શેફઃ ટેસ્ટ કરવા જેવી ખરી…

ફિલ્મઃ શેફ

ડિરેક્ટરઃ રાજ કૃષ્ણ મેનન

કલાકારોઃ સૈફ અલી ખાન, પદમપ્રિયા, સ્વર કાંબળે, ચંદન રૉય સાન્યાલ

અવધિઃ બે કલાક, દસ મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ

ફિલ્મોમીટર રેટિંગઃ  ★ ★  ★

બહેનો અને ભાઈઓ- આજે આપણે એક નવી વાનગી માણીશું. સૌથી પહેલાં ઈન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએઃ

મુખ્ય સામગ્રીઃ 2014ની જૉન ફેવરૉ દિગ્દર્શિત-અભિનિત ‘શેફ’નું ઑફિશિયલ ઍડેપ્શન.

એમાં ઉમેરોઃ મિડલાઈફ ક્રાઈસીસ, અસ્તિત્વની ઓળખ ઊભી કરવાની મથામણ, પિતા, પુત્ર અને ભૂતપૂર્વ પત્નીનો ઈમોશનલ ટ્રાયેન્ગલ.

વાનગી વિશેઃ ચાંદની ચોકમાં જન્મેલા-ઊછરેલા રોશન કાલરાને બચપનથી રાંધણકળામાં રસ. એમાં પારંગત થવા એ કિશોરવયે ઘેરથી ભાગી નીકળ્યો છે. પછી તો એ રાંધણકળામાં એવો પારંગત થયો કે ન્યૂ યૉર્કમાં ‘ગલી કેફે’ નામની ઈન્ડિયન ફાઈન-ડાઈનિંગ રેસ્ટોરાંના રસોડાનો એ સ્ટાર શેફ છે. જો કે સંજોગ એવા સર્જાય છે કે એને નોકરીમાંથી પાણીચું મળે છે ને એ ભારત (કોચીન) પરત આવે છે, જ્યાં એની ભૂતપૂર્વ પત્ની રાધા (પદમપ્રિયા જાનકીરામન) એકલેહાથે દીકરા અરમાન (સ્વર કાંબળે)ને ઊછરી રહી છે. એ પછીની ફિલ્મ રોશન કાલરા, એના દીકરા અરમાન અને બન્નેએ મળીને તૈયાર કરેલા ફૂડ ટ્રક (‘રાસ્તા કેફે’) વિશેની,. પિતા-પુત્રની એક ઈમોશનલ જર્ની વિશેની ફિલ્મ છે.

હોલિવૂડની ફિલ્મમાં એવું બને છે કે કોઈ ફૂડ-ક્રિટિક હીરો શેફની વાનગીનો ખરાબ રિવ્યૂ લખે છે, જેને કારણે એની પડતી થાય છે. આપણો હીરો રેસ્ટોરાંમાં વાનગીની બૂરાઈ કરનાર ગ્રાહકના નાક પર એક સણસણતો મુક્કો મારે છે, પુલીસ કેસ થાય છે, રેસ્ટોરાંનો માલિક એને પુલીસ-કસ્ટડીમાંથી છોડાવી લાવે છે ને નોકરીમાંથી રુખસદ આપે છે. રેસ્ટોરાંનો રસોઈયો ગ્રાહકની ધોલાઈ કરે એ જરા વધુ પડતું કહેવાય, પણ આપણે ત્યાં કદાચ ફૂડ રિવ્યુનું કલ્ચર હજી એવું જામ્યું નથી કે સમીક્ષક આકરી ટીકા કરે એટલે શેફની કારકિર્દી જોખમમાં આવી જાય… એટલે ડિરેક્ટરે આ તરીકો અપનાવ્યો હશે.

કેવી રીતે સર્વ થાયઃ થ્રુઆઉટ મૂવી ડિરેક્ટરે મૂડ હળવો રાખ્યો છે. પછી એ રાધાના ક્લોઝ ફ્રેન્ડ બિજુ (મિલિંદ સોમણ) સાથે રોશન કાલરાનો સામનો હોય કે પછી ઈન-ફિલ્મ હ્યુમર. જેમ કે, કોચીનથી ફૂડ ટ્રક લઈને દિલ્હી જતાં વાટમાં ગોવામાં રોકાણ થાય છે ત્યારે (‘દિલ ચાહતા હૈ’ના સંદર્ભમાં) રોશન કહે છેઃ બીસ સાલ પેહલે મૈં અપને દોસ્તોં કે સાથ યહાં આયા થા તબ એક ગોરી લડકી ઔર ઉસકે બૉયફ્રેન્ડને મુઝે લૂટ લિયા થા…

સર્વિંગઃ આ ફૂડ વિશેની ફિલ્મ છે એટલે છોલે ભટૂરે, પરાઠા, ટમેટાંની ચટણી, લસ્સીથી લઈને રસમ, ઈધિઐય્યપમ આવ્યા કરે છે. જો કે બેસ્ટ છે રોશન કાલરાનું નવસર્જનઃ રોટ્ઝા. રોટલી-પિઝાનું  કૉમ્બિનેશન. અને જે રીતે રોશન કણક બાંધી, તવી પર શુદ્ધ ઘીમાં બે ક્રિસ્પી રોટલી બનાવી એની વચ્ચે ચટાકેદાર ફિલિંગ કરી એની ઉપર ચીઝનું ગાર્નિશિંગ કરે છે એ મારા જેવા પ્રેક્ષકનાં મોંમાં પાણી લાવી દે છે. બલકે આ કદાચ સૈફની કારકિર્દીની બહેતરીન ફિલ્મ છે એમ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય. એ જે રીતે વાનગીઓ, તાજાં શાકભાજીની સોડમ લે છે, કુશળ રસોઈયાની અદાથી હાથમાં નાઈફ ઝાલે છે, ધાબા ટાઈપ રેસ્ટોરાંમાં ટમેટાંની ચટણી બનાવે છે, સ્વાદિષ્ટ પાસ્તા બનાવી નજાકતથી એને બાઉલમાં સર્વ કરે છે, આ બધું એણે ઝાઝા પ્રયાસ વિના, સહજતાથી કર્યું છે. સાથી કલાકારો (પદમપ્રિયા જાનકીરામન, સ્વર કાંબળે, ચંદન રૉય સાન્યાલ, બિજ્જુની નાની ભૂમિકામાં મિલિંદ સોમણ, વગેરે) પણ સરસ.

કેવી છે? ભઈ, ખાણીપીણીના અપાર વૈવિધ્યવાળા દેશમાં ફૂડ વિશેની ભાગ્યે જ કોઈ ફિલ્મ બને છે. એટલે એ રીતે જીભના જલસા વિશેની ફિલ્મનો આઈડિયા કમાલનો છે. ઓક્કે, મૂળ ફિલ્મ પરથી રિતેશ શાહ-સુરેશ નાયર અને રાજ કૃષ્ણ મેનને પટકથા લખી છે તે ગરમાગરમ શીરાની જેમ ગળે ઊતરી જાય એવી બહેતરીન નથી. સ્વાદ માણતાં, પચાવતાં જરા વાર લાગી જાય છે, ક્યાંક ક્યાંક ફીકી પણ લાગે છે. ખાસ કરીને ઈન્ટરવલ પછી. એમ પણ થાય કે થાળી અધૂરી મૂકીને ઊભા થઈ જઈએ, પણ પછી ફરીથી સ્વાદ જામવા માંડે છે. જો તમે ધૈર્યવાન પ્રેક્ષક છો તો જાઓ ને ટેસ્ટ કરી લો ‘શેફ’.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]