જૂડવા ટુઃ ડબલ રોલ… ડબલ લોચો

ફિલ્મઃ જૂડવા ટુ

ડિરેક્ટરઃ ડેવિડ ધવન

કલાકારઃ વરુણ ધવન, તાપસી પન્નૂ, જેક્લિન ફર્નાન્ડીસ

અવધિઃ અઢી કલાક

★ બકવાસ,
★★ ઠીક મારા ભઈ,
★★★ ટાઈમપાસ,
★★★★ મસ્ત,
★★★★★ પૈસા વસૂલ

ફિલ્મોમીટર રેટિંગઃ  ★ ★  1/2

મુંબઈની હૉસ્પિટલમાં જન્મેલાં ટ્વિન્સ બાળક વિશે એમના ફાધરને માહિતી આપતાં ડૉક્ટર કહે છે કે યૂ સી, એંસી લાખમાંથી કૉન્જૉઈન્ડ ટ્વિન્સનો આવો એકાદ કેસ આવે છે. જુઓ, આ બેમાંથી એક બાળક બળવાન છે, બીજું નબળું… જો બળવાનને દરદ થશે તો એ આ નબળું બાળક પણ ફીલ કરશે. ‘લેટ મી શો યૂ’ કહીને ડૉક્ટર એ નવજાત શિશુને રીતસરનો ચોંટિયો ખણે છે ને તરત બિચારું જોડિયું બચ્ચું રડે છે…

આ છે ડેવિડ ધવનની સેન્સિટિવિટી. આવી જ સેન્સિટિવિટી તમે આખી ફિલ્મમાં અનુભવશો. જેમને જૂડવા વિશે કંઈ જ ખબર નથી એમને માટે વાર્તા (અથવા સમથિંગ લાઈક સ્ટોરી)- ટ્વિન્સ બ્રધર પ્રેમ અને રાજા (વરુણ ધવન) બચપનમાં બિછડી જાય છે. એક (નબળો અથવા સીધોસાદો) ઊછરે છે મમ્મી-પપ્પા સાથે રાણીના દેશ ઈંગ્લાંડમાં, બીજો (સ્ટ્રીટ સ્માર્ટ, ટપોરી) મુંબઈના સાર્વજનિક ગણપતિ મંડળવાળા વરસોવા વિસ્તારમાં. સંજોગ એવા સર્જાય છે કે ટપોરી રાજા મુંબઈથી ઊડીને લંડન પહોંચે છે. બન્નેની પોતપોતાની ગર્લફ્રેન્ડ્સ (જેકલિન ફર્નાન્ડીસ-તાપસી પન્નૂ) સાથે મોજમસ્તી કરે છે. ત્યાં સુધી જ્યાં સુધી જાતજાતના વિલનનું આગમન મુંબઈથી લંડન થતું નથી. બસ, પછી મારધાડવાળી ક્લાઈમેક્સ અને એન્ડ ટાઈટલ્સ. હા, એ પહેલાં ઓરિજિનલ સલમાન ખાન પરદા પર આવીને થોડા ટુચકા ફેંકે છે પ્રેક્ષકો સામે.

વરુણ ધવનની ઊર્જા કાબિલેતારીફ છે, પણ નબળી પટકથા-સંવાદ, મારીમચડીને ઊભી કરવામાં આવેલી રમૂજ, વૉટ્સઍપ જોક્સ ને કંઈ ન સૂઝે ત્યાં શર્ટ ઉતારી કાં સોંગ કાં મારામારી- આવા ડિરેક્શનમાં એ અભિનય, ઊર્જા ધોવાઈ ગયાં. બન્ને હીરોઈનને ભાગે ઝાઝું કંઈ કરવાનું આવ્યું નથી.

ઓક્કે- એક બેઝિક સવાલઃ શું કામ ભાઈ? વ્હાય જૂડવા ટૂ? વ્હાય રિમેક? એવું તો નથી કે વીસ વર્ષ પહેલાં સલમાન  ખાનને ચમકાવતી જૂડવા માસ્ટરપીસ હતી ને એમાં હવે હીરામોતી ટાંકીને પ્રેક્ષકો સામે રજૂ કરવામાં આવી છે. જરા આ જુઓ ડેવિડ ધવનનાં હીરામોતીઃ

રાજા કી ઈઝ્ઝત સાબૂન કી ટીકિયા નહીં, જો તૂ ઘીસ ઘીસ કે ધો ડાલે…. યે તોતલી હૈ- એમ્બ્યુલન્સ કો ટરબ્યુલન્સ બોલ રહી હૈ… દૂર સે દેખા તો આલિયા ભટ્ટ, નઝદીક આઈ તો મહેશ ભટ્ટ… (આવો સંવાદ બોલનારા અનુપમ ખેર સામે જોઈને વરુણ ઉવાચઃ કૌન હૈ યે ટકલા- સાલા લાઉડ હૈ) હાઉ વેરી ટ્રુ!વૉન્ટ સમ મોર? હિયરઃ યૂ બૉર્નફાયર-જનમજલી…અમેરિકા કા પ્રેસિડેન્ટ કૌન હૈ ડોનાલ્ડ ડક કે ડોનાલ્ડ ટ્રમ્પ.

રિયલી? ઓહ, પ્લીઝ….

હા, એકાદ-બે જગ્યાએ મને હાસ્યનો ચમકારો જોવા મળ્યો, પણ થ્રૂઆઉટ મૂવી લગભગ આવા જ સંવાદો અને માઈન્ડલેસ કૉમેડી છે. જો મનોરંજન કહેવાતું હોય તો માફ કરજો, મને મનોરંજનમાં સમજ પડતી નથી. હા, તમને આવું ભેજાગેપ એન્ટરટેન્મેન્ટ ગમતું હોય તો ગો, ટેક યૉર પિક.