નેઇલ પોલિશઃ તમારા હાથ ઘણું બોલે છે..

પણે વાતો કરીએ ત્યારે ચહેરાની સાથોસાથ આપણી આંખો અને આપણા હાથ પણ બોલતાં હોય છે. એક રીતે જોવા જઇએ તો હાથ કોમ્યુનિકેશનનું એક માધ્યમ જ છે. જેનો આપણે અલગઅલગ વસ્તુની અભિવ્યક્તિ માટે ઉપયોગ કરીએ છીએ. એટલે જ ઇન્ટરવ્યૂ આપતી વખતે પણ તેનુ ધ્યાન રાખવું એ ખૂબ મહત્વનું બની જાય છે. તમારી જાણ બહાર જ કેટલાય જવાબ આપતાં, તમારા વિચાર વ્યક્ત કરતા સમયે તમે તમારા હાથનો  ઉપયોગ કરો છો. અને જો તમારી નેઇલ પોલીશ એ વખતે ચીપ્ડ હોય એટલે કે ઉપરથી નીકળી ગયેલી હોય, કે કોઇ ભડકીલો કલર તમારા નખ ઉપર રંગેલો હોય તો એ તમારા માટે બિલકુલ સારું નથી.

કદાચ તમને એ નથી દેખાતું પણ તમારી નેઇલ પોલિશનો કલર હકીકતે તમારા ઓવરઓલ પ્રેઝન્ટેશનમાં વધારો કરે છે. એટલે એવુ માની ન લેવાય કે એક જ કલર બધા સંજોગોમાં સૂટ થાય. કદાચ એક કલર જે ફેશન જોબ માટે યોગ્ય દર્શાવે તો તે કોર્પોરેટ પોઝિશન માટે તમારી અયોગ્યતા બની જાય. એટલે તમે તમારા ઇન્ટરવ્યૂમાં જાઓ તે પહેલાં જરુરી છે કે તમે તમારી નેઇલ પોલિશનો કલર વિચારીને પસંદ કરો. તો કયા કલર પસંદ કરવા જોઇએ કયા ક્ષેત્ર માટે, એ સવાલ હવે તમને થતો હશે. જો તમે કોઇ રચનાત્મક એટલે કે ક્રિએટિવ પોઝિશન માટે ઇન્ટરવ્યુ આપવા જઇ રહ્યાં છો. તો તમારે વધુ વિચારવાની જરુર નથી. કારણ કે ક્રિએટીવ પોઝિશન ક્રિએટીવ પર્સન માટે હોય, એટલે તમે ગમે તે પસંદ કરી શકો પણ એ વાતનું ધ્યાન રાખો કે કોઇ પણ કલર લો, તેના પર ગ્લીટરી ઇફેક્ટ આપશો તો સામેવાળાને તે વધુ યુવા અને વાઇબ્રન્ટ વાઇબ આપશે.

પણ જો કોર્પોરેટ જોબ માટે જઇ રહ્યાં છો તો તમારે વધારે ધ્યાન રાખવું પડશે, કોર્પોરેટ પોઝિશનમાં વધુ ઔપચારિકતા વધુ હોય છે એટલે તમારે રીચ, ડાર્ક કલર પસંદ કરવા. જેવા કે પ્લમ, ફોરેસ્ટ ગ્રીન, ડાર્ક ગ્રે. આ ઉપરાંત અત્યારે નેઇલ પોલિશમાં ન્યૂડ સીરીઝના કલર પણ છે જે સૌથી વધુ ટ્રેંડમાં છે. આ ન્યૂડ નેઇલ કલર્સ તમને એક કોર્પોરેટ લૂક આપવામાં ખૂબ મહત્વનો ફાળો ભજવશે. જો તમને ભડકીલા કલર પસંદ હોય તો તમે ક્લાસિક રેડ લઇ શકો. પણ બીજા કોઇ ભડકીલા શેડ્સ પસંદ ન કરવા. કારણ કે અન્ય ભડકીલા કલર્સ તમારા ઇન્ટરવ્યૂનો ઉદ્દેશ ભટકાવવા સુધીની ક્ષમતા રાખે છે. આ સિવાય હેલ્થ કેર સેક્ટરમાં જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા જતાં હો તો ધ્યાન રાખો કે ફ્રેશલી પેઇન્ટ કર્યા હોય નખ. આમ તો હેલ્થ કેર ક્ષેત્રે નખને લઇને કેટલાક નિયમો હોય છે જેમકે નખ કાપેલા, સ્વચ્છ હોવા જોઇએ. નખ રંગેલા ન હોવા જોઇએ. વગેરે. પણ સર્વે અનુસાર એ પણ સામે આવ્યુ છે કે હેલ્થ કેર પ્રોફેશનલ્સ પણ નેઇલ પેઇન્ટ કરે છે. જો કે આ માટે ન્યુટ્રલ કલર પસંદ કરવા યોગ્ય છે. ગ્લીટરી ઇફેક્ટ આપવી અહીં યોગ્ય નથી. એ તમારી ગંભીરતા પર સવાલ ઉભા કરી શકે છે. આ સિવાય ચીપ્ડ નેઇલ પોલિશ જો નખ પર દેખાય તો એ પણ તમારી કેરલેસનેસ છતી કરે છે. એટલે હેલ્થ કેર કે જે એક સીન્સીયર પ્રોફેશન છે એમાં તમારી સિન્સીયારીટી બતાવવા તમે ફ્રેશ ન્યુટ્રલ કલરની નેઇલ પોલીશ કરો તો એ તમારા વ્યક્તિત્વને ઓર ઉજાગર કરે. આ ન્યુટ્રલ કલરમાં પણ તમે તમારા યુનિફોર્મ સાથે મેચ થાય તેવા કલર પસંદ કરવા. બ્લુ કે પીંક કલર તરત ઉડીને આંખે વળગે, આવા કલર તમારા પ્રોફેશન અને તમારી સ્કીલની ખિલાફ ચાડી ખાય.

એટલે જો નખ રંગવાનો શોખ છે તો નખને એવા રંગોથી પેઇન્ટ કરો કે જે તમારા વ્યક્તિત્વને ઓર નિખારે, અને ઇન્ટરવ્યૂ લેનાર પર જે ઉંડી છાપ છોડી જાય.