દેશદાઝને ભભૂકતી રાખતાં ફિલ્મીગીતો…

ફિલ્મગીતો એટલે માત્ર પેમલા-પેમલીનાં ટાહ્યાલાં, ભજન-ગઝલ કે લગ્નગીતો જ નહીં, ૧૯૪૭ પહેલાં અને આઝાદીનું સ્વપ્ન સાકાર થયું એ પછી પણ સાભળીને રૂંવે રૂંવે શૂર પ્રગટે એવાં દેશપ્રેમનાં ગીતો પણ હિંદી ફિલ્મોએ આપ્યાં છે. એવાં થોડાં ગીતોને દેશનાં ૭૦મા પ્રજાસત્તાક દિનની પ્રભાતે યાદ કરી લઈએ…

‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’માં ૧૯૯૮ના ૧૬-૩૧ ઓગસ્ટના અંકમાં પ્રકાશિત કરાયેલો મનોજ કુલકર્ણી લિખિત લેખ અહીં પુનઃ પ્રસ્તુત કરીએ છીએ.

 

‘અબ કોઈ ગુલશન ન ઉજડે

 અબ વતન આઝાદ હૈ…’

એવો આશાવાદ સુનીલ દત્તે ૧૯૬૦ના દાયકામાં બનાવેલી ફિલ્મ ‘મુઝે જિને દો’માં સાહિર લુધિયાનવીની કલમે વ્યક્ત થયો હતો. તો કૈફી આઝમીએ લગભગ એ જ સમયગાળામાં ચેતન આનંદની ફિલ્મ ‘હકીકત’  માટે શહીદોનો સંદેશો આપ્યો.

‘કર ચલે હમ ફિદા જાન તન સાથીયોં

 અબ તુમ્હારે હવાલે વતન સાથીયોં…’

આ શબ્દો પાછળની ભાવનાની નોંધ પણ કોઈએ લીધી નહીં એટલે પ્રદીપજીએ યાદ કરાવ્યું, સી. રામચંદ્રના સંગીત અને લતાના કંઠમાં.

 ‘જો શહીદ હુએ હૈં ઉન કી

 જરા યાદ કરો કુરબાની…’

છેલ્લાં છ દાયકામાં હિંદી ફિલ્મોએ દેશ પ્રેમ અને દેશાભિમાનનું ગૌરવ કરતી કથાઓ તથા ગીતો આપ્યાં છે. આજે આપણા દેશે પ્રજાસત્તાક બન્યાને ૭૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે આ મંગળ પ્રસંગે અહીં એવાં થોડા ગીતો તેમજ ફિલ્મોને યાદ કરીએ. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે આઝાદી આવી એ પહેલાંથી હિંદી ફિલ્મોએ રાષ્ટ્રપિતા ગાંધીજી પ્રેરિત સ્વતંત્રતા સંગ્રામમાં યથાશક્તિ ફાળો આપવાની શરૂઆત કરી દીધી હતી. બોમ્બે ટોકિઝના હિમાંશુ રાય, મિનર્વા મુવીટોનના સોહરાબ મોદી, પ્રભાતના વી. શાંતારામ, રણજિતના સરદાર ચંદુલાલ, ન્યુ થિયેટર્સના બી. એન. સરકાર, દેવકી બોઝ અને પી.સી બરૂઆ તથા વાડિયા બ્રધર્સના જેબીએચ વાડિયા- આ અને આવા બીજા સર્જકોએ પ્રત્યક્ષ કે પરોક્ષપણે સ્વતંત્રતા સંગ્રામમાં જે ફાળો આપ્યો એની કૃતજ્ઞતાપૂર્વક નોંધ લેવાવી ઘટે.

 

પીઢ કલાકારોથી શરૂ કરીએ તો પૃથ્વી થિયેટર્સનાં પોતાનાં નાટકોમાં દેશભક્તિ રજૂ કરી ચૂકેલા પાપા પૃથ્વીરાજ કપૂરે ડૉક્ટર પટ્ટાભિ સીતારામૈયાએ લખેલી કથા પરથી બનેલી આઝાદી કી રાહ  પર ફિલ્મમાં વનમાલા સાથે યાદગાર ભૂમિકા કરેલી. એ જ રીતે હિંદુસ્તાન હમારા  ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂરે જયરાજ, નલિની જયવંત, દુર્ગા ખોટે, ડેવિડ, દેવ આનંદ, યશોધરા કાત્જુ, ચેતન આનંદ અને ડાન્સ ડાયરેક્ટર રામ ગોપાલ સાથે સરસ ભૂમિકા કરેલી. મહાભારતમાં કુરુક્ષેત્રમાં ભગવાન કૃષ્ણ અર્જુનને ગીતા બોધ આપે છે ત્યાંથી શરૂ કરીને છેક વીસમી સદીના ઈતિહાસને આ ફિલ્મમાં ખૂબીપૂર્વક વણી લેવાયો હતો.

૧૯૪૦ના દાયકામાં રાષ્ટ્રપ્રેમ અને સમાજ ઘડતરની જે ફિલ્મો બનતી થઈ એનો આરંભ પ્રભાત, બોમ્બે ટોકિઝ અને ન્યુ થિયેટર્સથી થયો. બોમ્બે ટોકિઝની ફિલ્મ કિસ્મત  આ સંદર્ભમાં ક્રાન્તિકારી નીવડી. હિંદી ફિલ્મોની ખોવાયા (કે છૂટા પડ્યા) મળ્યાની ફોર્મ્યુલા અહીંથી શરૂ થઈ  તેમ અશોકકુમારની ઈમેજ પણ આ ફિલ્મથી બદલાણી. આ ફિલ્મ ‘ભારત છોડો’ લડતને કેન્દ્રમાં રાખીને બની હતી. તેમ લડતને પાનો ચડાવવાનું અને નવું જોશ બક્ષવાનું કામ પણ ફિલ્મે કર્યું. મુમતાઝ શાંતિએ ઉલટભેર રજૂ કરેલું આજ હિમાલય કી ચોટીસે હમને લલકારો હૈ દૂર હટો અય દુનિયાવાલોં હિંદુસ્તાન હમારા હૈ… પ્રદીપજીનું આ ગીત પ્રચંડ લોકપ્રિયતાને વર્યું હતું.

બીજી બાજુ કલકત્તાના ન્યુ થિયેટર્સે ચન્દ્રમોહન અને શાંતા આપ્ટેને લઈને નિર્દેશક દેવકી બોઝ દ્વારા બનાવડાવેલી ફિલ્મ અપના ઘર  મહાત્મા ગાંધીજીની અહિંસક લડતમાં પ્રજાનો વિશ્વાસ દ્રઢ કરનારી હતી. જુલ્મી ફોરેસ્ટ અધિકારી સામે ગરીબ ગ્રામજનો અહિંસક લડત દ્વારા વિજય મેળવે છે એવી એની કથા હતી. એમાં એક ગીત થીમસોંગ તરીકે વારંવાર આવતું અપના દેશ હૈ ઘર…આ ગીત અને ફિલ્મની જબરદસ્ત અસર જોઈને બ્રિટિશ સરકારે એના પર પ્રતિબંધ લાદ્યો હતો. એવા જ પ્રતિબંધ આઝાદી, હિંદકેસરી  જેવી ફિલ્મો પર પણ આવેલો.

૧૯૪૨ની ક્વિટ ઈન્ડિયા લડત પર આધારિત ૪૨ નામની બંગાળી ફિલ્મ બનાવનારા હેમેન ગુપ્તાએ શરદચંદ્રની અમર કૃતિ આનંદમઠ  પરથી ૧૯૫૨માં એટલે કે આઝાદીના ઉદય પછી તરત એ જ નામે ફિલ્મ બનાવી જેમાં હેમંતકુમાર અને સમૂહે ગાયેલું વંદે માતરમ્ ગીત આજેય સંગીતરસિકો ભૂલ્યા નથી.

મિનર્વાના સિંહ, પડછંદ કાયા અને બુલંદ કંઠ ધરાવતા પારસીબાવા સોહરામ મોદીએ ઝાંસી કી રાની, સિકંદર  અને પૃથ્વી વલ્લભ  ફિલ્મો દ્વારા રાષ્ટ્રપ્રેમની ભાવનાને વ્યક્ત કરી હતી. તો જેલર, મીઠા ઝહર  અને ખાનબહાદુર  ફિલ્મો દ્વારા માનવતાનો સંદેશ વ્યક્ત કર્યો હતો. ઝાંસી કી રાનીના રાજગુરુની સોહરાબ મોદીની ભૂમિકા પણ યાદગાર હતી. રાણી લક્ષ્મીબાઈ તરીકે સોહરાબજીની અભિનેત્રી પત્ની મહેતાબ ચમકી હતી.

વ્યાજખાઉ શાહુકારો દ્વારા ભારતીય ખેડૂતોના થતા નિર્લજ્જ-નિર્દય શોષણ પર આધારિત ફિલ્મ ઔરત  અને એના જ પુનરાર્વત‚પે યાદગાર ફિલ્મ મધર ઈન્ડિયા  આપનાર મહેબૂબ ખાને ૧૯૪૨માં રોટી  ફિલ્મ રજૂ કરી. ચન્દ્રમોહન, શેખ મુખ્તાર અને સિતારાદેવીને ચમકાવતી આ ફિલ્મમાં બ્રિટિશ સરકારે એના પર પ્રતિબંધ લાદ્યો હતો. ૧૯૪૩માં બનેલી મહેબૂબની તકદીર   ફિલ્મ પર પ્રતિબંધ હતો. પાછળથી મહેબૂબે ૧૯૫૯-૬૦માં  સન ઑફ ઈન્ડિયા  ફિલ્મ બનાવેલી જેમાં તેમના દત્તક પુત્ર માસ્ટર સાજિદે મુખ્ય (બાળ) ભૂમિકામાં રજૂ કરેલું નન્ના મુન્ના રાહી હૂં, દેશ કા સિપાહી હૂં ગીત હિટ નીવડ્યું હતું.

આપણા વર્તમાન રાષ્ટ્રગીત જનગણમન…નો સમાવેશ બિમલ રૉયની બંગાળી ફિલ્મ ઉદયન પાથેમાં થયો હતો તો તેમની પહલા આદમી  ફિલ્મમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજના નિવૃત્ત સિપાહી નાઝિર હુસેન અભિનય કરેલો. આ જ બિમલ રૉયે પાછળથી દો બીઘા જમીન અને બંદિશ  જેવી અમર ફિલ્મો આપી.

તો ખ્વાજા અહમદ અબ્બાસે ૧૯૪૬માં આપી  ધરતી કે લાલ  ફિલ્મ. એમાં સામ્યવાદ પર આધારિત દેશપ્રેમ હતો. પછી આવી બીજા વિશ્ર્વયુદ્ધનાં પરિણામો પર આધારિત મુન્ના  અને પાછળથી ૧૯૬૦ના દાયકામાં આપી. સાત હિંદુસ્તાની  જેમાં આજના મહાનાયક અમિતાભ બચ્ચન પહેલવહેલીવાર ચમક્યો હતો.

૧૯૪૭ના ઓગસ્ટની પંદરમીએ દેશ આઝાદ થયો ત્યારે ઈન્ડિયન મોશન પિક્ચર્સ એસોસિયેશને (ઈમ્પાએ) આઝાદી કા ઉત્સવ  નામે ન્યુઝ ફિલ્મ બનાવેલી જેમાં ઉત્સવના સ્ટીલ ફોટોગ્રાફ્સ આવરી લીધા હતા. પાછળથી રમેશ સાયગલે ૨૬ જાન્યુઆરી અને ભારતી નામે ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવેલી. દેશના ભાગલા પછી સર્જાયેલી ભીષણ શોકાંતિકાની એક ઝલક એમ. એસ. સથ્થુની ફિલ્મ ગર્મ હવામાં મળેલી. માનવતા જ  જેનો ધર્મ છે એવા ઉદારમતવાદી સલીમ મિર્ઝાની સચોટ ભૂમિકા આ ફિલ્મમાં બલરાજ સાહનીએ કરી હતી.

૧૯૬૦ના દાયકામાં ચીન અને પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધ પર આધારિત ચેતન આનંદની ફિલ્મ હકીકત  આવી જેની વાત લેખની શરૂઆતમાં કર ચલે… ગીત સાથે કરી. આ ગીતમાં યુદ્ધના પગલે જનમાનસ પર થયેલી અસરની વેધક છાપ હતી. એ પછી હિંદુસ્તાન કી કસમથીમાંડીને ૧૯૪૨એ લવ સ્ટોરી સુધીની ઘણી ફિલ્મો આવી પણ એને દેશભક્તિ સાથે પ્રત્યપક્ષપણે કોઈ લેવાદેવા નહોતી.

આઝાદીની લડત દરમિયાન અને આઝાદી આવ્યા પછી, ગીતકારો-શાયરોએ પોતાની કલમ દ્વારા રાષ્ટ્રપ્રેમની ભાવનાને સબળ રીતે વાચા આપી. ડૉક્ટર ઈકબાલે સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા… લખ્યું તો ફૈઝ અહમદ ફૈઝે યે વો શહર તો નહીં… રચ્યું. પ્રદીપજી તો દેશભક્તિના ઉત્તમ કવિ ગણાઈ ગયા. તેમણે બાળકો માટે રચેલા ફિલ્મ જાગૃતિનાં બન્ને ગીતો આજેય આઝાદી દિવસ અને પ્રજાસત્તાક દિન ઉજવણી પર્વ-પ્રસંગે ગૂંજે છે દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ… અને

આઓં બચ્ચેં તુમ્હેં દિખાયેં 

 ઝાંકી હિંદુસ્તાન કી

 ઈસ મિટ્ટી સે તિલક કરો

 યે ધરતી હૈ બલિદાન કી…

બી.આર. ચોપરાની ધૂલ કા ફૂલ ફિલ્મમાં ખૂબીપૂર્વક કોમી એખલાસનું ગીત રજૂ થયું.

 તું હિંદુ બનેગા ના મુસલમાન બનેગા

 ઈન્સાન કી ઔલાદ હૈ ઈન્સાન બનેગા…

એ જ બી.આર. ચોપરાની નયા દૌર ફિલ્મમાં યહ દેશ હૈ વીર જવાનોં કા ગીત સુપરહિટ નીવડ્યું હતું.

તો ડાકુઓના હૃદયપરિવર્તન પર આધારિત જિસ દેશ મેં ગંગા બહતી હૈમાં રાજ કપૂર લઈ આવ્યા.

 હોઠોં પે સચ્ચાઈ રહતી હૈ

જહાં દિલ મેં સફાઈ હતી હૈ

 હમ ઉસ દેશ કે વાસી હૈ

 જિસ દેશ મેં ગંગા બહતી હૈ…

એવી જ ડાકુના હૃદયપરિવર્તનની કથા ગંગા જમુનામાં દિલીપકુમારે ગવડાવ્યું.

 ઈન્સાફ કી ડગર પે

 બચ્ચોં દિખાઓ ચલ કે

 યે દેશ હૈ તુમ્હારા

 નેતા તુમ હી હો કલ કે…

રાષ્ટ્રપિતા ગાંધીજીની હત્યા પછી રાજેન્દ્ર કૃષ્ણની કલમે રચાયેલું અને મહંમદ રફીએ ગાયેલું.

 સુનો સુનો અય દુનિયાવાલોં

 બાપુ કી અમર કહાની…

 

સૌને ગદગદ કરી ગયું. એને હુશ્નલાલ ભગતરામે સ્વરબદ્ધ કર્યું હતું. સંગીતકાર ગુલામ હૈદરે સ્વરબદ્ધ કરેલું શાહીદ ફિલ્મ (જૂની) માટે મહંમદ રફી અને ઝીનત બેગમે ગાયેલું વતન કી રાહ મેં વતન કે નૌજવાં શહીદ હો… તો નવી ફિલ્મ શાહીદમાં ગીતકાર-સંગીતકાર પ્રેમ ધવને રચ્યું અય વતન અય વતન તુઝ કો મેરી કસમ તેરી રાહોં મેં જાં તક લૂટા જાયેં હમ… જૂની શહીદમાં દિલીપકુમાર અને નવી શહીદમાં મનોજકુમાર મુખ્ય ભૂમિકામાં હતા.

સ્વાતંત્ર્ય સંગ્રામ પર આધારિત ફણી મઝમુદાર નિર્દેશિત ફિલ્મ આંદોલનમાં નટખટ-તોફાની કિશોરકુમાર ખાદીધારી ત્રિરંગી ઝંડાધારી યુવાન તરીકે રજૂ થયેલો એ જાણીને આજે નવાઈ લાગે. તો દેવ આનંદે પણ કારકિર્દીની શરૂઆત ૧૯૪૬માં પ્રભાતની ફિલ્મ હમ એક હૈથી કરેલી. શહીદ ભગતસિંહ તરીકે દર્શકોને આજે પ્રૌઢ થઈ ગયેલા મનોજકુમાર ભલે યાદ આવે, વાસ્તવમાં પ્રેમ અદીબથી માંડીને યા હું ફેમ શમ્મી કપૂરે શહીદ ભગતસિંહની ભૂમિકા કરી છે. દેવ આનંદની પછીની ફિલ્મ આગે બઢો અને હમ ભી ઈન્સાન હૈ પણ રાષ્ટ્રપ્રેમથી ભરેલી હતી. મનોજવાળી શહીદમાં સુખદેવના રોલમાં પ્રસિદ્ધ વિલન પ્રેમ ચોપરા ચમક્યો હતો તો સિકંદરે આઝમમાં પ્રેમ ચોપરા પ્રેમનાથની સાથે જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ હૈ મેરા… ગાતો રજૂ થયો હતો.

મનોજકુમારનું ભારત તથા દેશપ્રેમનું વળગણ તો હજુ હમણાં સુધી ઘેર ઘેર જાણીતું છે. ઉપકારમાં મેરે દેશ કી ધરતી સોના ઉગલે ગાયું અને પૂરબ ઔર પશ્ર્ચિમમાં હૈ પ્રીત જહાં કી રીત સદા મૈં ગીત વહાં કે ગાતા હું ભારત કા રહેનેવાલા હું, ભારત કી બાત સુનાતા હું. ગાયું, એની ફિલ્મ ક્રાંતિમાં પણ સ્વાતંત્ર્ય સંગ્રામની ઝલક હતી. યોગાનુયોગે દિલીપકુમારનું આ ફિલ્મથી પુનરાગમન થયું.

૧૯૭૦ પછી હિંદી ફિલ્મોમાં દેશપ્રેમ ખૂબ  સ્થૂળ સ્વરૂપે રજૂ થવા માંડ્યો. એનાં ઘણાં કારણો છે, સાથોસાથ હિંદી ફિલ્મોના વિલનો (જેમ કે કર્માનો અનુપમ ખેર-ડૉક્ટર ચેંગ) માતૃભૂમિના શત્રુઓના ભાગીદાર તરીકે રજૂ થવા માંડ્યા. સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે કે આઝાદીના ઉદયટાણે જે ભાવના ગીતો અને દ્રશ્યોમાં ધબકતી હતી એ આજે અદ્રશ્ય થઈ ગયેલી દેખાય છે. ક્યારેક ક્યારેક એકાદ ગીત દેશપ્રેમનું આવી જાય ખરું પણ એ અપવાદ છે.