શશી કપૂરઃ એમના સ્માઈલની ઘણી છોકરીઓ દીવાની હતી

બોલીવૂડના પિતામહ કહેવાયેલા પૃથ્વીરાજ કપૂરના સૌથી નાના પુત્ર શશી કપૂર આ ફાની દુનિયાને આજે અલવિદા કરી ગયા છે. એ ૭૯ વર્ષના હતા. એ લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈમાં અંધેરી (વેસ્ટ) સ્થિત કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં આજે સાંજે એમણે અંતિમ શ્વાસ લીધો હતો.

1938ની 18 માર્ચે કોલકાતામાં જન્મેલા શશી કપૂર એ રાજ કપૂર અને શમ્મી કપૂરના નાના ભાઈ હતા.

શશી કપૂરના પરિવારમાં ત્રણ સંતાન છે – બે પુત્ર કરણ અને કુણાલ તથા પુત્રી સંજના.

શશી કપૂરનાં અંતિમ સંસ્કાર આવતીકાલે, મંગળવારે બપોરે 12 વાગ્યે કરવામાં આવશે.

શશી કપૂર લાંબા સમયથી બીમાર હતા. 2014માં એમને ફેફસાંમાં ચેપ લાગ્યો હતો. એ પહેલાં એમને બાયપાસ સર્જરી પણ કરાવવી પડી હતી.

શશી કપૂર ખાસ કરીને દીવાર, સત્યમ શિવમ સુંદરમ, કભી કભી જેવી અનેક ફિલ્મોમાં કરેલા અભિનયને માટે જાણીતા થયા છે.

શશી કપૂરનું મૂળ નામ બલબીર કપૂર હતું. એમણે બાળ કલાકાર તરીકે રાજ કપૂરની ફિલ્મ આવારા અને આગમાં કામ કર્યું હતું.

બોલીવૂડમાં 40 વર્ષની કારકિર્દીમાં શશી કપૂરે 160 ફિલ્મોમાં કામ કર્યું હતું.

60-70ના દાયકામાં શશી કપૂરે અનેક યાદગાર ફિલ્મો આપી હતી. જેમાં જબ જબ ફૂલ ખિલે, કન્યાદાન, શર્મિલી, આ ગલે લગ જા, રોટી કપડા ઔર મકાન, ચોર મચાયે શોર, દીવાર, કભી કભી અને ફકીરાનો ઉલ્લેખ કરી શકાય.

અમિતાભ બચ્ચન અને શશી કપૂરની જોડીએ કેટલીક યાદગાર અને મનોરંજક ફિલ્મો આપી હતી જેમ કે દો ઔર દો પાંચ, નમક હલાલ, શાન, સુહાગ વગેરે. તેમ છતાં આ બંનેની દીવાર ફિલ્મ આ બધાયમાં સુપરહિટ રહી હતી.

શશી કપૂરે ત્રણ અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ જીત્યા હતા. 2011માં એમને પદ્મભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા અને 2015માં એમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.

શશી કપૂરે 12 અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું, જેમાંની જાણીતી ફિલ્મો છે – ધ હાઉસહોલ્ડર, શેક્સપીયર વલ્લાહ અને બોમ્બે ટોકી.

શશી કપૂરને રંગભૂમિ પ્રતિ ખૂબ આદર હતો. રંગભૂમિ મારફત જ એ જેનિફર કેન્ડોલનાં સંપર્કમાં આવ્યા હતા અને એમની સાથે લગ્ન કર્યા હતા. શશી અને જેનિફરે સાથે મળીને મુંબઈમાં પૃથ્વી થિયેટરની સ્થાપના કરી હતી.

httpss://www.youtube.com/watch?list=PLIisq5IdkLNhcRIOwAOXeMcwC8ICT5iSC&v=3IF9o2crV84