ધાડઃ કેમેરામાં ઝિલાઈ કચ્છની કેફિયત

જાણીતા વાર્તાલેખક ડૉ. જયંત ખત્રીની વાર્તા પરથી બનેલી ફિલ્મ આજે (પાંચ જાન્યુઆરીએ) રજૂ થઈ છે ત્યારે પ્રસ્તુત છે ફિલ્મનિર્માણ સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ વાત.

દોસ્ત પ્રાણજીવન, આ જીવતરનો ભેદ અને એની મુશ્કેલી ઉકેલવાનો એક જ ઉપાય છે કે માથાભારે થવું. આપણાથી વધારે તાકાતવાન હોય એનાથી વધારે તાકાત બઢાવવી અને એને નીચો નમાવવો. દયા, મમતા, ધર્મ એ બધી ચોપડીમાંની વાતો છે. સાચેસાચ તો જે વધારે માથાભારે છે એ વધારે સારું જીવન જીવે છે.

ફિલ્મના દ્રશ્યમાંઃ કે.કે. મેનન, નંદિતા દાસ

આ વાંચીને ‘સર્વાઈવલ ઑફ ધ ફિટેસ્ટ’નો સિદ્ધાંત યાદ આવે, પણ આ સંવાદ સિદ્ધહસ્ત વાર્તાલેખક ડૉ. જયંત ખત્રીની અતિપ્રસિદ્ધ વાર્તા ‘ધાડ’નો નાયક ઘેલો બોલે છે. ગુજરાતી ટૂંકી વાર્તાની તવારીખમાં જેનું સ્થાન છે એવી આ વાર્તા પરથી એ જ નામે બનેલી ફિલ્મનું નિર્માણકાર્ય શરૂ થયાનાં ૧૭ વર્ષ બાદ આખરે આજે, ૨૦૧૮ની પાંચ જાન્યુઆરીએ રજૂ થઈ છે.

હિંદી સિનેમાનાં કસાયેલાં કલાકાર નંદિતા દાસ, કે.કે. મેનન, રઘુવીર યાદવ, પ્રદીપ કુલકર્ણી, સુજાતા મહેતા આ ફિલ્મમાં વિવિધ ભૂમિકા ભજવે છે. ફિલ્મનું નિર્માણ ‘જયંત ખત્રી ફિલ્મ ફાઉન્ડેશન’ના માધ્યમથી એમના પુત્ર, વરિષ્ઠ પત્રકાર કીર્તિ ખત્રીએ કર્યું છે. દિગ્દર્શન જાણીતા ફિલ્મકાર, નાટ્યલેખક પરેશ નાયકનું છે. પટકથા આલેખી છે જાણીતા લેખક વિનેશ અંતાણીએ, જ્યારે સંગીત છે વનરાજ ભાટિયાનું.

ફિલ્મની કચ્છી આવૃત્તિ પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે લીલાધર ગડા અને લેખક માવજી મહેશ્વરીએ.

ફિલ્મની વાર્તા ટૂંકમાં જોઈએ તો… કચ્છના વેરાન વિસ્તારમાં વસતો ઘેલાનો વ્યવસાય છે: લૂંટમાર. એક વાર બંદર પાસે એનો ભેટો પ્રાણજીવન સાથે થાય છે. ઘેલો એને પોતાને ઘેર આવવાનું નોતરું આપે છે. પ્રાણજીવન જ્યારે ઘેલાના ઝૂંપડામાં જાય છે ત્યારે ઘેલાની મન:સ્થિતિ, એની સ્વરૂપવાન પત્ની મોંઘી સાથેનું દામ્પત્ય, વગેરે નિહાળે છે. ઘણી ના પાડવા છતાં એક રાતે પ્રાણજીવનને લઈ ઘેલો ધાડ પાડવા જાય છે. લૂંટ વખતે જ ઘેલાને પક્ષાઘાતનો હુમલો આવે છે. ધાડ પાડનાર પર જાણે કુદરતે ધાડ પાડી એવો ઘાટ સર્જાય છે.

વાર્તા બે સ્વરૂપે લખવામાં આવી છે. બન્નેને જોડીને પટકથા તૈયાર કરવામાં આવી છે.

દિગ્દર્શક પરેશ નાયક ‘ચિત્રલેખા’ને કહે છે કે ખત્રીની વાર્તામાં વર્ણન પણ જાણે પાત્ર બનીને આવતાં હોય છે. ધાડમાં પણ આવાં વર્ણન છે. વા-વંટોળ, વૈશાખનો તાપ, દોડતું ઊંટ, વગેરે. અમે પાત્રોના પહેરવેશના રંગ સાથે જીવનના રંગોને પ્રતીકાત્મક રીતે દર્શાવ્યા છે, પરંતુ ઘેલાનું ગામ કે સૂર્યાસ્ત દર્શાવવા અમે અબડાસા, માંડવી વિસ્તારમાં પચ્ચીસ દિવસ હાઈડ્રોલિક ક્રૅન રાખીને શૉટ્સ લીધા.

ફિલ્મમાં સંગીત અને ધ્વનિ માટે પણ વિશેષ કાળજી લીધી છે. ઘેલાને સંતાન નથી. એક પ્રકારે એ તરસથી પીડાય છે. બીજી બાજુ, કચ્છની સૂકી ધરતીની પણ તરસ છે. આ વાત રજૂ કરવા ટિટોડીના ટહુકાનો સતત ઉપયોગ કરવામાં આવ્યો છે. વનરાજભાઈએ કચ્છી લોકસંગીત અને વેસ્ટર્ન મ્યુઝિકનો સરસ સમન્વય કર્યો છે. કચ્છનાં રતનબાઈની બે રચના પણ કચ્છી ઢાળમાં લેવામાં આવી છે. કચ્છના વાદ્યકાર, ગાયક ઘનબાઈ ગઢવી, ઈસ્માઈલ પારા, ઈસ્માઈલ અને હમીદા મીરના કંઠે ગીત ગાવામાં આવ્યાં છે.

નિર્માતા કીર્તિ ખત્રીઃ ફિલ્મસર્જનમાં સાંપડ્યો કચ્છી પ્રજાનો અભૂતપૂર્વ સાથ-સહકાર

ડૉ. જયંત ખત્રીના પુત્ર કીર્તિભાઈ ‘ચિત્રલેખા’ને કહે છે કે ૧૯૯૯માં ગુજરાત સાહિત્ય પરિષદે ભૂજમાં જયંત ખત્રી પર યોજેલા સર્જક સત્રમાં ચર્ચા થઈ કે ગુજરાતી વાર્તા પરથી ફિલ્મો બનવી જોઈએ. અમે એ વિચાર ઉપાડી લીધો. ફિલ્મ બનાવવા જીએમડીસીએ ૩૦ લાખ રૂપિયા મંજૂર કર્યા. અડધી રકમ મળતાં કામ શરૂ થયું. ડિસેમ્બર, ૨૦૦૦ સુધીમાં શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું, પરંતુ ૨૦૦૧માં ધરતીકંપ થયો ને નાણાભંડોળની મુશ્કેલી સર્જાઈ. જો કે ભૂજ મર્કન્ટાઈલ બૅન્કની થોડી સહાય મળી. ૨૦૦૯માં ખત્રી જન્મશતાબ્દી નિમિત્તે ગૌતમ અદાણી ફાઉન્ડેશને ૧૫ લાખ રૂપિયા આપ્યા. એમ કરતાં કરતાં જૂના હિસાબ ચૂકવવામાં આવ્યા. ફરી કામ શરૂ થયું.

કીર્તિભાઈ ઉમેરે છે કે ફિલ્મનિર્માણમાં અમને કચ્છના લોકો અદ્દભુત સહકાર મળ્યો. એક ઉદાહરણ આપું: અબડાસા તાલુકાના હીરાપર ગામની નજીક વાલેરી વાંઢમાં શૂટિંગ હતું. સવારે જ્યારે ટીમ પહોંચી ત્યારે ખબર પડી કે જે ઝૂંપડામાં શૂટિંગ કરવાનું હતું એમાં જ એક વડીલનું મૃત્યુ થયું છે, પરંતુ એ પરિવારે કહ્યું: અંતિમયાત્રા નીકળી જાય પછી તમતમારે કરો શૂટિંગ!

ઘણા સમયે ગુજરાતીમાં સાહિત્યકૃતિ પરથી ફિલ્મ આવી રહી છે. વાર્તા પરથી ફિલ્મ બને ત્યારે બન્નેની સરખામણી થાય, પરંતુ બન્ને માધ્યમ અલગ છે. દર્શકો બન્નેની લાક્ષણિકતા, બન્નેની મર્યાદા સ્વીકારીને માણે એ વધુ જરૂરી છે.
(અહેવાલઃ જ્વલંત છાયા – રાજકોટ)