USમાં ચાલે છે સંસ્કૃતિની પાઠશાળા, અભ્યાસમાં શીખવાડવામાં આવે છે ‘ગીતા’ના શ્લોક…

શિકાગો- ‘પશ્ચિમની સંસ્કૃતિથી આપના પરિવારના બાળકોનું જરા ધ્યાન રાખજો’..આ વાત..ગુજરાતી ભાષા અને સંસ્કાર બચાવોની મુહીમ લઈને ગુજરાતના સંતો, મહંતો અને સાહિત્યકારો છેલ્લા કેટલાય સમયથી મહેનત કરી રહ્યા છે. ત્યારે ગુજરાતથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના શિકાગોમાં ભારતીય સંસ્કાર બાળકોમાં યથાવત રહે તે માટેના અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

શિકાગોમાં આવેલા જલારામ મંદિર ખાતે વસતા ગુજરાતીઓ, પોતાના સંતાનોમાં મૂળ ગુજરાતી સંસ્કારનું સિંચન થાય તે માટે ખાસ પ્રકારના કાર્યક્રમો કરી રહ્યા છે. શિકાગોમાં શાળામાં ભલે વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં ભણાવવામાં આવતું હોય, પરંતુ જલારામ મંદિર ખાતે પાંચથી બાર વર્ષના બાળકોને ગુજરાતી ભાષાનું અક્ષર જ્ઞાન તેમજ વાંચતા લખતાં શીખવાડવામાં આવે છે.

આ ઉપરાંત અહીં વસેલા ગુજરાતીઓ પોતાના બાળકોને હિન્દુ સંસ્કૃતિનું મૂળ શાસ્ત્ર ‘ગીતા’  ના સંસ્કૃતના શ્લોક પણ શીખવાડી રહ્યા છે. ગુજરાતમાં ભલે બાળકોને સંસ્કૃત ભણાવવામાં ન આવતું હોય પરંતુ શિકાગોમાં આજે પણ નાના બાળકોને સંસ્કૃત વિષયનું જ્ઞાન આપવામાં આવે છે.

‘એક વાર ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ન ભૂલવું તો કહેજે શામળા’ જી હા, ગુજરાતના કાઠિયાવાડમાં આજે પણ અડધી રાત્રે કોઈ પણ મહેમાન આવે તો તેના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સંસ્કાર મૂળ ગુજરાતી પરંતુ વર્ષોથી  અમેરિકામાં  વસતા ગુજરાતીઓ પોતાના બાળકોમાં આવે તે માટે  પ્રયત્ન કરી રહ્યા છે.

વીરપુરમાં જેમ જલારામ મંદિર ખાતે રોજ મહેમાનોને ભાવથી જમાડવામાં આવે છે. તેવી જ રીતે અહીં અમેરિકામાં વસતા ગુજરાતીઓ પોતાના બાળકોમાં એ જ્ઞાન આપી રહ્યા છે કે, પોતાના ઘરે આવેલા મહેમાનોને આવકારવા તેમજ તેનું સન્માન કરીને તેમને ભોજન કરાવવું. અને બાળકોમાં આ પ્રકારનું જ્ઞાન આવે તે માટે લોકો બાળકો પાસે જ એક એવા પ્રકારનું નાટ્યાત્મક રૂપાંતર કરીને ઘરે આવેલા મહેમાનોને રોટલા ઘડી જમાડે, તેવું આબેહૂબ નાટક કરાવવામાં આવે છે.

શિકાગોના જલારામ મંદિરના બોર્ડ મેમ્બર હસમુખ ઠક્કર આ અંગે જણાવે છે કે, અમેરિકામાં ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તેની જવાબદારી તેમના શીરે છે. જેના પગલે છેલ્લા દસ વર્ષથી શિકાગોના જલારામ મંદિર ખાતે ખાસ બાલ વિહાર કાર્યક્રમ ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં  બાળકોને  તબલાં ભારતનાતયામ, ગુજરાતી ભાષાનું જ્ઞાન, સંસ્કૃતના શ્લોક,  પ્રાર્થના તેમજ દિવાળી,  હોળી, સહિતના તમામ તહેવારોની ઉજવણી કરીને મૂળ ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવે છે.

હાલ શિકાગોમાં વસતા હજારો ગુજરાતીઓ ના લગભગ ૩૦૦ થી વધારે બાળકો દર ગુરુવારે અને શનિવારે બાલ વિહાર કાર્યક્રમમાં હાજરી આપે છે.

અહેવાલ- તસવીરો શિકાગોથી નીરવ ગોવાણી

(વાચકો માટે નોંધ– chitralekha.com ના માનવંતા ચાહકો માટે 2019ના નવા વર્ષથી વિશેષ ભેટ લઈને આવ્યાં છીએ. NRI ફીચર્સમાં આપ નિયમિતપણે પરદેશ વસતાં ભારતીયો- ગુજરાતીઓ સંદર્ભે નવી નવી જાણકારી મેળવી શકશો. વિશ્વમાં જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતનો અનુભવ શબ્દો અને તસવીરોના માધ્યમથી આપ કરી શકશો.)