ડિપ્રેશનઃ યોગ અને આયુર્વેદની રીતે ઈલાજ

જકાલ જે રીતનો સ્ટ્રેસ વધી ગયો છે, સોશિયલ મિડિયા પર શૉબાજી વધી ગઈ છે અને ભૌતિક સુખો તરફ જે રીતે દોટ વધી છે, કુટુંબો વિભિન્ન થયાં છે, તેના કારણે હતાશા વધી છે. અંગ્રેજીમાં તેને ડિપ્રેશન કહે છે. દીપિકા પદુકોણ હોય કે મનીષા કોઈરાલા, તમામ નાનામોટા સ્ટાર ડિપ્રેશનનો ભોગ બની ચૂક્યા છે. પરંતુ ડિપ્રેશનની આયુર્વેદની દૃષ્ટિએ શું સારવાર છે?આયુર્વેદ અને યોગ માત્ર બહારી પરિબળો પર ભાર નથી મૂકતાં, તે અંદરનાં પરિબળો પર પણ ભાર મૂકે છે. આથી આયુર્વેદ કહે છે કે હંમેશાં બહારનાં પરિબળોથી ઉત્સાહ કે પ્રોત્સાહન મેળવવાના બદલે વ્યક્તિએ અંતરમાંથી પણ ઊર્જા મેળવવા પ્રયાસ કરવો જોઈએ. આમ કરવાથી જ ડિપ્રેશનમાંથી બહાર આવી શકાય. આયુર્વેદ અને યોગ કહે છે કે ડિપ્રેશન એક સંકેત છે કે તમારે પૃથક થવું જોઈએ અને તમારી જિંદગીમાં જાગૃતિના એક નવા સ્તર પર આગળ વધવું જોઈએ. ડિપ્રેશન આપણી અંદર ઊંડે ઊંડે રહેલા ભયોને છુપાવી દે છે. જો આ ભયમાંથી બહાર ન આવીએ તો ડિપ્રેશન દૂર થવાની શક્યતા નથી.

આથી ડિપ્રેશનની બહાર નીકળવું હોય તો હંમેશાં રોદણાં રડવાની પ્રવૃત્તિમાંથી બહાર નીકળવું જોઈએ. આખા જગતનું દુઃખ પોતાને જ આવી પડ્યું છે તેવું માનવાનું અને બધાને કહેવાનું બંધ કરવું જોઈએ. વ્યક્તિગત મોજમજા અને બાહ્ય સફળતાના બદલે જીવનને જાગૃતિના ઉચ્ચ સ્તર પર લઈ વા પ્રયાસ કરવો જોઈએ. આપણે કોઈ પણ ઘટના કે કાર્ય માટે બીજાને, આપણાં માતાપિતા કે આપણા સમાજને દોષ દેવાનું બંધ કરવું જોઈએ.

આ સિવાય ચંપક, ફ્રંગીપાની, કપૂર, યુકેલિપ્ટ્સ, ફૂદીનો, સેગ (સુગંધિત વનસ્પતિ) કે તુલસી જેવાં છોડની સુગંધ લેવી જોઈએ. તમે તમારાં નસકોરાં સાફ કરવા નસ્ય તેલનો પણ ઉપયોગ કરી શકો છો અથવા નેતી પાત્રનો ઉપયોગ નસકોરાંને સાફ કરવા કરી શકો છો. તેનાથી તમારા મગજમાં રહેલો પ્રાણ (ઑક્સિજન) વધુ પહોંચશે. મગજને વધુ ઊંડે સુધી ઊર્જા પહોંચાડવા માટે તમે પ્રાણાયામ પણ કરી શકો છો. જ્યાં સુધી આપણા નસકોરાં અને ફેફસાં ખુલ્લાં હોય અને આપણા શ્વાસોચ્છવાસ ઊંડા ચાલતા હોય અને પૂરેપૂરા હોય ત્યાં સુધી હતાશા કે ડિપ્રેશનથી દૂર રહી શકો છો.

ઉપરાંત હ્રીં અથવા ઓમ્ નમ: શિવાયનો મંત્રાજાપ પણ કરી શકો છો. યોગ અને આયુર્વેદની દૃષ્ટિએ પણ આ એક સારવારનો ભાગ જ છે. પરંતુ આ જ મંત્ર બોલવા તેવી જડતા પણ નથી. તમને જે મંત્રથી શાંતિ મળતી હોય તે મંત્ર જાપ કરો. તેનાથી તમને નવી ઊર્જા મળતી જણાશે. ઉપરાંત આયુર્વેદિક ઔષધીય ચા (હર્બલ ટી) જેમ કે તુલસી, કેલામસ અથવા બ્રાહ્મી વગેરે દ્વારા મગજમાં પરિભ્રમણ સુધારી શકો છો અથવા કપાળ કે મગજ ચંદન જેવાં કુદરતી ઔષધોનો ઉપયોગ કરી મગજને શાંત કરી શકો છો.

તમે કુદરતમાં બહાર જઈને પણ હતાશા દૂર કરી શકો છો. તમે પર્વતારોહણ કરી શકો છો, તરવા જઈ શકો છો, યોગાસનોના વર્ગમાં જોડાઈ શકો છો. શીર્ષાસન પણ આ બાબતે ફાયદારૂપ નીવડી શકે છે.

આકાશ, જળ, પૃથ્વી, પર્વત, વૃક્ષો, ફૂલો અને ઔષધિ દ્વારા તમારે તમારા જીવનને બહ્માંડ સાથે જોડવું જોઈએ. વધુ ચોક્કસ આયુર્વેદિક ભાષામાં કહે તો વાત દોષ ઘણી વાર ગાઢ હતાશાને આણતા હોય છે અને ચિંતા સર્જતા હોય છે. તમારો મિજાજ પણ વારેઘડીએ બદલાઈ શકે છે. આ માટે સારો પોષક આહાર, આરામ, તેલનું માલિશ અને સારી સંગત જરૂરી છે. આથી હતાશાને દૂર કરવી હોય તો હકારાત્મક હોય, ખુશમિજાજ હોય અને જીવનને આનંદથી જીવવામાં માનતા હોય તેવા લોકોની સંગતમાં રહો. કફ દોષથી દીર્ઘકાલીન ડિપ્રેશન સર્જાઈ શકે છે. તેનાથી આળસ અને મેદસ્વિતા પણ આવી શકે છે. આવા લોકોને પ્રેરિત કરવાની અને ઉત્સાહિત કરવાની જરૂર શારીરિક અને માનસિક બંને રીતે હોય છે.

પિત્ત દોષથી વ્યક્તિ જ્યારે તેમના અંગત લક્ષ્યો સિદ્ધ કરવામાં નિષ્ફળ જાય છે કે તેમના પ્રયાસોને અવરોધિત કરી દેવામાં આવે છે ત્યારે તેને ડિપ્રેશન આવે છે. આવી હતાશામાં ગુસ્સો પણ ભળે છે. તેઓ બાયપૉલર હોઈ શકે છે (મિજાજમાં અચાનક પરિવર્તન), તેઓ કોઈ વ્યક્તિ સામે કંઈ પણ કરી શકે છે. તેમને શાંત કરવાની જરૂર હોય છે. તેમને ક્ષમા અને કરુણા શીખવવાની અને કેળવવાની જરૂર છે.