‘મિસ વર્લ્ડ’ સ્પર્ધામાં ભારતે સિક્સર ફટકારી છે. ચીનના સાન્યા શહેરમાં ગયા શનિવારે યોજાઈ ગયેલી ‘મિસ વર્લ્ડ-2017’ સ્પર્ધાની ૬૭મી આવૃત્તિમાં મૂળ હરિયાણાની પણ દિલ્હીમાં રહેતી ‘મિસ ઈન્ડિયા-2017’ માનુષી છિલ્લર આ વર્ષની મિસ વર્લ્ડનો તાજ જીતી ગઈ છે.
૨૦ વર્ષની માનુષીએ જીતેલો આ તાજ ભારતને છેક ૧૭ વર્ષે ફરી મળ્યો છે. છેલ્લે, ૨૦૦૦ની સાલમાં પ્રિયંકા ચોપરાએ તે જીત્યો હતો, જે આજે બોલીવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે.
મેડિકલ વિદ્યાર્થિની માનુષીએ ૧૧૮ દેશોની સુંદરીઓને હરાવીને તાજ હાંસલ કરવામાં સફળતા મેળવી છે.
મેક્સિકોની એન્ડ્રીયા મેઝા બની ફર્સ્ટ રનર-અપ અને બ્રિટનની સ્ટીફેની હિલ બની સેકન્ડ રનર-અપ.
માનુષીને ગયા વર્ષની ‘મિસ વર્લ્ડ’ સ્ટીફેની ડેલ વેલ (પ્યુર્ટો રિકો)એ વિજેતાનો તાજ પહેરાવ્યો હતો.
માનુષીએ આ સ્પર્ધામાં બીજા બે ટાઈટલ પણ જીત્યાં છેઃ ‘હેડ-ટુ-હેડ ચેલેન્જ’ અને ‘બ્યુટી વિથ અ પર્પઝ’.
કોઈ સૌંદર્ય સ્પર્ધામાં યુવતીઓ દ્વારા ભાગ લેવાનો અર્થ માત્ર એ નથી હોતો કે એ સુંદર જ હોવી જોઈએ. આવી સ્પર્ધાઓમાં સુંદરતાની સાથોસાથ સ્પર્ધક યુવતીનાં વિચારો તથા એનાં હાજરજવાબીપણાની પણ કસોટી થાય છે. ઘણા લોકોમાં એવી માન્યતા છે કે બ્યુટી કોન્ટેસ્ટ્સમાં માત્ર એ જ યુવતી વિજેતા બનતી હોય છે જે સૌથી વધારે સુંદર હોય, પરંતુ સત્ય એ છે કે વિજેતા તથા ઉપ-વિજેતાઓની પસંદગી કરવા માટે જે તે યુવતીનાં માનવીય વિચારો સહિત સમગ્ર પર્સનાલિટીને ધ્યાનમાં લેવામાં આવે છે.
વેનેઝુએલાના વિક્રમની બરોબરી કરતું ભારત
પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્યુટી કોન્ટેસ્ટ્સમાં ભારતની સુંદરીઓએ દેશને ઘણી નામના અપાવી છે. ‘મિસ વર્લ્ડ’ સ્પર્ધામાં તો ભારતે છ-છ તાજ જીત્યાં છે તો ‘મિસ યુનિવર્સ’ સ્પર્ધામાં ભારત બે વાર વિજેતા થયું છે. ‘મિસ વર્લ્ડ’ સ્પર્ધામાં તો ભારતે છ તાજ જીતીને વેનેઝુએલાના વિક્રમની બરોબરી કરી છે. બ્રિટને આ તાજ પાંચ વાર જીત્યો છે તો દક્ષિણ આફ્રિકા, અમેરિકા, આઈસલેન્ડ, જમૈકા અને સ્વીડનની સુંદરીઓ ત્રણ-ત્રણ વાર વિજયી થઈ છે.
આમ, ૧૭ વર્ષ પછી ‘મિસ વર્લ્ડ’ ટાઈટલ જીતવામાં ભારત માટે દુકાળનો અંત આવી ગયો છે.
ભારતની ૯ વર્લ્ડ બ્યુટી ટાઈટલ વિજેતા સુંદરીઓ ભારતને ‘મિસ વર્લ્ડ’નો તાજ અપાવનાર સુંદરીઓ છેઃ રીટા ફારિયા (1966), ઐશ્વર્યા રાય (1994), ડાયના હેડન (1997), યુક્તા મુખી (1999), પ્રિયંકા ચોપરા (2000) અને માનુષી છિલ્લર (2017). ભારતને ‘મિસ યુનિવર્સ’નું વિજેતાપદ અપાવનાર બે સુંદરી આ છેઃ સુસ્મિતા સેન (1994) અને લારા દત્તા (2000). આમ, ૧૯૯૪ અને ૨૦૦૦નાં વર્ષ ભારત માટે યાદગાર એટલા માટે બન્યાં છે કે એ વર્ષમાં ભારતની સુંદરીઓએ પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધા જીતી હતી. ૧૯૯૪માં સુસ્મિતા સેને ‘મિસ યુનિવર્સ’ સ્પર્ધા જીતી હતી તો ઐશ્વર્યાએ ‘મિસ વર્લ્ડ’. ૨૦૦૦ની સાલમાં તો ભારતે બે નહીં, પણ ત્રણ ટાઈટલ જીત્યાં હતાં. એ વર્ષમાં પ્રિયંકા અને લારા દત્તા ઉપરાંત દિયા મિર્ઝાએ મિસ એશિયા પેસિફિક તાજ જીત્યો હતો. આ ત્રણેય સુંદરી બોલીવૂડમાં અભિનેત્રી બની છે. રીટા ફારિયા આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધાઓમાં ભારતની શાનદાર જીતનો સિલસિલો શરૂ થયો હતો રીટા ફારિયાથી. મુંબઈમાં જન્મેલી રીટાએ ૧૯૬૬માં રીટા એ તાજ જીતી હતી ત્યારે એ પહેલી ભારતીય હતી એટલું જ નહીં, પણ પહેલી એશિયન યુવતી હતી. હાલ ૭૪ વર્ષની થયેલી રીટાએ ૧૯૭૧માં ડેવિડ પોવેલ સાથે લગ્ન કર્યા હતા. એ હાલ આયરલેન્ડના ડબલીનમાં રહે છે. ૧૯૬૬માં મિસ વર્લ્ડ બન્યાં બાદ રીટાએ ઘણી બ્યુટી સ્પર્ધાઓમાં જજ તરીકેની ભૂમિકા પણ નિભાવી હતી. ઐશ્વર્યા રાય બોલીવૂડની ક્વીન તરીકે પંકાયેલી ઐશ્વર્યા 1944માં મિસ ઈન્ડિયા બ્યુટી કોન્ટેસ્ટમાં રનર-અપ હતી. એને તે જ વર્ષમાં મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો મળ્યો હતો અને તે વિજેતા બની હતી. ત્યારે તે ૨૧ વર્ષની હતી અને આર્કિટેક્ચર વિદ્યાર્થિની હતી. મિસ વર્લ્ડ બન્યાં બાદ ઐશ્વર્યાએ ફિલ્મ લાઈનમાં ઝંપલાવ્યું હતું અને અમુક જ વર્ષમાં એ બોલીવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક બની ગઈ હતી. હાલ તે બચ્ચન પરિવારની વહુ છે. અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યાં બાદ દંપતીને એક પુત્રી છે – આરાધ્યા. ડાયના હેડન રીટા ફારિયા અને ઐશ્વર્યા બાદ મિસ વર્લ્ડ તાજ જીતનાર ડાયના ત્રીજી ભારતીય બની હતી. 1997માં એણે ફેમિના મિસ ઈન્ડિયા ટાઈટલ જીત્યું હતું અને એને પગલે એ જ વર્ષમાં મિસ વર્લ્ડ બની હતી. એણે પણ બોલીવૂડમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું, પણ એમાં એને સફળતા મળી નહોતી. યુક્તા મુખી 1999માં યુક્તાએ મિસ વર્લ્ડ ટાઈટલ જીત્યું હતું ત્યારે એ 22 વર્ષની હતી. પોતાની પુરોગામી ભારતીય મિસ વર્લ્ડ વિજેતાઓની જેમ યુક્તાએ પણ બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી, પણ એની કારકિર્દી ટૂંકી નિવડી હતી. એનાં અભિનયવાળી ફિલ્મોને બોક્સ ઓફિસ પર સફળતા મળી નહોતી. પ્રિયંકા ચોપરા 2000ની સાલમાં પ્રિયંકા ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં બીજા ક્રમે આવી હતી, પણ એ જ વર્ષમાં યોજાયેલી મિસ વર્લ્ડ સ્પર્ધામાં એ નંબર-વન બની હતી. બોલીવૂડમાં એની એન્ટ્રી શરૂઆતમાં હાલક-ડોલક રહી હતી, પણ બાદમાં સખત મહેનત અને દ્રઢનિર્ધાર સાથે કરેલા અભિનયવાળી એની કેટલીક ફિલ્મો હિટ થતાં એ સફળતાની સીડી પર ઝડપભેર આગળ વધી. આજે તે બોલીવૂડમાં સફળ અભિનેત્રીઓમાંની એક છે. એણે હોલીવૂડમાં પણ નસીબ અજમાવ્યું છે અને એમાંય એણે ખાસ્સી એવી સફળતા મેળવી છે. 1997માં ડાયના હેડને મિસ વર્લ્ડ અને લારા દત્તાએ મિસ યુનિવર્સ ખિતાબો જીત્યાં હતાં ત્યારે એ જ વર્ષમાં હરિયાણાના નિમ્મત ગામમાં ડોક્ટર દંપનીનાં પરિવારમાં માનુષીનો જન્મ થયો હતો. માનુષીએ ચીનના સાન્યામાં યોજાઈ ગયેલી મિસ વર્લ્ડ-2017 સ્પર્ધામાં 118 દેશોની સુંદરીઓને પરાજય આપીને વિજેતા તાજ હાંસલ કર્યો હતો. ત્રણ ભાઈ-બહેનોમાં એ સૌથી નાની છે. મેડિકલ વિદ્યાર્થિની માનુષીને બોલીવૂડમાં કારકિર્દી નથી બનાવવી, પણ એને કાર્ડિયાક સર્જન થવું છે. એને દેશનાં ગ્રામિણ વિસ્તારોમાં નોન-પ્રોફિટ હોસ્પિટલ શરૂ કરવી છે. શાસ્ત્રીય નૃત્યાંગના માનુષી સ્કૂબા ડાઈવિંગ, સ્નોરકેલિંગ અને બંજી જમ્પિંગનો પણ શોખ ધરાવે છે. |
ભારતની મિસ યુનિવર્સ વિજેતાઓ…
1994માં મિસ યુનિવર્સ ખિતાબ જીતનાર સુસ્મિતા પહેલી ભારતીય મહિલા હતી. એ ત્યારબાદ બોલીવૂડમાં કારકિર્દી બનાવવા આગળ વધી હતી. સુસ્મિતાએ પોતાની ઓળખ એક સ્પષ્ટવક્તા તરીકેની સ્થાપિત કરી છે.
લારા દત્તા
1997માં મિસ ઈન્ટરકોન્ટિનેન્ટલ તાજ જીતનાર અને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની રહેવાસી લારાએ 2000માં મિસ યુનિવર્સ ટાઈટલ જીતીને બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. 2003માં અંદાઝ ફિલ્મમાં એણે કરેલી ભૂમિકા બદલ એને ફિલ્મફેર બેસ્ટ ફીમેલ ડેબ્યૂ એવોર્ડ આપવામાં આવ્યો હતો. બોલીવૂડમાં એની કારકિર્દી મહદ્દઅંશે સફળ રહી છે. એ ભૂતપૂર્વ ટેનિસ ચેમ્પિયન મહેશ ભૂપતિને પરણી છે અને દંપતીને એક પુત્રી છે.
અન્ય ઈન્ટરનેશનલ ટાઈટલ્સ જીતનાર ભારતીય સુંદરીઓ ઝીનત અમાન મિસ ઈન્ડિયા સ્પર્ધામાં સેકન્ડ રનર-અપ હતી. 1970માં એણે મિસ એશિયા પેસિફિક વિજેતાપદ હાંસલ કર્યું હતું. તારા એન ફોન્સેકા 1973માં મિસ એશિયા પેસિફિકનો તાજ જીત્યો હતો. દિયા મિર્ઝા 2000માં મિસ એશિયા પેસિફિક ટાઈટલ જીત્યું હતું. દિયાએ પણ બોલીવૂડમાં ઝૂકાવ્યું હતું. અભિનેત્રી બન્યાં બાદ હવે એણે ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. નિકોલ ફારિયા મિસ અર્થ ટાઈટલ જીતનાર નિકોલ ફારિયા પહેલી ભારતીય સુંદરી બની હતી. બેંગલોરનિવાસી મોડેલ નિકોલે 2010માં આ તાજ જીત્યો હતો. |
બ્યુટી કોન્ટેસ્ટ્સ સ્પર્ધાઓ અને એમાં ભારતની સફળતાની રસપ્રદ વાતો…
- મિસ વર્લ્ડ સ્પર્ધા સૌથી જૂની છે. 1951માં એરિક મોર્લીએ આ સ્પર્ધા શરૂ કરાવી હતી. એમણે જ ત્યારે ‘કમ ડાન્સિંગ’ શો દ્વારા ટેલિવિઝન દર્શકો સમક્ષ બોલરૂમ ડાન્સિંગ પ્રસ્તુત કર્યું હતું.
- પહેલી મિસ વર્લ્ડ સ્પર્ધા શરૂઆતમાં તો ફેસ્ટિવલ બિકીની કોન્ટેસ્ટ તરીકે હતી, પણ મિડિયાના પ્રચારે એને મિસ વર્લ્ડ નામ અપાવ્યું હતું.
- રીટા ફારિયાએ ભારતને પહેલું મિસ વર્લ્ડ ટાઈટલ અપાવ્યું એના ૨૮ વર્ષ પછી ભારતને આ તાજ ઐશ્વર્યા રાય દ્વારા પ્રાપ્ત થયો હતો.
- રીટા ફારિયા એકમાત્ર એવી મિસ વર્લ્ડ વિજેતા છે જેણે બોલીવૂડમાં એન્ટ્રી કરીને અભિનેત્રી બનવાને બદલે ડોક્ટર બનવાનું પસંદ કર્યું હતું.
- ડાયના હેડને મિસ વર્લ્ડ ટાઈટલ સહિત કુલ ત્રણ ઈનામ જીત્યાં હતાં – મિસ ફોટોજેનિક અને મિસ બીચ-વેર/સ્વિમસૂટ.
- ભારતની અન્ય તમામ બ્યુટી કોન્ટેસ્ટ્સ વિજેતાઓ કરતાં પ્રિયંકા તેનાં ચેરિટી કાર્યો માટે વધારે સમ્માનિત થઈ છે. એને અમેરિકામાં નેશનલ ઓપસ ઓનર કોયર એવોર્ડ આપવામાં આવ્યો છે.(અહેવાલઃ મનોજ મોતીવાલા)
(માનુષી છિલ્લર મિસ વર્લ્ડ પસંદ કરાઈ એ પ્રસંગનો વિડિયો)
httpss://www.youtube.com/watch?v=lq_TnBy7EWk