આજના આ વ્યસ્ત જીવનમાં થોડોઘણો સમય મળે એવું તરત જ માણસ કયાંક ફરવા જવાનું વિચારે છે. જો કે ખોટું પણ શું છે. આટઆટલી મહેનત પછી થોડા એડવેન્ચર સાથે થોડો આરામ મળે તો એ માણસને રીચાર્જ કરવાનું જ તો કામ કરે છે. પણ આ રીચાર્જીંગ સાથે કેટલીક શરતો આપોઆપ જોડાઇ જતી હોય છે જેમકે સમયનું મેનેજમેન્ટ, સ્થળની પસંદગી, ખર્ચનો અંદાજ વગેરે… કેટલાકની તો એવી મજબૂરી હોય છે કે બિચારા ખર્ચનું વિચારીને જ જવાનુ ટાળી દે છે. તો કોઇ પ્રવાસમાં લાગતા થાકની બીકથી જવાનુ જ ટાળી દે છે. પણ જીવન એકવાર મળવાનું છે, એમાં પણ પાછળથી એ અફસોસ કરવો કે સમય હતો પણ ક્યાંય ફરવા ન ગયાં અને હવે સમય નથી.
કોઇ શાળા કે કૉલેજમાં સિલેબસમાં ક્યારે પ્રવાસના ફાયદા આપણે ભણ્યાં હોઇએ એવુ યાદ તો નથી. પણ હા પ્રવાસ લાંબો હોય કે ટૂંકો તેના ફાયદા તો ઘણાં છે.
પ્રવાસથી આપણે વિવિધ સ્થાનોની સંસ્કૃતિ, ત્યાંના રીતીરિવાજ, પરંપરા અને પદ્ધતિ, ત્યાંની વાનગી અને વિવિધ માનસિકતા ધરાવતા લોકોથી પરિચિત થઇએ છીએ. પણ ઉંડાણપૂર્વક સમજીએ તો પ્રવાસના બીજા પણ ઘણા ફાયદા છે. પ્રવાસએ પોતાનામાં જ એક અદભૂત રોકાણ છે એવુ રોકાણ જે ઓછા ખર્ચે પણ તમને ઘણું વળતર આપે છે. કારણ કે જેમ તમે મુસાફરી કરો તેમ તમે નવા લોકોને મળો, નવી સંસ્કૃતિ જાણો, અલગઅલગ રહેણીકરણીથી વાકેફ થાઓ. અને આ નવી નવી વસ્તુઓની ઓળખ સાથે તમારા વિચારોમાં પણ નવો બદલાવ આવે. એવો બદલાવ કે જેનાથી તમે રોજીંદી કંટાળાથી ભરેલી લાઇફથી હટકે વિચારીને તમારા ગોલને ઓળખી શકો. જો તમારો ધ્યેય ધૂંધળો થયો હોય તો ફરી તે સ્પષ્ટ થઇ જાય. એનર્જી એટલી આવી જાય કે જે પણ લક્ષ્ય નક્કી કર્યુ હોય તેને પાર કરવા માટે થનગની ઉઠો.
આ સિવાય જેટલાં વધુ અજાણી જગ્યાના પ્રવાસ કરીએ તો એ પણ જ્ઞાન આવે કે આખરે આપણે જેટલું જાણીએ છીએ આ દુનિયા વિશે એ ખરેખર તો દરિયાની સામે ટીપાં જેટલું છે. સાચું છે, ઘાટઘાટના પાણી પીને જ તો શીખાય છે દુનિયાદારી.
બીજો એક ખૂબ મોટો ફાયદો છે મિત્રો બનાવવાનો. જી હા, મોટે ભાગે બધાને એવો અનુભવ તો હશે જ કે જ્યારે કોઇ પ્રવાસ દરમિયાન આપણે બસ, ટ્રેનમાં સવાર થયા હોઇએ તો આસપાસના લોકો સાથે એક આત્મીયતા બંધાઇ જાય. ઘણા તો એવા મિત્રો બની જાય જાણે લંગોટિયા યાર. કેટલીય એવી નોવેલ પણ તમે વાંચી હશે, જેમાં ટ્રેનમાં મળેલા સહયાત્રી જીવનસાથી બની ગયા હોય. એટલે મુદ્દાની વાત એ કે સફર કરો ત્યારે મિત્રો આપોઆપ બને. અને અજાણતાં એ વાત પણ સમજી જવાય કે મિત્રો બનાવવા એટલા અઘરાં નથી. એનુ કારણ પણ છે અને એ કારણ છે માણસ તરીકે રહેલી સામ્યતાઓ. કોઇએ ખૂબ સાચું કહ્યું છે કે પ્રવાસથી આપણે ભાવનાઓને બાંધી નથી શકતા, ખાસ કરીને કેટલીક અંધ ભાવનાઓને. પણ હા, બધાની ભાવનાઓ સાથે પરિચય કેળવાય ત્યારે રુદન, હાસ્ય, ભૂખ, ચિંતા અને મૃત્યુના શોકને જોતા એ સત્ય સમજાય છે કે આપણે બધાં કેટલા સરખાં છીએ.
બીજો એક ફાયદો એ પણ થાય કે મુસાફરી ભલે ગમે તેટલી કરો, ગમે તેવી કરો. પણ આખરે ઘર યાદ આવે. અને દુનિયાનો છેડો ઘર… એ વાત પણ સમજાય જાય. પહેલાંના જમાનામાં વડીલો વારેતહેવારે તીર્થયાત્રા કરવા નીકળી પડતા. અને પ્રવાસ પરથી આવીને કેવા રાજીના રેડ થઇ જતાં. પણ પ્રવાસના ફાયદા જોઇને હવે સમજાયું હશે કે આખરે શા માટે થેલા લઇને લોકો ચાલી નીકળતા હતાં.
લાંબી કે ટૂંકી હોય, પણ મુસાફરી એ આત્મવિશ્વાસ જગાવવાનુ એક ખૂબ જ અદભૂત માધ્યમ છે.
ભગવાન બુદ્ધે કહ્યુ છે કે, It is better to travel well than to arrive. એટલે સારી રીતે પહોંચવા કરતાં સારો પ્રવાસ કરવો વધુ યોગ્ય છે. જ્યારે આ વાક્ય વાંચીએ તો જરુર એવું થાય કે આવું કેવી રીતે. થોડુ અલગ રીતે સમજાવું, કદાચ સમજાઇ જશે. मंजील मील ही जाएगी, भटकते ही सही. गुमराह तो वो है जो घर से निकले ही नही. તો થઇ જાવ તૈયાર, આત્મવિશ્વાસને ઢંઢોળીને બેઠો કરવા અને તરત જ કેલેન્ડર જોઇને નક્કી કરી લો કે ક્યારે જવું છે પ્રવાસ પર…