ફિલ્મઃ સિમ્બા
કલાકારોઃ રણવીર સિંહ, સારા અલી ખાન, સોનુ સૂદ, આશુતોષ રાણા
ડાયરેક્ટરઃ રોહિત શેટ્ટી
અવધિઃ ૧૬૦ મિનિટ
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત
ફિલ્મોમીટર રેટિંગઃ
★★1/2
અંગ્રેજીમાં એક સ-રસ શબ્દસંજ્ઞા છેઃ ‘પૉટ બોઈલર’, અર્થાત ઘરનો ચૂલો જલતો રાખવા, કેવળ પૈસા કમાવા માટે જ કરવામાં આવેલું સર્જન. રોહિત શેટ્ટી દિગ્દર્શિત ‘સિમ્બા’ આવી એક પૉટ બોઈલર છે, જે ત્રણેક વર્ષ પહેલાં આવેલી ‘ટેમ્પર’ નામની તેલુગુ સુપરહિટ મૂવી તથા મિસ્ટર શેટ્ટીની જ ‘સિંઘમ’-શ્રેણીની ફિલ્મ (એ પણ તેલુગુ રિમેક) પરથી ઊતરી છે. ફિલ્મનો એકમાત્ર હેતુ છેઃ સાબુ-શેમ્પૂ જેવી પ્રોડક્ટની જેમ ચતુરાઈપૂર્વક માર્કેટિંગ કરી બૅન્ક બેલેન્સ છલકાવી દેવું. વળી રોહિત શેટ્ટી ટાઈપના સર્જકોનું એક સુખઃ એ લોકો ડે વનથી જ કહી દે કે અમારી તો મસાલા ફિલ્મ છે. મીન્સ કે અમારી ફિલ્મ પાસેથી બહુ એક્સપેક્ટ કરવું નહીં. પછી ભલેને ફિલ્મનું હાર્દ બળાત્કાર જેવું ઘૃણાસ્પદ આચરણ હોય. હા, રોહિત શેટ્ટીએ રેપ જેવા એક અતિગંભીર વિષય પર બોલિવૂડનો વઘાર કરી, ઉપરથી ચપટીક મેસેજ ભભરાવી મસાલા મનોરંજન કહીને પીરસી દીધું છે. નિર્ભયા-કેસે દેશભરમાં જે હાહાકાર મચાવેલો એવો માહોલ ઊભો કરવાનો પણ અહીં નિષ્ફળ પ્રયાસ થયો છે.
વક્કથમ્મ વમ્સીની વાર્તા કંઈ આવી છેઃ બાજીરાવ સિંઘમના જ ગામ શિવગડમાંથી આવતા સંગ્રામ ભાલેરાવ અથવા સિમ્બા (રણવીરસિંહ)નું બચપનનું સપનું છેઃ પોલીસ બની ઉપરની કમાણીમાંથી તિજોરી ભરવી. દિવસે સિનેમાની ટિકિટનાં કાળાં બજાર કરી, નાઈટ સ્કૂલમાં ભણી એ ઈન્સ્પેક્ટર બની જાય છે. હવે એનું કામ વધ્યું છેઃ એક તો લાંચિયાં બકરાં શોધવાનાં ને કોમિક ડાયલોગ બનાવવાના. સેમ્પલઃ ‘ત્રાસ દિયા તો ક્લાસ લૂંગા’…’મેરે કૂ ડ્રાય લૂક્સ દે રહા હૈ? આજ સે તૂ મેરા ડ્રાઈવર’… ‘દરદ ઘૂંટનોં મેં તો પ્રોબ્લેમ ઉઠને મેં’… ‘માઈન્ડ ઈજ બ્લોઈંગ’… આવા કામઢા સિમ્બાની બદલી ગોવાના મિરામાર પોલીસ સ્ટેશનમાં થાય છે, જ્યાં દુર્વા રાનડે (સોનુ સૂદ) નામના બાહુબલીનું રાજ ચાલે છે. પોલીસસ્ટેશનની સામે જ શગુન (સારા અલી ખાન) પોતાનું કેટરિંગ ને ટિફિન સર્વિસનું કામકાજ ચલાવે છે. લવ-ટ્રૅક માટે સારું પડે. ક્યાં હીરોઈન લાંબે શોધવા જવી. એ બહાને બેએક સોંગ ઉમેરી શકાય. ટૂંકમાં સિમ્બાને તો અહીં ખાઈપી ને ખેરસલ્લા છે. એ પછી એક નાટ્યાત્મક ટ્વિસ્ટ બાદ એનું હૃદયપરિવર્તન થાય છે. હવે સિમ્બા શું કરશે અથવા ફિલ્મમાં શું આવશે એ ધારવા કોઈ પ્રાઈઝ રાખવામાં આવ્યું નથી.
રોહિત શેટ્ટીએ ફિલ્મની માવજત 1990ના દાયકામાં આવતી ફિલ્મો જેવી લાઉડ કરી છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિકથી લઈને ઓલમોસ્ટ બધાં પાત્ર પ્રેક્ષકના કાનના પરદા ફાટી જાય એટલાં લાઉડ છે. સિમ્બા તરીકે રણવીરસિંહની પસંદગી એ સર્જકોનું હુકમનું પત્તું છે. રોહિત શેટ્ટીની ફિલ્મમાં હીરોઈનનું જેટલું મહત્ત્વ હોવું જોઈએ એટલું, બલકે એથી ઓછું મહત્ત્વ સારા અલી ખાનને આપવામાં આવ્યું છે. આશુતોષ રાણા પોલીસસ્ટેશનનો ઑનેસ્ટ હેડ કૉન્સ્ટેબલ છે, જેને સર્જકે ફરજ-ઈમાનદારી વિશેની વાતો કરી કરીને સિમ્બાના સૂતેલા આત્માને જગાડવા રાખ્યો છે.
જો તમને તર્ક-સાબુ (એટલે કે સામાન્ય બુદ્ધિ)ની હત્યા કરીને સર્જવામાં આવેલું મનોરંજન ગમતું હોય, પરાણે હસાવતી કૉમેડી અને ઈન્ટરનેટ પરથી સર્ચ કરીને પીરસસવામાં આવેલો ઉપદેશ (નિર્ભયા રેપ કેસ પછી પણ આશરે એક લાખ એંસી હજાર રેપ દેશમાં થયા છે) અથવા ‘અગર ઉસકી જગા તુમારી બેટી હોતી તો’? અને પ્લાયવૂડનાં ફર્નિચર-હાડકાંની તોડફોડ અને ઠોક ડાલા સાલે કો જેવા સીટીમાર ડાયલૉગ, ધડામ ધુડુમ સંગીત અને હા, રણવીરસિંહ ગમતો હોય તો જજો સિમ્બા જોવા. બાકી એક ગંભીર સબ્જેક્ટ પર બનેલી સેન્સિટિવ, જકડી રાખતી ફિલ્મની અપેક્ષા હોય તો નિરાશ થશો.
(જુઓ ‘સિમ્બા’નું ટ્રેલર)
httpss://youtu.be/PtFY3WHztZc