બાટલા હાઉસ: પોલીસ એન્કાઉન્ટરનું સત્ય-અસત્ય

ફિલ્મઃ બાટલા હાઉસ

કલાકારોઃ જૉન અબ્રાહમ, મૃણાલ ઠાકૂર, રાજેશ શર્મા

ડાયરેક્ટરઃ નિખિલ અડવાની

અવધિઃ 146 મિનિટ્સ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★★

16 સપ્ટેમ્બર, 2008ની સવારે એસીપી સંજય કુમાર (જૉન અબ્રાહમ) અને એની ટીમ દિલ્હીના ઓખલા વિસ્તારમાં પહોંચે છે, જ્યાંના બાટલા હાઉસ નામના મકાનમાં દિલ્હી દેશભરમાં બૉમ્બધડાકા કરનારા ત્રાસવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનના કેટલાક ટેરરિસ્ટ્સ સંતાયેલા હોય છે. ત્યાં પહોંચતાં પહેલાં સંજય એના યુનિટને સ્પષ્ટ સૂચના આપે છે કે ત્રાસવાદીઓને અરેસ્ટ કરવા. પરંતુ એવું બને એ પહેલાં ફાયરિંગ શરૂ થઈ જાય છે, મોટા ભાગના ટેરરિસ્ટની લાશ પડે છે, એક ટેરરિસ્ટ જીવતો પકડાય છે, જ્યારે એક ભાગી છૂટવામાં સફળ થાય છે. એક પોલીસ ઑફિસર (રવિ કિશન) શહીદ થાય છે. મામલો બિચકી જાય છે, ચોમેર હોબાળો મચે છે, સંજય કુમાર અને એની ટીમ પર માનવહકના ઘોર ઉલ્લંઘનનો આરોપ લાગે છે… મિડિયા (અમુક ન્યુસચેનલ) આદું ખાઈને સંજય કુમાર અને એની ટીમની પાછળ પડી જાય છે.

દિલ્હીના બહુચચર્ચિત બાટલા હાઉસ એન્કાઉન્ટર પર આધારિત આ ફિલ્મમાં પણ, ‘મિશન મંગલ’ની જેમ, રોચક બનાવવા કેટલાક કાલ્પનિક પ્રસંગ ઉમેરવામાં આવ્યા છે. ડિરેક્ટર નિખિલ અડવાની અને એમના રાઈટર રિતેશ શાહએ મેઘના ગુલઝારની ‘તલવાર’ની જેમ બને એટલી સચ્ચાઈની નજીક રહેવાનો પ્રયાસ કર્યો છે, પણ એન્કાઉન્ટરની બન્ને બાજુ બતાવવા (ખાસ કરીને કોર્ટરૂમ ડ્રામા દરમિયાન)માં તથા સંજય કુમારની પર્સનલ લાઈફ, ઓલમોસ્ટ તૂટતું લગ્નજીવન (મૃણાલ ઠાકૂર બની છે એની પત્ની), ઘટના બાદ અનુભવાતો માનસિક તણાવ, વગેરેથી સ્ક્રીનપ્લે થોડો ગૂંચવાડાભર્યો બની જાય છે.

ફિલ્મમાં આ વિવાદાસ્પદ એન્કાઉન્ટર વિશે અમરસિંહ-દિગ્વિજયસિંહ-અરવિંદ કેજરીવાલ-લાલ ક્રિશન અડવાનીના એ વખતે આવેલી પ્રતિક્રિયાનાં રિયલ ટીવીફૂટેજ બતાવી એક દસ્તાવેજી માહોલ ઊભો કરવાનો પ્રયાસ થયો છે, પણ અહીં અકસીર નીવડે છેઃ જૉનનો અભિનય, કેટલાક થ્રિલિંગ સીન્સ તથા ડાયલોગ્સને લીધે. જેમ કે એન્કાઉન્ટર દરમિયાન પકડાયેલા ટેરરિસ્ટની પૂછપરછવાળી સિક્વન્સ પણ અસરકારક છે. આ ઉપરાંત એન્કાઉન્ટર દરમિયાન ભાગી છૂટેલા ટેરરિસ્ટને પકડવાના સંજય કુમારના પ્રયાસ તથા એની પાછળના ભેદભરમ. જો કે એ માટે ‘ઓ સાકી સાકી’ જેવા આઈટમ સોંગની જરૂર નહોતી, પણ એની ચેઝ સિકવન્સ સીટમાં જકડી રાખે છે. જો કે આવું હ્યુમન રાઈટ્સે કરેલા કેસની સુનાવણીનાં દ્રશ્ય વિશે કહી શકાતું નથી. આ દ્રશ્ય વધુ અસરકારક બની શક્યા હોત. ફિલ્મ માટે અત્યંત મહત્ત્વનો બની શકનારો, ક્લાઈમેક્સ તરફ લઈ જતો ભાગ (કોર્ટ રૂમ ડ્રામા) જ આવો વીક? આમ છતાં બાટલા હાઉસ ચોક્કસપણે જોઈ શકાય એવી ફિલ્મ છે.

(જુઓ ‘બાટલા હાઉસ’નું ટ્રેલર)