સાવધાન! રેટિનલ બીમારીઓ પ્રત્યે આંખ મીચામણાં ન કરશો!

ક્રૉનિયા (આંખનો આગળનો હિસ્સો) સાથે જોડાયેલી બીમારીઓ વિશે લોકો સામાન્ય રીતે જામે છે જ્યારે રેટિના (આંખની પાછળનો હિસ્સો) સાથે જોડાયેલી બીમારીઓ વિશે લોકોને ખબર પડતી નથી. વિશેષજ્ઞોનું કહેવું છે કે અંધાપો હોવાનાં કારણોના લીધે આંખો સાથે જોડાયેલી અન્ય બીમારીઓની સરખામણીમાં રેટિનલ બીમારીઓ વધુ પરેશાનીનું કારણ બની શકે છે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે, વિભિન્ન રેટિના સંબંધી વિકારોમાં ઉંમર સાથે જોડાયેલી મેક્યૂલર ડિજનરેશન (એએમડી) અને ડાયાબિટિક મેક્યૂલર ઇડિમા (ડીએમઇ) બે એવી બીમારીઓ છે જેનાથી હંમેશ માટે આંખોનું તેજ ગુમાવવાનો ડર રહે છે.રેટિનલ બીમારીઓ જેમ કે એએમડીમાં ધૂંધળું કે વિકૃત કે જોતી વખતે આંખોમાં ગાઢ રંગના ડાઘા દેખાવા, સીધી દેખાતી રેખાઓ લહેરાતી કે ત્રાંસી દેખાવી તે લક્ષણ છે. સામાન્ય રીતે રેટિનલ બીમારીઓની ઓળખ નથી થઈ શકતી કારણકે તેનાં લક્ષણોથી દુઃખાવો નથી થતો અને એક આંખ બીજી ખરાબ આંખની ક્ષતિપૂર્તિ કરે છે. એ તો જ્યારે એક આંખનું તેજ ખૂબ જ ઓછું થઈ જાય છે અને એક આંખ બંધ કરીને જોઈએ છે તો ખબર પડે છે. આથી આ લક્ષણોને સમજવાં જરૂરી બની જાય છે અને તેની ઓળખ કરી વિશેષજ્ઞો પાસેથી સલાહ લેવી જોઈએ જેથી આંખોના તેજને બચાવી શકાય.

જે રીતે કેમેરાની અંદર ફિલ્મમાં તસવીર બને છે તે જ રીતે આપણી આંખોના રેટિનામાં પણ દૃશ્ય બને છે. જો રેટિના ક્ષતિગ્રસ્ત થઈ જાય તો આંખનું તેજ આપોઆપ ચાલ્યું જાય છે. એએમડી રેટિનાના મેક્યૂલાને નુકસાન પહોંચાડે છે જેનાથી કેન્દ્રીય દૃષ્ટિ પ્રભાવિત થાય છે. એએમડી વૃદ્ધોને સૌથી વધુ પ્રભાવિત કરે છે. તે દુનિયામાં ૮.૭ ટકા દૃષ્ટિહીનતા માટે જવાબદાર છે. ડાયાબિટીસના દર્દીઓમાં રેટિનોપેથી આંખોની પાછળ રેટિનામાં હાજર રક્તવાહિનીઓને ક્ષતિગ્રસ્ત કરે છે. આ બીમારીના કારણે વિશ્વના ૪.૮ ટકા લોકો દૃષ્ટિહીન છે.

ડાયાબિટિક રેટિનોપેથીથી ડાયાબિટિક મેક્યૂલર ઇડિમા (ડીએમઇ) થઈ જાય છે અને તે બહુ જ સામાન્ય છે. જ્યારે ક્ષતિગ્રસ્ત રક્તવાહિનીઓમાં સોજો આવે છે અને તે લીક થઈને રેટિનાના મેક્યૂલામાં પહોંચી જાય છે ત્યારે રેટિનાનું તેજ પ્રભાવિત થાય છે. તેનાથી રેટિનાના સામાન્ય રૂપથી જોવામાં તકલીફ આવવા લાગે છે.

સમય પર બીમારીની ઓળખ અને ઈલાજ માટે રોગીને રેટિના સંબંધી બીમારી સાથે જોડાયેલાં લક્ષણોને સમયસર ઓળખવા જરૂરી છે. સામાન્ય રીતે એએમડીનાં લક્ષણોને વૃદ્ધો પોતાની ઉંમર સાથે જોડાયેલી સમસ્યા માની લે છે. તેઓ માને છે કે અમુક ઉંમર થાય એટલે કેટલીક તકલીફો તો થાય જ. ડાયાબિટીસના દર્દીઓને દર છ મહિને આંખના વિશેષજ્ઞો કે રેટિનૉલૉજિસ્ટ પાસે તપાસ કરાવવાની સલાહ અપાય છે કારણકે તેમને ડાયાબિટિક રેટિનોપેથી હોવાનું સૌથી વધુ જોખમ હોય છે. ઉંમર સાથે જોડાયેલા મેક્યૂલર ડિજનરેશનથી દુનિયામાં લગભગ ૮.૭ ટકા દૃષ્ટિહીનતાની ઝપટમાં છે. દુનિયાભરમાં ડાયાબિટિક રેટિનોપેથીથી ૪.૮ ટકા લોકો અંધકારમાં જીવી રહ્યા છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]