તમારા બાળક પર તમારી અપેક્ષાઓનો ભાર તો નથીને!

ખા દેશમાં હલચલ મચાવનાર કિસ્સો દિલ્હીના ગુરુગ્રામમાં બન્યો. જ્યાં એક શાળામાં નાનકડા બાળકની કરપીણ હત્યા થઇ. તપાસમાં સામે આવ્યું કે એક 11મા ધોરણમાં ભણતાં વિદ્યાર્થીએ જ માસૂમની હત્યા કરી હતી. પણ તપાસમાં સામે આવેલુ કારણ વધુ ચોંકાવનારુ હતું, પરીક્ષા મોકૂફ રહે એ માટે 11મા ધોરણના વિદ્યાર્થીએ આવુ કૃત્ય કર્યુ. આ ઘટના રેડ સિગ્નલ છે સમાજની સામે.. સવાલ છે આપણી ભાવિ પેઢીના ઘડતર સામે. પહેલાં આપણે બધાએ કોલેજમાં રેગિંગની ઘટનાઓ વિશે તો ઘણુ સાંભળ્યુ છે. અગાઉ રેગિંગમાં રહેલુ ઇનોસન્ટ ફન ગાયબ થઇને બુલિંગ શરુ થયુ અને હવે વાત ગુંડાગર્દીર્થી વધીને હત્યા સુધી પહોંચી છે અને એ પણ કોલેજમાં નહીં, શાળાના કેમ્પસમાં.. !!
આ પહેલાં જ્યારે નિર્ભયા કાંડ થયો તેમાં પણ એક સગીર આરોપી હતો. સગીર વયમાં આટલી નિર્દયતા ક્યાંથી આવી.એક સર્વે અનુસાર અડધાથી વધુ અંદાજે 60 ટકા ટીનએજર્સ માને છે કે નિયમ બનાવાય જ તોડવા માટે છે. તો બીજી તરફ શાળામાં 66 ટકા એટલે કે અડધાથી પણ વધુ બાળકો અન્ય વિદ્યાર્થીઓની ગુંડાગર્દીનો શિકાર બને છે. આ આંકડા એ સ્પષ્ટ કરે છે કે આજ કાલ તરુણાવસ્થામાં ગુંડાગીરી કરીને બીજાને હેરાન કરવાનુ કલ્ચર વિકસ્યું છે. તરુણો આવી રીતે બીજાને હેરાન કરીને મજા લે છે. પણ આ ખરી મજા છે? કોણ જવાબદાર આ માનસિકતા માટે.

પહેલો સવાલ આની પાછળના કારણ શું. જેટલા મોઢા એટલી વાતો. કેટલાક લોકો આની પાછળ શિક્ષણના ખાનગીકરણ અને વ્યાપારીકરણને જવાબદાર માને છે. તેમના મતે પહેલા શાળામાં ભણતર મળતું હવે ડોનેશન આપનારને સુવિધાઓ મળે છે. બાળકોમાં પણ રૂપિયા પૈસાની તાકતનો પરચો બતાવવાની ઘેલછા જોવા મળે છે. કેટલાક એવું પણ માને છે કે આવા વિદ્યાર્થીઓ શાળામાં કે કોલેજમાં ભણવા નથી જતાં, પણ પોતાની ગુંડાગર્દી બતાવવા જાય છે. આવા વિદ્યાર્થીઓથી માત્ર અન્ય વિદ્યાર્થીઓ નહીં પણ શિક્ષકો, પ્રોફેસર્સ, એટલે સુધી કે પ્રિન્સીપલ પણ ત્રસ્ત હોય છે અંદરખાને. શાળામાં જો શિક્ષક થોડી પણ કડકાઇથી કામ લે તો પણ તેની આવી બને. પણ અહીં એ વાત પર ધ્યાન દોરવુ જોઇએ કે આવા શિક્ષકોને વાલીઓનો સાથ નથી એટલા માટે આવું થાય છે. વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ ફક્ત પોતાના બાળકનું ધ્યાન રાખે, સારી વાત છે પણ શું એ ધ્યાન રાખવામાં ઓવર પ્રોટેક્ટિવ થવાની જરુર છે ખરી? બાળકને ખોટા હોવા પર સમજ આપવી, ખોટા કૃત્યના પરિણામને ભોગવવાની હિંમત રાખવાની શિક્ષા કોણ આપશે.

હવે બીજો સવાલ, શું ખરેખર માત્ર શિક્ષણ જ આની પાછળ જવાબદાર છે? કારણ કે પહેલું શિક્ષણ તો બાળકને ઘરમાંથી મળે છે. હા એ સાચું કે બાળકો, તરુણો તેમના ઘડતરમાં શિક્ષકનો રોલ મહત્વનો. પણ સાથે ઘરનું વાતાવરણ પણ એટલું જ જરૂરી છે. આદર્શ, મૂલ્યો, એટલે કે મોરલ એથિક્સ આ બધાનું શું આજના જમાનામાં અસ્તિત્વ છે? આજના સમયનું દુર્ભાગ્ય એ છે કે મોટાભાગે બાળકોને મૂળથી માત્ર સ્પર્ધા કરવા માટે જ તૈયાર કરવામાં આવે છે. આજના બાળકનુ તો બાળપણ જાણે ખોવાઇ ગયુ છે. આવા સમયે સાયકોલોજીકલી એના રીપ્રેસ એક્શન્સ વાયોલન્સમાં પરિણમી શકે. તો એમાં બાળકનો વાંક કે એના પર બનેલા એ પ્રેશરનો વાંક જે એનામાં માનસિક વિકાર ઉભો કરે છે. ?

નિષ્ણાત મનોચિકિત્સકોનુ માનવું છે કે જ્યારે કોઇ બાળક નિર્દયતાથી હત્યા જેવુ કામ કરી નાખે તો એની પાછળ તેની માનસિક અસ્વસ્થતા હોય છે બાકી ઉમરના હિસાબથી હત્યા જેવા ગુનાનુ પ્લાનિંગ કરવુ બાળક કે તરુણ માટે શક્ય નથી. અને આવા કિસ્સામાં બાળકના વ્યવહારથી એ જાણીને તેને સાચા રસ્તે વાળી શકાય. પણ એ જવાબદારી કોની. શિક્ષક માતાપિતા પર ઢોળે અને માતાપિતા શાળા પર. આજની લાઇફસ્ટાઇલમાં માતાપિતા બંને કમાવા પાછળ ઘેલા બની દોડે છે. અને કારણ પૂછો તો એવુ કહેશે કે કમાઇશું તો જ બાળકને સારું જીવન આપી શકીશું સુખસુવિધા યુક્ત. પણ સારુ જીવન શું સુખસુવિધાઓથી જ આવે છે. તમારું બાળક હંમેશા પહેલા નંબરે આવે. દરેક સ્પર્ધામાં જીતે તો જ એનુ જીવન સારુ કહેવાય? સવાલ સમજવા જેવો છે. શું આપણે એવુ માનીએ છીએ કે ગાંધી બાપુ, સરદાર પટેલ, અબ્દુલ કલામ, આઇનસ્ટાઇન આ બધા ભણવામાં પહેલા નંબરે જ હતાં. એક કિસ્સો આના પર બંધબેસતો છે. આઇનસ્ટાઇન જ્યારે બાળક હતા ત્યારે તેમની માતાએ તેમને શાળાએ મોકલ્યાં. પણ શાળાએ આઇનસ્ટાઇનને મંદબુદ્ધિ ગણીને પાછા મોકલી દીધા. સાથે એક ચિઠ્ઠી આપી. એ ચિઢ્ઢી જ્યારે તેમની માતાએ વાંચી તો આંસુ આવી ગયા. નાનકડા આઇનસ્ટાઇને પૂછ્યું કે શું થયું મા. ત્યારે માતાએ કહ્યુ કે બેટા તું એટલો હોંશિયાર છે કે તારા શિક્ષકો તને ભણાવી નથી શકતાં. હવેથી હું જ તને ભણાવીશ. આઇનસ્ટાઇને જ્યારે મોટા થઇને એ ચિઠ્ઠી વાંચી ત્યારે તે પણ ભાવુક થઇ ગયાં. એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આપના બાળકમાં બુદ્ધિક્ષમતા નથી એટલે મહેરબાની કરીને હવેથી તેને શાળાએ મોકલતા નહીં. શિક્ષક જેને મંદબુદ્ધિ બાળક માનતા હતાં એ જ આઇનસ્ટાઇને દુનિયાભરમાં પોતાની થિયરીથી ડંકો વગાડી દીધો. નવા વૈજ્ઞાનિક યુગનો આરંભ કર્યો. શુ આ વાર્તાનો સાર કહેવાની જરુર છે.

મનોવિજ્ઞાનની થીયરી કહે છે કે જો વાલીઓ અને શિક્ષકો સાથે મળીને વ્યવસ્થિત સુમેળ સાથે કામ કરે તો બાળકો ખોટા કામ કરતાં પહેલા સો વાર વિચારશે. એક ધાક હોવી જરુરી છે. એટલે એક ફ્રી પણ જવાબદાર એન્વાયર્મેન્ટ ઉભુ કરવું જરુરી છે, તમારા બાળકને સ્વસ્થ વ્યક્તિ બનાવવા માટે. વાલી તરીકે તમારી નાની ચૂક તમારા બાળકને કેવા સંસ્કાર આપશે, તેનુ કેવું ઘડતર થશે એ તમને પણ નથી ખબર. પણ તેના પર બધુ સર્વશ્રેષ્ઠ કરવાનો ભાર નહીં મૂકતા, એ ભાર એના બાળપણની સાથે એની ખેલદિલી પણ છીનવી શકે છે. સમજો તો રિસ્ક મોટું છે.

છેલ્લે એટલું જ કહેવાનું રહે છે કે તમારુ બાળક વધુ દોડી શકશે જો માબાપ બનીને તમે તેની પીઠ પર સવાર ન થાઓ.