‘ચિત્રલેખા’ના પ્રતિનિધિ સાથેના કેટલાક કિસ્સા
-કેતન મિસ્ત્રી
એક જમાનામાં ગુજરાતી છાપાંના તંત્રીઓ અગ્રલેખમાં જાણીતી વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપતા. એ કાળની શ્રદ્ધાંજલિનું એક મસ્ટ વાક્ય ઉધાર લઈને કહેવું હોય તો, “હજી તો ઈરફાન ખાનની વિદાયના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં આપણાં ‘ઈશામા’ તરીકે ઓળખાતાં કુંદનિકા કાપડિયા અને અભિનેતા રિશી કપૂરના અવસાન વિશે લખવું પડે છે.”
મારે રિશી કપૂરની વાત કરવાની છે. આજે (ગુરુવાર, 30 એપ્રિલ) સવારે જેમનું 67 વર્ષની વયે અવસાન થયું એ રિશી કપૂર હિંદી સિનેમાના જ નહીં, બલકે કદાચ દુનિયાના એવા એકમાત્ર અભિનેતા હતા, જેમણે પરદા પર બાળકલાકાર (‘શ્રી 420’), કિશોરાવસ્થા (‘મેરા નામ જોકર’), યુવાવસ્થા (‘બૉબી’થી લઈને અઢળક ફિલ્મો) અને 90 વર્ષી વયોવૃદ્ધ (‘કપૂર ઍન્ડ સન્સ’)ની ભૂમિકા ભજવી. રાજેશ ખન્ના અને દેવ આનંદની જેમ વર્સેટાઈલ ઍક્ટર રિશી કપૂર પણ હિંદી સિનેમાના એ નસીબવંતા કલાકાર હતા, જેમની ઝોળીમાં હંમેશાં શ્રેષ્ઠ કહેવાય એવું સંગીત પડ્યું.
રિશી સર સાથે પર્સનલ ઍન્કાઉન્ટર અનેક વેળા થયાં છે, જેમાં એકાદબે હંમેશાં યાદ રહી જશેઃ સંજય છેલની ‘પટેલ કી પંજાબી શાદી’ વખતે થયેલી મુલાકાત અને ઉમેશ શુક્લની ‘102 નૉટઆઉટ’ વખતનો સુદીર્ઘ ઈન્ટરવ્યૂ. જો કે ફિલ્મના પ્રમોશનને ધ્યાનમાં રાખીને લેવામાં આવતા ઈન્ટરવ્યૂનો એમને કંટાળો હતો. એ કહેતા, “તમે યાર, એકના એક ગોખેલા સવાલ મને નહીં પૂછતાઃ ઈસકે સાથે કામ કરકે કૈસા લગા કે પછી ફલાણા સાથે તમે આટલાં વરસ પછી કામ કરી રહ્યા છો તો કેવું લાગે છે?” વગેરે. ભઈ, સારું જ લાગેને”?
જો કે એકલા પડ્યા બાદ મેં એમને એક કિસ્સો કહી સવાલ પૂછેલો તો એ બેહદ ખુશ થયેલા. કિસ્સો એ કે ફિલ્મ ઍવોર્ડ્સમાં કેવી ઘાલમેલ ચાલે છે એ વિશે મેં ‘ચિત્રલેખા’ માટે એક લેખ લખેલો, જે માટે સિનેમાજગતના પીઢ પ્રચારક તારકનાથ ગાંધીને મળેલો. એમણે કયા અભિનેતાને કઈ ફિલ્મ માટે પૈસા લઈને અમુક ઍવોર્ડ અપાવેલા એનું બયાન મારી સામે કરેલું, જેમાં એમણે રિશી કપૂરનું નામ પણ દીધેલું. મેં તારકનાથ ગાંધીનો ઉલ્લેખ કર્યો તો એ ખડખડાટ હસી પડેલાઃ “યસ, હી વૉઝ રાઈટ. ‘બૉબી’ માટે મેં ત્રીસ હજાર રૂપિયામાં ઍવોર્ડ ખરીદેલો… આ કિસ્સો ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનારી મારી આત્મકથામાં લખ્યો છે.” એ પછી તો એમણે અત્યારના અનેક સ્ટાર્સનાં ઍવોર્ડ વિશેનાં ભોપાળાં કહ્યાં. મારો કાંઠલો ઝાલીને કહેઃ “યે સબ લિખના મત”. એ પછી, મેં ‘આરકે સ્ટુડિયો’ની જમીન વેચવાનો વિષય કાઢ્યો તો કહેઃ “અત્યારે આપણે જ્યાં બેઠા છીએ એ ફાઈવ સ્ટાર હોટેલનો બેન્ક્વે માતબર રકમ ચૂકવીને નિર્માતાએ એમની ફિલ્મની વાત કરવા ભાડે લીધો છે. એવામાં હું ‘આરકે સ્ટુડિયો’ની વિશે બોલવા માંડું તો મારું પ્રોફેસનલીઝમ લાજે. આજે આપણે ‘102 નૉટઆઉટ’ની જ વાત કરીએ… ‘આરકે સ્ટુડિયો’ માટે ફરી મળીશું ક્યારેક…”
બસ, રિશી સરના કોઈ એક ગુણ વિશે મને લખવાનું કહેવામાં આવે તો એ હતો આ- એમની પ્રામાણિકતા. સામેની વ્યક્તિને ક્રૂર લાગે એ હદે એ નિખાલસ હતા. આનો બેસ્ટ એકઝામ્પલ છે એમની આત્મકથા ‘ખુલ્લંખુલ્લા’. ઈન્ડિયન ઍક્ટરોની મેં વાંચેલી કદાચ આ સૌથી ઑનેસ્ટ આત્મકથા છે, જે એના શીર્ષકને સાર્થક કરે છે.
એમની પ્રામાણિકતાનો ઔર એક કિસ્સોઃ ઉમેશ શુક્લની ‘102 નૉટઆઉટ’માં ધીરુનું પાત્ર ભજવતા અદભુત અદાકાર જીમિત ત્રિવેદી સાથે શૂટિંગનો પહેલો દિવસ હતો, મેનલેન્ડ ચાઈના રેસ્ટોરાંમાં. એ દિવસે પૅકઅપ થતાંવેંત એમણે ટ્વિટ કરેલુઃ ‘જીમિત ત્રિવેદી… કમાલનો ઍક્ટર… આત્મવિશ્વાસ-દેખાવ-પ્રતિભાનું જવલ્લે જ જોવા મળતું સંયોજન’.
અફસોસ કે, ‘આરકે સ્ટુડિયો’ની વાત કરવા એ ફરી ક્યારેય મળ્યા જ નહીં. લુકેમિયાની સારવાર માટે એ લાંબો સમય ન્યૂ યૉર્ક જતા રહ્યા. પરત આવ્યા, થોડું કામ કર્યું અને….
અંતમાં ઈશ્વરને એક સવાલઃ પ્રભુ, શું આકાશમાં તારલા ખૂટી પડ્યા કે જમીન પરથી લેવા માંડ્યા?