બોલિવૂડની ફિલ્મોના જાણીતા પીઢ અભિનેતા, કોમેડીયન જગદીપ ઉર્ફે સૈયદ ઈશ્તિયાક જાફરીનું 8મી જુલાઇએ ૮૧ વર્ષની વયે તેમના નિવાસસ્થાને નિધન થયું.
જગદીપના પુત્ર જાવેદ જાફરી, જે પોતે પણ બોલીવુડ તેમજ ટેલિવિઝનના જાણીતા અભિનેતા છે. તેમણે પોતાના પિતાને યાદ કરીને બહુ જ ભાવપૂર્ણ નોટ લખીને ટ્વીટર પર શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે, ‘એ વ્યક્તિ જેને હું ‘પાપા’ કહેતો હતો અને લોકો એમને એમના વિવિધ અવતારોથી ઓળખતાં હતાં! સલામ! તમારું નામ ‘સૂરમા ભોપાલી’ કંઈ એમ જ ન હતું!’
અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની ફિલ્મ ‘શોલે’માં જગદીપ તેમણે ભજવેલાં સૂરમા ભોપાલીના પાત્રથી લોકોમાં ખૂબ જાણીતા થયા હતા. જોની વોકર અને મહેમૂદના સમયમાં જગદીપે ફિલ્મોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. તેમજ દિગ્ગજ અભિનેતા તથા દિગ્દર્શકો જેવાં કે, ગુરુદત્ત, બી આર ચોપરા, અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, અમરિશ પુરી જેવાં અનેક લોકોનો સ્નેહ અને આદર મેળવ્યાં હતા.
જગદીપના નિધન બદલ અનેક લોકોએ દુઃખ વ્યક્ત કર્યું. જાવેદે દરેકનો આભાર માનીને નોટની શરૂઆત કરી છે. તેણે લખ્યું, ‘હું તમામ લોકોનો હૃદય પૂર્વક આભાર માનું છું. જેમણે મારા પિતાના નિધનથી વ્યથિત થઈને પ્રેમ અને દિલસોજી વ્યક્ત કર્યા અને અમારા દુઃખમાં સહભાગી થયા. આટલો બધો પ્રેમ, આટલું બધું માન, આટલી બધી પ્રાર્થનાઓ! આજ તો છે મારા પિતાની ૭૦ વર્ષોની અસલી કમાણી!’
કઈ રીતે એના પિતાએ ગરીબીનો સામનો કરતાં કરતાં એક બાળ કલાકાર તરીકે પોતાની ફિલ્મી સફર શરૂ કરી અને બોલિવૂડના એક આઇકોનિક સ્ટાર કલાકાર તરીકે સ્થાપિત થયા! એ બાબતે જાવેદે લખ્યું છે, ‘૧૦ થી ૮૧ વર્ષ સુધી પ્રત્યેક શ્વાસે તેઓ ફિલ્મોને જ જીવતાં રહ્યાં છે! તેમણે માત્ર સાત વર્ષની વયે જ પોતાના પિતાને ગુમાવ્યા, ૧૯૪૭માં ભાગલાની વેદના જોઈ. ગરીબીનો સામનો કરતાં કરતાં મુંબઈની ફુટપાથો પર જીવ્યા છે. માત્ર આઠ વર્ષની વયથી તેમણે નાનાં નાનાં કારખાનાઓમાં પતંગ બનાવવાથી માંડીને સાબુ વેચવા જવાનું કામ કર્યું છે. તો માલિશવાળાની પાછળ તેના તેલનો ડબ્બો ઉંચકીને ‘માલિશ, તેલ માલિશ’ની બૂમો પણ પાડી છે. પરંતુ વિધાતાએ 10મા વર્ષે તેમના માટે કંઈક જુદી જ લેખની કરી હતી. તેમને જે માર્ગ મળ્યો હતો, તે માર્ગના છેવાડે જે પ્રકાશ હતો તે ભારતીય સિનેમાનો હતો!
જાવેદ લખે છે, ‘એમની યાત્રા શરૂ થઈ બી. આર. ચોપરા સાહેબની પહેલી ફિલ્મ ‘અફસાના’થી (આ ફિલ્મ 1949માં બની ગઈ હતી, પણ રિલીઝ 1951માં થઈ ) એક નાનકડા પગલાંથી આખા સફરની શરૂઆત થઈ ગઈ. જાવેદ જણાવે છે કે, તેણે પોતાના પિતાને એક કુદરતી બાળ કલાકારથી માંડીને એક જવાબદાર હાસ્ય અભિનેતા તરીકે જોયાં છે. જેમણે પોતાની કળા, કોમિક ટાઇમિંગ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા.’
જાવેદને જગદીપે એક પિતા તરીકે જે મહત્વની વાતો શીખવાડી તે વિશે તે લખે છે, ‘મારા પિતાએ મને અસંખ્ય પ્રેરણાત્મક, પોઝિટિવ વાર્તાઓ થકી જિંદગીના પાઠ ભણાવ્યા. જેમ કે, જીવનનું મૂલ્ય, ગરીબીના પાઠ, ત્યાગનો મહિમા, કળાની કુશળતા. તેઓ હંમેશા હસતાં રહેતા અને દરેકને પ્રેરણાત્મક શબ્દો બોલીને પ્રોત્સાહન આપતા. તેમણે મને સફળતાનું અનુમાન લગાવતા શીખવ્યું હતું કે, માણસની સફળતા એ છે કે, એ ‘કોણ’ છે, નહીં કે, એની પાસે શું છે? અને તમને કોણ ઓળખે છે, તેના કરતાં કોઈ તમારા વિશે કેટલું જાણે છે એ મહત્વનું છે.’
જાવેદ પોસ્ટને અંતે લખે છે, ‘હું તમારે માટે, મારા પિતાની ખાસ અને અગત્યની પસંદગીની બે લાઈનો અહીં ટાંકું છું. જે એમની માતાએ દારુણ ગરીબી વખતે એમને કહી હતી. આ જ વાત તેઓએ જિંદગીના દરેકે દરેક તબક્કે સાંભરી હતી, યાદ કરી હતી.
‘એ મંઝિલ શું, જે સહેલાઈથી નક્કી કરી શકાય?
એ મુસાફર જ કેવો, જે થાકીને બેસી જાય?’
આ વાતને લઈને હું એક વાત જરૂરથી કહીશ કે, ઘણી વાર જીંદગી થાકીને બેસવા માટે મજબૂર કરી દે છે. આકાંક્ષા મોટી હોય, પરંતુ તે વખતે શરીર સાથ નથી આપતું.’
‘એ વ્યક્તિ જેને હું ‘પાપા’ કહેતો હતો અને લોકો એમને એમના વિવિધ અવતારોથી ઓળખતાં હતાં! સલામ! તમારું નામ સૂરમા ભોપાલી કંઈ એમ જ ન હતું!’
જગદીપ 10 વર્ષની ઉંમરથી ફિલ્મોમાં જોડાઈ ગયા હતા. તેમણે 400 જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ તેમના કોમિક રોલ માટે બહુ જાણીતાં હતાં. જેમાં સહુથી યાદગાર ‘શોલે’ ફિલ્મનો ‘સૂરમા ભોપાલી’નો રોલ હતો.
જગદીપે બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ બિમલ રોયની ‘દો બીઘા જમીન’થી તેમને ઓળખ મળી.
૧૯૫૭માં રિલીઝ થયેલી એવીએમ પ્રોડક્શનની ફિલ્મ ‘હમ પંછી એક ડાલ કે’માં ૧૮ વર્ષના યુવાન જગદીપનું કામ ઘણું વખણાયું હતું. આ ફિલ્મમાં જગદીપની એક્ટિંગથી ભારતના પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એટલા તો પ્રભાવિત થયાં કે, તેમણે ખુશ થઈને થોડા દિવસો માટે પોતાનો પર્સનલ સ્ટાફ જગદીપને ગિફ્ટમાં આપ્યો હતો!