મિશન મંગલઃ કૉપી ધિસ…

ફિલ્મઃ મિશન મંગલ

કલાકારોઃ અક્ષયકુમાર, વિદ્યા બાલન, શરમન જોશી, તાપસી પન્નૂ, કીર્તિ કુલ્હારી, નિત્યા મેનન, સોનાક્ષી સિંહા

ડાયરેક્ટરઃ જગન શક્તિ

અવધિઃ ૧૩૩ મિનિટ્સ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★★1/2

હિંદી સિનેમામાં અનહોની કો હોની કર દે અથવા અશક્ય લાગતું કાર્ય કોઈ એકલદોકલ કે ટીમ મળીને પાર પાડી  સિદ્ધિ મેળવે (યાદ કરો ‘લગાન’ કે ‘ચક દે ઈન્ડિયા’ કે પછી અક્ષયની જ ‘ગોલ્ડ’) એ વિશેની ફિલ્મનું સર્જન એક જોખમી કામ છેઃ સીધેસીધી એ સિદ્ધિ બતાવી દેવામાં આવે તો દસ્તાવેજી ચિત્રપટ બની જવાનો ભય, જ્યારે એને મનોરંજક બનાવવા જતાં મૂળ વાતથી ફંટાઈ જવાનો ડર. આથી જ, ‘મિશન મંગલ’ના સર્જકો- ડિરેક્ટર જગન શક્તિ અને ક્રિયેટિવ પ્રોડ્યુસર આર. બાલ્કિએ વચલો માર્ગ કાઢ્યોઃ 2013માં ‘ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન’ (‘ઈસરો’) દ્વારા ભારતના મિશન ટુ માર્સ (મંગળયાન વહેતું મૂકવાના ભગીરથ કાર્ય) સાથે સંકળાયેલા અમુક વિજ્ઞાની (ખાસ કરીને પાંચ મહિલા વિજ્ઞાની)નાં અંગત જીવનની સાથે સાથે અવકાશસંશોધન ક્ષેત્રે ભારતનો દુનિયામાં ડંકો વગાડી દે એવી સિદ્ધિને વણી લેવી. આમાં જો તમે પ્યૉર સાન્સ કે તર્ક કે ડબલ ‘ચ’વાળી સચ્ચાઈ શોધવી એ ટૅક્સીવાળાની સ્ટ્રાઈકને દિવસે કાળીપીળી મેળવવા રસ્તા પર ઊભા રહેવા જેવું નિરર્થક સાબિત થશે. સર્જકનો પ્રયત્ન એ છે કે સામાન્યમાં સામાન્ય પ્રેક્ષકને પણ ગળે ઊતરી જાય એ રીતે સ્પેસ સાયન્સ વિશેની ફિલ્મ બનાવવી, જેમાં એ સફળ થયા છે.

પહેલા જ પ્રયાસમાં મંગળ ગ્રહ પર પહોંચનારો ભારત સૌપ્રથમ એશિયન દેશ બન્યો અને એ પણ સાવ કિફાયતી કિંમતે (હોલિવૂડની મૂવી ગ્રેવિટી બનાવવાની કૉસ્ટ જ આશરે પાંચ અબજ રૂપિયા હતી, જ્યારે આપણે આ મિશન આશરે સાડાચારસો કરોડ રૂપિયામાં પાર પાડેલું.). આ ઐતિહાસિક ઘટના સાથે સંકળાયેલાં ગરમ મિજાજના રાકેશ ધવન (અક્ષય કુમાર), ગમેતેવી સમસ્યાનો જેની પાસે ઈસ્ટંટ ઉકેલ છે એવી તારા શિંદે (વિદ્યા બાલન), વર્ષા પિલ્લાઈ (નિત્યા મેનન), પરમેશ્વર નાયડુ (શરમન જોશી), નેહા સિદ્દીકી (કીર્તિ કુલ્લારી) ક્રીતિકા અગરવાલ (તાપસી પન્નૂ) ઈકા ગાંધી (સોનાક્ષી સિંહા)નાં રોજિંદા જીવન, એમની કથની જાણતાં જાણતાં આપણે આ મિશન સાથે જોડાઈ જઈએ છીએ. ઈસરોમાં કામ કરતી ઈકા ગાંધી દેશ છોડીને અમેરિકા (નાસામાં) જવા માગે છે એટલે એના વિશે એક મજેદાર સંવાદ ફિલ્મમાં છેઃ “નામ મેં ગાંધી ઔર કામ મેં ક્વિટ ઈન્ડિયા”! શબ્દોની આવી રમત ફિલ્મમાં ઠેકઠેકાણે જોવા મળે છે, જે સાયન્સ વિશેની ફિલ્મનો માહોલ હળવો રાખે છે.

આમ તો બધા કલાકારે પોતપોતાના પાઠ પૂરી તન્મયતાથી ભજવ્યા છે આમ છતાં આ ફિલ્મ અક્ષયકુમાર અને વિદ્યા બાલનની છે એમ કહી શકાય. ઈસરોની ટીમના સૌથી પીઢ વિજ્ઞાની અનંત આયર તરીકે એચ.જી. દત્તાત્રેય પણ પ્રભાવી છે. ટૂંકમાં પૂરા પરિવાર સાથે માણી શકાય એવી ફિલ્મ.

તા.ક. જેમને આ ઐતિહાસિક ઘટના સાથે સંકળાયેલી મહિલા વિજ્ઞાની વિશે વધુ જાણવામાં રસ હોય એમણે મિની વૈદનું પુસ્તક ‘ધોઝ મેગ્નિફિસન્ટ વીમેન ઍન્ડ ધેર ફ્લાયિંગ મશીન્સઃ ઈસરો’સ મિશન ટુ માર્સ’ વાંચી જવું.

(જુઓ ‘મિશન મંગલ’નું ટ્રેલર)