બોલીવૂડની અભિનેત્રીઓમાં આજકાલ પોલ ડાન્સિંગ લોકપ્રિય થવા લાગ્યું છે. આ ડાન્સને શારીરિક રીતે સુસજ્જ રહેવા માટે એક આદર્શ કળા તરીકે ગણવામાં આવી રહ્યો છે. કેટલાક મહિનાઓ અગાઉ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસે પોલ ડાન્સ કરીને આ ડાન્સ વિશે ચકચાર જગાવી હતી. હવે આ ડાન્સ પરફોર્મન્સને ફોલો કરનાર નવી હીરોઈન છે યામી ગૌતમ.
જેક્લીન બાદ અન્ય અભિનેત્રી મલાઈકા અરોરાએ પણ પોલ ડાન્સ કરતી પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. દીપિકા પદુકોણે ‘હેપ્પી ન્યૂ યર’ ફિલ્મના ‘લવલી’ ગીતમાં એની પોલ ડાન્સિંગ ક્ષમતાનાં દર્શન કરાવ્યાં હતાં. એક અન્ય અભિનેત્રી ઝરીન ખાને ‘વજહ તુમ હો’ ફિલ્મના એક ગીતમાં પોલની ફરતે ઉત્કટ અદાઓવાળો ડાન્સ કર્યો હતો.
અભિનેતાઓમાં, અક્ષય કુમાર અને વરુણ ધવન પોલ પર એમની ટેલેન્ટ બતાવી ચૂક્યા છે.
‘વિકી ડોનર’ ફિલ્મની અભિનેત્રી યામીએ પોલ ડાન્સ શીખવા માટે સેલિબ્રિટી ડાન્સ ટીચર આરિફા ભિંડરવાલાનાં ક્લાસીસ જોઈન કર્યાં છે.
યામી કહે છે કે ફિટનેસ વિશે હું ખૂબ જ સતર્ક રહું છું અને માટે જ આ ડાન્સ પ્રતિ આકર્ષિત થઈ છું.
યામી અનેક વાર સોશિયલ મીડિયા પર પોતાનાં વર્કઆઉટ વીડિયો શેર કરતી હોય છે. હવે એણે ફિટ રહેવા માટે પોલ ડાન્સિંગ શરૂ કર્યું છે.
‘કાબિલ’માં ઋતિક રોશન સાથે ચમકેલી યામીએ કહ્યું છે કે પોલ ડાન્સ શીખવાનું મને કોઈએ કહ્યું નથી કે કોઈ પ્રકારનું દબાણ પણ નથી. આ મારી પોતાની જ પસંદગી છે, ઈચ્છા છે. ફિટનેસ અને ડાન્સ, હંમેશાં મારાં ફેવરિટ રહ્યાં છે. ફિટનેસ ક્ષમતા વધારવા માટે પોલ ડાન્સ ખૂબ જ સરસ છે. આ કળા આટલી સરસ હશે એની મેં કલ્પના પણ નહોતી કરી.
પોલ ડાન્સમાં યામી ભલે નવી જ છે, પણ તસવીર પરથી એવું લાગે કે એને આની ઝડપથી ફાવટ આવી ગઈ છે.
ડાન્સના પહેલા જ દિવસે એને થયેલો અનુભવ પણ યામીએ ઈન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં લખ્યો છે. એણે કહ્યું છે કે, પોલ ડાન્સિંગ કરવા જાવ ત્યારે તમારી બોડી પર ઓઈલ લગાવશો નહીં. મેં મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કર્યો હતો. એટલે હું પોલ પરથી વારંવાર લપસી જતી હતી. મને તો એમ લાગ્યું હતું કે હું કરી જ નહીં શકું. છેવટે પોલ પર ગ્રિપ બનાવી શકું એ માટે મારે પહેલાં તો પોલને સાબુથી ધોવો પડ્યો હતો અને મારી બોડીને પણ સાબુથી સાફ કરવી પડી હતી, પણ પહેલો દિવસ મજાનો રહ્યો.
યામીએ એમ પણ કહ્યું છે કે એનું આ પોલ ડાન્સિંગ એની કોઈ આગામી ફિલ્મની તૈયારી માટેનું નથી.
ઉલ્લેખનીય છે કે, જેક્લીન ફર્નાન્ડિસે એની એક્શન થ્રિલર ફિલ્મ ‘અ જેન્ટલમેન’ માટે પોલ ડાન્સ શીખ્યો હતો.