતાં ભારતે સેનાની જરૂરિયાત પ્રમાણેના અત્યાધુનિક શસ્ત્રો માટે સતત ખરીદી કરવાનું ચાલુ રાખ્યું છે. સાથોસાથ ભારતે ડિપ્લોમિક ચેનલ અને બેકડોર ચેનલ પણ ચાલુ રાખી છે.
લુન્ઝેની સોનાની ખાણ માટે ચીન સિરિયસ હોવાના સંકેતો વધારે મળી રહ્યા છે. સ્થાનિક અધિકારીઓને ટાંકીને મોર્નિંગ પોસ્ટે એવું પણ જણાવ્યું હતું કે એરપોર્ટ બનાવવા માટેની તૈયારી પણ થઈ ગઈ છે. સિવિલયન એરપોર્ટ સરહદની
અત્યંત નજીક હોય તે પણ પડોશી દેશો માટે માથાનો દુઃખાવો સાબિત થઈ શકે છે. લશ્કરી રીતે આ મુદ્દો છે ઉપરાંત વેપાર અને ઉદ્યોગની બાબતનો મુદ્દો પણ બની શકે છે. જે વિસ્તાર વિવાદમાં હોય અને ત્યાં કિંમતી ધાતુઓ હોય ત્યારે તેના પરનો કબજો આર્થિક રીતે પણ મહત્ત્વનો બની જાય છે. ચીન દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાનો એકાધિકાર દર્શાવીને વિશાળ સમુદ્રી વિસ્તારમાં વેપારી પ્રવૃત્તિ પર એકાધિકાર સ્થાપિત કરવા માગે છે. બીજા દેશો, જેમનો કિનારો પણ દક્ષિણ ચીન સમુદ્રમાં પડે છે તેમણે તેનો વિરોધ કરેલો છે. આ પહાડી વિસ્તારમાં મોટા પાયે ખનીજ ખોદકામની પ્રવૃત્તિની આર્થિક અસરોની નોંધ પણ ભારતે લેવી પડે. ચીન જેને વિવાદિત ગણાવે છે તે વિસ્તારમાં ચીન ખનીજ કાઢવા લાગે ત્યારે ભારતે અને ભુતાને પોતાના હક પણ આગળ કરવા પડે.
હિમાલયનો સમગ્ર પહાડી વિસ્તાર પર્યાવરણની રીતે નાજૂક છે. તેમાં વિશાળ ટનલો બનાવવા અને ખાણ ઊંડી લઈ જવા શક્તિશાળી વિસ્ફોટ કરવામાં આવે તેની અસર થઈ શકે છે. વિશાળ પહાડી રસ્તા, તેના પર હેવી ટ્રકોની આવનજાવન, પેસેન્જર વાહનોની આવનજાવન, એરપોર્ટ અને વસતિ વધારો અને જંગલો દૂર કરીને વસાહતો – આ
બધા પર્યાવરણની સમતુલાને જોખમાવે તેવી બાબતો છે. પર્યાવરણ અને આબોહવા સરહદો જોતી નથી. તેમાં આવનારો પલટો સરહદની આ પાર પડોશીના ઘરે પણ પહોંચવાનો છે.જાણકારો સૌથી અગત્યનો મુદ્દો સરહદે માનવ વસાહતનો ગણી રહ્યા છે. ચીનના પ્રમુખે પશુપાલક પરિવારને પત્ર લખીને જવાબ આપ્યો તેની પાછળ લાંબા ગાળાનો હેતુ છે. લોકોને આ વિસ્તારમાં જઈને વસવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ચીનના દૂર દૂરના પ્રાંતના લોકો અહીં આવીને વસવાટ કરવા લાગ્યા છે. તિબેટમાં મૂળ નિવાસીઓ કરતાં ચીનાઓની વસતિ વધી જાય તેવા પ્રયાસો થયા હતા. હાન ચીનાઓની વસતિ વધારે હોય ત્યારે સરહદે તે માફક આવે. ભૂતકાળમાં ચીનની સેના અરૂણાચલમાં અંદર સુધી આવી ગઈ હતી. તે પછી પાછી ફરી હતી, કેમ કે
ત્યાં કોઈ એવી વસતિ નહોતી. સરહદે વસતિ હોય અને તે ચીન તરફી હોય ત્યારે તે વિસ્તારનો કાયમી કબજો રાખવો સહેલો પડી જાય. ભારતે દોકલામ વખતે પણ યોગ્ય ત્વરા દાખવીને પ્રતિસાદ આપ્યો હતો. સોનાની ખાણનો હવે મામલો છે ત્યારે વધારે કિંમતી બન્યો છે એટલે ભારતે યોગ્ય પ્રતિસાદ આ વખતે પણ આપવો રહ્યો.
ચીને સૈનિકો છાવણી વધારી ત્યારે ભારતે પણ છાવણી વધારી. ભારત પણ હવે સરહદે સોનું ખોળવા માટે ખાણ ખોદવાનું શરૂ કરશે?