તહેવારોમાં આ રહેશે મોસ્ટ ગોર્જિયસ લૂક

સ્ત્રીઓ ગમે તેટલી ફેશનેબલ થઈ જાય અને પાશ્ચાત્ય પરિધાન ધારણ કરે પરંતુ તહેવારો આવતાં જ સ્ત્રીઓને પારંપરિક પરિધાન યાદ આવી જાય છે અને મોટા ભાગની સ્ત્રીઓ પારંપરિક અને એથનિક ડ્રેસિંગ જ પસંદ કરે છે.  તહેવારોની સીઝનમાં યોગ્ય સાજ શણગાર સ્ત્રીઓની પ્રાથમિકતા હોય છે. રક્ષાબંધન જેવા તહેવારમાં સ્ત્રીઓ પારંપરિક સાડીનું જ ડ્રેસિંગ કરવાનું પસંદ કરે છે. જોકે હવેની ફેશન પરસ્ત સ્ત્રીઓ પરંપરાગત વસ્ત્રોમાં પણ લેટેસ્ટ સ્ટાઇલને અનુસરવાનું ચૂકતી નથી.તમારે પણ રક્ષાબંધન સહિતના શ્રાવણ મહિનામાં આવતા ધાર્મિક અને સામાજિક તહેવારમાં સુરૂચિપૂર્ણ અને સ્ટાઇલિસ્ટ ડ્રેસિંગ કરવું હોય તો  તમે પરંપરાગત વસ્ત્રોમાં પણ કરી જ શકો છો.મોટા ભાગે સ્ત્રીઓ ધાર્મિક ઉત્સવમાં સાડી પહેરવાનું પસંદ કરે છે. આ વખતે સાડીમાં નેટ અને ટ્રાન્સપરન્ટ તેમજ આપણે અગાઉના અંકમાં વાત કરી હતી તેમ બનારસી સિલ્ક સાડીઓ  ઇન ટ્રેન્ડ છે. એટલે તમે એ પ્રકારની સાડી સ્લીવલેસ બ્લાઉઝ અથવા તો ક્રોપ ટોપ બ્લાઉઝ સાથે પણ પહેરી શકો પહેરી શકો છો.

જોકે ફેશન ડિઝાઇનરના મતપ્રમાણે આ વખતે સ્લીવલેસ કે સ્પેગેટી બ્લાઉઝને બદલે હાફ સ્લિવ કે થ્રી-ફોર્થ સ્લીવના બ્રોકેડના બ્લાઉઝનું ચલણ વધારે છે વળી એકદમ પાતળી યુવતીઓ તો ફુલ સ્લિવના સસ્પિલિટ વાળા બ્લાઉઝ પણ પસંદ કરી રહી છે. તો  નેટની સાડી સાથે મેચ થતાં બ્રોકેડ બ્લાઉઝની પસંદગી પણ કરી શકો. મોટા ભાગે વિદ્યા બાલન આ પ્રકારના બ્લાઉઝ પહેરતી હોય છે.

સાડી સાથે થ્રી ફોર્થ સ્લીવ બ્લાઉઝ પહેરવાની વિશેષતા એ રહેશે કે તમારું થોડું સ્થૂળ શરીર હોય તો પણ તમે સરળતાથી આકર્ષક લૂક મેળવી શકશો.

જે યુવતીઓ ચણિયાચોળી પહેરવા માંગતી હોય તે પણ થ્રી ફોર્થ બ્લાઉઝ સાથે નેટના અથવા તો ટ્રાન્સપરન્ટ દુપટ્ટા સાથેના ચણિયાચોળી પહેરી શકે છે. સલવાર કમીઝમાં પણ નેટ અને બ્રોકેટ મટિરિયલ એકદમ રીચ લૂક આપશે.

જે સ્ત્રીઓ ફૂલોની શોખીન હોય તે આ વખતે ચોક્કસપણે માથામાં મોગરા કે ટગરની વેણીનો ગજરો લગાવી શકે છે. આ વખતે મોટાભાગની અભિનેત્રીઓએ સાડી સાથે વાળમાં એક મોટું ફૂલ રાખીને આગવું ડ્રેસિંગ કર્યું હતું. તાજેતરમાં યોજાયેલા  બોલિવૂડના એક સમારંભમાં દીપિકા પાદુકોણ, વિદ્યા બાલન, હેમામાલિની જેવી ઘણી અભિનેત્રીઓ જાહેર સમારંભમાં વાળમાં ગજરો લગાવેલી જોવા મળી હતી. એટલે તમે બેઝિક વાળમાં ચોટલો કે બન ગૂંથીને ગજરો નાંખી  શકો છો.

બોર્ડરની સાડી સાથે યોગ્ય બ્લાઉઝ એ પ્રમાણેની જ્વેલરી અને માથામાં લગાવેલો ગજરો તમને જાજરમાન લૂક આપશે. તમે એકદમ યંગ હો તો ચણિયાચોળી સાથે હાફ પોની કે બન વાળીને કાનમાં ફક્ત લાંબા એરિંગ્સ પહેરીને પારંપરિક લૂક મેળવી શકશો. સલવાર કમીઝના ડ્રેસિંગમાં મેચ થતી લાઇટ જ્વેલરી પહેરીને પણ પારંપરિક લૂક મેળવી શકાય છે.

જે સ્ત્રીઓ ટ્રાન્સપરન્ટ સાડી પહેરવાની છે તે યાદ રાખે કે રક્ષાબંધન સામાજિક- ધાર્મિક તહેવાર છે એટલે તમે પાર્ટીમાં જતાં હો તે રીતે ડ્રેસિંગ ન કરવું.

હવે એવો ટ્રેન્ડ નથી રહ્યો કે તહેવારના સમયમાં તમે ફક્ત લાલ કે લીલા જ રંગ પહેરો. અત્યારે વિવિધ કલરનો ટ્રેન્ડ છે અને મોન્સૂનનો સમય છે એટલે તમે તમારી ત્વચાના રંગ સાથે નિખરી ઊઠતાં બધા જ બ્રાઇટ રંગો પહેરી શકો છો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]