બાંગલાદેશની અશાંત ચૂંટણી પછી ભારતને શાંતિ

પાકિસ્તાનની જેમ જ બાંગલાદેશમાં પણ લોકશાહી પૂર્ણ પણે ખીલી નથી. પણ ભારતને શાંતિ છે, કેમ કે શેખ હસીનાની સરકાર ભારત તરફી હતી. એ જ સરકાર ફરીથી સત્તા પર આવી છે અને પાંચ વર્ષ સત્તા પર રહેશે. ચૂંટણી હિંસક બની હતી અને 20 જેટલા લોકોના મોત થયાં હતાં. રવિવારે મતદાન હતું, ત્યારે જ જુદા જુદા વિસ્તારમાં 47 ઉમેદવારો છેલ્લા દિવસે ચૂંટણીમાંથી ખસી ગયા હતાં. આવા સંજોગોમાં 300 બેઠકોમાંથી માત્ર 7 બેઠકો વિપક્ષના હાથમાં આવી છે તેમાં નવાઈ ના લાગે. ફારસ જેવી બની ગયેલી ચૂંટણી પછી બાંગલાદેશમાં આંતરિક અસંતોષ ઉકળ્યા કરશે, પણ ભારતને પાંચ વર્ષની શાંતિ થઈ છે. 2008થી સત્તામાં રહેલા શેખ હસીના સતત ત્રીજી મુદત માટે વડાપ્રધાન બન્યાં છે.

આમ ચોથી વાર તેઓ વડાપ્રધાન બની રહ્યાં છે, કેમ કે 1996માં પ્રથમવાર તેઓ વડાપ્રધાન બન્યાં હતાં. તેમની પહેલાં 1991થી 1996 સુધી વડાપ્રધાન રહેલા ખાલેદા ઝિયા તેમના મુખ્ય હરિફ છે. 2001માં પણ ખાલેદા ઝિયા જીતી ગયા હતાં, પણ તે પછી 2006 તેમની મુદત પૂરી થઈ અને 2007ની ચૂંટણી આવે તે પહેલાં તેમના માટે ખરાબ દિવસો આવી ગયા.

tarique rahman and arafat rahman

બાંગલાદેશમાં ભારે હિંસા વચ્ચે લશ્કરી શાસન આવ્યું હતું. બે વર્ષ સુધી સેનાએ સત્તા સંભાળી અને તે દરમિયાન ખાલેદા અને તેમના પુત્રો સામે ભ્રષ્ટાચારના કેસ દાખલ કરી જેલ ભેગા કરી દેવાયા. આજે પણ ખાલેદા જેલમાં છે. તેઓ વડાપ્રધાન હતાં ત્યારે પોતાના એક ટ્રસ્ટને ફાયદો કરાવી દેવાના આરોપ સાથે પાંચ વર્ષની કેદ ફેબ્રુઆરી 2018માં થઈ હતી. જોકે ખાલેદા સામે ભ્રષ્ટાચારના આરોપ કરતાંય જમાતે ઇસ્લામી સાથે ઘરોબો હોવાના કારણે વધારે વિરોધ થાય છે. શેખ હસીનાની સરકાર જમાતે ઇસ્લામી સાથે સંકળાયેલા તત્ત્વો સામે કડક હાથે કામ લઈ રહી છે. 1971માં પાકિસ્તાનથી અલગ થઈ જવાનું આંદોલન ચાલ્યું ત્યારે જમાતે ઇસ્લામીએ ભૂંડી ભૂમિકા ભજવી હતી. જમાતે ઇસ્લામી બાંગલાદેશની સ્વતંત્રતાનો વિરોધ કરતી હતી. પાકિસ્તાની શાસકોની સાથે રહીને જમાતે ઇસ્લામીએ બાંગલાદેશના આંદોલનકારીઓ પર ભારે ત્રાસ વર્તાવ્યો હતો.

ખાલેદા

જમાતે ઇસ્લામી જેવી ઇસ્લામી જેહાદી ત્રાસવાદી તત્ત્વોને ટેકો આપનારી સંસ્થાને બાંગલાદેશમાં કાબૂમાં રાખવામાં આવે તે ભારત માટે જરૂરી છે. તેથી જ ભારતે હંમેશા શેખ હસીનાના પક્ષને ટેકો આપ્યો છે. શેખ હસીનાની સરકારે 2008માં સત્તામાં આવ્યા પછી જમાતે ઇસ્લામીના તત્ત્વોને પકડીને તેમની સામે 1971ના યુદ્ધ વખતે કરેલા અત્યાચારો બદલ કેસ ચલાવ્યા છે.

ખાલેદા અને તેના બંને પુત્રો જેલમાં ગયા તે પછી તેમના પક્ષ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી)ના અસ્તિત્ત્વનો સવાલ ઊભો થયો છે. 2014માં બીએનપીએ ચૂંટણીનો જ બહિષ્કાર કર્યો હતો. આ વખતે ચૂંટણી લડવાની કોશિશ કરી, પણ સફળતા મળી નથી. તેમના પતિ ઝિયા-ઉર-રહેમાન અને શેખ હસીનાના પિતા મુજીબ-ઉર-રહેમાન બંનેએ બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે લડત ચલાવી હતી. મુજીબ રાજકારણી હતી, જ્યારે ઝિયા સેનાના અફસર હતાં. વક્રતા એ છે કે બાદમાં બંનેની હત્યા થઈ ગઈ હતી. 1975માં મુજીબની હત્યા થઈ, જ્યારે દસ વર્ષ બાદ 1981માં સેનાએ ઝિયાની હત્યા કરી હતી. એક જ દાયકામાં બાંગ્લાદેશમાં સેનાએ બળવો કરીને સત્તા કબજે કરી હતી. પાકિસ્તાની લશ્કરી શાસકોના ત્રાસથી મુક્ત થનારું બાંગ્લાદેશ પોતે 1981માં લશ્કરી શાસન નીચે આવી ગયું હતું. સેનામાં રહીને શક્તિશાળી બન્યા બાદ ઝિયાએ રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. તેમણે બાંગ્લાદેશને સ્થિરતા મળે તે માટે પ્રયાસો કર્યા હતા, પણ સેનાએ બળવો કરીને ખાલેદાના પતિની હત્યા કરી હતી. તેમના બેગમ ખાલેદા ઝિયાએ લશ્કરી શાસકો સામે ઝુંબેશ ચાલુ રાખી અને તેના કારણે આખરે 1991માં નાગરિક સરકારની રચના માટે ચૂંટણી થઈ ત્યારે તેઓ જીતી શક્યા હતા.

ખાલેદા ઝિયા 73 વર્ષના થયા છે, જ્યારે શેખ હસીના 71 વર્ષના છે. બંનેના કુટુંબે દેશની આઝાદીમાં ભાગ ભજવ્યો હતો અને બંનેના પરિવારના વડાઓની હત્યા થઈ હતી. પરિવારના પગલે બંને મહિલાઓ જાહેર જીવનમાં આવી અને સ્વંય સત્તા સંભાળી. પણ હવે એક જેલમાં છે અને બીજાં વધુ એકવાર સત્તામાં આવ્યા છે. શેખ હસીના સતત ત્રીજી વાર જીતી શક્યા છે, તે પછી હવે કદાચ બાંગ્લાદેશમાં સ્થિરતા આવશે તેવું મનાય છે. જોકે આ વખતની ચૂંટણીમાં પણ વિપક્ષ જેવું કશું નથી, તેથી શેખ હસીના નબળા પડશે ત્યારે કયો પક્ષ ઊભો થશે તે પણ જોવાનું રહે છે. પાકિસ્તાનમાં આટલા વર્ષો પછી હજીય લોકશાહી સ્થિર થઈ નથી. આજેય ઇસ્લામી જેહાદી ત્રાસવાદી તત્ત્વોને ત્યાં પોષવામાં આવે છે. બાંગ્લાદેશમાં પણ હસીનાની ગેરહાજરીમાં ફરીથી જમાતે ઇસ્લામીના તત્ત્વો સત્તામાં આવે ત્યારે ફરીથી જેહાદી ત્રાસવાદી તત્ત્વોનું જોર થઈ શકે છે.

આ બધા કારણોસર જ ભારતને હંમેશા બાંગ્લાદેશમાં કોણ સત્તા પર આવશે તેની ચિંતા રહી છે. હાલ પૂરતી શાંતિ થઈ છે, કેમ કે શેખ હસીના જમાતે ઇસ્લામી અને તેની સાથે જોડાયેલા તત્ત્વો સામે કડક હાથે કામ લેશે તેમ મનાય છે. બીજું. શેખ હસીનાની સરકારે આર્થિક વિકાસ પર ધ્યાન આપ્યું છે. છેલ્લા થોડા વર્ષોમાં બાંગ્લાદેશનો જીડીપી ઝડપથી વધી રહ્યો છે. ભારતને પણ પાછળ રાખીને ટેક્સટાઇલ, તૈયાર વસ્ત્રોની નિકાસમાં બાંગ્લાદેશ આગળ નીકળી ગયું છે અને ચીનને સ્પર્ધા આપી રહ્યું છે.

પાકિસ્તાનની ચુંગાલમાંથી છુટકારો મળ્યો તેને 2021માં 50 વર્ષ થઈ જશે. પાકિસ્તાનનું ક્રૂર શાસન જોનારી પેઢીની જગ્યાએ નવી પેઢી બાંગ્લાદેશમાં આવી છે. તેમના માટે હવે આર્થિક વિકાસ અગત્યનો બન્યો છે. રોજગારી માટે ભારતમાં સહિત વિદેશમાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા મજબૂર બનેલા યુવાનો માટે સ્થાનિક ધોરણે કામ મળે તે મુદ્દો વધારે મહત્ત્વનો બન્યો છે. ફરી એકવાર ચૂંટણીમાં જંગી વિજય મેળવ્યા પછી હવે સરકારનું ધ્યાન આ બધા મુદ્દા પર રહેશે એવી અપેક્ષા છે.

જોકે મતદાનના દિવસે જ ચારે બાજુ હિંસા થઈ હતી તે જોતા બાંગ્લાદેશ તાત્કાલિક શાંત થઈ જાય તેમ લાગતું નથી. આ વખતે નેશનલ યુનિટી ફ્રન્ટ બનાવીને બીએનપી તથા તેના સાથે પક્ષોએ ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. પરંતુ શેખ હસીનાની અવામી લીગે સપાટો બોલાવ્યો છે. તેના કારણે ચૂંટણીમાં ગેરરીતિના મુદ્દે આગામી દિવસોમાં વિપક્ષ આંદોલન ચલાવતું રહેશે.

ભારતને અત્યારે પડોશી દેશો ચિંતા કરાવી રહ્યા છે. પાકિસ્તાનમાં ક્રિકેટર ઇમરાન ખાન વડાપ્રધાન બન્યા તે પછી તેમનું ભારતવિરોધી વલણ બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નવાઝ શરીફની સરકાર પર પાકિસ્તાની સેનાનું દબાણ હતું, પણ તે પોતાની રીતે પણ થોડું કામ કરતી હતી. ઇમરાનની સરકારે સેનાની કઠપૂતળીથી વિશે કશું નથી તેવું લાગી રહ્યું છે.

બીજા બે પડોશી દેશો શ્રીલંકા અને માલદીવમાં પણ વિતેલું વર્ષ રાજકીય અસ્થિરતાનું રહ્યું હતું. શ્રીલંકા અને માલદીવમાં ગેરબંધારણીય રીતે સત્તા પરિવર્તન થયું હતું. અબ્દુલ્લા યામીન પ્રમુખ બનીને બેસી ગયા હતા અને ભારતની વિરુદ્ધ ચીનને મહત્ત્વ આપી રહ્યા હતા. ભારતે માલદીવમાં લશ્કરી દરમિયાનગીરી કરવી પડે તેવી સ્થિતિ હતી, પણ ભારતે શાંતિ રાખી હતી. આખરે લોકોએ જ કંટાળીને આંદોલનો કર્યા તે પછી યામીને સત્તા છોડવી પડી છે. યામીને માલદીવની સુપ્રીમ કોર્ટેને બાનમાં લીધી હતી. તેવી જ રીતે શ્રીલંકામાં પણ પ્રમુખ મૈત્રીપાલા સિરિસેના સુપ્રીમ કોર્ટના હુકમોને માનવાના મૂડમાં નહોતો. તેમણે પોતાની મરજી પ્રમાણે વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘેને પદભ્રષ્ટ કરી દીધા હતા. તેની જગ્યાએ ભૂતપૂર્વ પ્રમુખ મહિન્દા રાજપક્સાને વડાપ્રધાન બનાવી દીધાં. જોકે વિક્રમાસિંઘે સત્તા છોડવાનો ઇનકાર કર્યો અને લાંબી મથામણ બાદ તેમને ફરીથી વડાપ્રધાન બનાવવા પડ્યા છે. શ્રીલંકામાં પણ સુપ્રીમ કોર્ટે પ્રમુખની મરજી પ્રમાણેના ચુકાદા આપવાની તૈયારી દેખાડી નહોતી. કોર્ટે કહ્યું હતું કે સંસદમાં જ બહુમતીનું પરિક્ષણ થવું જોઈએ. વિક્રમાસિંઘે પોતાના ટેકેદારોને જાળવી શક્યા અને તેના કારણે તેમની બહુમતી ટકી રહી. સિરિસેના અને રાજપક્સે તેમના ટેકેદારોને તોડી નાખવા ભારે મથામણ કરી હતી, પણ તેમાં સફળતા મળી નહોતી.

આ બંને દેશના કિસ્સામાં પણ ભારતની સામે ચીનનું પ્રભુત્વ વધે તેવી ઘટનાઓ બની હતી. આખરે ત્યાં પણ શાંતિ થઈ છે અને બાંગ્લાદેશમાં સ્થિતિ જળવાઈ રહી છે. હજી નેપાલમાં કોકડું ઉકેલાયું નથી. ભારતની નીતિથી નારાજ નેપાળની સરકાર ચીનના બહાને ભારતનું નાક દબાવતી રહે છે. ભારતમાં પણ પાંચ મહિના પછી ચૂંટણી થવાની છે, ત્યારે પડોશી દેશોમાં થયેલી શાંતિથી સરકાર ઘરઆંગણાની સ્થિતિ પર વધુ ધ્યાન આપી શકશે. પડોશી દેશો સાથે નવેસરથી સારા સંબંધો માટેના પ્રયાસો હવે 2019 પછી આવનારી સરકારે જ વિચારવાના રહેશે.