‘પેઝલી’ ઊનાળુ ટ્રેન્ડમાં છે સદાબહાર

સૂરજદાદા આકરા પાણીએ છે ત્યારે ઉનાળામાં જો રાહત આપતી એકમાત્ર બાબત હોય  તો તે છે કેરી, મીઠી, મધુરી અને ગળચટ્ટા સ્વાદ સાથે લહેજત આપતી કેરી ભોજનમાં જ નહીં ફેશનમાં પણ  મોખરાનું સ્થાન ભોગવે છે.  તમે ક્યારેય અવલોકન કર્યું છે કે મહેંદીથી માંડીને વસ્ત્રોની પ્રિન્ટ અન ડિઝાઇનમાં કેરીના શેઇપનો ઉપયોગ કેટલો બધો થાય છે.? આપણે  જેને  દેશી ભાષામાં કેરીની ભાત કહીએ છીએ તેને ફેશન જગતમાં ફેશન ડિઝાઇનર્સે નામ આપ્યું છે પેઝલી પ્રિન્ટ. હા મિત્રો પેઝલી પ્રિન્ટ ગરમીના સમયમાં તો હોટફેવરિટ રહે જ છે પરંતુ આખુ વર્ષ પણ આ પ્રિન્ટના વિવિધ વસ્ત્રો સ્ત્રી અને પુરૂષોના વોર્ડરોબને શોભાવતા રહે છે. તો ચાલો આજે જાણીએ સમર ટ્રેન્ડમાં પેઝલી પ્રિન્ટ વિશે

શું છે પેઝલી પ્રિન્ટ

હાલ ફેશન જગતમાં કેરીની ડિઝાઇનને મોર્ડન રીતે રજૂ કરતી પેઝલી પ્રિન્ટનો એક આગવો ટ્રેન્ડ વિકસી રહ્યો છે. ભારતમાં પ્રાચીનકાળથી શિલ્પકળામાં અને ભરતગૂંથણની ડિઝાઇનમાં કેરીની ડિઝાઇન પ્રાધાન્ય ભોગવે છે. આ જ કેરીની ભરચક ડિઝાઇન એટલે પેઝલી. ‘ભારતની હેરિટેજ ડિઝાઇન’ કહેવાતી પેઝલી વર્ષોથી ભારતીય તથા ઇરાની શૈલીમાં વણાતી આવી છે. પેઝલીની  ડિઝાઇન પર્શિયામાં પણ જોવા મળતી હતી. તો અમેરિકામાં પેઝલી ડિઝાઇન ‘પર્શિયન પિક્લ્સ’ ડિઝાઇનના નામે જાણીતી છે.

કેરીની ડિઝાઇનનો પ્રાચીન વારસો વિદેશમાં પણ લોકપ્રિય

હાલ મોર્ડન આઉટફિટ્સમાં કેરીની ડિઝાઇન તથા પ્રિન્ટ ખૂબ લોકપ્રિય બની રહી છે. જોકે આપણા દાદી કે નાની આ ડિઝાઇન જોઇને એવું તરત કહેશે કે,  ઓહો…આમા શું નવું છે? અમે તો કેરીની ડિઝાઇન પર કંઈ કેટલુંય ભરતકામ કરી નાખ્યું. તેમની વાત પણ સાચી જ છે ને?! કોઈ પણ વર્ક હોય અથવા મહેંદીની ડિઝાઇન પાડવાની હોય તેમાં કેરીની ડિઝાઇન જુદી જુદી રીતે કરવામાં આવતી જ  હોય છે. હવે આ જ બાબતને ડિઝાઇનર્સે ફોલો કરી છે. જે વિદેશોમાં પણ લોકપ્રિય છે વિદેશીઓ પણ હોશથી પેઝલી પ્રિન્ટના  બરમૂડા શોર્ટસ કે મેકસી પહેરે છે.

સાડીથી માંડીને શોર્ટસ અને ચિલ્ડ્રનવેર સુધી ફેલાયેલું છે પેઝલીનું વૈવિધ્ય

ભારતમાં કેરીની ડિઝાઇન ફક્ત પરંપરાગત વસ્ત્રો પૂરતી જ સિમિત રહેતી હતી. પરંતુ હવે કેરીની આ ભરચક ડિઝાઇનને અપાર રંગોના વૈવિધ્ય તથા સ્ટાઇલિશ વસ્ત્રોમાં ઢાળીને સ્ત્રોની એકદમ ફેવરિટ ડિઝાઇન બનાવી દીધી છે. હવે ટ્રેન્ડી વસ્ત્રોમાં પણ પેઝલી ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. આધુનિક ટ્રેન્ડમાં પેઝલી ડિઝાઇનર કેરીની સાથે સાથે અવનવી ડિઝાઇનને ભેગી કરીને સરસ આઉટફિટ્સ તૈયાર કરે છે. હવે ડિઝાઇનર્સે પેઝલી ડિઝાઇનને સાડીથી માંડીને શર્ટ, કુર્તા, સ્કર્ટ, ગાઉન, ફ્રોક, અનારકલી ડ્રેસીસ એમ બધે જ એપ્લાય કરવા માંડી છે. પેઝલી વર્ક હોય તેવા લખનવી તથા ચિકનના ઝભ્ભા, શોર્ટ કુર્તા તથા લગ્ન માટેની શેરવાનીમાં આ ડિઝાઇનનો ખૂબ ઉપયોગ થાય છે. ઘણી યુવતીઓને પેઝલી ડિઝાઇન હેન્ડ વર્કમાં નથી ગમતી, પરંતુ તેમને પેઝલી ફેબ્રિક ડિઝાઇનના આઉટફિટ્સ પહેરવા ખૂબ ગમે છે. આવો શોખ હોય તો તેમણે નિરાશ થવાની જરૂર નથી. કારણ પેઝલી પ્રિન્ટના ફેબ્રિક પણ મળે જ છે. તો પછી રાહ શેની જુએ છો આ સમરમાં તમે પણ અપડેટ કરી લો પેઝલી પ્રિન્ટ વોર્ટરોબ.