ગૂગલ વેઈટ ટાઈમ્સ ફીચરથી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં

કલાક-કલાક સુધી નંબર આવવાની રાહ જોવાથી લંચ અને ડિનરની મજા કેવી મરી જાય એ ઘણા લોકો બરાબર જાણે છે. નસીબજોગે ગૂગલ પણ એ સમજે છે. એટલા માટે જ ટેક્નોલોજી ક્ષેત્રની આ અગ્રગણ્ય કંપનીએ તેના યૂઝર્સને ભૂખથી તડપતા રહેવું ન પડે કે એમનો કિંમતી સમય બરબાદ ન થાય એટલા માટે એક નવું ફીચર રજૂ કર્યું છે. આનું નામ પણ એણે ઉચિત જ રાખ્યું છે – ‘વેઈટ ટાઈમ્સ’. આ ફીચરનો ઉપયોગ કરવાથી યૂઝર જાણી શકે છે કે ચોક્કસ રેસ્ટોરન્ટમાં એને પોતાનું ભોજન, ડ્રિન્ક કે અન્ય ફેવરિટ ફૂડ પીરસાય એ માટે કેટલો સમય સુધી રાહ જોવી પડશે.

ગૂગલ સર્ચ એન્જિને સર્ચમાં નવું ફીચર ઉમેર્યું છે. પોપ્યૂલર રેસ્ટોરન્ટ્સમાં તમને લાઈનમાં ઊભા રહેવામાંથી બચવામાં મદદરૂપ થવા ગૂગલે આ નવું ફીચર શરૂ કર્યું છે. લોકો ગૂગલ સર્ચ અને મેપ્સ પરથી દુનિયાભરની લાખો રેસ્ટોરન્ટ્સ માટેનો એવરેજ વેઈટ ટાઈમ જોઈ-જાણી શકસે. ગૂગલ સર્ચ હવે સમયનો અંદાજ આપશે કે સંબંધિત રેસ્ટોરન્ટમાં તમારે કેટલો સમય સુધી રાહ જોવી પડશે. આમ, જે લોકો ચોક્કસ રેસ્ટોરન્ટમાં જમવા જવાનો નિર્ણય લે એ પહેલાં એમની પાસે સમય અંગેની માહિતી પણ મળી રહેશે.

દુનિયાભરની આશરે ૧૦ લાખ જેટલી રેસ્ટોરન્ટ્સ માટે ગૂગલનું વેઈટ ટાઈમ્સ ફીચર લાગુ છે. આમાં યૂઝર્સે ગૂગલ પર રેસ્ટોરન્ટ માટે સર્ચ કરવાનું હોય છે, બિઝનેસ લિસ્ટિંગ ઓપન કરી સ્ક્રોલ ડાઉન કરી પોપ્યૂલર ટાઈમ્સ સેક્શનમાં જવાનું હોય છે.

આ ફીચર હવે ભારતમાં પણ ઉપલબ્ધ છે.

યૂઝર્સ ટોળાને ટાળવા વધુ સારી રીતે પ્લાન કરી શકશે. રેસ્ટોરન્ટ વેઈટ ટાઈમ્સ હાલ ગૂગલ સર્ચ પર ઉપલબ્ધ છે. આ ફીચર ટૂંક સમયમાં ગૂગલ મેપ્સ ઉપર પણ ઉપલબ્ધ કરાશે.

ગૂગલે આપેલી જાણકારી મુજબ, યૂઝર રેસ્ટોરન્ટના નામ પર ટેપ કરીને જાણી શકશે કે એણે પોતાનો નંબર આવે એ માટે કેટલો સમય સુધી રાહ જોવી પડશે.

આમ, યૂઝર્સ સમયની અનુકૂળતા મુજબ પોતાનો પ્લાન કરી શકશે.

રેસ્ટોરન્ટ કેટલી બિઝી છે એ પણ જાણી શકાય છે

ગૂગલ રેસ્ટોરન્ટ માટેના તેના પોપ્યૂલર ટાઈમ્સ વિભાગમાં એક નાનકડી વિન્ડોમાં લાઈવ વેઈટ ટાઈમ્સ અને બિઝઈ ડેટા પણ બતાવશે.

કોઈ ચોક્કસ રેસ્ટોરન્ટમાં રીયલ-ટાઈમ રીતે, અંદાજિત કેટલો વેઈટ-ટાઈમ છે એની જાણકારી ઉપરાંત ગૂગલનું આ લેટેસ્ટ ટૂલ લોકોને એ પણ દર્શાવશે કે સીટ મળતાં કેટલી વાર રાહ જોવી પડશે.

ટેક્નોલોજીની દુનિયાના બાદશાહ ગૂગલે આ પહેલાં તેનાં યૂઝર્સ માટે એક સરસ સુવિધા પેશ કરી ચૂક્યું છે. એમાં લોકો ગૂગલ સર્ચ એપ પરથી લંચ અને ડિનરનો ઓર્ડર આપી શકે છે. એટલું જ નહીં, પોતાના ઘરમાંથી જ પસંદગીની રેસ્ટોરન્ટમાં ટેબલ પણ બુક કરાવી શકે છે. યૂઝર પોતાના ફોન પરથી નજીકની રેસ્ટોરન્ટ સર્ચ કરે ત્યારે એમને રીઝલ્ટ્સની સાથે ઓર્ડર આપવાનો વિકલ્પ પણ જોવા મળે છે. એની પર ક્લિક કરીને ઓર્ડર બુક કરાવી શકાય છે. ગૂગલ પોતે યૂઝર્સને સંબંધિત વેબસાઈટ સુધી પહોંચાડે છે.

સંબંધિત રેસ્ટોરન્ટમાં ટેબલ બુક કરાવવાની સુવિધા પણ સર્ચ પેજ પર જ હોય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]