હળદર, લાલ દ્રાક્ષ અને સફરજનથી મટાડો પ્રૉસ્ટેટ કેન્સર!

ળદરના અનેક લાભો આયુર્વેદ વર્ણવે છે. આપણું રસોડું એ અડધું ઔષધાલય જ છે. આપણા આહારવિહાર એ જ રીતે ઘડાયા છે જે આપણને સ્વસ્થ રાખે. પરંતુ હવે વિદેશી કંપનીઓ દ્વારા લાવવામાં આવેલા પિઝા, નુડલ્સ, બર્ગર, વગેરે જ આપણને વધુ ભાવવા લાગ્યા છે. જોકે હવે તો પશ્ચિમ વિજ્ઞાન પણ આપણા વિજ્ઞાનની વાતોનું સમર્થન કરવા લાગ્યું છે. દા.ત. એક નવા અભ્યાસ પ્રમાણે, હળદર, સફરજન અને દ્રાક્ષથી કેન્સર અટકાવી શકાય છે અને તેની સારવાર કરી શકાય છે.સફરજનની છાલની સાથે લાલ દ્રાક્ષ અથવા હળદરનાં તત્ત્વો સાથે ભેગા કરવામાં આવે તો પ્રૉસ્ટેટ કેન્સરના કોષોની વૃદ્ધિ અટકી શકે છે. સંશોધકોએ કુદરતી તત્ત્વો ઓળખી કાઢ્યાં છે જે પ્રૉસ્ટેટ કેન્સરની ગાંઠોને ગાળી શકે છે. હળદર, લાલ દ્રાક્ષ અને સફરજનની છાલમાં રહેલાં તત્ત્વો જ્યારે એક સાથે મિશ્રણમાં હોય ત્યારે તેમની પ્રચંડ અસર થાય છે.

અભ્યાસના સહ લેખક અને અમેરિકાના ઑસ્ટિનમાં ટૅક્સાસ યુનિવર્સિટી ખાતે ન્યૂટ્રિશનલ સાયન્સ વિભાગ અને ડેલ પિડિયાટ્રિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સ્ટીફનો ટીઝીયાની તેમજ તેમના સાથીઓએ તાજેતરમાં પ્રિસિશન ઑન્કૉલૉજી જર્નલમાં પોતાનાં તથ્યોનું તાજેતરમાં લેખન કર્યું છે.

અમેરિકામાં ત્વચાના કેન્સર પછી પ્રૉસ્ટેટ કેન્સર પુરુષોમાં સૌથી વધુ જોવા મળે છે. અમેરિકન કેન્સર સૉસાયટી મુજબ, આ વર્ષે ૧.૬૧ હજાર નવા કેસો પ્રૉસ્ટેટ કેન્સરના નિદાન કરાયા છે. આ રોગથી ૨૬,૭૩૦ લોકો મૃત્યુ પામે છે.

અગાઉના અભ્યાસમાં છોડ આધારિત ખોરાક અર્થાત્ શાકાહારમાં જોવા મળતાં તત્ત્વોથી પ્રૉસ્ટેટ કેન્સર ઘટતું હોવાનું જણાયું હતું. આમ, શાકાહાર પણ પ્રૉસ્ટેટ કેન્સર ઘટાડે છે જે પણ ભારતની સૌથી વધુ પ્રચલિત માન્યતા એટલે કે શાકાહાર ફાયદાકારક છે તેની પુષ્ટિ કરે છે. આ તાજા અભ્યાસ માટે ટીઝીયાની અને સાથીઓએ ૧૪૨ કુદરતી તત્ત્વોનું પરીક્ષણ કરવા નવી-હાઇ થ્રૂપૂટ સ્ક્રીનિંગ ટૅક્નિકનો ઉપયોગ કર્યો હતો, તેનો હેતુ પ્રૉસ્ટેટ કેન્સર કોષોની વૃદ્ધિ આ તત્ત્વોથી કેટલી રોકાય છે તે ચકાસવાનો હતો.

ઉંદર અને માનવમાંથી કઢાયેલા પ્રૉસ્ટેટ કેન્સરના કોષો પર સ્વતંત્ર રીતે અને સંયુક્ત રીતે આ તત્ત્વોની અસરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત ટીમે પ્રૉસ્ટેટ કેન્સરના કોષોનો વિકાસ અટકાવવા માટે ત્રણ તત્ત્વો સૌથી વધુ અસરકારક હોવાનું ઓળખી કાઢ્યું હતું. હળદરમાં રહેલું તેજસ્વી પીળા રંગનું તત્ત્વ કર્ક્યુમિન, સફરજનની છાલમાં જોવા મળતું ઉર્સૉલિક એસિડ નામનું તત્ત્વ તથા લાલ દ્રાક્ષમાં જોવા મળતું તત્ત્વ રેસ્વેરાટ્રૉલનું ઉંદરમાંથી કઢાયેલા કોષો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સંશોધકોએ જણાવ્યું હતું કે જ્યારે ઉર્સૉલિક એસિડનું કર્ક્યુમિન અથવા રેસ્વેરાટ્રૉલ સાથે મિશ્રણ કરવામાં આવ્યું ત્યારે કુદરતી તત્ત્વોએ પ્રૉસ્ટેટ કેન્સરના કોષો દ્વારા ગ્લુટામીન શોષાતું અટકાવે છે જેના લીધે અંતે ગાંઠો વૃદ્ધિ પામતી અટકે છે.

અત્રે પ્રશ્ન એ થાય કે ગ્લુટામીન શું છે? ગ્લુટામીન એ એક એમીનો એસિડ છે જેની જરૂર પ્રૉસ્ટેટ કેન્સરના કોષોને વૃદ્ધિ પામવા માટે જરૂર પડે છે. આથી તેને શોષાતું અટકાવવામાં આવે તો કેન્સરના કોષો ભૂખે મરી જશે અને મૃત્યુ પામશે.

ઉર્સૉલિક એસિડ, કર્ક્યુમિન અને રેસ્વેરાટ્રૉલ કુદરતી તત્ત્વો છે. તેથી તેની ઉંદર પર કોઈ ઝેરી અસર જોવા મળી નહોતી. જોકે સંશોધકોએ નોંધ્યું કે ત્રણ તત્ત્વો પૈકીના દરેકની સાંદ્રતા તેમને ખોરાક દ્વારા સામાન્ય રીતે લેવામાં આવે તેના કરતાં વધુ હતી. આમ છતાં, ટીમને લાગે છે કે આ તથ્યોથી એક આશાનું કિરણ મળ્યું છે કે પ્રૉસ્ટેટ કેન્સર અટકાવવા અને તેની સારવાર કરવાની આ કુદરતી હથિયાર છે.

કેન્સર એ અસાધ્ય રોગ ગણવામાં આવે છે અને કેન્સર એટલે કેન્સલ એવું કહેવાય છે, પરંતુ સાવ એવું નથી. અમેરિકામાં કરવામાં આવેલા આ નવા અભ્યાસથી પ્રૉસ્ટેટ કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ જાગ્યું છે તેમાં ના નથી.