વજન ઘટાડવામાં કારગર છે આ ટીપ્સ

દીવાળી પછી ઘણી વાર વજન વધી જવાની ફરિયાદ રહેતી હોય છે. દીવાળીના તહેવારો આપણે ત્યાં ઘણી જગ્યાએ દેવદીવાળી સુધી ચાલે છે. અને મહેમાનોનો આવરોજાવરો હોય અને મહેમાનોને નાસ્તાનો આગ્રહ કરાય તેની સાથે કટકબટક આપણે પણ મોઢામાં એકાદ બટકું બરફીનું કે એકાદ પુરી મૂકી દેતા હોઈએ છીએ. પરંતુ હવે સમય છે વજન ઘટાડવાનો.વજન વધુ હોય તો ચાલવામાં તકલીફ પડે, ન કરે નારાયણ ને પડી ગયા તો લોકોને ઊંચકવામાં તકલીફ પડે, પથારીમાં મળ-મૂત્રની ક્રિયા કરાવવામાં લોકોને તકલીફ પડે. અને હૃદયરોગ જેવી બીમારીઓને નોતરું મળે તે તો ખરું જ. આથી વજન નિયંત્રણમાં રહે તે બેહદ જરૂરી છે.

પરંતુ પ્રશ્ન એ છે કે વજન ઘટાડવું કેમ? પહેલાં તો તમારે તમારું વજન કરાવી લઈ પછી બૉડી માસ ઇન્ડેક્સ જાણવું જોઈએ. તમારી ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં તમારા શરીરનું વજન યોગ્ય છે કે નહીં તે ખબર પડશે. હવે આવીએ વજન ઘટાડવાના કેટલાક સરળ ઉપાયો પર.

સૌ પ્રથમ તો તમારે તમારા આહારમાં બદલ કરવો પડશે. તમારે જાણવું જોઈએ કે આખા દિવસમાં કેટલી કેલેરીવાળો ખોરાક લેવો જોઈએ અને તે ક્યારે-ક્યારે. તો જાણી લો કે, સવારે નાસ્તામાં ૭૦૦ કેલેરી, બપોરે ભોજનમાં ૫૦૦ અને રાત્રે ૨૦૦ કેલેરી. આમ, સૌથી વધુ સવારે જમો, પછી બપોરે મધ્યમ ભોજન અને રાત્રે સાવ ઓછું ભોજન. ધ્યાન રાખો કે રાત્રે હળવું ભોજન જ લો.

કેટલાક લોકો રાત્રે ભોજન કરીને તરત જ સૂઈ જાય છે કારણકે રાત્રે મોડેથી આવતા હોય છે. આના કારણે જમવાનું પચતું નથી અને તે ચરબીના રૂપમાં પેટમાં જમા થવા લાગે છે. રાત્રે સૂવાના સમયના બે કલાક પહેલાં ભોજન કરવાની ટેવ પાડો. અને ફરી એક વાર, હંમેશાં રાત્રે હળવું ભોજન જ કરો. બની શકે તો ભોજન કર્યા પછી થોડું ચાલવા જાવ. આનાથી મનનો તણાવ પણ ઘટશે, (ઘરની અંદર કરતાં પ્રમાણમાં) બહારની શુદ્ધ હવા પણ મળશે અને પાચન પણ થશે.

સવારે નાસ્તો અચૂક કરો. ડાયેટિંગ કરતા હો તેનો અર્થ એ નથી કે ઓછું-ઓછું ખાવું. જે કંઈ ખાવ તેની પૌષ્ટિકતા અને કેલેરીને ધ્યાનમાં રાખીને ખાવ. ખાવાપીવાનું છોડી દેવાથી વજન ઘટી નહીં જાય. તેનાથી તો ઉલટું નબળાઈ આવશે. કુપોષણ થઈ જશે. હૉસ્પિટલ ભેગા થવાનો વારો આવશે. આથી ખાવાપીવાનું એકદમ ઓછું ન કરી નાખો. વજન ઘટાડવા માટે તમારે યોગ્ય પ્રકારનું અને યોગ્ય માત્રાનું ભોજન લેવું જરૂરી છે. આનો પહેલો નિયમ એ છે કે સવારનો નાસ્તો પેટ ભરીને કરો.

અને હા, જમો ત્યારે શાંત ચિત્તે જમો. ટીવી જોવાનું અને તેમાંય તણાવ ઉત્પન્ન કરનારા સમાચારો કે ટીવી સિરિયલો તો ન જ જુઓ. હલકીફૂલકી કૉમેડી સિરિયલો જરૂર જોઈ શકાય. તોય, બને તો ટીવી જોવાનું ટાળો. પરિવાર સાથે વાતો કરતાં કરતાં ભોજન લો. ચાવીચાવીને ખાવ. ઘણા પોતાના ભોજન માટે ખૂબ જ ઓછો સમય કાઢે છે. બીજા બધાં કામો જેમ કે મોબાઇલમાં ઢગલો મેસેજ જોવા અને ફૉરવર્ડ કરવા, લોકો સાથે વાત કરવી, ઑફિસનાં કામો વગેરે માટે તો તેમની પાસે સમય હોય છે પરંતુ ભોજન કરવા માટે પૂરતો સમય ફાળવતા નથી. હડકવડક જમી લે છે. થાળી પર બેઠા નથી ને ઊભા થયા નથી. આવી ઉતાવળ શા માટે?

આખરે તો પેટ માટે જ કમાવ છો ને. જો માંદા પડશો તો બધી કમાણી હૉસ્પિટલ લઈ જશે. આથી શાંતિથી ચાવી ચાવીને ખાવ. મોઢાનો રસ કોળિયા સાથે ભળે તો પાચન સરળ બનશે.

વજન ઘટાડવા માટે પૂરતી નિંદર જરૂરી છે. ગળી ચીજોમાં કેલેરી વધુ હોય છે. આથી ગળી ચીજો ઓછી ખાવ. મેંદાવાળી બ્રેડ અને ભાત ખાવાના બદલે બ્રાઉન બ્રેડ અને બ્રાઉન રાઇસ ખાવ. ફાસ્ટ ફૂડ, તળેલી વાનગીઓ, મસાલેદાર ભોજનનો મોહ છોડો. વજન ઘટાડવા માટેના ચોક્કસ યોગાસનો કરો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]