રીસર્ચઃ કેવા કપડાં પહેરશો તો કેવું રહેશે…

વાત તો નક્કી જ છે કે આપણે જે પહેરીએ છીએ તેનાથી આપણી પર્સનાલિટી છતી થાય છે. તમારા કપડાં તમારા સ્વાસ્થ્ય, તમારો મૂડ અને તમારા આત્મવિશ્વાસ પર ન  ધારેલી અસર કરે છે. અચરજ લાગતું હશે પણ વાત સાચી છે. અને એ સર્વે પરથી સાબિત થઇ ચૂકેલું તારણ છે કે તમારા કપડાં તમને વધુ પાવરફુલ કે ચીયરફુલ બનાવી શકે છે. તમારા કપડાં તમને વિચારક પણ બનાવી શકે અને તમારો આત્મવિશ્વાસ પણ વધારી શકે. વૈજ્ઞાનિકોએ કપડાંની આ અકલ્પનીય અસરને લઇને રીસર્ચ કરતા કેટલાક તારણ મેળવ્યાં છે. વૈજ્ઞાનિકોએ કપડાના કોડને ડીકોડ કર્યાં તો ઘણી રસપ્રદ વાતો સામે આવી.

કપડાંના કોડ તમને અચરજ પમાડી દે તેવા છે. એક અભ્યાસ અનુસાર, જે લોકો લાલ રંગના કપડાંમાં હોય તેઓ વધુ વજન ઉચકી શકે છે. છે ને નવાઇ લાગે તેવું. આ અભ્યાસ 2004માં ઓલિમ્પિક બાદ કરવામાં આવ્યો હતો, કારણ કે એ વખતે જે જે એથલિટ્સે લાલ કપડાં પહેર્યા હતાં તેમણે વધુ ટાઇટલ જીત્યાં હતાં. આ ઉપરાંત એક રીસર્ચ અનુસાર લોકો તમને તમારા કપડાંથી જજ કરે છે. એટલે કે અનુમાન લગાવે છે કે તમે કેવા છો. એટલે જ કદાચ કહેવાય છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશનમાં તમારા કપડાંનો સૌથી મહત્વનો રોલ હોય છે. જો તમે ઇચ્છો છો કે તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન સારી હોય, તો ડ્રેસિંગ પર ધ્યાન આપવું. ફોર્મલ બિઝનેસ સૂટ પહેરીને તમે સત્તા મેળવી હોય તેવુ અનુભવશો. તમારી નિર્ણય શક્તિ પણ ઝડપી થઇ જાય, અને તમારી સર્જાનત્મકતા પણ વધે. તેવું રીસર્ચનું તારણ છે. આ તો ફોર્મલ વેરની વાત છે. કેટલાક કપડાં તમને જીમ જવા માટે મોટિવેશન આપે છે. જીમમાં જે લોકો હોય બધાના કપડાં સરખાં જેવા હોય છે કોઇ એથલિટનું હોય તેવું. કારણ એ જ કે આવા કપડાં તમને કસરત કરવા માટે પ્રેરણા આપે છે. તમારા કપડાં તમને વધુ સ્માર્ટ બનાવી શકે છે. કોઇએ જો ડૉક્ટરનો કોટ કે પાયલોટનો યુનિફોર્મ પહેર્યો હોય તો આપણે પહેલી નજરમાં જ તેમને ઉચ્ચકક્ષાના માની લઇએ છીએ. તેમનો આઇક્યુ હાઇ હશે એવું તેમના કપડાં કહે છે. અને આપણે અજાણતાં જ કપડાંનો એ કોડ ડિકોડ કરી લઇએ છીએ.

કેટલાક લોકોને ડોક્ટરનો કોટ પહેરાવીને એક રીસર્ચ કરવામાં આવ્યુ તો તે રીસર્ચનું તારણ ચોંકાવનારું હતું. આ રીસર્ચ દરમિયાન અગત્યનું અને ઝીણવટભર્યુ કામ કરાવવામાં આવ્યુ. એક વર્ગ એવો હતો જેમણે સફેદ ડોક્ટરનો લેબ કોટ પહેર્યો હતો અને બીજો વર્ગ જેમણે સામાન્ય કોટ પહેર્યો હતો. સફેદ કોટ પહેરેલી વ્યક્તિઓએ એ કામમાં ઓછી ભૂલ કરી જ્યારે સાદા કપડાંમાં રહેલા લોકોએ એ કામમાં વધુ ભૂલો કરી. છે ને ચોંકાવનારું તારણ. આ જ ટેસ્ટ પરથી રીસર્ચર્સ એ તારણ પર પણ આવ્યાં કે કપડાં તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદરૂપ છે.  લેબ કોટ સ્ટડી દરમિયાન એવું સામે આવ્યું કે જ્યારે ડોક્ટરના લેબ કોટ પહેરાવીને તમને કોઇ કાર્ય સોંપવામાં આવે છે ત્યારે તેમાં તમારુ ફોકસ વધી જાય છે. તમે લાંબા સમય સુધી વધુ એકાગ્રતા રાખી શકો છો. તમારા કપડાં તમને તમારુ ધાર્યુ કરાવવામાં પણ મદદ કરે છે. સાયકોલોજીકલ સર્વેમાં સામે આવ્યુ છે કે કોઇ દલીલ કરતી વખતે તમારા કપડાં તમારી દલીલને વધુ સચોટ બનાવી શકે છે. એટલે કે તમારા તર્કમાં વજન વધી જાય છે તમારા કપડાંથી. કોઇ ડીલ કરવાની હોય ત્યારે તમારી શરતોને માન્ય રખાવવામાં તમારા કપડાં તમને મદદરુપ બને છે. ,તમારી દલીલોમાં અગ્રેશનના પ્રમાણ પર તમારા કપડાંની ખુબ મોટી અસર હોય છે. તો તમારા કપડાં તમને પ્રામાણિકતા દાખવવા માટે પણ દબાણ કરી શકે. અને તમને ખુશખુશાલ પણ ફીલ કરાવી શકે. છે ને આશ્ચર્યની વાત. તો હવે જ્યારે કપડાં ખરીદવા જાઓ ત્યારે વસ્ત્રોનો અર્થ શું થાય છે તેને ધ્યાનમાં રાખીને પસંદગી કરજો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]