રૂમનું તાપમાન હૂંફાળું હોય તો મહિલાઓ વધુ કાર્યક્ષમ!

હવા સર્દહૈ,ખિડકી બંધ કર લો…

આ ગીત માત્ર શિયાળા માટે જ નથી. ઉનાળામાં સૂર્ય બરાબર તપતો હોય, ગરમીથી બધાં પરસેવે રેબઝેબ થતા હોય ત્યારે કોઈ એમ કે એ.સી. બંધ કરી દો કે તાપમાન વધારો તો? ઘણી વાર એવું થતું હોય કે બહારથી રૂમમાં કે ઑફિસમાં જાવ ત્યારે ખૂબ જ ગરમીના કારણે એ.સી. ખૂબ જ નીચા તાપમાને મૂકી દેતા હોઈએ છીએ, પરંતુ થોડી વાર પછી રૂમમાં વાતાવરણ એટલું ઠંડું થઈ જાય કે કેટલાક એમ કહી બેસે કે હવે તાપમાન વધારો, નહીંતર ઠુંઠવાઈ જઈશું.

ખાસ કરીને મહિલાઓને-કન્યાઓને આ સમસ્યા થતી હોય છે. હવે તો સ્લીવલેસ ડ્રેસ પહેરવાની ફૅશન આવી ગઈ છે. આથી સ્લીવલેસ ડ્રેસ પહેર્યો હોય ત્યારે શિયાળા જેવી એ.સી.ની ઠંડક ભર ઉનાળે હોય ત્યારે તેમને આ ઠંડીનો સામનો કરવામાં તકલીફ પડતી હોય છે. નવો અભ્યાસ એમ કહે છે કે સ્ત્રીઓ જ્યારે તાપમાન થોડું હૂંફાળું હોય ત્યારે કેટલાંક કૌશલ્યોની બાબતે સારું પ્રદર્શન કરી શકે છે, જ્યારે પુરુષો તાપમાન જ્યારે થોડું ઠંડું હોય ત્યારે સારું પ્રદર્શન કરી શકે છે.

જર્નલ ‘પ્લૉઝ વન’ (PLOS One)માં એક પત્ર પ્રકાશિત કરાયો છે. તેમાં સાઉધર્ન કેલિફૉર્નિયા યુનિવર્સિટી અને ડબ્લ્યુઝેડબી બર્લિન સૉશિયલ સાયન્સ સેન્ટરના સંશોધકોએ જણાવ્યું છે કે જો તાપમાન વધે તો મહિલાઓ મૌખિક અને ગણિતની કસોટીમાં સારું પ્રદર્શન કરે છે અને આ જ બાબતે પુરુષો ત્યારે સારું પ્રદર્શન કરી શકે છે જ્યારે તાપમાન ઘટે છે. ઑફિસમાં ઘણી વાર તાપમાન બાબતે એટલે કે એ.સી.ની ઠંડક કેટલી રાખવી તે બાબતે બે વર્ગ ઝઘડતા હોય છે. ત્યારે આ પ્રકારના અહેવાલોથી બંને વર્ગને પોતપોતાનીતરફે દલીલ મળી જશે. સ્ત્રી એમ કહેશે કે તાપમાન વધુ રાખો, તો અમે સારું કામ કરી શકીએ. પુરુષો એમ કહેશે કે તાપમાન ઓછું રાખો તો અમે કામ સારું કરી શકીશું.

કેટલાંક વર્ષો પહેલાં જર્નલ નેચર ક્લાઇમેટ ચેન્જમાં એક વૈજ્ઞાનિક પત્ર પ્રકાશિત થયો હતો. તેમાં મહિલાઓ અને પુરુષો શા માટે રૂમની અંદર અલગ-અલગ તાપમાને સારું અનુભવે છે તે અંગે ફિઝિયૉલૉજિકલ માહિતી આપી હતી. આ ઝઘડો ગયા ઉનાળે પણ જોવા મળ્યો હતો. ન્યૂયૉર્ક ગવર્નર માટેની હોડમાંએન્ડ્રુક્યુઓમોના હરીફ સિન્થિયાનિક્સોને ડિબેટ હૉલના તાપમાનને હૂંફાળું રાખવા ટીવી ચેનલને અનુરોધ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે જ્યારે કાર્યસ્થળનારૂમના તાપમાનની વાત આવે છે ત્યારે મહિલાઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે. ‘પ્લૉઝવન’ નાલેખના સંદર્ભમાં એક મહિલાએટ્વિટર પર લખ્યું, “હું તો મારા ડેસ્ક પર બ્લેન્કેટ રાખી મૂકું છું અને તેમાં વીંટળાઈને જ આ ટ્વીટ કરી રહી છું.”

સંશોધક અને સાઉધન કેલિફૉર્નિયા યુનિવર્સિટીમાં ફાઇનાન્સ અને બિઝનેસ ઇકૉનોમિક્સના એસો. પ્રૉફેસર ટૉમ ચાંગ કહે છે, “છેલ્લાં દસથી વધુ વર્ષથી હું ઘરમાં તાપમાન બાબતે મારી પત્ની સાથે દલીલો કરતો આવ્યો છું.” તેમના કહેવા પ્રમાણે, “સાઉધર્ન કેલિફૉર્નિયા યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલમાં મહિલા પ્રૉફેસરો તેમના ડેસ્ક હેઠળ હિટર રાખે છે, તેઓ સ્વેટર પહેલે છે, તેમની પાસે બ્લેન્કેટ હોય છે. ઑફિસમાં કામ કરતી વ્યક્તિ પાસે આ હોય તેમાં કંઈ ખોટું નથી.”

ચાંગને તેમના અભ્યાસનાં પરિણામોની તીવ્રતાથી આશ્ચર્ય થયું. ચાંગ અને તેમના સાથી એગ્નેકજાકૈતે બર્લિનમાં કૉલેજ વિદ્યાર્થીઓની મૌખિક અને ગણિત કૌશલ્યની પરીક્ષા લીધી. તેમને જણાયું કે તાપમાનમાં એક ડિગ્રી સે. વધારો થયો તો મહિલાઓના ગણિતના પ્રશ્નોના જવાબ આપવાની સંખ્યામાં ૧.૭૬ ટકા વધારો થયો. ચાંગના કહેવા પ્રમાણે, આ બહુ મોટી અસર છે. જોકે આ તાપમાને પુરુષોના પ્રદર્શનમાં ૩ ટકા ઘટાડો થયો. ચાંગે કહ્યું કે આ તફાવત માટેની સમજૂતી સંપૂર્ણપણે સ્પષ્ટ નથી, પરંતુ કેટલુંક સંશોધન સૂચવે છે કે આ અસર જૈવિક અથવા કદ પર આધારિત હોઈ શકે છે. કદનો અર્થ છે શરીરના કદની સામે સપાટીનું સરેરાશ ક્ષેત્રફળ.

જોકે અહીં પોશાકની પણ નોંધ લેવી જોઈએ. આ પરીક્ષા કૉલેજના વિદ્યાર્થીઓમાં લેવાઈ હતી તેથી તેમનાં પોશાકમાં બહુ અંતર નહોતું. તેમણે મોટા ભાગે શૉર્ટ અને ટી-શર્ટ પહેર્યાં હતાં. ચાંગ માટે એ સ્પષ્ટ નથી કે જો કૉલેજના વિદ્યાર્થીઓને કાર્યસ્થળના વાતાવરણમાં મૂકવામાં આવ્યા હોત તો આ જ પ્રકારનાં પરિણામો મળ્યાં હોત કે કેમ? તેમ છતાં તેઓ માને છે કે રોજગારપ્રદાતાઓએઑફિસના તાપમાન બાબતે ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી તેમની ઉત્પાદકતાને અસર નથી થતી ને. તેમને અસુવિધા નથી થતી ને. પરંતુ હવે જ્યારે સ્ત્રી અને પુરુષ બંને કામ કરતા હોય અને રૂમના તાપમાન બાબતે બંનેનો મત જુદો-જુદો હોય ત્યારે કરવું શું?

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]