વેસ્ટ બલ્બ આપશે ઘરને બેસ્ટ અને ટ્રેન્ડી લૂક

રની સાફસફાઇ કરી રહ્યા હોઈએ ત્યારે ઘણી નકામી વસ્તુઓ હાથમાં આવી જાય છે અને આ વસ્તોને આપણે વહેલી તકે પસ્તી કે ભંગારમાં કે વપસ્તીમાં પધરાવવા ઉતાવળા થઇ જઇએ છીએ. અને તે સ્વાભાવિક પણ છે કારણ કે મેટ્રો સિટીમાં જો ઘર નાના હોય તો માણસો  વધારાનો ભંગાર ઝડપથી નિકાલ કરવામાં જ શાણપણ સમજે છે. ઘર સાફ કરતા એવી ઘણી વસ્તુઓ હાથમાં આવશે જે  કદાચ તમે સીધી કચરાપેટીમાં નાખશો., જેમ કે વેસ્ટ પેપરર,  કે પછી ઉડી ગયેલા ગોળા, છાપા, દોરીઓ , પ્લાસ્ટિક કે કાચની બોટલ- જોકે આવી ઘણી વસ્તુઓમાંથી તમે તમારા સ્વીટ હોમની સજાવટ કરી શકો છો. થોડી સર્જનાત્મકતા વાપરશો તો તમે આ તમામ વસ્તુઓનો ઉપયોગ ગૃહસજાવટમાં કરી શકશો.

તો ચાલો આજે સૌ પ્રથમ જાણીએ કે ઉડી ગયેલા બલ્બનો હોમ ડેકોરમાં ઉપયોગ કેવી રીતે કરવો.  ઉડી ગયેલા બલ્બનો ઉપયોગ કરીને તમે આગવી રીતે ઘર સજાવશો તો ઘરે આવનારા મહેમાનો છક થઈ જશે અને તમારી કુનેહને બિરદાવ્યા વિના નહી રહે એની ગેરંટી… તો ચાલો જાણીએ કે વેસ્ટ બલ્બનો ઉપયોગ બેસ્ટ સજાવટ માટે કેવી રીતે કરવો?

ઘર સાફ કરશો તો એ સમયે તમને ઓછામાં ઓછા બે ત્રણ ઉડી ગયેલા બલ્બ અને તે પણ જુદી જુદી સાઇઝના તો મળી જ આવશે. આ બલ્બનો ઉપયોગ તમે જુદી જુદી રીતે કરી જ શકો છો.  ટ્રાન્સપરન્ટ બલ્બને ચોખ્ખો કરીને તેમાં વાટ ગોઠવીને ફાનસ જેવું તૈયાર કરી શકાય અથવા તો કોર્નર ટેબલ પર તેને વ્યવસ્થિત ગોઠવીને લાઇટિંગની સરસ વ્યવસ્થા ઉભી કરી શકો.

બલ્બમાંથી તમે ફ્લાવરવાઝ પણ બનાવી શકો છો. બે કે ત્રણ બલ્બને ગોળ ફરતા તાર લગાવી બલ્બને તોરણની જેમ લટકતાં રાખીને તેમાં કૃત્રિમ કે તાજાં ફૂલ મૂકીને બાલ્કનીમાં એક અનોખી સજાવટ થઈ શકશે.

બાળકો જો મોટા હોય તો તેઓ સાચવીને કાચના બલ્બ ઉપર પેઇન્ટિંગ પણ કરી શકે છે. આ રીતે દીવાળી વેકેશનમાં બાળકો માટે મજાની પ્રવૃત્તિ પણ મળી જશે.

રંગીન બલ્બને તમે સરસ રીતે ગોઠવીને એક જૂથમાં બાંધીને શેન્ડેલિયરની જેમ લટકાવી શકો છો. બલ્બમાં પાણી તથા હળવા અને નાના ડેકોરેટિવ સ્ટોન મૂકીને તેને શો કેસમાં મૂકી શકાય. સાદા બલ્બમાં રંગીન પાણી ભરીને લટકાવશો તો પણ સજાવટ રંગીન બનશે.

આ ઉપરાંત તમે બલ્બમાં નવી લાઇટ કે પછી જુદા જુદા રંગની સીરીઝ અથવા તો એકસરખા રંગની સીરીઝ ભરીને  સરસ મજાની સજાવટ કરી શકો છો. હાલમાં રેસ્ટોરાં તેમજ ઓપન ફૂડ પાર્ક તેમજ કેફે હાઉસમાં આ પ્રકારનું ડેકોરેશન ઘણું ટ્રેન્ડી બની રહ્યું છે.

જુદા જુદા આકારના રંગીન બલ્બ હોય તો તેને આકર્ષક રીતે ગોઠવીને સેન્ટર ઓફ એટ્રેક્શન પોઇન્ટ બનાવી શકાય છે. આવા બલ્બને વાયરોમાં સરસ રીતે બાંધીને એવી જગ્યાએ ગોઠવો કે આવનારનું ધ્યાન  સીધું ત્યાં જ જશે. આ પ્રકારની સજાવટ સાદા ગોળા કરતાં બંધ પડેલા રંગીન ગોળામાં વધારે દીપી ઉઠશે.

બલ્બનું ડેકોરેશન માંગશે થોડી સંભાળ

જ્યારે બલ્બનો ડેકોરેશનમાં  ઉપયોગ કરો ત્યારે એ બાબતનું ધ્યાન રાખવું કે, તેની નિયમિત સફાઇ કરવી. બલ્બ પર ધૂળ કે રજકણ જામી ગયા હશે તો એ સજાવટ સારી નહીં લાગે. બલ્બ એવી જગ્યાએ મૂકવા જેથી બાળકો કે અન્ય કોઈથી તે ફૂટી ન જાય.

તો ચાલો ત્યારે આ દીવાળી માટે સજાવટનું કોઈ આયોજન વિચારી રહ્યા હો તો બલ્બથી સજાવટ કરવાની યુક્તિને અમલમાં મૂકી જ દો!