શિયાળાની આગવી વિશેષતા તેની ઠંડી છે તો સાથે બીજી એક વિશેષતા છે શિયાળુ વાનગીઓ. જાત જાતની વાનગીઓ અત્યારે ખાવા મળે છે. જેમકે કચરિયુ, અડદિયાપાક, મેથી પાક, સૂંઠના લાડૂ, ગુંદર પાક, ખજૂરના લાડૂ, ચ્યવનપ્રાશ વગેરે. આ બધી એવી વાનગીઓ છે જે તમને ઠંડીની સામે રક્ષણ આપે છે. કહેવત છે કે જે શિયાળામાં ખાય પાક તેને ન લાગે થાક. કારણકે આખા વર્ષની શક્તિ અને ઘસારાની પુર્તિ માટે શિયાળાના વસાણાં શ્રેષ્ઠ છે. પાક શાસ્ત્રમાં નિપુણ હોય એ લોકો માટે આ વાનગીઓ એટલી અઘરી નથી. પણ સામાન્ય લોકો માટે તો આવા વસાણા માટે બજારને આધીન જ હોય છે. આ વસાણાંઓ બનાવવા માટે સમય ખુબ જાય છે. એટલે કદાચ આજની પેઢી અને અત્યારના લોકો પોતે આવા વસાણા બનાવતા નથી. કારણ કે આજનો માણસ ઘડિયાળના કાંટે ચાલે છે. પણ જો તેમ છતાં આપની ઇચ્છા હોય કે શિયાળામાં પરિવાર અને પોતાના માટે મસ્ત મજાનું કંઇક બનાવવું. તો શ્રેષ્ઠ વિકલ્પ છે સાલમ પાક. સાલમ પાક એ એક ઔષધિય વાનગી પણ કહી શકાય કારણ કે સાલમ પાક બનાવવા માટે વપરાતી સામગ્રીમાં કેટલીક જડિબુટ્ટીઓ પણ સામેલ છે. સાલમ, બદામ, પિસ્તા, દ્રાક્ષ, ધોળી મુસળી, કાળી મુસળી, ગોખરુ, અશ્વગંધા, કૌચા, સફેદ મરી વગેરે દ્રવ્યોથી તૈયાર થતો સાલમપાક શિયાળામાં નિયમિત ખાવાથી શક્તિનો સંચાર થાય છે.
જો કે નામ થોડા અજીબ છે. અને એવી જ અઘરી છે તેને બનાવવાની રીત.. પણ આ સિવાય કેટલીક એવી પણ વાનગી છે જે બનાવવી ઇઝી પણ છે અને ખાવાની મજા પણ આવે એવી છે. આવી જ એક યુનિક આઈટમ છે હેલ્ધી ચોકલેટ બોલ. નામ સાંભળી ને નવાઈ લાગી હશે ને. વળી, ચોકલેટ બોલ અને એ પણ વસાણાં વાનગી. જી હા.. વસાણાંની મેઈન સામગ્રી એટલે ડ્રાય ફ્રુટ. અને આ બોલ્સ પણ બને છે ડ્રાય ફ્રૂટ્સ થી જ. એટલે જ તો છે આ હેલ્ધી ઓપ્શન. ખુબ જ સરળ છે રીત. બજારમાંથી ખજૂર લાવી ને ઘી માં સાંતળી દેવાના. અને પછી ભાવતા બીજા સૂકા મેવા જેવા કે, કાજુ, બદામ, પિસ્તા, અંજીરના ટુકડા કરી ને અંદર નાખી ને ધીમી આંચ પર થવા દેવાના. જો અંજીર નાખીએ તો ખજૂર અને અંજીર જ્યાં સુધી એકરસ ના થઇ જાય ત્યાં સુધી તેને થવા દેવાના. ખજૂરની મીઠાશ હોય એટલે ખાંડ નાખવાની જરૂર નથી. ઉપરાંત કાજુ બદામ અને પિસ્તાના ટુકડા પણ અંદર પસંદના આધારે નાખવા. આની ઉપર કોપરાનું છીણ પણ લગાવી શકાય. આમ તો આ ખજૂર પાક જ છે. પણ હવે આવે છે ટવિસ્ટ. આ ખજૂર પાક ના નાના બોલ બનાવી લેવાના. અને સાઈડ પર મૂકી ને ચોકલેટ સ્લેબ ને મેલ્ટ કરીને તેમાં આ બોલ્સ ડિપ કરીને એને ઠરવા દેવાના. તમે વાઈટ ચોકલેટ પણ વાપરી શકો. પણ સાદી ચોકલેટ વધુ સારી રહે. બસ તો તૈયાર થઇ ગયા, હેલ્ધી ચોકલેટ બોલ્સ. આ બોલ્સ નો બીજો એક ફાયદો એ છે, કે ચોકલેટ હોવાથી આ બોલ્સ બાળકો ને ખુબ પસંદ આવે છે. અને આજના સમય માં વસાણાંનું ચલણ એવું નથી જેટલું ચોકલેટનું છે. બધા ચોકલેટ તો પસંદ હોય જ છે. આ તો થયા વસાણાં, આ સિવાય દરરોજના ભોજનમાં પણ આપણે કેટલીક એવી વસ્તુ ઉમેરી શકીયે, કે જેનાથી આપણને ગરમી મળે. આવી વસ્તુઓમાં સામેલ છે, લીલું મરચુ, ડુંગળી, આદુ, હળદર, લીલુ લસણ વિગેરે…
આમ પણ શિયાળામાં આપણી લાઈફ સ્ટાઈલ એટલે કે જમવામાં થોડોક જો ચેઈન્જ લાવીએ તો કદાચ બાર મહિના શરીર હેલ્ધી રહે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ઋતુ બદલાય તો શરીર નરવું રહે છે, એટલે કે ગમે તેવી પરિસ્થીતી સામે તમે લડી શકો છો. શિયાળો એ ખાવાની સીઝન છે, પણ તમારે માત્ર જમવાની સ્ટાઈલમાં ફેરફાર કરવાની જરૂર છે. શિયાળામાં લીલી શાકભાજી સરસ અને તાજી આવે છે. દર અઠવાડિયામાં બે વખત લીલી શાકભાજી એટલે તાંદળજાની ભાજી, પાલખની ભાજી, મેથીની ભાજી, મુળાની ભાજીનું શાક ખાવું જોઈએ. તેમજ ટમેટા, બીટ, ગાજર તો ખરા જ. લીલુ લસણ ઘીમાં સાંતળીને ખાવું જોઈએ. કોથમીર અને ફુદીનાની ચટણી બનાવીને ખાવી જોઈએ, જેનાથી આંખોનું તેજ વધશે. શિયાળામાં રીંગણ- ભૂટ્ટા પણ મળે તો તેનો ઓળો-ભરથુ બનાવીને બાજરાની રોટલા સાથે ખાવો જોઈએ.
તો આ શિયાળામાં જમવાની સ્ટાઈલમાં થોડોક ફેરફાર કરીશું તો આખુય વર્ષ તંદુરસ્ત જશે. બે મહિના દરકાર રાખીયે અને સાથે થોડા વસાણાંની પણ માજા માણીને હેલ્થ ને પણ સાચવીયે…