આયુષ્માન ભારત, આરોગ્ય યોજના શું છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના 72મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી કરેલા દેશવ્યાપી સંબોધનમાં ઘણી મહત્ત્વની જાહેરાતો કરી. એમાંની એક છે – આયુષ્માન ભારત હેલ્થકેર યોજના. આ યોજના વિશે જાણી લો.

પ્રધાનમંત્રી જન સ્વાસ્થ્ય યોજના કે આયુષ્માન ભારત હેલ્થકેર સ્કીમ આવતી 25 સપ્ટેંબરથી શરૂ કરવામાં આવનાર છે. આ યોજનામાં પ્રત્યેક ધારક પરિવારને રૂ. પાંચ લાખનું વાર્ષિક મેડિકલ કવર પૂરું પાડવામાં આવનાર છે. આ યોજના હેઠળ દેશભરમાં 10 કરોડથી વધુ ગરીબ પરિવારોને આવરી લેવાનો સરકારનો લક્ષ્યાંક છે.

લાભાર્થી પરિવારોની પસંદગી સામાજિક-આર્થિક જાતિ વસ્તી ગણતરીના ડેટાબેઝના આધારે કરવામાં આવશે.

તમામ લાભાર્થીઓને દેશભરમાં તમામ પેનલ પર યાદીબદ્ધ કરાયેલી હોસ્પિટલોમાં સારવાર દરમિયાન કેશલેસ મેડિકલ કવર પૂરું પાડવામાં આવશે.

કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ આ વર્ષના ફેબ્રુઆરીમાં 2018ના બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી.

આયુષ્માન ભારત કે નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમને 25 સપ્ટેંબરે ભાજપના આદર્શવાદી નેતા દીનદયાળ ઉપાધ્યાયની જન્મતિથિએ શરૂ કરવામાં આવશે.

વડા પ્રધાને કહ્યું છે કે કેન્દ્ર સરકારે હાથ ધરેલા હેલ્થકેર પગલાંથી દેશમાં 50 કરોડ ભારતીયોને સકારાત્મક અસર પ્રાપ્ત થઈ છે. દેશના ગરીબ લોકોને ગરીબીની ચૂંગાલમાંથી ઉગારવાની બહુ જરૂર છે. ગરીબીને કારણે જ તેઓ આરોગ્યની કાળજી લઈ શકતા નથી.

આ યોજના અમલમાં મૂકાશે ત્યારબાદ એ વિશ્વમાં સૌથી મોટી હેલ્થકેર સ્કીમ બનશે.

આયુષ્માન ભારત અંતર્ગત વીમા કવચમાં હોસ્પિટલમાં દાખલ થવા પૂર્વે તથા ત્યારપછીના ખર્ચનો સમાવેશ કરવામાં આવશે.

આયુષ્માન યોજનાને શરૂઆતમાં ગરીબ લોકો સીમિત રાખ્યા બાદ ભવિષ્યમાં એનો વ્યાપ વધારીને એમાં લોઅર મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસના લોકોને પણ આવરી લેવામાં આવશે.

આયુષ્માન ભારત માટે પૈસા કોણ ચૂકવશે?

આયુષ્માન ભારત હેલ્થકેર યોજનાનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકારો મોટા ભાગના રાજ્યોમાં 60:40ના રેશિયોમાં વહેંચી લેશે.

ઈશાન ભારત તથા હિમાલય પર્વતમાળામાં આવેલા રાજ્યો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. ઈશાન ભારતના રાજ્યો તેમજ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કશ્મીર રાજ્યો માટે કેન્દ્ર સરકાર 90 ટકા ખર્ચ ભોગવશે.

જે કેન્દ્રશાસિત પ્રદેશોમાં એમની પોતાની વિધાનસભા નથી ત્યાં કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત માટેનો પૂરેપૂરો, 100 ખર્ચ ભોગવશે.

ગેટ્ટી ઈમેજીસ

આ યોજના શરૂ થયા બાદ દરેક રાજ્યમાં એમની પોતપોતાની હેલ્થ-પ્રોટેક્શન યોજનાઓ ચાલુ રાખવામાં દેવામાં આવશે.

આયુષ્માન ભારત યોજના માટે તમે પાત્ર છો કે નહીં? એ જાણવા માટે આ વેબસાઈટ પર વિઝિટ કરવાથી જાણકારી મળશેઃ