જીન ડાઈચઃ ‘ટોમ એન્ડ જેરી’ જેવા રમૂજી પાત્રોનાં સર્જક, કડક મિજાજી હતા

80-90ના દાયકાના બાળકોને ખૂબ હસાવનાર અને એમનું બાળપણ મોજ-મસ્તીભર્યું બનાવનાર ‘ટોમ એન્ડ જેરી’, ‘પોપાય – ધ સેલરમેન’ જેવા કાર્ટૂન ફિલ્મ પાત્રોના સર્જક જીન ડાઈચના નિધનના સમાચારે એનિમેશન, કળા જગતમાં શોક ફેલાવી દીધો. જીન ડાઈચ 95 વર્ષના હતા. ચેક પ્રજાસત્તાકના પ્રાગ શહેરમાં એમના નિવાસસ્થાને તેઓ મૃત્યુ પામ્યા.

ઓસ્કર એવોર્ડ વિજેતા ઈલસ્ટ્રેટર ડાઈચે 1961-1962માં એમજીએમ કંપની માટે ‘ટોમ એન્ડ જેરી’ કાર્ટૂન ફિલ્મના 13 એપિસોડનું દિગ્દર્શન કર્યું હતું. ત્યારબાદ એમણે કિંગ ફિચર્સ કંપની માટે ‘પોપાય’ ફિલ્મના કેટલાક એપિસોડ તૈયાર કર્યા હતા.

એમને ઓસ્કર એવોર્ડ મળ્યો હતો 1961માં, એનિમેટેડ શોર્ટ ફિલ્મ ‘મુનરો’ માટે. એ ફિલ્મ અમેરિકાની બહાર બનાવવામાં આવી હતી.

જીન ડાઈચે એનિમેટેડ ફીચર ફિલ્મ ‘એલિસ ઓફ વન્ડરલેન્ડ ઈન પેરિસ’ પણ બનાવી હતી.

એનિમેશન ક્ષેત્રમાં પ્રદાન કરવા બદલ એમને 2003માં Winsor McCay Award એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

દુનિયાભરનાં લોકોને પોતાના કાર્ટૂન પાત્રો વડે ઘેલાં કરી દેનાર જીન ડાઈચનો જન્મ અમેરિકાના શિકાગોમાં થયો હતો. સ્વભાવના એ કડક હતા, પણ રમૂજ-વ્યંગની ટેલેન્ટ એમના મગજમાં કુદરતે ઠાંસીઠાંસીને ભરી હતી.

દિગ્દર્શક બન્યા એ પહેલાં તેઓ અમેરિકી સેનામાં હતા. એમાં તે પાઈલટોને ટ્રેનિંગ આપતા હતા અને સેના માટે ડ્રાફ્ટમેન તરીકે કામગીરી બજાવતા હતા, પણ નબળા આરોગ્યને કારણે એમને 1944માં સેનામાંથી હટાવી દેવામાં આવ્યા હતા.

તે પછી એમણે કાર્ટૂન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. કાર્ટૂનો ચિતરવા એ તેમનો બાળપણનો શોખ હતો. સેનામાંથી છૂટા કરી દેવાયા બાદ એમણે એનિમેશન પર પોતાનો હાથ અજમાવ્યો અને દુનિયાને આપી ‘ટોમ એન્ડ જેરી’ જેવી સુપરહિટ કાર્ટૂન ફિલ્મ.

90ના દાયકામાં દુનિયામાં ભાગ્યે જ એવા કોઈ બાળકો હશે જેમણે ‘ટોમ એન્ડ જેરી’ કાર્ટૂન સિરીઝ જોવાનું મિસ કર્યું હશે.

એ ફિલ્મ, બિલાડી (ટોમ) અને ઉંદર (જેરી) વચ્ચે પ્રેમ અને નફરતના સુંદર સંબંધ પર આધારિત છે.

આ ફિલ્મ ડાયલોગ વગરની અને માત્ર સંગીત પર જ ચાલે છે. છતાં જોનારને ખૂબ હસાવે, આનંદ અપાવે.

ટોમ અને જેરીની લડાઈમાં ઉપજતી રમૂજ જોવાનું કોઈ બાળક તો ઠીક પણ મોટેરાં પણ ન ચૂકે. બેઉ પાત્ર એકબીજાના જાની દુશ્મન, તે છતાં બંને વચ્ચે પ્યાર પણ એટલો જ. બંને જણ ભલે એકબીજાને સહન ન કરી શકે, તે છતાં એકબીજા સાથે લડ્યા વગર પણ બંનેને ચેન ન પડે.