નક્કી થઈ ગયું: સમોસા છે બર્ગર કરતાં વધારે સ્વાસ્થ્યપ્રદ

શું તમે સમોસા બિનઆરોગ્યપ્રદ છે એવું સમજીને કોઈ રેસ્ટોરન્ટમાં એ ખાવાનું ટાળો છો? અને એની બદલે બર્ગર ખાવાનું પસંદ કરો છો? તો તમારી આંખો ઉઘાડી દે એવા સમાચાર છે.

ભારતમાં ચા સાથે સામાન્ય રીતે લોકો જે નાસ્તો ખાવાનું પસંદ કરે છે તે સમોસાએ બર્ગર સામેના જંગમાં જીત મેળવી છે.

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બર્ગર કરતાં સમોસા વ્યક્તિનાં આરોગ્ય માટે વધારે સારા છે.

CSE સંસ્થાએ એ માટેનું કારણ પણ આપ્યું છે કે, સમોસા તાજા પદાર્થો અને સામગ્રીમાંથી બનાવવામાં આવે છે અને એમાં આરોગ્ય માટે નુકસાનકારક હોય એવા કેમિકલ્સ કે પ્રિઝર્વેટિવ્સ મિક્સ કરાતાં નથી અને એમાં કૃત્રિમ સ્વાદનો ઉમેરો કરવામાં આવતો નથી.

સંશોધકોનું માનવું છે કે સમોસામાં કેલરી ભલે વધુ પ્રમાણમાં હોય છે, પરંતુ એ સામાન્ય રીતે શુદ્ધ ઘઉં કે મેંદાના લોટ, બાફેલા બટાટા, વટાણા, મીઠું, મરચું, જીરું, વેજિટેબલ ઓઈલ કે ઘી જેવા કેમિકલ-મુક્ત પદાર્થોથી બનાવવામાં આવે છે.

જ્યારે, બર્ગરમાં પ્રિઝર્વેટિવ્સ હોય છે, એસિડિટી રેગ્યૂલેટર, ઈમલસિફાયર્સ, સાકર, યીસ્ટ, સોયા લોટ, ચીઝ કે પોટેટો પેટ્ટી જેવા પદાર્થો હોય છે.

વાસ્તવમાં, સમોસા અને બર્ગર, બંને જંક ફૂડ કહેવાય છે, પરંતુ તમે જો જંક ફૂડ ખાવા માગતા હો અને તંદુરસ્ત રહેવા પણ માગતા હો તો સમોસા તમારા આરોગ્ય માટે બર્ગર કરતાં વધારે સારો વિકલ્પ છે.