ખીચડી માંદા માટે નહીં, સાજા રહેવા માટેનો ખોરાક છે

તાજતેરમાં એક સારી વાત બની. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા કાર્યક્રમમાં ૯૧૮ કિલોગ્રામ ખીચડીનો વિશ્વ વિક્રમ બન્યો. પરંતુ ખીચડીને રાષ્ટ્રીય ભોજન જાહેર કરાશે તેવી અટકળ વહેતી થઈ તેની સાથે કેટલાક લોકોએ વિરોધ કર્યો. કેટલાકે પોતાને તે ન ભાવતી હોવાથી વાસ્તવિક વિરોધ કર્યો તો કેટલાકે રાષ્ટ્રવિરોધી ભાવનાથી પ્રેરાઈને વિરોધ કર્યો.આપણે એ વાતમાં નથી પડવું, પરંતુ આરોગ્યની રીતે ખીચડી કેટલી ઉપયોગી છે તેની વાત કરવી છે. લોકોમાં એવી માન્યતા ઘૂસી ગઈ છે કે ખીચડી એ માંદાનો ખોરાક છે. પેટ બગડ્યું હોય ત્યારે ખવાય. તાવ આવ્યો હોય ત્યારે ખવાય. હકીકતે ખીચડી એ માંદા ન પડવા માટેનો ખોરાક છે. ખીચડી ખાવાથી સ્વાદનો આનંદ પણ મળે છે અને આરોગ્યને નુકસાન પણ થતું નથી. માંદા પડાતું નથી. ખીચડી એ મેગી-નૂડલ્સ-ચાઇનીઝ ફૂડની જેમ ઇન્સ્ટન્ટ ફૂડ છે. પરંતુ મેગી વગેરે આરોગ્યને નુકસાનકર્તા છે જ્યારે ખીચડી ફાયદારૂપ છે.

ખીચડીનાં અનેકવિધ રૂપો છે. અનેક પ્રકારે તે બનાવી શકાય છે. તેથી તેમાં એકવિધતા આવવાનું જોખમ પણ નથી.

ખીચડીને બનાવવા માટે સામાન્ય રીતે ચોખા, મગની લીલી દાળ અથવા પીળી દાળ, તુવેરદાળ વગેરે વપરાય છે. તેમાં ઘી નાખીને ખવાય છે. તે સાજા થવામાં ખૂબ જ અસરકારક છે અને પચવામાં હલકી છે. ખીચડીએ અંગ્રેજી ડિશ કેડગીરીને પ્રેરણા આપી છે તો ઇજિપ્તની ડિશ કુશરી પણ તેમાંથી પ્રેરણા લઈને બનાવાઈ છે.

દૂધની જેમ ખીચડીને પણ સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. તેમાં કાર્બૉહાઇડ્રેટ અને પ્રૉટીનનું સારું સંતુલન હોય છે. ખીચડીમાં મગની દાળ વપરાય છે જેમાં વિટામીન સી, મૅગ્નેશિયમ, કૅલ્શિયમ, પૉટેશિયમ અને ફૉસ્ફરસ હોય છે. વધુમાં તેમાં ૧૦ જરૂરી એમિનો એસિડ હોય છે જે પ્રૉટીનનો સંપૂર્ણ સ્રોત છે. ગરમાગરમ ખીચડીમાં ગાયનું ઘી નાખીને ખાવું હિતકારી છે. ખીચડીથી કૉમ્પ્લેક્સ કાર્બૉહાઇડ્રેટ, પ્રૉટીન અને ચરબીનું સાચું પ્રમાણ હોય છે.

માંદા હોય ત્યારે તો ખોરાકમાં ખીચડી લેવી જ જોઈએ. પરંતુ સાજા હોય ત્યારે પણ ખીચડી ખાવી હિતાવહ છે. તે પેટને અને આંતરડાંને શાંત કરે છે. પચવામાં હલકી છે. બાળકો અને વૃદ્ધો માટે પણ તે સારો વિકલ્પ છે કારણકે તે હલકી અને પૌષ્ટિક છે.

અનેક લોકોને ગ્લુટેન પ્રત્યે તકલીફ હોય છે. તેમને ગ્લુટેન પચતું નથી. આવા રોગને સેલિયાક રોગ કહે છે. ગ્લુટેન એ એવું પ્રૉટીન છે જે સામાન્ય રીતે ઘઉં, રાઇ (ઘઉં અને જવ વર્ગનું એક ઘાસ), જવ વગેરેમાં મળી આવે છે. ખીચડી ગ્લુટેનરહિત હોય છે. આમ, જેમને ગ્લુટેનથી તકલીફ હોય અને પૌષ્ટિક તત્ત્વો પણ જોઈતાં હોય તો તેમણે ખીચડી ખાવી જોઈએ.

ખીચડી ગમે તે સમયે ખાઈ શકાય છે. તે શરીરને કોઈ પણ અયોગ્ય તત્ત્વોથી મુક્ત કરે છે અને વાત, પિત્ત અને કફ વચ્ચે સંતુલન સાધે છે. આયુર્વેદની દૃષ્ટિએ પણ ખીચડી રોજ ખાવી જોઈએ.

આમ તો ગુજરાતીઓને ખીચડી કેવી રીતે બનાવવાની તે શીખવવાની ન હોય પરંતુ નવી પેઢીમાંથી કોઈને ન આવડતી હોય તો આરોગ્યપ્રદ ખીચડી કેવી રીતે બનાવવી તે પણ જોઈ લો. ૧ ચમચી ઘી, અડધી ચમચી જીરું, લીમડાનાં કેટલાંક પાન, એક ચમચી વાટેલું આદુ, થોડીક સમારેલી ડુંગળી, અડધો કપ બી-રહિત સુધારેલા ટમેટા, અડધી ચમચી લાલ મરચું, થોડી હળદર, એક લીલા મરચાની ચીર, જરૂર પ્રમાણે મીઠું, ત્રણ ચતુર્થાંશ કપ ચોખા, ત્રણ ચતુર્થાંશ મગ દાળ અને અઢી કપ પાણી.

ચોખા અને મગને લગભગ એકાદ કલાક પલાળી રાખવા જરૂરી છે. તે સારી રીતે પલળી જાય પછી જ તે ચડી જશે અને પચવામાં હલકા બને છે. આથી તેને પૂરતા પલાળી રાખી પછી તેને ધોઈ નાખો. પ્રેશર કૂકર કે તપેલીમાં ઘી ગરમ કરો. પછી જીરું અને રાઇ નાખો. પછી આદુને તળો જ્યાં સુધી સુગંધ ન આવે. પરંતુ એ પણ ધ્યાન રાખો કે તે બળી ન જાય. પછી ડુંગળી, ટમેટા અને લીલું મરચું નાખી તેને તળી લો. પછી ચોખા અને મગની દાળ નાખો. તેના પર જરૂર પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું નાખો. કૂકરમાં ચાર સિટી થાય ત્યાં સુધી તેને ચડવા દો. જો તમે તપેલી વગેરેમાં રાંધતા હો તો દાણો એકદમ ચડી ન જાય ત્યાં સુધી તેને ઉકળવા દો. આ સ્વાદિષ્ટ ખીચડી ખાવ અને તંદુરસ્ત રહો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]