ભારતમાં વધી રહેલું સ્તન કેન્સરનું પ્રમાણ

ભારતમાં વિતેલા એક દશકમાં સ્તન કેન્સરના કિસ્સાઓ અનેક ગણાં વધી ગયાં છે. પશ્ચિમી દેશોની સરખામણીમાં, ભારતીય મહિલાઓ નાની ઉંમરમાં જ સ્તન કેન્સરનો શિકાર બની રહી છે. ભારતીય મહિલાઓને સ્તન કેન્સર થવાની સરેરાશ ઉંમર લગભગ 47 વર્ષ છે જે પશ્ચિમી દેશોની સરખામણીએ 10 વર્ષ ઓછી છે. સાચી જાણકારી, જાગૃતિ, થોડી સાવચેતી અને સમય પર તેનાં લક્ષણોની ઓળખ તેમજ સારવારથી આ સમસ્યા ટાળી શકાય છે.

આરોગ્યના નિષ્ણાતો મુજબ સ્તન કેન્સરનું કોઈ ખાસ કારણ નથી. તે ફેફસાંના કેન્સરની જેમ નથી જેમાં તમે સિગરેટ કે તમાકુ બંધ કરી દો તો તેને રોકી શકાય છે પરંતુ સ્તન કેન્સર અનેક ચીજોના કારણે થાય છે. સ્તન કેન્સર અસાધ્ય નથી, પરંતુ તેના માટે તેની જાણકારી સમયસર થઈ જવી જરૂરી છે.

આ એક એવી બીમારી છે જેની સમયસર જાણકારી મેળવીને તેને નિર્મૂળ કરી શકાય છે. બસ જરૂરી છે કે તે થયું છે તેની ખબર પડવી ખૂબ જ જરૂરી છે અને તેના માટે શરૂઆતની જાગૃતિ ઘણી જરૂરી છે. આ માટે દરેક સ્ત્રીએ પોતાની જાતે જ સ્તનોની તપાસ કરવી જોઈએ અને કોઈ પણ પ્રકારની અસામાન્ય સ્થિતિ લાગે તો તેની ડૉક્ટરી તપાસ કરાવવી જોઈએ. મહિલાઓએ મહિનામાં એક વાર સ્તનની તપાસ કરવી જોઈએ. આ  નિયમિત રીતે કરવી જોઈએ. તે માટે પહેલાં તો સ્ત્રીએ આશંકા રાખ્યા વગર સમજવું જોઈએ કે તે તેના માટે સામાન્ય છે. તેમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી.

સ્તનની સ્વયં તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફોને ગંભીરતાથી લેવી જોઈએ કે કેમ? આરોગ્ય નિષ્ણાતોનો જવાબ એ છે કે એક મહિલા પોતાના સ્તનને સારી રીતે જાણે છે. અર્થાત્ તેનો આકાર કેવો છે વગેરે. જો પોતાની મેળે જ તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની અસામાન્ય વાત નજરે આવે તો તેની તપાસ કરવી જોઈએ. જો આ સમસ્યાને ટાળવા જશો તો તે સમય જતાં વધી જશે અને તેના માટે લાંબી સારવારમાંથી પસાર થવું પડશે.

સ્વયં તપાસ કરવા માટેનો યોગ્ય સમય કયો? આરોગ્ય નિષ્ણાતો મુજબ, જે મહિલાઓને માસિક આવે છે તેમણે માસિક શરૂ થવાના દસ દિવસ પછી અને જેમનું માસિક બંધ થઈ ગયું છે તેમણે મહિનામાં એક દિવસ નક્કી કરી લેવો જોઈએ અને ત્યારે તપાસ કરવી જોઈએ. જમણા હાથથી ડાબું સ્તન અને ડાબા હાથથી જમણું સ્તન ગોળગોળ ફેરવીને જોવું જોઈએ અને જો કોઈ પણ પ્રકારની અસામાન્ય વાત નજરે પડે જેમ કે કોઈ પ્રકારનો દુ:ખાવો, કે પછી ડીંટડીમાંથી કોઈ પ્રકારનો સ્ત્રાવ થાય તો તરત જ ડૉક્ટર પાસે તપાસ કરાવો.

આરોગ્ય નિષ્ણાતો મુજબ, જે મહિલાઓ ૪૦ વર્ષથી મોટી ઉંમરની હોય તેમણે વર્ષમાં એક વાર મેમોગ્રાફી કરાવવી જોઈએ. આ તપાસથી આ બીમારીની ત્યારે જ ખબર પડી જાય છે જ્યારે મહિલાઓને કોઈ પણ પ્રકારની સમસ્યાની અનુભૂતિ ન થતી હોય. જો તમે કોઈ પણ પ્રકારની ગાંઠને નજરઅંદાજ કરી તો તે કેન્સરનું રૂપ લઈ શકે છે. જોકે તપાસ થોડી મોંઘી છે પરંતુ તેનાથી બચવા માટે જાગૃતિ અને સ્વયં તપાસ જરૂરી છે.