ઘરની જ્યારે સાજસજાવટ કરીએ ત્યારે આપણે કેટલીય વસ્તુઓનુ ધ્યાન રાખીએ છીએ, સોફા, પલંગથી લઇને પડદા સુધી, શો કેસથી લઇને સેલ્ફ સુધી. પૂજાઘરનું સ્થાન, લિવિંગ રૂમની સ્પેશ બધું જ. પણ આ બધા સાથે જો ઘરમાં એક લાયબ્રેરી હોય અને તેમાં હોય કેટલીક સિલેક્ટીવ બુકસ તો સોને પે સુહાગા થઇ જાય. કારણ કે લાયબ્રેરીના એક સેલ્ફમાં જેટલી બૂક્સ રહે એટલા જ શોટકર્ટ તમને મળે ઘરમાં રહીને બહારની, દૂરની દુનિયામાં ઝાંખવાના. કહેવાય છે ને કે A book is a magic portal to another dimension. એટલે કે પુસ્તક એ બીજી દુનિયાનું દ્વાર છે.
કહેવત છે કે એક પુસ્તક સો મિત્રોની ગરજ સારે છે. પુસ્તક દીવાદાંડીની ગરજ સારે છે. અલગઅલગ જેનરના પુસ્તકો જે વાચકની જિજ્ઞાશાને સંતોષે છે. આજના સમયમાં જીવન શૈલી એટલી ફાસ્ટ છે અને આ ગતિમાં કદાચ આપણે પહેલાંની જેમ જોઇન્ટ ફેમિલી સાથે મજેદાર મનોરંજનની પળ નથી માણી શકતા. પણ મનોરંજન જોઇએ તો ખરુ જ ને. તો આ મનોરંજન મેળવવાનુ એક સાધન પુસ્તક બની શકે. કોઇએ કહ્યુ છે કે પુસ્તક મિત્ર છે, આપણા એકાંતનું. પુસ્તક વડીલ છે, સંસ્કારનું. પુસ્તક ભવિષ્ય છે આપણાં બાળકનું. જો જો ભરમાતાં નહીં, ભારે ભરખમ શબ્દ સમજીને અટવાતાં નહીં. કારણ કે આ ભારે ભરખમ શબ્દો પાછળ પુસ્તકની સાર્થકતા તો ખૂબ સરળ છે. જો આપણે દરરોજ થોડું વાંચીએ તો શુ થાય. ક્યારેય એવુ વિચાર્યુ છે. નહીં વિચાર્યુ હોય તો વિચારો. પુસ્તકના એક પાના પર લખાયેલા શબ્દો, તેના પર આકાર લેતી વાર્તા, લેખ આ બધામાં રહેલી સમજ તમને વાંચતા મળી જાય. જરુરી નથી કે આપણે કોઇ ભારે ભરખમ પુસ્તક જ વાંચવી પડે એ માટે.
બાળક હતા ત્યારે ચંપક, ચંદામામા જેવી હળવી બુક્સ વાંચવામાં કેવી મજા આવતી હતી. અને વેકેશનમાં સફારી જેવી ગમ્મત સાથે જ્ઞાન વર્ધક સામાયિક આપણો સહારો બની જતી. વિચારશો તો ખ્યાલ આવશે કે આજે પણ આપણી આ ફાસ્ટ ગતિએ ચાલતી લાઇફમાં થોડો સમય ધીમા પડી અલગ દુનિયામાં જવા માટે પુસ્તકો જ દ્વાર બને છે. અમદાવાદ, કે અમરેલી માં બેઠા બેઠા ભારતભરમાં કોઇ પણ સ્થાને જવા માટે જાદૂની છડી તો નથી આપણી પાસે. પણ હા એ માટે પુસ્તક ચાલે. આપણા ઘરના એક ખૂણામાંથી ભારત શું વેનિસની ગલિઓમાં જઇને નૌકા વિહાર કરવો હોય તો પણ પુસ્તક જ તો છે સાધન. હા, પણ પુસ્તકના સાધન પર તમારી પસંદ વધુ મહત્વની છે. તમને શુ ગમે એ રસના વિષય વાંચીએ તો ફેર પડે.
પુસ્તક હોય તો ક્યારેક તો વંચાય જ. એ ભાવના સાથે ઘરમાં એક લાયબ્રેરી બનાવશો તો તમારી સાથે આવનારી પેઢીને પણ કદાચ એનો લાભ મળી જાય. આજે ઘરમાં બાળકો માત્ર મોબાઇલ કમ્પ્યુટર અને ટીવીના બોક્સમાં કેદ થઇ ગયા છે. જો કે એ પણ બાહરની દુનિયા સાથે જોડતી એક કડી છે. પણ પુસ્તકનુ મહત્વ તેનાથી ઓછુ નથી થતુ. જેટલુ પુસ્તક તરફ વળશો એટલુ પોતાના અંતરને દુનિયા સાથે જોડી શકશો. પુસ્તક સ્ત્રોત છે ઉત્સાહનું , નવઊર્જાનુ. મોનોટોનસ જીંદગીથી કંટાળ્યા હોઇએ ત્યારે પુસ્તકનો સથવારો એક્સાઇટમેન્ટ આપી શકે. અને સાથે જ મળે આનંદ એ પળ જીવવાનો જે રિયલમાં તો નહીં પણ કલ્પનામાં આપણે જીવ્યા હોઇએ. પુસ્તકમાં રહેલી વાતોથી એ કથામાં જીવવાનો અવસર મળે છે. જ્યાં આપણે આપણી અલગ દુનિયાના રાજા હોઇએ છીએ. આ તો થઇ કલ્પના અને આનંદની વાતો. પણ પુસ્તક બુદ્ધીજીવીઓનો ખોરાક પણ કહેવાય છે. કારણ કે આ પુસ્તકો તમને સામાજિક જાગૃતતા પણ આપી શકે છે, અને ઇતિહાસનો પરિચય પણ. દુનિયાની ભૂગોળ પણ સમજાવી શકે છે. અને વિજ્ઞાનનુ વિશેષ જ્ઞાન પણ આપી શકે છે. તો માનો છોને કે લાયબ્રેરી કમાલનો દરવાજો છે ઘરની અંદરથી અકલ્પનીય આયામોને જોડતો.
તમારા ઘરમાં પણ જો લાયબ્રેરી હશે તો આવા અસંખ્ય આયામોના દ્વાર ખુલી જશે. આવા જ આયામોના સફરથી ભવિષ્યના આઇનસ્ટાઇન, પ્રેમચંદ કે અબ્દુલ કલામનુ નિર્માણ થાય છે. તો વર્તમાન અને ભવિષ્યના એક્સાઇટમેન્ટને સરનામુ આપો, તમે પણ તમારા ઘરમાં એક ખૂણો કલ્પનાની દુનિયાનો બનાવો.