આપણા નેતાઓ માને છે કે શહેરીકરણ એટલે વિકાસ. આ મૂર્ખામી દુનિયાભરના નેતાઓ કરતા આવ્યા છે. ચીનના નેતાઓ આ મૂર્ખામીમાં સૌથી આગળ રહ્યા છે, પણ ચીનમાં એ તાકાત છે કે પોતાની ભૂલ સુધારી પણ શકે છે. દુનિયા શહેરીકરણમાં એ રીતે આગળ વધી ગઈ છે કે હવે આ સમસ્યાનો ઉકેલ દેખાતો નથી. ગુજરાતીઓના પેટ ફૂલે તે રીતે શહેરો ફૂલી રહ્યા છે અને ફાંદ લબડી પડી છે. એકવાર વધેલી ફાંદ કદીય કાબૂમાં આવતી નથી.ચીન આવું અઘરું કામ કરવા માગે છે. બિજિંગમાં વસતિ ના વધે તે માટે ઓલરેડી પ્રયાસો શરૂ થઈ ગયા હતા. પણ હવે સત્તાવાર રીતે એવી જાહેરાત કરાઇ છે કે બીજા મોટા શહેર શાંઘાઇની વસતિ અઢી કરોડથી વધવા દેવાશે નહીં. અઢી કરોડથી વધારે વસતિ એકઠી ના થાય તે માટે સમગ્ર શહેરનો વિસ્તાર મર્યાદિત રખાશે. મર્યાદિત એટલે કેટલો ખબર છે? 3200 ચોરસ કિલોમીટર – 56 કિલોમિટર લાંબુ અને 57 કિલોમિટર પહોળું.
બિજિંગની વસતિ 2030 સુધીમાં 2.3 કરોડ મર્યાદિત કરવી અને 2035 સુધીમાં શાંઘાઇની વસતિ 2.5 કરોડ મર્યાદિત કરવી તે લક્ષ્યાંક ચીને નક્કી કર્યું છે. ચીન આવા લક્ષ્યાંકો કડક હાથે પાર પાડી શકે તેમ છે. બિજિંગમાંથી અનેક લોકોને હાંકી કઢાયા હોવાનું મનાય છે, પણ વાસ્તવિકતામાં શહેરીકરણનો આ ઉપાય છે કે કેમ તેની ચર્ચાઓ થશે. થવા પણ લાગી છે, કેમ કે ઘણા નિષ્ણાતો માને છે કે ચીન જેવા સામ્યવાદી દેશ માટે પણ આવા પ્રતિબંધો મૂકવા મુશ્કેલ છે. જેમ કે શાંઘાઇમાં નવા મકાનો બાંધવા દેવામાં આવશે નહિ, પણ ગરીબ લોકો ઝૂંપડાંમાં રહેશે. મુંબઈ જેવા શહેરોમાં આપણે જોયું છે તે પ્રમાણે ફૂટપાથ અને પ્લેટફોર્મ પર લોકો પડ્યા રહે છે.
નિષ્ણાતો એમ કહે છે કે શાંઘાઇની વસતિ ઓલરેડી 3 કરોડની થઈ ગઈ છે. એટલે ટાર્ગેટ પૂરો કરવા અનેક ગરીબ લોકોને ફરી ગામડાંમાં ધકેલવા પડે. તેમાંથી માનવીય કરુણાંતિકા સર્જાશે, પણ શહેરો પોતે જ સામાજિક ટ્રેજિ-કોમેડી છે. કેબિનેટ દ્વારા શાંઘાઇની વસતિમર્યાદા નક્કી કરવામાં આવી તેના સમાચારો સરકારી એજન્સીએ આપ્યા તેમાં એક શબ્દ વપરાયો હતો તે સૂચક છે – બિગ સિટિ ડિસીઝ.પહેલીવાર સત્તાવાર રીતે બિગ સિટિ એ ડિસીઝ છે તે સ્વીકારાયું છે. ભારતમાં મૂરખ નેતાઓ એ સ્વીકારવા જ તૈયાર નથી કે શહેરીકરણ એ સમસ્યા છે. શહેરીકરણ પોતે જ એક સમસ્યા છે. તેના બદલે આપણા નેતાઓને લાગે છે કે શહેરો ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ છે. તેમને લાગે છે કે શહેરમાં આવો એટલે રોજગારી મળી જાય. શહેરમાં રોજગારી શોધવા આવવું પડે તે પોતે જ એક સમસ્યા છે એમ નેતાઓને લાગતું નથી. ગામડાંમાં રોજગારી પડી ભાંગી છે તે સ્વીકારવા નેતાઓ તૈયાર નથી. શહેરમાં ફ્લાયઓવર, બ્રીજ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએઝ પ્લાન્ટ વગેરે બનાવો એટલે વિકાસ કર્યાનો આત્મસંતોષ થાય. આ વિકાસ નથી, પણ શહેરને ગૂમડાં થાય છે તેના પર બાંધેલા પાટા છે.
ભારતે પશ્ચિમનું અનુકરણ કરીને શહેરીકરણને પ્રોત્સાહન આપ્યું છે. પ્રારંભમાં શહેરીકરણ સારું લાગે છે. તાલુકામાં કોલેજ મોંઘી પડે. થોડા વિદ્યાર્થી માટે આખી કોલેજ બનાવવી મોંઘી લાગે. પાટનગરમાં જ એક કોલેજ બનાવી દો એટલે ઢગલાબંધ વિદ્યાર્થીઓ મળે. નાના નાના દવાખાના તાલુકે બનાવવા પ્રેક્ટિકલ ના લાગે. નિષ્ણાત ડોક્ટર આખા દિવસમાં એકની જ સારવાર કરે તેના બદલે સિવિલ હોસ્પિટલમાં દસની સારવાર કરે એટલે એક્સપર્ટ લોકો તેને એફિશિયન્સી ગણે. એફિશિયન્સી દેખાતી પણ હતી અને મનાતી પણ હતી. તેથી શહેરોને પ્રોત્સાહન મળતું ગયું. ખાસ કરીને નવી શોધાયેલી ભૂમિ અમેરિકામાં. અમેરિકામાં ગયેલા અને સ્થાનિક વસતિનું નિકંદન કાઢી નાખનારા ગોરા માટે કોઈ ગામડું હતું જ નહિ. તેમણે ટોળામાં રહેવાનું હતું અને તેમને શહેરીકરણ માફક આવી ગયું. અત્યંત વિશાળ જમીન હોવા છતાં અમેરિકાએ શહેરીકરણ અપનાવ્યું.
તેના ફાયદા છે. નકાર નથી. નગરસંસ્કૃત્તિનું મહત્ત્વ સંસ્કૃતિમાં છે, પણ નગર એટલે કેટલું મોટું નગર. મહાનગર એટલે કેટલું મોટું નગર? એ વાત આપણે નક્કી કરી શક્યા નથી. ગામડું સાબૂત રહે અને ઉપયોગીતા પૂરતું નગર મહાનગર થાય ત્યાં સુધી બરાબર છે, પણ ગામડું ભાંગે અને પરાણે મહાનગર ઊભું થાય તે આપણી સૌની સામૂહિક ભૂલ છે.
આ ભૂલ બહુ મોટી થઈ ચૂકી છે. ભૂલસુધાર કેવી રીતે થશે સમજવું મુશ્કેલ છે. ચીન જેવો દેશ આ કરી શકશે તો પણ બીજા દેશ માટે તેનું અનુકરણ મુશ્કેલ હશે. ચીન પણ કરી શકશે કે કેમ તે સવાલ છે. આગળ કહ્યું તેમ શાંઘાઇ 3 કરોડનું તો થઈ જ ગયું છે. તેને 2035 સુધીમાં અઢી કરોડ સુધી મર્યાદિત રાખવાની વાત કઈ રીતે શક્ય બનશે? વાસ્તવિકતા એ છે કે સરકારી નિયંત્રણોથી શહેરને નિયંત્રિત કરવા જવાને કારણે અનેક સામાજિક અને માનવીય મુશ્કેલીઓ ઊભી થાય તેમ છે. એટલે જોઈએ હવે ચીન કેવી રીતે આ કામ પાર પાડે છે. દુઃખની વાત એ છે કે ભારતમાં આપણે હજી આ વાતનો વિચાર કરવાનું પણ શરૂ કર્યું નથી. ગામડું ધીમે ધીમે તૂટ્યું. શહેરને પણ ધીમી ગતિએ તોડવું પડે. પણ હજી શરૂઆત જ નથી થઈ ત્યારે…