હેપ્પી બર્થડે ટુ જિતેન્દ્રઃ વીતેલા જમાનાના લાડકા અભિનેતા

બોલીવૂડના ‘જમ્પિંગ જેક’ તરીકે જાણીતા થયેલા અભિનેતા આજે એમનો 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે એમને દીર્ઘ આયુષ્યની શુભકામના

જિતેન્દ્રએ ‘ચિત્રલેખા’ ગ્રુપના ‘જી’ મેગેઝિનને 1987માં મુલાકાત આપી હતી. એ મુલાકાત ‘જી’ના 1-4-1987ના અંકમાં ‘જવાન હીરોઈનો સાથે સદા જવાન જીતુ’ના શિર્ષક સાથે પ્રકાશિત થઈ હતી. એ લેખમાં જિતેન્દ્રએ એમની ઘણી અભિનેત્રીઓ વિશે વાતો કહી હતી. એમાંથી શ્રીદેવી અને હેમા માલિની વિશે એમણે કહેલી વાત અહીં પ્રસ્તુત છેઃ

જમ્પિંગ જેક જીતુ સાચે જ સુંદરીઓનો શોધક છે. નવા હીરોના જુવાળને લીધે એને પોતાનું સિંહાસન ડગમગતું લાગે એટલે નવી નવી છોકરીઓ સાથે ચમકીને ફિલ્મક્ષેત્રે નવી ઈનિંગ્ઝ શરૂ કરી દે છે. એની જુદી જુદી હીરોઈનો વિશે એના અભિપ્રાય દર્શાવવા માટે ‘જી’એ એને મનાવી લીધો.

શ્રીદેવીઃ ‘મારી આ ફેવરીટ અભિનેત્રીને માઠું લગાડવાના લેશમાત્ર ઈરાદા વિના તમને કહું છું જે ઓફકોર્સ, હજારોવાર મેં એને મોઢે પણ કહ્યું છે. વિધાન આમ જુઓ તો સીધું સાદું છે. ‘શ્રી મેકઅપ કર્યા બાદ બેહદ રૂપાળી ભલે લાગતી લાગતી હોય, પરંતુ એનામાં બુદ્ધિનો અભાવ છે. મને તો એ જ સમજાતું નથી કે જે વ્યક્તિ એની નિકટ આવવામાં સફળ નિવડે છે એનું વર્ચસ્વ શ્રી શા માટે સ્વીકારતી હશે. મારો ઈશારો માત્ર એના પરિવારના સભ્યો પ્રત્યે જ નથી, બલ્કે એના સાથી કલાકારો રેખા અને મિથૂન પ્રત્યે છે. આ બંને જણ કબૂલ કરશે કે શ્રીને કોઈ એને દોરે એ ગમે છે. જો કે એની અંગત બાબતમાં મારે શા માટે માથું મારવું જોઈએ? એક બીજી વાત કહી દઉં કે મેં આજની નંબર વન શ્રીદેવીની શોધ કરી નથી. લક્ષ્મીની નાની બહેન તરીકે હિંદી ફિલ્મ ‘જુલી’ અને ‘સોલવાં સાવન’માં એણે કામ કરેલું પણ નિષ્ફળ નિવડી. તેમ છતાં જ્યારે ‘હિમ્મતવાલા’ના નિર્માતાઓએ મને પૂછ્યું કે શ્રીદેવીને ફરીથી ચમકાવવામાં વાંધો તો નથીને. મેં હા પાડી. મને શો વાંધો હોઈ શકે? અને આમ શ્રીદેવી ધૂમધડાકા સાથે પાછી આવી. તદ્દન નવી પ્રતિભાની શોધ કરવી અને કરેલા સૂચનોનો સ્વીકાર કરવો એ બેમાં ફરક છે. એટલે શ્રીદેવી શોધવાનું શ્રેય હું શી રીતે સ્વીકારી શકું? એ ક્ષેત્ર દેવસાહેબનું છે. આમેય હું કોઈ મહિલાઓનો ચાહક નથી. હું નિર્માતાનો માનીતો છું. દિગ્દર્શકનો આજ્ઞાંકિત છોકરો છું. જી, મેં શ્રીદેવી સાથે ડઝનબંધ ફિલ્મો કરી છે અને ધંધાદારી દ્રષ્ટિએ અમારી જોડી ખૂબ જામે છે.

‘હિમ્મતવાલા’ના શૂટિંગ દરમિયાન અમારી વચ્ચે સંવાદિતા જામી ગયેલી. ત્યારે ‘ઉસકી ખૂબસૂરત હંસી મેરે ભી હિસ્સે મેં આ જાતી થી.’ એ મારું માર્ગદર્શન માગતી. હવે બાજી પલટાઈ ગઈ છે. ‘ઉસ કે પાસ અબ ટાઈમ હી કહાં હૈ.’ ધૂમકેતુની માફક એ તો મારી પડખેથી પસાર થઈ ગઈ. ભગવાન એની કીર્તિમાં વૃદ્ધિ કરતા રહે. છાપાંવાળાઓ કહે છે તેમ અમે ધંધાદારી સ્તરે દુશ્મનો નથી. શ્રીદેવી-જીતુની જોડી અંગત અને ધંધાદારી સ્તરે મૈત્રીભરી જ છે. ધંધાદારી દ્રષ્ટિએ અમારે મૈત્રી કેળવવી જ પડેને? નહીંતર એક પછી એક સુપરહિટ અમારી જોડી શી રીતે આપી શકે?’

હેમા માલિનીઃ જો ‘વારિસ’માં હેમાને મેં ‘એક બેચારા પ્યાર કા મારા’ ગીતમાં હેરાન પરેશાન કરેલી. તો એ જ હેમા સાથે ‘ખુશ્બૂ’, ‘કિનારા’ જેવી ગંભીર ફિલ્મો પણ કરી છે જેમાં લોકોને સાવ જુદો જ જીતુ જોવા મળ્યો. એણે અને ગુલઝારે મને નવો વળાંક અપનાવી લેવા સમજાવ્યો પણ એ તબક્કો લાંબો ન ચાલ્યો કારણ કે શ્રીદેવી, રાધા અને ભાનુપ્રિયાના આગમનથી પાછો જુનો જાણીતો જીતુ હતો ત્યાંનો ત્યાં આવી ગયો. હેમા સાથેનો એક માત્ર પ્રસંગ સ્મરણપટ પર અંકાઈ ગયો જે ભૂંસ્યો ભૂસાતો નથી. મદ્રાસમાં હું અને હેમા પરણી જવાની અણીએ હતા ત્યારે શોભા અને એના રાખીભાઈ ધર્મેન્દ્ર જોડા આવી ચડી અને લગ્ન ન થઈ શક્યાં. આજે વિચાર કરતા થાય છે કે જે કાંઈ બન્યું તે સારું જ થયું કારણ લગ્નો તો સ્વર્ગમાં જ નક્કી થાય છે. હેમા એક એવી નારી છે જેનામાં થતા ફેરફાર શરૂઆતથી જ મેં નોંધ્યા છે. ‘સપનોં કા સૌદાગર’ની હેમા જુઓ અને આજની મેચ્યોર્ડ હેમા જુઓ. ભેદ તરત જ કળાઈ જશે. કોણ કહે છે કે એ માત્ર ડાન્સર જ છે. પણ અમે બંનેએ જે ફિલ્મો કરી છે તેમાં એ શ્રેષ્ઠ જ રહી છે. ઉપરાંત ‘મીરા’ અને ‘લાલ પથ્થર’ જેમાં એની અભિનય કળા આબાદ ખીલી હતી. આજે એ ગૌરવશાળી અને આદરપાત્ર મહિલા છે. ‘અબ તો ઉનસે બાત કરને કો ભી ડર લગતા હૈ.’

1942ની 7 એપ્રિલે અમૃતસરમાં રવિ કપૂર તરીકે જન્મેલા જિતેન્દ્રએ 1964માં દિગ્દર્શક વી. શાંતારામની ફિલ્મ ‘ગીત ગાયા પથ્થરોંને’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી, પણ એમને સ્ટારપદ મળ્યું ત્રણ વર્ષ બાદ – 1967માં ‘ફર્ઝ’ ફિલ્મથી. એ સ્પાય થ્રિલર ફિલ્મના ‘મસ્ત બહારોં કા મૈં આશિક…’ ગીતમાં સરસ ડાન્સ કર્યો હતો અને સફેદ શૂઝ પહેર્યા, એ શૂઝ રાતોરાત ફેશન બની ગયા હતા. ત્યારબાદ 70 અને 80ના દાયકાઓમાં જિતેન્દ્રએ દર્શકોને અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી – જેમ કે, જૈસે કો તૈસા, પરિચય, કારવાં, ખૂશ્બુ, સંતાન, ધરમવીર, દિલદાર, કિનારા, હમજોલી, પ્રિયતમા, અપનાપન, સ્વર્ગ નરક, નાગિન, ધ બર્નિંગ ટ્રેન, આશા, જ્યોતિ બને જ્વાલા, મેરી આવાઝ સુનો, ફર્ઝ ઔર કાનૂન, જાની દુશ્મન, દીદાર-એ-યાર, હિંમતવાલા, મવાલી, તોહફા, મકસદ, રણભૂમિ, દિલ આશના હૈ, આદમી ખિલોના હૈ વગેરે.

જિતેન્દ્રએ 1972માં શોભા સાથે લગ્ન કર્યા હતા. દંપતીને બે સંતાન છે – પુત્રી એકતા અને પુત્ર તુષાર. અભિનેતામાંથી જિતેન્દ્ર નિર્માતા બન્યા છે. તેઓ બાલાજી ટેલીફિલ્મ્સના કંપનીના ચેરમેન છે.

ફિલ્મલાઈનમાં જિતેન્દ્રની એન્ટ્રીની રસપ્રદ વાતો… જિતુભાઈના જ મોઢે…

લોકલાડીલા અભિનેતા જિતેન્દ્રએ એમની ફિલ્મ કારકિર્દીનો આરંભ સુપ્રસિદ્ધ નિર્માતા વી. શાંતારામની સાથે કર્યો હતો. મોટા ભાગના લોકો જિતેન્દ્રને એમના ડાન્સ મૂવ્ઝ અને વ્હાઈટ શૂઝ સાથે સિગ્નેચર ઓલ-વ્હાઈટ ડ્રેસ સાથેના જમ્પિંગ જેક તરીકે ઓળખે છે, પણ બોલીવૂડમાં જિતેન્દ્રનો પ્રવેશ અમુક ઘટનાઓને પગલે થયો હતો. જેની વિગત અને એક વિડિયો અહીં પ્રસ્તુત છે.

httpss://youtu.be/eaZFh3f6o0Q

જિતેન્દ્રના પિતા અમરનાથ કપૂર આર્ટિફિશિયલ જ્વેલરીનો બિઝનેસ કરતા હતા અને ફિલ્મ નિર્માતાઓને તે સપ્લાય કરતા હતા. એમનો યુવાન દીકરો રવિ (જિતેન્દ્ર) એ જ્વેલરી સ્ટુડિયોમાં ડિલિવર કરવા જતો હતો. જિતેન્દ્ર ભણવામાં નબળો હતો અને એમના પરિવારની આર્થિક સ્થિતિ પણ બહુ સારી નહોતી. એક દિવસ એમણે ફિલ્મનું શૂટિંગ જોવાની પિતા પાસે ઈચ્છા દર્શાવી. પિતાએ નિર્માતા વી. શાંતારામને વિનંતી કરી કે રવિને સેટ પર આવવાની પરવાનગી આપે. શાંતારામ એમના સેટ પર ભાગ્યે જ કોઈને આવવા દેતા. એમણે જિતેન્દ્રને આવવા દીધો એટલું જ નહીં, બાદમાં એને જુનિયર આર્ટિસ્ટની ભૂમિકા કરવાની ઓફર પણ કરી હતી. 1959માં શાંતારામે એમની ‘નવરંગ’ ફિલ્મના ગીત ‘તુ છૂપી હૈ કહાં’ ગીતમાં જિતેન્દ્રને એક્સ્ટ્રા તરીકે ચમકાવ્યો હતો. શાંતારામ જિતેન્દ્રથી વધુ ઈમ્પ્રેસ થયા હતા અને એને એક વધુ ચાન્સ આપ્યો હતો. 1963માં એમણે એમની નવી ફિલ્મ સેહરામાં અભિનેત્રી સંધ્યાના ડબલ તરીકે ચમકાવ્યો હતો.

એક્ટર તરીકે જિતેન્દ્રની ડેબ્યૂ ફિલ્મ હતી ગીત ગાયા પથ્થરોંને, જેમાં શાંતારામે એમની પુત્રી રાજશ્રી સાથે જિતેન્દ્રને ચમકાવ્યો હતો.