દિવસભરનો થાક ઉતારવાના આસાન ઉપાય

જના સમયમાં લોકો નોકરીધંધાની દોડભાગમાં જ દિવસ આખો પસાર કરે છે. સ્વાભાવિક છે કે થાક તો લાગે જ. પણ આ થાક ધીરેધીરે શરીરથી વધીને મનમાં ઘર કરવા લાગે છે. અને પછી એક ખાલીપણું કહો કે નીરસતા એ આપણાં સ્વભાવમાં આવવા લાગે. પરિણામે જીવનની સુંદરતા તો એ જ રહે પણ આપણી પાસે તેને જોવાની ક્ષમતા ઘટવા લાગે. તો આ બધાથી બચવા માટે શું કરવું? એકદમ આસાન છે, કંટાળવુ નહીં, નિરસ ન થવું. અને એ કેવી રીતે થવાય.. તો એને માટે થાકથી થાકી ન જવું, એટલે કે થાકને હાવી ન થવા દેવો આપણી પર. અને હવે મેઇન સવાલ. કે કેવી રીતે..  તમે ઓફિસના વધુ પડતા કામના ભારણ નીચે છો ! દરરોજ કામના દબાણથી સ્ટ્રેસમાં રહો છો અને એ સ્ટ્રેસમાં ક્યાંક તમારા જીવનની અમૂલ્ય ક્ષણ થાકને કારણે નીરસતાનો શિકાર બની રહી છે. અને તમે આ  થાકને ઉતારવા માગો છો તો તમારા માટે એક નહીં પણ અનેક વિકલ્પ છે. આ રહ્યાં કેટલાક એટલા આસાન ઉપાય જે તમારો થાક ઉતારીને એકદમ ફ્રેશ ફીલ કરાવે.

સામાન્ય રીતે ઓફિસથી આવ્યા બાદ આપણે કપડાં તો બદલી જ દઇએ છીએ. ઘરમાં એકદમ આરામદાયક કપડાં પહેરીને ફરો અને ઘરમાં આરામથી રહેવાની આઝાદીને માણો.  એકદમ સરળ અને પહેલો ઉપાય. જો કે આ તો સામાન્ય વાત છે. પણ આ કર્યા બાદ ઘરમાં છીએ એ અહેસાસ સાથે પોતાની જાતને ફોન અને અન્ય મીડીયમથી દૂર રાખો.  દરેક વ્યક્તિ જે નોકરી કરે છે. એ નોકરીએથી આવીને ઘરે પણ નોકરી જ કરતા હોય છે. ફોન પર ડીલ, કમ્પ્યૂટર પર પેપર વર્ક, વોઇસ મેઇલ મેસેજીસના જવાબ આપવા, વગેરે વગેરે. પણ ઘરના ઉંબરાની અંદર પ્રવેશો એટલે ઓફિસને બહાર મૂકીને આવવાની નીતિ અપનાવશો, તો ઘણો બધો સ્ટ્રેસ આમ જ ઓછો થઇ જશે. જો કે આવી વાત સામે લોકો પાસે અન્ય બહાનાં હોય જ છે કામનું શું. ચાલો, માની લઇએ કે ઘરે પણ ઓફિસનુ કામ કરવું જ પડે એમ છે. તો તમે એટલિસ્ટ એટલું તો કરી જ શકો કે થોડાક કલાકો માટે આ બધાથી દૂર રહી શકો. એટલે ઘરમાં હોવ ત્યારે એ સમય માત્ર તમારો પર્સનલ હોવો જોઇએ. થોડો સમય પોતાની જાતને આપી તો જુઓ. તો આ થયો આપનો બીજો ઉપાય.હવે ત્રીજો ઉપાય, થોડું મેડિટેશન અથવા યોગા પણ કરી શકો. યોગ અને મેડિટેશનને આધ્યાત્મિતા સાથે જોડવું યોગ્ય નથી. મેડિટેશન એ માઇન્ડને સેટ કરે એ વિચારને વળગીને મેડિટેશન કરશો તો સમજી શકાશે કે સિમ્પલ ડીપ બ્રીધિંગ અને થોડું સામાન્ય મેડિટેશન કરવાથી મગજ શાંત થાય છે. જેનાથી માણસ આધ્યાત્મિક નથી થતો પણ વધુ ફ્રેશ રહી શકે છે. આ સિવાય તમે કોઇ પુસ્તક પણ વાંચી શકો છો. ઘરના ખૂણામાં આરામથી બેસીને કલ્પનાઓની સફર કરવાનો આનંદ પણ દિવસભરનો થાક ઉતારી દેશે. માનસિક શ્રમ કરતાં પણ જો શારિરીક શ્રમ વધુ હોય અને શરીરનો થાક જ તમને બધે અવરોધક બનતો હોય તો તેના માટે તમે સરસ મજાની બાથ લઇ શકો છો ગરમ પાણીથી નહાઇ લેવાથી આખા દિવસ કરેલા શ્રમનો થાક ઉતરી જાય છે. અને જો સાથે અરોમા થેરેપી વાપરીએ તો સોને પે સુહાગા. ગરમ પાણીમાં બે ટીપાં લવેન્ડર ઓઇલ નાખીને નહાવાથી ફીલિંગ ફ્રેશ ફેક્ટર વધી જશે.

જો દિવસભરનો કકળાટ મગજમાં ઘર કરી જતો હોય તો તેનાથી છૂટવા માટે સૌથી શ્રેષ્ઠ છે સંગીત. જેમ અરોમા એટલે કે સુગંધની જાદૂઇ અસર થાય છે એવી જ સંગીતની પણ જોવા મળે છે. તમારા મનગમતાં ગીત સાંભળશો તો દિવસભરનો કકળાટ મગજમાંથી ગાયબ થઇ જશે. અને તમારા મનગમતાં ગીતના શબ્દો ત્યાં ફરવા લાગશે. અને એ શબ્દો પર આપોઆપ જ મન ઝૂમવા લાગશે. જો કે માત્ર મનગમતાં ગીત નહીં પણ હીલીંગ અને રિલેક્સિંગ મ્યૂઝિક પણ આપ યૂઝ કરી શકો. જેમાં ખળખળ વહેતાં ઝરણાના અવાજ, કોઇ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટનો નાદ, વાંસળીનું મધુર સંગીત આવું કંઇ પણ સાંભળી શકો. સંગીતનો કોઇ પણ પસંદગીનો સૂર સાંભળશો, તેની અસર તો દેખાશે જ. આ બધા ઉપાયની સાથે થાક દૂર કરવાનો બીજો એક આસાન ઉપાય છે કે તમે તમારા શોખને માણો. ક્રાફ્ટ ગમે છે તો આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે સમય આપો. છે ને એકદમ આસાન અને સરળ ઉપાય, એકવાર અજમાવો અને પછી જુઓ કે દિવસભરનો થાક કેવો ચપટી વગાડતાં ગાયબ થઇ જાય છે.