અભિનેતા રુસલાન મુમતાઝની ‘ચિત્રલેખા’ને વિશેષ મુલાકાત

મુંબઈ– ફિલ્મ અને ટીવીમાં અભિનયક્ષેત્રમાં નામ કમાવવું અઘરું પણ નથી તો સાવ સહેલું પણ નથી. અભિનેતા ફિલ્મી પરિવારમાંથી આવતો હોય કે અન્ય તળ પરથી, વાત છે તેના દર્શકો દ્વારા સ્વીકારની. ગુજરાતી ફિલ્મોમાં ખૂબખૂબ નામના કમાયેલાં અભિનેત્રી અંજનાના પુત્ર રુસલાનને આ લાગુ પડે છે. ફિલ્મી બેકગ્રાઇન્ડની સ્વાભાવિક મળેલી તાલીમ અને રુસલાનની ટેલેન્ટ બંનેનો સમન્વય તેમની સફળ કારકિર્દીમાં ડોકાઇ રહ્યો છે.

રુસલાન મરાઠી અભિનેત્રી અંજના માંજરેકર-મુમતાઝના એકમાત્ર પુત્ર છે. અંજનાએ સાજિદ મુમતાઝ સાથે લગ્ન કર્યાં હતાં. અંજનાએ મરાઠી હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં વર્ષો સુધી અભિનયના ઓઝસ પાથર્યાં છે.તેમનો પુત્ર સ્વાભાવિક જ ફિલ્મક્ષેત્ર પહેલેથી જ પોતીકું બની રહ્યું હતું. જે આગળ જતાં વિકસિત થઇને રુસલાનને ભારતીય બોલીવૂડ ફિલ્મ અને ટેલિવિઝનનો અભિનેતા સિદ્ધ કર્યો છે.. રુસલાને 2007માં બોલીવૂડમાં ‘MP3: મેરા પહેલા પહેલા પ્યાર’ હિન્દી ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. અને 2013માં ટેલિવિઝન પર ખૂબ જાણીતી બનેલી સીરીયલ ‘કહેતા હૈ દિલ જી લે જરા’માં ધ્રુવના રોલમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર પછી અનેક હિન્દી ફિલ્મો અને ટેલિવિઝન પર અભિનય આપી ચૂક્યાં છે. રુસલાન મુમતાઝે chitralekha.com ના ન્યૂઝ એડિટર ભરત પંચાલને વિશેષ મુલાકાત આપી છે, તો જોઈએ આ મુલાકાતઃ

પ્રશ્ન-1

રુસલાન… આપે 2007માં બોલીવુડમા એમપી થ્રી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું, તો હિન્દી મૂવીમાં આવવાનું કેવી રીતે શક્ય બન્યું?

જવાબઃ હું જ્યારે કૉલેજમાં હતો, ત્યારે મે નક્કી કર્યું હતું કે મારે એક્ટર બનવું છે. મારી મમ્મી પણ એક્ટર છે, તેમની ખ્યાતિ અને તેમની એક્ટિંગ જોઈને મને પણ એમ થયું કે મારે એક્ટિંગમાં જ જવું જોઈએ. હું જ્યારે કૉલેજમાં હતો ત્યારે હું થિયેટર કરતો હતો. થિયેટર કરતાં કરતાં કોઈએ મને પ્લેમાં જોયો. ત્યા મને ઓડિશનનું આમંત્રણ મળ્યું, ત્યાં હું સીલેક્ટ થયો અને એડ ફિલ્મ કરતો થયો. મે 25થી 30 એડ કરી છે. આ દરમિયાન એમપી થ્રી ફિલ્મના પ્રોડ્યસર છે, તેઓ એડ મેકર્સ હતા, તેમણે મને ફિલ્મના ઓડિશનમાં બોલાવ્યો. તે વખતે તેમણે પૂરા ભારતમાંથી આવેલા 800-900 લોકોના ઓડિશન કર્યા હતાં અને તેમાં હું સીલેક્ટ થયો.

પ્રશ્ન-2

રુસલાન… આપની માતા હિન્દી, મરાઠી અને ગુજરાતીમાં ખૂબ જ જાણીતી અભિનેત્રી છે, તેમની તરફથી આપને કોઈ ટિપ્સ મળી છે કે એક્ટિંગ આવી રીતે કરાય?

જવાબઃ આ ટિપ્સ તો બહુ જ મળી છે. પણ અમારી એક્ટિંગની સ્ટાઈલ આખી અલગ છે. મોમ અને મારી એક્ટિંગ અલગ છે. મમ્મીએ ખૂબ મોટા બેનરની ફિલ્મો કરી છે અને મોટા બજેટની ફિલ્મો કરી છે. અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર સાથેની ફિલ્મો હતી. તેમાં અમીર-ગરીબના રોલ હોય છે, તેમાં તેમનો રોલ અલગ જ હોય છે. તેમાં એક્ટિંગ પણ અલગ છે. અને મે જે ફિલ્મો કરી છે તેમાં હું એક નોર્મલ છોકરો રહ્યો છું. કોલેજનો સ્ટુન્ડન્ટ હોય કે આમ નાગરિક હોય… તેમાં આપ ઓવરએક્ટિંગ કરશો તો તે સાંરુ નહીં લાગે. મે જે સિનેમા કર્યા છે, તે મોમથી અલગ પ્રકારની મૂવી કરી છે. ત્યારે તેમની ટિપ્સ મળતી હતી ત્યારે મારા ડિરેક્ટર મને કહેતા હતાં કે ‘અરે કયા કર રહા હૈ’. ત્યારે મારી મમ્મીને કહ્યું કે તમે મને ના સમજાવો… મારા ડિરેક્ટર મને કંઈક અલગ જ એક્ટિંગ કરાવે છે અને હું પણ તે હિસાબે જ કરીશ.

પ્રશ્ન-3

અત્યારે હાલ વિક્રમ ભટ્ટની વેબ સીરીઝમાં કામ કરી રહ્યા છો, તો તેમાં શું નવું છે?

જવાબઃ વિક્રમ ભટ્ટ કેવા પ્રકારનું કામ કરે છે, તે તો સૌ જાણે છે. તેઓ હોરર કરે છે યા તો તેઓ થ્રીલર કરે છે. મર્ડરમીસ્ટ્રી પણ કરે છે. તેમાં લવ અને રોમાન્સની સાથે સાથે મર્ડર થાય તો તે લવ સાથે કનેક્ટેડ હોય છે. ભૂત આવે તો તે ભૂત પણ લવર હોય છે. કોઈનો લવરનું મોત થાય તો તે બદલો લેવા આવે. વિક્રમ ભટ્ટની નવી સીરીઝમાં લવ અને રોમાન્સ તો છે જ… પણ તે એક થ્રીલર પણ છે, જે હાલ હું કરી રહ્યો છું. આ શોનું નામ છે અલાઈફ. હાલ તેનું શુટિંગ ચાલી રહ્યું છે, અને જુલાઈમાં તે રીલીઝ થશે. તો આ એક રીવેન્જ ડ્રામા છે.

પ્રશ્ન-4

રુસલાન આપે ટીવી પણ કર્યું છે અને બોલીવૂડમાં હિન્દી ફિલ્મો પણ કરી છે. તો ટીવી અને મૂવીમાં શું અંતર છે?

જવાબઃ ટીવી… પછી અટકીને જવાબ આપ્યો કે ટીવીનો અનુભવ અલગ રહ્યો, ટીવીમાં મને ખૂબ મઝા આવી. ટીવીમાં કેરેક્ટરનો ગ્રાફ ખૂબ જ લાંબો હોય છે. મુવીમાં લાઈફનો એક જ ભાગ દેખાય છે. એક હીરો હોય, તે કોલેજ જાય, છોકરી મળી, લવ થયો, અને મૂવી સમાપ્ત થાય. આવું હોય છે અમારી મૂવીમાં. હીરોને હીરોઈને મળી જાય છે. આવું કંઈક હોય છે અમારી હિન્દી મૂવીમાં. જ્યારે ટીવીમાં હીરો ને હીરોઈને મળી જાય અને પછી શું થાય તે બતાવે છે.પ્રશ્ન-5

દર્શકોનો પ્રેમ કયાં વધારે મળ્યો? ટીવીમાં કે હિન્દી ફિલ્મોમાં…

જવાબઃ ફિલ્મોમાં દર્શકોનો પ્રેમ વધારે મને મળ્યો છે. મારી પહેલી ફિલ્મ હતી એમપી થ્રી, અને તે પછી તેરે સંગ… લોકોએ ખૂબ પસંદ કરી. પણ ટેલિવિઝનનો પ્યાર અલગ જ હોય છે. ટીવી બધાં જ જોવે છે. નાના બાળકોથી માંડીને મમ્મી, દાદી પણ…જોવે છે. દાદી જ કહે કે મને આ સીન ખૂબ સરસ લાગ્યો. અને બાળકોનો પ્રેમ પણ મળે છે. ટીવીમાં ફેમીલી લવ મળે છે. ફિલ્મમાં તો થિયેટરમાં જેટલું ઓડિયન્સ હોય તેટલાં જ લોકો જોવે છે, જ્યારે ટીવી લોકો ઘરેઘર બેસીને જોવે છે.

પ્રશ્ન-6

આપે ગુજરાતી નિરાલી મહેતા સાથે લગ્ન કર્યા છે, તો અમારા ગુજરાતી દર્શકો માટે ગુજરાતીમાં કોઈ સંદેશો આપવા માગો છો.?

જવાબઃ ગુજરાતીમાં મેસેજ… હસીને… ‘હું ગુજરાતી સમજુ છું… પણ બોલી નથી શકતો’.