એક જ ગીતમાં જ્યારે ઊમટ્યું હતું આખું બોલીવૂડ…!!

બોલીવૂડ એટલે મસાલેદાર, મનોરંજક સમાચારો અને ગોસિપ્સથી ભરપૂર હિન્દી ફિલ્મ જગત. એમાં કંઈ ને કંઈ અવનવું બન્યા જ કરે. બોલીવૂડની અમુક નોખી-અનોખી વાતો અહીં પ્રસિદ્ધ કરીએ છીએ. નવા સમાચારોની સાથોસાથ ‘ચિત્રલેખા’ ગ્રુપના એક સમયના લોકપ્રિય ફિલ્મ મેગેઝિન  ‘જી’માં પ્રસિદ્ધ  માહિતી પણ વાંચીએ… તો ‘જી’નો ખજાનો ખુલે છે… વાંચો ‘નસીબ’ ફિલ્મના એ ફેમસ ગીતના ફિલ્માંકનની વાત… અને સાથોસાથ ૨૦૦૭માં આવેલી ઓમ શાંતિ ઓમ ફિલ્મના ટાઈટલ સોન્ગની પણ જાણકારી…

બોલીવૂડની કોઈ ફિલ્મના કોઈ એક ગીતમાં બોલીવૂડના અનેક કલાકારોએ માત્ર ઝલક બતાવી હોય એવા આજ સુધી માત્ર બે જ ગીત જોવા મળ્યા છે. એક, મનમોહન દેસાઈ દિગ્દર્શિત નસીબ ફિલ્મમાં ‘જોન જાની જનાર્દન’ ગીત અને બીજું, ફરાહ ખાન દિગ્દર્શિત ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં ‘દીવાનગી દીવાનગી (અથવા ટાઈટલ સોન્ગ)’.

આ બંને ગીતમાં ફિલ્મના દિગ્દર્શકોએ ફિલ્મી હસ્તીઓ પર એમની વગનો ઉપયોગ કરીને એમને નોતર્યાં હતાં અને બંને ગીત દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યાં છે. નસીબના ગીતમાં અમિતાભ બચ્ચન કેન્દ્રમાં રહ્યા હતા તો ઓમ શાંતિ ઓમમાં શાહરૂખ ખાન. બંને ગીતમાં, દિગ્દર્શકો એવા કલાકારોને ભેગાં કરવામાં સફળ થયા હતા જેઓ રીયલ લાઈફમાં એકબીજાનાં કટ્ટર હરીફ હતા. જેમ કે, રાજેશ ખન્નાએ નસીબ ગીતમાં ઉપસ્થિત રહીને અમિતાભને બિરદાવ્યા હતા, તો ઓમ શાંતિ ઓમ ગીતમાં સલમાન ખાને હાજર રહીને શાહરૂખને સપોર્ટ કર્યો હતો.

‘દીવાનગી દીવાનગી’ ગીતમાં, ફરાહ ખાને શાહરૂખ ઉપરાંત બોલીવૂડના બીજા ૨૯ નામાંકિત કલાકારોને રજૂ કર્યાં હતાં. એમાં રેખા, જિતેન્દ્ર, ધર્મેન્દ્ર, સલમાન ખાન, શિલ્પા શેટ્ટી, પ્રીતિ ઝીન્ટા, કાજોલ, મિથુન ચક્રવર્તિ વગેરેનો સમાવેશ થાય છે. ફરાહ ખાનને એ ગીતને પરફેક્ટ રીતે શૂટ કરવા માટે સાત દિવસ લાગ્યા હતા.

(‘ચિત્રલેખા’ ગ્રુપના ‘જી’ ફિલ્મ સામયિકના દીપોત્સવી-૨૦૦૮ના અંકમાં પ્રસિદ્ધ ‘નસીબ’ ગીત વિશેનો લેખ)

વાત છે ‘નસીબ’ ફિલ્મની. ૧૯૭૭ની ‘અમર અકબર એન્થની’ની કાસ્ટ સાથે મનમોહન દેસાઈ ફિલ્મ બનાવવા માગતા હતા. પણ વિનોદ ખન્ના રજનીશમય થયા હતા ને એમની જગ્યા લીધી શત્રુઘ્ન સિંહાએ. ૧૯૮૧માં આવેલી ‘નસીબ’ સુપર હિટ હતી. ૧૯૭૭માં ‘અમર અકબર એન્થની’ ઉપરાંત ‘પરવરિશ’, ‘ચાચા ભતીજા’ અને ‘ધરમ વીર’ પણ સફળ ફિલ્મો હતી દેસાઈની. ‘ધરમ વીર’ની ગોલ્ડન જ્યુબલી પાર્ટી બેકડ્રોપ બની છે ‘નસીબ’ના મસ્ત ગીત ‘જોન જાની જનાર્દન’માં. ગીતકાર આનંદ બક્ષી, ગાયક મોહમ્મદ રફી અને સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલનું.

૧૯૬૦માં રાજ કપૂરવાળી ‘છલિયા’થી ડિરેક્ટર બન્યા હતા દેસાઈ. ‘જોન જાની…’ ગીતમાં એમની ઈચ્છા રાજસા’બના પરિવાર સાથે જ પોતાની પાછલી ફિલ્મોના કલાકારોને એકસાથે પડદે લાવવાની. છ મિનિટ ચોંત્રીસ સેકન્ડના ‘નસીબ’ના આ ગીતમાં એમણે અકલ્પનીય વાત ખરી પાડી બતાવી. ગીતમાં પહેલા અંતરામાં તો મનમોહન સ્ટાઈલની હિટ ફોર્મ્યુલાવાળી ટચી પંક્તિઓ છે… ‘યે તીનો નામ હૈ મેરે, અલ્લા જિસસ રામ હૈ મેરે’.

ગીતની અઢી મિનિટ પતતા પહેલાં પાંચ-દસ સેકન્ડ હોય ત્યાં સ્ટાર્સ આવવા માંડે છે. રણધીર કપૂર, રાકેશ રોશન, ધર્મેન્દ્ર, શમ્મી કપૂર, બિંદુ, સીમી ગરેવાલ, માલા સિંહા, વિજય અરોરા, વહીદા રહેમાન, શર્મિલા ટાગોર, રાજેશ ખન્ના, સિમ્પલ કાપડિયા અને રાજ કપૂર પણ…

મસાલો જ નહીં, મેજિકલ મોમેન્ટ્સ વિચારવામાં પણ ગજબ હતા મનમોહન દેસાઈ. વળી, રફીના કંઠે ગવાતા આ ગીતના દરેક અંતરામાં, દરેક વાત પણ હૃદયસ્પર્શી, ગાયકી મધુરી અને સંગીત કર્ણપ્રિય. શાહરુખ-ફરાહે ‘ઓમ શાંતિ ઓમ’માં દેસાઈના આ ઓરિજિનલ જાદુને સરસ રીતે, સાંપ્રત કલાકારો સાથે રિપીટ કર્યો. પણ ઓરિજિનલ

એ ઓરિજિનલ. એટલે જ નસીબનું એ ગીત સ્ટાર્સના ઓવરડોઝના પહેલવહેલા સુખદ આશ્ચર્ય માટે ભુલાશે નહીં. દે ધનાધન!

(‘જી’ દીપોત્સવી-૨૦૦૮ અંકમાં પ્રસિદ્ધ લેખની પીડીએફ આવૃત્તિ આ સાથે જોડેલી છે. નીચેની લિન્ક પર ક્લિક કરો…)

https://amitabhnaseebsong.pdf

(જુઓ જોન જાની જનાર્દન ગીત…)

(બીબીસી એશિયન નેટવર્ક સાથેની મુલાકાત વખતે અમિતાભે ‘નસીબ’વાળા ગીતના ડાન્સની એક ઝલક બતાવી…)

httpss://www.youtube.com/watch?v=VGZsxywDkf0

httpss://www.youtube.com/watch?v=JSHVcHIg4Hc

(‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મનું ‘દીવાનગી દીવાનગી’ ગીત જુઓ…)

httpss://www.youtube.com/watch?v=HUHAb9zqYcE